Search This Blog

04/12/2011

ઍનકાઉન્ટર : 04-12-2011

૧. હવે તો પાળેલાં કૂતરાં ય ઇમ્પોર્ટેડ આવવા માંડ્યા છે. શું આપણે અહીંથી એક્સપોર્ટ કરી શકીએ એવા કૂતરાઓ નહિ હોય?
– હોય, પણ આપણાવાળા ગુજરાતીમાં ભસે છે!
(ટ્વીન્કલ ચંદારાણા, ધારી)

૨. ઇસ્ત્રી ગરમ બનીને કપડાંની કરચલીઓ દૂર કરે છે, જ્યારે સ્ત્રી શીલ બનીને પતિના જીવનની કરચલીઓ દૂર કરે છે. આ વાત ક્યારે સમજાશે?
– એ પહેલા એણે પાડેલી કરચલીઓ દૂર કરવા ઇસ્ત્રી ય કામમાં નથી આવતી... જે શી ક્રસ્ણ !
(અનિલા જોશી, રાજકોટ)

૩. હું ‘ગુજરાત સમાચાર’ની  કાયમી વાચક છું, પણ મને હજી સુધી એકે ય ઇનામ મળ્યું નથી. તમને મળ્યું છે ?
– આટઆટલા ઍનકાઉન્ટરો કરવા છતાં હું હજી ‘બહાર’ છું... એ ઇનામ નહિ ?
(વસુબેન વ્યાસ, જૂનાગઢ)

૪. વધારે ચિંતાઓ તો સ્ત્રીઓ કરે છે, છતાં હાર્ટ–ઍટેક પુરૂષોને જ કેમ આવે છે?
– પુરૂષોને  હાર્ટ વાપરવું પડે છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

૫. આપને ભારતનું ભાવિ કેવું લાગે છે ?
– ચોથે શની... બારમે રાહુ... બીજે મંગળ... સૉરી, નહિ મઝા આવે. જાતે ફોડી લો.
(જયેશ અંતાણી, ભાવનગર)

૬. માનવીનું પ્રથમ કપડું બાળોતિયું ને અંતિમ કફન... બન્નેમાં ખિસ્સાં હોતા નથી છતાં, માણસો ખિસ્સાં ભરવા આખી જિંદગી ખટપટો કેમ કરે છે?
– જીંદગી પૂરી થયા પછી ખટપટ બટપટ કાંઇ કરી શકાતું નથી, માટે !
(સુરેશ એન. બલુ, સુરત)

૭. ઍનકાઉન્ટરની ઍક્ઝામ્સમાં પરીક્ષાર્થીઓ બહુ ગમી ગયા છે કે હું ઘણી વખત નાપાસ જ થાઉં છુ?
– તમે દર ‘બુધવારની બપોરે’ના સ્યૉર સજેશન્સ વાંચવાનું રાખો.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૮. અમદાવાદમાં રૂપાલી સિનેમાની સામે બુરખાંમાં બંધાયેલ પૂતળાનો મોક્ષ ક્યારે થશે?
–  ઘરડાંના ઘરવાળા એને દાખલ કરવાની હા પાડે પછી.
(નવનીત ડી. શાહ, વડોદરા)

૯. ઓપરેશન થીયેટરની બહાર લાલ લાઇટ શું સૂચવે છે ?
– કોઈએ અંદર આવવું નહિ... એકને અંદરથી બહાર કાઢવાનો બાકી છે !
(શીતલ કે. દેવલૂક, કોડિનાર)

૧૦. એક ઍક્ટ્રેસ સાથે ડાન્સ કરતો બાબા રામદેવનો ફોટો... સુઉં કિયો છો ?
– બાબા પરફૅક્ટ હતા. ઍક્ટ્રેસનો ડાબો પગ ઊંચો છે, એ ખરેખર જમણો પગ હોવો જોઇએ. 
(પરેશ એ. પંચોલી, વલ્લભ વિદ્યાનગર)

૧૧. ગુરૂ અને સેવક વચ્ચે શું તફાવત?
– ગુરૂને બોલતા આવડતું નથી ને સેવક બોલી શકતા નથી. મેરા ભારત મહાન.
(શૈલેષ બાપુ, વૌઠા)

૧૨. હું લૅડી ડૉક્ટરને તબિયત બતાવવા ઈચ્છું છું, પણ મારી પત્ની હા ય નથી પાડતી ને ના ય નથી પાડતી. કોઇ ઉપાય ?
– કોઇ સારા વૅટરીનરી ડૉક્ટરને બતાવી જુઓ.
(મધુકર પી. માંકડ, જામનગર)

૧૩. લગ્ન પછી સ્ત્રીઓ જાડી થઈ જાય છે, એટલા પુરૂષો કેમ નથી થતા ?
– આવી ઇર્ષાથી કોઇ ફાયદો ભાઇ, કોઇ ફાયદો ? તમે ય રોજના સેંકડો સવાલો પૂછવાના શરૂ કરો ને થઇ જાઓ જાડા ભમ્મ.... ! 
(કિશોર યુ. ગાંધી, રાજકોટ)

૧૪. અન્ના હજારે અને મનમોહનસિંઘનો ટકરાવ દેશને ક્યાં લઇ જશે?
– એ બન્ને જ્યાં જવાના છે ત્યાં.
(સુધીર ભટ્ટ, ભાવનગર)

૧૫. રોજનું એક સફરજન ખાવાથી ડૉક્ટર દૂર રહે, તો સફરજન ખાવાથી ડૉક્ટર કોનાથી દૂર રહે ?
– ડૉક્ટરનો ધંધો દૂર જવાથી નહિ, પાસે જવાથી ચાલે છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

૧૬. આપને આજ સુધીમાં પૂછાયેલા સવાલોમાં સૌથી વિચિત્ર સવાલ કયો લાગ્યો ?
– તમને લાગે છે કે, એકે ય સવાલ સખણો હોય છે ? ( હા... આપણા જવાબો જરા સીધા ખરા !)
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

૧૭. આજકાલ લોકોના હાથમાં ઘડીયાળ હોય છે, પણ સમય નથી હોતો, શું માનો છો ?
– જેની પાસે સમય નથી હોતો, એને ઘડીયાળની જરૂર હોતી નથી.
(રીયા ડી. જોબનપુત્રા, ભૂજ–કચ્છ)

૧૮. ઘણાં લોકો આંગળીમાં શનિ, મંગળ કે શુક્રની વીંટી પહેરતા હોય છે... શું એનાથી ફાયદો થાય ?
– સોની અને જ્યોતિષીને.
(દીયા ડી. કતીરા, ભૂજ–કચ્છ)

૧૯. તંદુરસ્ત હાસ્ય એટલે શું ?
–  ઍનકાઉન્ટર.
(પ્રબોધ જાની, વસાઈ–ડાભલા)

૨૦. ફિલ્મના ઍવોર્ડ સમારંભોમાં ફિલ્મી હસ્તીઓ ઇંગ્લિશમાં જ કેમ બોલે છે ?
– તમે ધ્યાનથી માર્ક કર્યું હોય તો જરા જોજો... એ લોકો સાંભળતા પણ  ઇંગ્લિશમાં જ હોય છે,  બોલો !
(રૂદ્રેશ અધ્વર્યુ, અમદાવાદ)

૨૧. રજત શર્માની ‘આપકી અદાલત’માં જવાથી આ મોટી હસ્તિઓના પ્રશ્નો હલ થઇ જતા હશે ?
– એક જમાનામાં આટલું વખણાયેલો આ માણસ હવે ‘આપકી અદાલત’ના નામે ફક્ત ધંધો કરે છે... નવી ફિલ્મોના પ્રમોશન કે કોઇ વિવાદાસ્પદ નેતાની ચમચાગીરી... ! દુ:ખ સાથે કહેવું પડે કે, આ સીન્ડ્રોમમાંથી તો ‘‘કૌન બનેગા કરોડપતિ’’ ય બહાર નીકળી ના શક્યું... !
(મંજુલા પરમાર, ગાંધીનગર )

૨૨. એમનું  ‘મન’ ... ‘મોહન’  જેવું ક્યારે થશે?
– જ્યારે કોઇ કંસ આવીને આવા મોહનને મારશે !
(હેત રીતેશ સુખડીયા, ખંભાત)

૨૩. અશોક દવે, સરેરાશ તમારૂં જીવન કેવું રહ્યું ? ઉત્તમ, સારૂં, સરેરાશ કે ખરાબ ?
– હું ફક્ત નરમ જૂઠ્ઠું બોલનારાઓથી હારી ગયો... બાકી મસ્ત મસ્ત !
(એચ. બી. લાલવાણી, થર્મલ – વણાકબોરી )

૨૪.  ભ્રષ્ટાચાર ને મોંઘવારીના મુદ્દે ઇજિપ્ત અને લિબિયામાં થયું, એવું આપણા દેશમાં ન થાય ?
– એ દેશોમાં ભાજપ જેવા નમાલા વિરોધ પક્ષો ન હતા !
( ધિમંત એ. ભાવસાર, બડોલી – ઇડર)

૨૫. કોઇ તમારી ટીકા કરે, એનો જવાબ વાળો છો ખરાં ?
– ઇરાદો જોવાય... નહિ તો મરવાનો થાય !
(જયેશ અંતાણી, ભાવનગર)

No comments: