Search This Blog

14/12/2011

યે કૌન ચિત્રકાર હૈ?

મારા ઘરમાં એક પૅઈન્ટિંગ ઘૂમ મચાવી રહ્યું છે, અફ કૉર્સ, એક દોસ્તે ભેટમાં આપ્યું છે... ને આમેય, મારા ઘરમાં કોઈ બી ચીજ નવી આવે, એટલે ઘણા સીઘું પૂછી જ લે, ‘‘કોણે આલ્યું?’’ ખુદ હકી ય ગીફ્‌ટમાં આવી હતી, એટલે મારાથી ગીફ્‌ટો સ્વીકારવાની કોઇને ના નથી પાડી શકાતી. પાડું છું તો બા ય ખીજાય છે!

તે એમાં થયેલું એવું કે, હકી સાથેના લગ્નના મેં (સૉરી, એણે) ૩૫-વર્ષ પૂરા કર્યા, એના માનમાં લોકો પાર્ટી માંગવા માંડ્યા. આવી કઠોરતા આપણા દેશમાં જ જોવા મળે. તારી ભલી થાય ચમના... કોઈ માણસ ૩૫-વર્ષ સુધી બરફની પાટ ઉપર સૂઇ ગયો હોય ને ૩૬-મે વર્ષે ઊભો થાય, એટલે એના બરડે વાત્સલ્યનો હાથ ફેરવવાને બદલે તમે પાર્ટા-ફાર્ટા માંગો? એને તો એવો દિલાસો અપાય કે, ‘‘હશે... જે થવાનું હતું તે થઇ ગયું... બીજી વાર જરી ઘ્યાન રાખજો’’, એને બદલે પાર્ટા...ને ફાર્ટા???

...ને એમાં ય મેં કોઇ સૉલ્લિડ સિઘ્ધિ મેળવી બતાવી હોય એમ પેલા દોસ્તે મને ગીફ્‌ટ આપી, તો આપણે ઢીલા ન થઇ જઈએ...? (જવાબ : આમાં તો બધા ઢીલા થઈ જાય... જવાબ પૂરો) એ કોઇ મસ્ત મજાનું વૉલ-પૅઈન્ટિંગ હતું. ઍબ્સ્ટ્રૅક્ટ હોવાથી પૅઈન્ટિંગ શેનું હતું, એની અમને ખબર પડશે કે તરત જ વાચકોને જણાવી દઈશું. (‘ઍબસ્ટ્રૅક્ટ’ એટલે પેલું શું કહેવાય... ઓકે, ‘ઍબસ્ટ્રૅક્ટ’ એટલે સમજો ને... ઢંગધડા વગરનું... એને બનાવનાર સિવાય કોઇને ન સમજાય એવું... એટલે કે ડૉ. મનમોહનસિંઘ જેવું!)

સદરહૂ પૅઈન્ટિંગ લગાડ્યા પછી હવે કાઢી લેવાય એવું નથી. એના સહાબે અમારી દિવાલ ટકી રહી છે! કથા એવી રીતે આગળ વધે છે કે, જ્યારે આ પૅઈન્ટિંગ દિવાલ પર લગાવવામાં આવી રહ્યું હતું ત્યારે બાજુના ફ્‌લૅટમાં રહેતા પટેલની બા દિવાલની બીજી બાજુ બેઠા હતા. ખીલીઓ ઠોકવામાં ધક્કો જરી જોરથી વાગી ગયો હશે કે, પટેલની બાનો સોફો ખસીને બે વ્હેંત આગળ જતો રહ્યો ને બા ભમ્મ થઈ ગયા. જો કે, અમારા આ પટેલ-પડોસીઓ મારે એવા નથી, એટલે હકી બચી ગઇ... નહિ તો હું તો કહું એવો જ નથી કે, ખીલ્લીઓ હું ઠોકતો’તો...!

ચિત્રમાં બ્લૅક-કૉફી કલરનું કરકરા કાણાંવાળું લાકડાનું પાટીયું હતું. બહુ આકર્ષક રીતે એમાં સ્ક્રૂ જડેલા હતા. જો કે, ચિત્ર ચોડાઈ ગયા પછી એક-બે જોનારાઓએ મારૂં ઘ્યાન દોર્યું કે, મૂળ પૅઈન્ટિંગનો આ પાછળનો ભાગ છે... પાટીયું! અસલી પૅઈન્ટિંગ તમે દિવાલ તરફ ખોડ્યું છે...!

મને ચિત્રો ટીંગાડવાનો બહોળો અનુભવ નહિ, એટલે આવી ભૂલ થાય. હકીના આગ્રહથી એની બાનો જૂનો ફોટો ભીંત પર ટીંગાડવાનો હતો, ત્યારે ફોટા પર કોઈ હૂક-બૂક નહોતા, એટલે મેં એમના મોંઢા પર ખીલ્લી મારીને ભીંતમાં ફોટો મસ્ત જડી દીધો હતો. મને કાચું કામ સહેજ બી ન ગમે. હકી ગીન્નાય, એ અમારા ઘર માટે કાંઈ નવું નથી.

‘‘અસોક... આ સું કયરૂં? મારી બા તમને કિયાં નડતી’તી, તે ખીલ્લી આમ શીઘ્ધી એના નાક પર ખોડાય...? ઉવાં બેઠા બેઠા બાપુજીના આતમાને કેવું વશમું લાગે કે, ઝમાયરાજે (જમાઈરાજાએ) મને તો નો છોયડો... હકુડીની બાને ય નો છોયડી?’’

પસ્તાવા પેટે એની બાના નાક ઉપરથી સ્ક્રૂ ખેંચી કાઢવો આસાન કામ નહોતું. આખું છડદું ઉખડી આવે એમ હતું. નાક પર ખીલી તો ભલે રહી કે, જોનારને એવું લાગે કે, ‘ઇશ્ટ આફ્રિકામાં આવી ફેસનું બવ હોય (ફેશનો બહુ હોય) ...નાક પર ખીલી જેવી ચૂની ને ઇ ય લોઢાની! મહીંમહીં હું પાછો જાણું કે, એની બાનો નાક વગરનો ફોટો સારો નહિ આવે. એ ભાગ ઉપર ગુંદરપટ્ટી ય ન મરાય... એમાં બાપુજી ખીજાય! (અસલના જમાનાના બાપુજીઓ ખીજાતા બહુ... ઘરની બહાર!) છેવટે, સબ્જૅક્ટ એનો એ જ રાખવા (ઍબ્સ્ટ્રૅક્ટ) બાનો ફોટો બદલીને આ પૅઈન્ટિંગ લગાડી દીઘું!

અમારા આખા દવે-ખાનદાનનો મોટો પ્રોબ્લેમ હતો, એ ચિત્રને સમજવાનો. મૅક્સિમમ અમે હિમાલયની તળેટીમાં ભભૂત લગાવીને બેઠેલા મહાદેવજીનો ફોટો જોયેલો અને ગંગા ક્યાંથી નીકળે છે, ગળાનો નાગ કેવો ડાહ્યો થઈને બેઠો છે કે એમનું ત્રીજું નેત્ર ઓળખી બતાવીએ. અમદાવાદના એક ઍબ્સ્ટ્રૅક્ટ-આર્ટિસ્ટે પોતાના પૅઈન્ટિંગ્સના પ્રદર્શનનું ઉદ્ધાટન મારી પાસે કરાવ્યું હતું અને છેલ્લે ‘વિઝિટર્સ-બૂકમાં’ મારો મૅસેજ લખવાનું કીઘું. આપણે ભોળા ભાવે લખી આપ્યું કે, ‘દરવાજા પાસેનું છેલ્લું પૅઈન્ટિંગ અદ્‌ભુત છે. ચિત્રમાં એક જ રંગ વપરાયો છે, છતાં કેવું મનોહર લાગે છે!’ એમાં તો આર્ટિસ્ટ ગીન્નાયો. ‘દવે સાહેબ... મારી ફિલમ ઉતારવા આયા છો... આ મારૂં પૅઈન્ટિંગ નથી... ગૅલેરીનું ઇલેક્ટ્રિક-બૉક્સ છે...’

અમથા ય મારાથી આવા લોચા નિયમિત મરાઈ જ જાય છે. એક ફૅમિલીએ અમને જમવા બોલાવ્યા હતા, તે જમી લીધા પછી કોઈ સારો અભિપ્રાય આપીએ. તો બીજી વાર જમવા બોલાવે, એ ધોરણે મેં નિખાલસતાથી કહ્યું, ‘‘મને તમારા ઘરનો સોપારીનો આઈસ્ક્રીમ બહુ ભાવ્યો...’’ એમાં તો આખા ઘરના મોંઢા ચડી ગયા. કેસરના આઈસ્ક્રીમમાં આખા ને આખા સોપારીના કટકા આવે, તો આપણાથી ના કહેવાય? એ તો એ લોકોને ય પછીથી ખબર પડી કે, હું જેને સોપારી સમજતો હતો, એ આંબલીના કચૂકા હતા.

ધીરે ધીરે મારા ઘેર લોકો આવતા બંધ થઈ ગયા. બધાને ભય પેસી ગયો હતો કે, એના ઘેર જાશું, તો પેલું પૅઈન્ટિંગ જોવા બેસાડી દેશે. બધાને ભો એ છે કે, દાદુ ફક્ત એક વખત આપણે એ ચિત્ર જોઇ લઇને ચુપચાપ બેસી રહેવાનું કહે તો પોસાય... આ તો સવાલો પૂછે છે, ‘‘આ અપ્રતિમ ચિત્ર જોઇને તમારા હૃદયમાં કેવા મનોભાવો થાય છે?’’ ડોહાને એ ય ખબર નથી કે, મનોભાવો મનમાં થાય, હૃદયમાં નહિ!

જો ડર ગયા, સમજો મર ગયા (અથવા તો ઘર ગયા!) મારો આતંક એ લોકોને એ વાત પર લાગે છે કે હું, આ ચિત્ર દ્વારા આર્ટિસ્ટ શું કહેવા માંગે છે? એ પૂછું છું. સાલો મરવાનો થાય, કેમ કે આર્ટિસ્ટ શું કહેવા માંગે છે, એની ખબર પડતી હોત તો એ આવું ચિત્ર બનાવત શું કામ? આપણાં લોહીડાં પીવા?

તો લેખ હવે અહીંથી શરૂ ને પૂરો થાય છે. આવા પૅઈન્ટિંગ્સ બનાવનાર દુનિયાભરના આર્ટિસ્ટો જાણે છે કે, ઍબ્સ્ટ્રૅક્ટને નામે એમણે કૅન્વાસ પર જે કોઈ લાલ-પીળા લિસોટા પાડયા, એ પાછા તમારે સમજી બતાવવાના! એક પૅઈન્ટિંગ જોઇને મેં આર્ટિસ્ટને પૂછ્‌યું, ‘‘આ ભૂંગળું શેનું છે?’’ એમાં તો ખીજાણો. ‘‘આ ભૂંગળું એ ભૂંગળું નથી... એ માનવીનો મનોવિસ્તાર છે. એની અંદર જે બીજાં ભૂંગળા... ઓહ સૉરી, બીજાં વલયો દેખાય છે, એ આપણી સંવેદનાઓ છે.. અને વચ્ચેનું બિંદુ-જેને તમે ડાઘો સમજ્યા, એ લાકડાનું ફર્નિચર છે... બીજું-’’

‘‘તો આ ચારે બાજું પાટીયાં શેના માર્યા છે?’’

‘‘એ પાટીયાં આ પૅઈન્ટિંગની ફ્રેમ છે... રહેવા દો... તમને આ કૃતિ બતાવવાનો કોઇ અર્થ નથી.’’

આપણને એમની કૃતિ ન સમજાય, એમાં દરેક આર્ટિસ્ટનો જવાબ એક જ હોય છે, ‘‘ચિત્ર જોઇને અર્થઘટનો જોનારે વિચારવાના કે, અહીં આર્ટિસ્ટ શું કહેવા માંગે છે? આ રંગો શેના પ્રતિક છે? આ ચિત્રનું નામ ‘ધી મિસ્ટીક’ કેમ આપવામાં આવ્યું છે?’’

તારી ભલી થાય ચમના... તને આવા કુંડાળા દોરતો જોઇને તારી બા ભલે ના ખીજાય, પણ એને જોવામાં અમારા બધાની બાઓ ખીજાય. દરજી એના સંચા ઉપર પિયાનો વગાડતો હોય, એવો ઉપડ્યો હોય ત્યારે ગ્રાહક પાસે એવું ઍક્સપૅક્ટ નથી કરતો કે, ‘અહીં દરજી શું કહેવા માંગે છે? આ દોરાં, ગાજ-બટન ને બખીયા શેના પ્રતિક છે? આ દુકાનનું નામ ‘ગુણવંત લૅડીઝ ટૅલર’ કેમ રાખવામાં આવ્યું છે? ...એ બઘું ગ્રાહકે કહેવાનું... અને સાલી કઇ કમાણી ઉપર, કપડું સિવાઈ ગયા પછી ગ્રાહક પોતાના ગાલે ઘસી જોઇને નક્કી કરે કે, ‘‘આ મહાન આર્ટિસ્ટ (એટલે કે દરજીએ) જે બનાવ્યું છે, તે પગ નાંખીને પહેરવાનું છે કે ગળું નાંખીને? ધૅટ્‌સ ફાઇન... પણ આ કૃતિ એમણે સર્જી છે, તે લેંઘો છે કે ગાડીનું સીટ-કવર, એ કલાકર ઉર્ફે દરજીના મનમાં કૃતિ સર્જતી વખતે જે મનોભાવનાઓ ઊઠી હોય, તેના પરથી નક્કી થાય...!

કદાચ, વિશ્વની આ એક માત્ર કલા હશે, જેમાં જોનારાઓને જે ખબર પડતી હોય, એની કલાકારને ખબર હોતી નથી... અને હૂસેનો જેવા એટલે જ ચાલ્યા કે, આપણા કરોડપતિ કલાપ્રેમીઓ ભારત સરકાર જેવા છે... જેમાં એમને પોતાને સમજણ ન પડે, એને નેશનલ ઍવૉર્ડ આપી દેવાનો. દિવાલ પર કેટલા લાખનું પૅઈન્ટિંગ છે, એ મહત્ત્વનું છે... ભલે પેલો બેવકૂફ બનાવી ગયો!

સિક્સર
વન–ડે ક્રિકેટ ઇન્ટર નૅશનલમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ–રૅકૉર્ડ કોના નામે છે?  ( જવાબ સેહવાગ કે સચિન જેટલો ઇઝી હોત તો તમને આ સવાલ પૂછ્યો ના હોત ! આપો જવાબ હવે. )

No comments: