Search This Blog

09/12/2011

‘સરહદ’ (’૬૦)

ફિલ્મ : ‘સરહદ’ (’૬૦)
બૅનર : અલંકાર ચિત્ર
નિર્માતા : શંકર મુકર્જી
સંગીત : સી. રામચંદ્ર
રનિંગ ટાઇમ : ૧૦ રીલ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, સુચિત્રા સેન, રાગિણી, ઘૂમલ, મોની ચેટર્જી, લલિતા પવાર, અનવર હૂસેન, અરૂણા ઈરાની, આકાશદીપ, સજ્જન, સૅમસન અને લીલા મીશ્ર.

ગીતો
૧. નાચો ઝૂમ ઝૂમ કે, ગાઓ ઝૂમ ઝૂમ કે... આશા ભોંસલે-ચિતલકર 
૨. આ ગયા મજા પ્યાર કા નશા... આશા ભોંસલે-ચિતલકર 
૩. અય મેરે દિલ, જો ચલ દિયે કૈસે કરાર પાયેંગે... આશા ભોંસલે-કોરસ 
૪. ગોરી ચલી કર કે સિંગાર... આશા ભોંસલે-કોરસ 
૫. કલ ક્યા હોગા... ઠોકર મારો મજા કરો... મુહમ્મદ રફી-આશા 
૬. આ જા રે, આજા, લાગે ના મોરા જીયા... આશા ભોંસલે

દેવ આનંદની ફિલ્મોગ્રાફી તપાસો, તો ચોંકી જવાય એવું છે કે એ જમાનાના સૌથી વઘુ લાડકા આ હૅન્ડસમ હીરોની ઘણી ફિલ્મો એવી છે, જેના નામ એના ‘હાય-મર જાઉં...’ બ્રાન્ડના ચાહકોએ પણ નથી સાંભળ્યા ને સાંભળ્યા હોય તો એ ફિલ્મમાં શું હતું, એના ગીતો કયા કયા હતા કે ખુદ દેવ સાહેબને પણ એ ફિલ્મ યાદ હશે કે નહિ, એવા સવાલો પૂછાય! ચાહક તો આપણે ય ખરા પણ દેવ આનંદની આવી ૪-૫ કે ૬-૭ ફિલ્મો એવી હતી કે, આપણે ય જોઇ ન હોય. અફ કૉર્સ, પુરવાર કરવાનું કશું રહેતું નથી કે, એ ફિલ્મ જ એટલી સામાન્ય કક્ષાની હતી કે, એમાં એ વખતે, એની પહેલાની વખતે કે આ વખતે ય કશું જોવા જેવું ના બળ્યું હોય! 

...ને તો ય મારે દેવ આનંદની ‘સરહદ’ તો જોવી જ હતી. મારી હશે કોઇ આઠેક વર્ષની ઉંમર અને રીલિફ રોડ પરની અશોક ટૉકીઝ પર ‘સરહદ’નું એક પોસ્ટર જોયાનું હજી યાદ... કે એક હાથમાં હન્ટર લઇને કાળા જૅકેટ પહેરેલા દેવ આનંદના પગમાં સુચિત્રા સેન વીંટળાઇને બેસી પડી છે... પાછળ કોક વેરાન રણનું બૅકગ્રાઉન્ડ હતું. બે પથ્થરની માફક નાનું અને મોટું મગજ ચકમકની માફક એકબીજા ઉપર ઘસ્યા એટલે ફક્ત એટલું યાદ આવ્યું કે, આશા ભોંસલેનું ગાયેલું, ‘આ જા રે, આજા, લાગે ના મોરા જીયા...’ આ ફિલ્મનું હતું. યાદ એટલે વધારે રહી ગયું હતું કે, ખાડીયા-સારંગપુરમાં આવેલી અમારી સાધના હાઇસ્કૂલના અમારા પી.ટી. ટીચર અંબુભ’ઇ પટેલ અમને પરેડ કરાવે, ત્યારે સ્કાઉટની રૅલી નીકળી હોય એવા બૅન્ડ જેવું મ્યુઝિક આશા ભોંસલેના આ ગીતમાં વાગતું હતું. 

બાકી મને જ નહિ, જૂની ફિલ્મોના મહારથીઓને પણ કમ-સે-કમ આ ફિલ્મ ‘સરહદ’ વિશે કોઇ જાણકારી નહોતી. અમદાવાદની ‘નગરી-નગરી, દ્વારે-દ્વારે, ઢુંઢુ રે ‘સરહદીયા...’ આ ફિલ્મની ડીવીડી મલે તે માટે હાથમાં લાકડી પછાડ્યા વગર, મારા માણસોને હુકમ કરી દીધા, ‘‘...શહેર કા ચપ્પા-ચપ્પા છાન મારો... શામ કા સૂરજ ઢલને તક ડીવીડી મેરે હાથ મેં હોની ચાહિયે...!’’ 

પણ એ ય પાછા માણસો તો મારા ને? મને હૂકમ આપતા આવડ્યો નહિ હોય કે એ લોકો સાચું ય બોલતા હોય પણ એમાંના બે-ચાર જણે તો ૮-૧૦ દુકાનો-ઘરોમાં જઇ જઇને છરી-ચપ્પા છાની માર્યા, પણ ‘સરહદ’નો પત્તો ન લાગ્યો. મેં પોતે પણ બસ... ફક્ત સબ્જીવાળાઓ કે રેલવેના ફાટકવાળાઓ સિવાય બધાને પૂછી રાખ્યું હતું કે, ‘‘ક્યાંયથી ‘સરહદ’ની સીડી મળશે?’’ હાળૂં, એમાં ય એક વડીલ તો આ ઉંમરે પોતે ગાયેલા શ્રીનાથજીના ભજનોની સીડી આપી ગયા, ‘‘હે મારા ઘટમાં બિરાજતા... શ્રીનાથજી, હોઓઓઓ’’ 

યસ. બાકાયદા એક ફોન તો સીધો સ્વયં દેવ આનંદ સાહેબને કર્યો. આપણે ગુજરાતીમાં અમથું ય બાજુવાળાના ઘેરથી દહીં મેળવણ માંગવાની ટેવો હોય જ, એટલે દેવસાહેબની પાસે સીડી માંગવા નહિ તો પૂછવામાં સ્વ. ચંદુભાઇનું શું જાય છે? (સ્વ. ચંદુભાઇ એટલે મારા પૂજ્ય પિતાશ્રી.). પણ દેવ આનંદની છેલ્લી ફિલ્મ ‘ચાર્જશીટ’ દુનિયાભરના થીયેટરોમાંથી કોઇ એક થીયેટરમાં કહે છે કે, સૌથી વઘુ બે દિવસ ચાલી હતી ને તો ય... એક અફવા મુજબ... સાંભળ્યું છે કે, દેવ આનંદે પોતે પણ આ ફિલ્મ આખી જોઇ હતી, બોલો! નૉર્મલી, પોતાનો ફોન સૅક્રેટરી-બૅક્રેટરી નહિ, જાતે જ ઉપાડતા દેવ સાહેબનો અનેકવાર ફોન લાગ્યો નહિ. પૉસિબલ છે, ‘ચાર્જશીટ’નો આઘાત સખ્ત લાગ્યો હશે! 

દેવ આનંદની ઘણી ફિલ્મો ગુમનામીમાં સરી પડી હતી. એમની છેલ્લી ‘હરે રામા હરે ક્રિશ્ના’ (’૭૨) પછી બહુ દયાળુ બનીને બહુ બહુ તો ‘દેશ-પરદેશ’ને સારી ફિલ્મો ગણો, પણ એ પછી કોઇ માનશે? આ ‘ચાર્જશીટ’ સુધી એમણે ઉતારેલી એકોએક ફિલ્મ (સંખ્યા-૩૨) એમના કોઇ ચાહકને પણ ગમે એવી નથી બની. નથી બની, એ તો જાવા દિયો... થીયેટરોએ પણ આ ફિલ્મોને બડો બદતમીઝ જાકારો દીધો હતો. 

આ ‘સરહદ’ જોયા પછી ખબર પડી કે, ‘ચાર્જશીટ’ તો સારી ફિલ્મ હશે...!... આના કરતા...!! કમ-સે-કમ રંગિન તો ખરી...! ‘સરહદ’ના તો ટાઇટલ્સમાં ય હોમી વાડીયાની જૂની ફિલ્મોની જેમ લખ્યું હતું, ‘અંશતઃ રંગિન’, (Partly Color) પણ સીડી બનાવનારાઓ રામ જાણે કયા દેશના ફિલ્મ-આર્કાઇવ્ઝમાંથી જૂની ફિલ્મો ઉપાડી લાવતા હશે કે, આવી અંશતઃ રંગિન ફિલ્મોના એ રંગિન દ્રશ્યો પણ ઠામુકાં બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ પટ્ટીમાં જ જોવા મળે છે. (આવું કિશોરકુમાર-નૂતનની ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’માં ય થયું હતું) 

પણ લેખના પ્રારંભે જે વાત શરૂ કરી હતી કે, જે દિવસોમાં આપણા સહુનો દેવ આનંદ લીલોછમ્મ લાડકો હીરો હતો, એ દિવસોની ય ઘણી ફિલ્મો વિશે ભાગ્યે જ કોઇને કશી ખબર છે. યાદ કરી જુઓ... ફરેબ, બિરહા કી રાત, ખેલ, ઉઘ્ધાર, મઘુબાલા... મોહન...! બાકીની જીત, બાદબાન, અફસર કે નમૂના જેવી ફિલ્મો તો સમજ્યા કે, એના ગીતોને કારણે યાદ રહી ગઇ હોય એટલે દેવ આનંદ આજે પણ ખૂબ ગમતો હોવાથી હઠ કરીને ’૬૦ની સાલની એની આ ફિલ્મ ‘સરહદ’ જોવા માટે મેં મારી અને બીજાઓની પણ કમરો કસી. 

એમાં મારા જામનગરના માફકસરની કમરવાળા વડીલ દોસ્ત અને જૂની ફિલ્મોના કદાચ સર્વોત્તમ જ્ઞાતા શ્રી ચંદુભાઇ બારદાનવાલા પાસેથી ‘સરહદ’ મળી આવી. અસલના રાજાએ રિઝે એટલે પચ્ચી કે પચ્ચા ગામો ભેટમાં દઇ દે. મેં એમની આ મદદ સબબ મારૂં આખું જામનગર વાપરવા આપી દીદું... આપણું મન પહેલેથી મોટું! 

‘સરહદ’ ઉતારનાર બંગાળી ડાયરેકટર શંકર મુકર્જીનો દેવ પહેલેથી માનિતો હીરો હતો. બહુ વર્ષો સુધી એમણે દેવને સાથ આપ્યો ને એક માત્ર કિશોર કુમારની ‘ઝુમરૂ’ને બાદ કરતા પોતાની તમામ ફિલ્મો ‘બારિશ’, ‘સરહદ’, ‘બાત એક રાત કી’, ‘પ્યાર મુહબ્બત’, ‘બનારસી બાબુ’, ‘ફરાર’ અને પેલી ‘યે દુનિયા વાલે પૂછેંગે, મુલાકાત હુઇ, ક્યા બાત હુઇ...’વાળી ‘મહલ’ પણ ફક્ત દેવ આનંદને લઇને જ બનાવી. લિસ્ટ જોઇ લો... એકે ય ફિલ્મમાં ઠેકાણાં હતા? (જવાબ : નહોતા... જવાબ પૂરો) 

એટલે ‘સરહદ’ માટે હું કાંઇ ઍડવાન્સમાં પ્રભાવિત નહતો. આપણો ઈન્ટરેસ્ટ ફક્ત દેવ આનંદમાં... સિવાય કે વચમાં ક્યારે તમારા મઘુભાભી આવી ગયા હોય, તો દેવ પણ બાજુમાં ઊભો રહે! 

અલબત્ત, તમારામાંથી કદાચ કોકે ‘સરહદ’ જોઇ પણ હોય, તો જરી યાદ અપાવવા વાર્તાનો સાર કહી દઉં. માં વિનાના અમર (દેવ આનંદ)ને નાનપણમાં એના પિતા (મોની ચૅટર્જી)નો ઠપકો સાંભળી ઘરમાંથી નીકળી ગયેલા દેવે મોટા થઇને એકલે હાથે જંગલમાં લાતીનો મોટો વેપાર ખેડ્યો. પણ મજૂરો ઉપર ભારે જોરજુલ્મ કરતો ને પીધો હોય ત્યારે પ્રેમ પણ ખૂબ કરતો. એના તુંડમીજાજને ખારીજ કરવા વર્ષો પછી એના ફાધર એક ઓળખિતાની દીકરી (સુચિત્રા સેન)ને લઇને જંગલમાં આવે છે. દેવ એ બન્ને સાથે એટલી જ બદતમીઝી કરે છે. પણ સૂચિ એને સુધારવાની પ્રતિજ્ઞા લઇને, ‘માન ન માન, મૈં તેરા મેહમાન’ની રૂઇએ, ફરજીયાત પેલાને પ્રેમમાં પાડે છે. અમરના પ્રેમમાં પહેલેથી પાગલ રાગિણીએ સુચિનો કાંટો કાઢવા, જંગલના ગુંડા અનવર હૂસેનનો સાથ લઇને ખૂનના આરોપ હેઠળ દેવને જેલ ભેગો કરે છે. એ છ મહિનાનો વિરહ બર્દાશ્ત ન થતા સુચિ ગાંડી થઇ જાય છે, જેને રીપિટમાં ડાહી કરવા દેવનો જૂનો ફ્રૅન્ડ સજ્જન સુચિની સારસંભાળ રાખે છે, એમાં ગાંવવાલોંને મસાલો મળી જાય છે. દેવ સજ્જનને કાઢી મૂકે છે. છેલ્લે બધો ભેદ ખુલી જતા જે શી ક્રસ્ણ થાય છે. 

આપણા જેવા સી. રામચંદ્રના ચાહકોને ઝાંયઝાંય આઘાત લાગે કે, આ અન્ના કરતા’તા શું કે, આવું બંડલ મ્યુઝિક ‘સરહદ’ જેવી તો અનેક ફિલ્મોમાં આપ્યું? ’૫૯ની સાલમાં મુંબઇના મરાઠા મંદિર થીયેટરમાં દિલીપ કુમાર- વૈજ્યંતિમાલા- રાજકુમારવાળી ફિલ્મ ‘પૈગામ’ના પ્રીમિયર શો વખતે લતા મંગેશકર સાથે જીંદગીનો છેલ્લીવારનો કાતિલ ઝઘડો થઇ ગયા પછી અન્ના ક્યાંયના ન રહ્યા. લતા હતી, ત્યાં સુધી બઘું હતું. વ્હિ. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’ને બાદ કરતા લતા વગર અન્ના ક્યાંય હરખા ઝળક્યા નહિ. કહે છે ને કે, ફિલ્મનગરીમાં પરમેશ્વરનો માર ખાધેલો તો કદીકે ઉઠે, પણ લતાનો માર ખાધેલાઓ તો મર્યા પછી ય મરી શકતા નથી! એક વાર મરવામાં ય ડઘાઇ જાય છે...! નહિ તો ’૪૫થી ’૫૫નો દસકો સી. રામચંદ્રને નામે લખાયેલો હતો. ‘સફર, સાજન, નદીયા કે પાર, શેહનાઇ, સમાધિ, નમૂના, ગર્લસ-સ્કૂલ, પતંગા, સિપહિયા, નઝરાના, નિરાલા, સંગીતા, સરગમ, અલબેલા, ખજાના, સરગમ, સંગીતા, શબિસ્તાન, ધૂંઘરૂ, હંગામા, પરછાંઇ, સાકી, શિનશિનાકી બૂબલા બૂ, અનારકલી, ઝમેલા, ઝાંઝર, લહેરેં, શગૂફા, કવિ, મીનાર, નૌશેરવાને આદિલ, શારદા, તલાશ, અમરદીપ, તલાક, સ્ત્રી અને છેલ્લે છેલ્લો ચમકારો ગુરૂદત્ત-માલા સિન્હા-ફિરોઝખાનવાળી ફિલ્મ ‘બહુરાની’માં ‘‘મૈં જાગું સારી રૈન, સજન તુમ સો જાઓ, સો જાઓ...’’ 

ઉફ ઓહ... કોઇ પંખો ચાલુ કરો... લિસ્ટ લાંબુ નીકળ્યું પણ એ મહાન સર્જકની પ્રતિભા યાદ આવી ગઇ. આ લિસ્ટની મોટા ભાગની ફિલ્મોના ગીતો અમને પણ કંઠસ્થ હોય, એ હિસાબે કેટલું ચાહતા હોઇશું, અન્નાસાહેબને? અને એ જ પછી આવી ‘સરહદ’ જેવી ફિલ્મમાં હમૂળગો દાટ વળે તો ઘરમાં બા ખીજાય નહિ? 

તત્સમયના તમામ સંગીતકારોની ઓળખ કયા સંગીતકાર કેટલી વૉયલિનો વગાડતા હતા, તેના ઉપરથી આવે છે. એસ.સી. બર્મનમાં ૧૫ કે ૧૯ વૉયલિનવાદકો હોય, નૌશાદમાં ૧૨-૧૩થી વઘુ નહિ. અનિલ બિશ્વાસમાં તો બહુ ઓછા. અગાઉ એકે ય વાર ન સાંભળેલું કોઇ ગીત અડધેથી ફક્ત એ ગીતની વૉયલિન સાંભળીને મારા જેવા ચાહકો કહી શકે કે, આ સંગીત સી. રામચંદ્રનું છે, અનિલ દા નું કે રવિનું છે. ગાયક તરીકે પોતાને ચિતલકર તરીકે ઓળખાવતા સી. રામચંદ્ર ક્યારેક હવાફેર માટે સંગીતકાર તરીકે અન્ના સાહેબનું પાટીયું પણ મરાવતા. એ શંકર-જયકિશન, ઓપી નૈયર કે નૌશાદની બરોબરીમાં કમર્શિયલી બહુ જામ્યા નહિ બે કારણોથી... એક તો એમના પર્કશન્સ (રિધમ સૅક્શન)માં બધી છાંટ મરાઠી લાવણી સંગીતની વઘુ. મૅન્ડોલિનનો ય બેફામ ઉપયોગ. જેમ અમારા કલ્યાણજી-આણંદજીએ એ જ રિધમ-સૅક્શનમાં ગુજરાતી લોકસંગીતવાળા છાપેલા ઠેકા જ વગાડે રાખ્યા. એમના સંગીતમાં બઘું સંગીતની પાઠશાળામાં શીખવાડ્યું હોય એટલું જ આવે.. રાહુલદેવ બર્મન જેવા તો રિધમને સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે માદલ કે ‘ડિમટી’નો ઉપયોગ પણ બેહિસાબ કર્યો. ઠેકા તો ઓપી નૈયરે પણ પંજાબી જ વગાડ્યા, પણ એમના સંગીતમાં તાલની સાથે લય પણ કરામાતી હતો. કોઇ ગમે તે કહે, મુહમ્મદ રફીનો સર્વોત્તમ ઉપયોગ એકમાત્ર ઓપી નૈયર જ કરી શક્યા છે. ચિતલકર પોતાના પ્રેમમાં વધારે હોવાથી મુહમ્મદ રફી એમને ક્યાંય દેખાયો તો ઠીક, સંભળાયા પણ નહિ હોય... એટલે પોતાની ફિલ્મોમાં ન છુટકે જ રફી સાહેબને લેવા પડ્યા છે... અનિલ બિશ્વાસની જેમ! 

‘સરહદ’માં બીજું કોઇ કોણ હતું, એ જાણવાની ઈચ્છા થાય તો દાબી રાખજો, બહુ ખુશમખુશ થવાય એવું નથી. સુંદરતા સર આંખો પર, બાકી ઍક્ટિંગ-ફૅક્ટિંગમાં ‘છુટ્ટા નથી, આગળ જાઓ’ જેવો મામલો હોવાને કારણે બંગાળણ સુચિત્રાસેન એક ‘દેવદાસ’, ‘મમતા’ અને છેલ્લે છેલ્લે ‘આંધિ’ સિવાય હિંદી ફિલ્મોમાં નો દેખાણી. રાજ કપૂરની લાઇફમાં ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ પછી નરગીસની જગ્યા લઇ લેનાર મદ્રાસી અભિનેત્રી પદ્મનીની બીજી બહેન રાગિણી આ ફિલ્મમાં ત્રીજી બહેન લલિતા ફિલ્મોમાં નહોતી આવી. ફિલ્મ ‘જંગલી’માં સાયરા બાનુનો બાપ બનતા મોની ચેટર્જીની ખાસિયત એ હતી કે, એણે લગભગ બધી ફિલ્મોમાં ખભે સસ્પૅન્ડર્સ પહેર્યા છે. 

ફિલ્મ ‘સરહદ’ માટે દિગ્દર્શક શંકર મુકર્જીનો આભાર એટલો જ કે, સરપ્રાઇઝિંગલી (...ઍન્ડ, થૅન્કફૂલી) આ ફિલમ ૧૦ જ રિલ્સની છે...! 

ઓહ યસ. આપણને તો એમ કે, અરૂણા ઈરાનીએ બાળકલાકારનો કિરદાર ફક્ત ફિલ્મ ‘ગંગા-જમુના’માં જ નિભાવ્યો હતો, પણ અહીં ‘સરહદ’માં ય તે બાળકલાકાર છે. અલબત, ફિલ્મના ટાઇટલ્સ કે પ્રચાર-સાહિત્યમાં તેનું નામ નથી. આપણને આશ્ચર્ય સાથે જોવા મળી ગઇ કે, ‘‘ઓહ... આ તો નાની અરૂણા છે.’’ તેની સાથેનો બાળકલાકાર આકાશદીપ તો એ વખતની ઘણી ફિલ્મોમાં આવી ગયો છે.

No comments: