Search This Blog

13/12/2011

જ્વેલ થીફ


શ્રીધરમદેવ પિશોરીમલ આનંદ એટલે કે, દેવ આનંદ એની આખી કારકિર્દીમાં ફિલ્મ ‘જ્વેલ થીફ’ જેટલો સોહામણો કદી નથી લાગ્યો. આને મારૂં અંગત નિવેદન ગણી લઈએ, તો ય મારી સાથે સહમત થવામાં તમને ક્યાં બા ખીજાવાના છે? એ હૅન્ડસમ તો બેશક હતો અને સાયરાબાનુવાળી ફિલ્મ ‘પ્યાર મુહબ્બત’ અને હેમા માલિનીવાળી ‘જ્હોની મેરા નામ’માં ય ઘણો ચાર્મિંગ લાગ્યો છે. એમને એમ તો ભારતભરની (એ જમાનામાં યુવતીઓ... આજની કાકીઓ!) દેવની પાછળ કાંઈ પાગલ નહિ હોય ને??

આપણે નૉર્મલી એક ફિલ્મ બીજી, ત્રીજી, આઠમી કે ઓગણીસમી વાર ન જોતા હોઈએ. લોકો વાતો કરે, પણ મેં ‘જ્વેલ થીફ’ કેટલીવાર જોયું છે, એ હવે તો ગણવાનું ય બંધ કરી દીઘું છે. ‘મોગલ-એ-આઝમ’ પણ એટલી જ વાર જોયું હશે, પણ એને વારંવાર જોઈને દર વખતે કાંઈ નવું શીખવા/સમજવાનું મળે છે, માટે વારંવાર જોઉં છું અને આ ‘જ્વેલ થીફ’ દર વખતે કંઈકને કંઈક આનંદ આપતું રહે છે, માટે જોયે રાખું છું. (સાચો ઉચ્ચાર ‘જ્વેલ થીફ’ છે, પણ દેસી લોકો હજી ‘જ્વૅલ-થીફ... જ્વૅલ થીફ’ કરે રાખે છે... આપણે તો કેટલું શીખવાડીએ?)

ટોટલ ૧૮૬-મિનિટની આ ફિલ્મ ૧૯૬૭-માં બની હતી અને અમદાવાદના રીલિફ સિનેમામાં રીલીઝ થઈ હતી. એ દિવસોમાં તો રેડિયો પર છ-છ મહિના અગાઉથી, આવનારી ફિલ્મોના ગીતો વાગે, ગુજરાતી ફિલ્મી મેગેઝિનોમાં એને વિશે કંઈકને કંઈક છપાતું હોય, પ્રતાપ સિનેમા અને અશોક ટૉકીઝના કમ્પાઉન્ડમાં આવેલી ફિલ્મી ‘ચોપડીઓ’ની દુકાનેથી જે તે ફિલ્મોના કલરિંગ ફોટા ય દસ-દસ પૈસામાં મળે, એટલે ફિલ્મ શહેરમાં આવતા પહેલા જ એના વિશેની હવા બરોબર જામી ગઈ હોય. ફિલ્મ કોઇ બી હોય, પહેલા બે-ત્રણ વીક તો ટિકીટ જ ન મળે. અમથી ય, કોઈ ફિલ્મ ૧૦-૧૫ વીક્સ તો ચાલે જ... 

ને એમાં ય આ તો દેવ આનંદની ફિલ્મ. એ જમાનામાં કોઇ મિનિસ્ટર આપણને પર્સનલી ઓળખતા હોય, એના કરતા થીયેટરના અફઘાન-પઠાણી લાલાઓ ઓળખતા હોય, એ મોટું સ્ટેટસ ગણાતું. (આજે ય મિનિસ્ટરોની હાલતમાં પ્રજાએ ખાસ કોઇ ફેરફાર કર્યો નથી!) ‘જ્યુઅલ થીફે’ ૨૫-વીક માટે રમતા રમતા કરી લીધા હતા, એમાં ય સંગીતના શોખિનો માટે બીજી મોટી લાલચ એ હતી કે, ઘણાં વર્ષો પછી કિશોર કુમારના ગીતો આ ફિલ્મમાં સાંભળવાના હતા. એ દિવસોમાં કિશોર પોતે તો થોડું જ ગાતો, પણ દેવ આનંદ સિવાય બીજા કોઈને પ્લૅબેક પણ ન આપતો હોવાથી એના પુનરાગમનનું મૂલ્ય ઘણું ઊચું ગણાતું. ‘આસમાં કે નીચે, હમ આજ અપને પીછે’ અને ‘યે દિલ ન હોતા બેચારા...’ એ દેશના ચાહકોએ ગાન્ડા કરી મૂક્યા હતા.

‘જ્વેલ થીફ’ આઉટરાઈટ વિજય આનંદની ફિલ્મ હતી. દેવ આનંદનો ભાઈ. બે મિનિટે ય હખણો ઊભો નહિ રહેતો દેવ હંમેશા ગોલ્ડી, એટલે કે વિજય આનંદ પાસે સીધો ચાલ્યો છે. આ પેલા જાૅક જેવું. માણસ દારૂ પીએ તો સાપની જેમ આડોઅવળો ચાલે, પણ સાપ દારૂ ઢીંચી જાય તો માણસની જેમ સીધો ચાલે. દેવ ક્યારેય સારો ઍક્ટર નહોતો, પણ જ્યારે ગોલ્ડીના હાથ નીચે કામ કરવાનું આવ્યું છે, ત્યારે કસબ અસલી બતાવી શક્યો છે. ‘ગાઇડ’, ‘જ્હૉની મેરા નામ’ કે ‘તેરે મેરે સપને’ આના ઉત્કૃષ્ઠ ઉદાહરણો છે. ઊભા ઊભા અગણિત ટાઈમ સુધી હલે રાખવાનું કે આંખોમાં બબ્બે મિનિટ ફોતરૂં પડતું હોય, એમ ઝીણી કરે રાખવાની, સીધેસીઘું ક્યાંક જોવાનો સીન હોય તો ય, ખભા ઉપર પોતાના ડોકનું આખું ચક્કર મરાવ્યા પછી ઝીણી આંખે જોવાનું... આ બધા નખરા ગોલ્ડી પાસે ન ચાલે, એટલે બચેલા સમયમાં એ ઍક્ટિંગ કરી શકતો. પરિણામે, ‘જ્વેલ થીફ’માં દેવ આનંદ ક્યાંકથી સરસ ઍક્ટિંગ પણ ઉપાડી લાવ્યો છે, એ આશ્ચર્યજનક સમાચાર સાંભળ્યા પછી પ્રજાને બહુ આંચકો લાગ્યો નહોતો.... થૅન્ક્સ ટુ ગોલ્ડી.

ગોલ્ડી બીજા ડાયરેક્ટરો કરતા કેમ ઊંચો હતો, એનો સામાન્ય દાખલો જોઈ લઈએ. કોઈ ચોક્કસ દ્રષ્ય કે ગીતનું ફિલ્માંકન કેમ કરવું, એ બધા ડાયરેક્ટરોને ફાવે એવું કામ નહોતું. રાજ કપૂર, રાજ ખોસલા, બિમલ રૉય, ગુરૂદત્ત કે બી.આર. ચોપરા જેવા ગણ્યા ગાંઠ્યા નામો હતા. ફિલ્મના સૅટ ઉપર મને અને તમને લઈ જઈને ઊભા રાખી દે, ઍક્ટરો કે સંવાદો જેવો મસાલો બધો તૈયાર હોય અને કહે, ‘‘લો, આ દ્રષ્યનું શૂટિંગ કરો.’’ અને એમાં આપણે જ મૂંઝાઈ જઇએ, એવું નહોતું. એ જમાનાના મોટા ભાગના દિગ્દર્શકોના હાથની એ વાત નહોતી. હવે પહોંચો સીધા સેટ પર, જ્યાં દેવ આનંદના પગમાં છ આંગળી વાળું અત્યંત રસપ્રદ દ્રશ્ય ફિલ્માવવાનું છે. યાદ આવ્યું, ગોલ્ડીએ આખી સિચ્યૂએશન કેવી મનોહર-મનોહર કરી દીધી હતી?

અથવા તો, દેવ અને અશોક કુમાર ટ્રેનમાં પ્રિન્સ અમરને શોધવા દોડાદોડી કરી મૂકે છે, એ દ્રશ્યોમાં ટૅન્શન કેવું અદ્ભૂત ઢબે ઊભું કરી બતાવ્યું છે? ‘‘યે દિલ ના હોતા...’’ ગીત જેવું ટૅકિંગ પ્રેક્ષકને ખુદને ફિલ્મના એ લોકેશન પર લઇ જાય છે. સ્વ. શૈલેન્દ્રએ ફિલ્મના લખેલા એક માત્ર ગીત ‘રૂલા કે ગયા સપના’નું ફિલ્માંકન યાદ તો છે ને? સ્ટુડિયોમાં પાણીથી છલોછલ આખો સૅટ ઊભો કર્યો છે. ઑલમોસ્ટ અડધી રાત છે, એટલે વૈજ્યંતિમાલાને નાઇટ-ગાઉન પહેરાવીને બોલાવી છે. દેવ હજી કામમાં વ્યસ્ત હોવાથી એના કપડાં રૅગ્યુલર છે, પણ ગોલ્ડીની કમાલ ગીતના શબ્દોને પણ ફૉલો કરે છે. ‘‘ફિર ભી ન આયા લૂટેરા...’’ પંક્તિ શરૂ થાય, ત્યારે જ દેવ આનંદની હોડી ઝાડીઓમાંથી પ્રગટ થતી દેખાય.

અશોક કુમારની દીકરી ટીવી પર આવી હતી, ત્યારે બિલકુલ બિન્ધાસ્ત કહી દીઘું હતું કે, ‘જ્વેલ થીફ’માં પાપા જ બૅસ્ટ હતા.’’ (એને ખબર નહિ હોય કે, દાદામોની ફક્ત ‘જ્વેલ થીફ’માં જ નહિ, તમામ ફિલ્મોમાં બૅસ્ટ હતા.) યસ. આ ફિલ્મનો બધી રીતે સાચો હીરો તો અશોકકુમાર જ હતો ને? એના સાથીઓ એને સારૂં લગાડવા કે ભયના માર્યા સિગારેટનું લાઇટર ધરે છે, ત્યારે બાપૂ કેવા રૌફથી કહી દે છે, ‘‘તુમ અપના કામ કરો.’’ વૈજુએ સુંદર દેખાવવવાની સાથે સાથે રોલને અનુરૂપ કામ પણ ક્લાસિક આપ્યું છે, પણ ઍઝ યુઝવલ.... જ્યાં તનૂજા હોય ત્યાં (એક અશોક કુમારને બાદ કરતા) બીજા કોઈની ઍક્ટિંગનો ઉલ્લેખ પણ કરવો, એ એશિયાના દેશોમાં તો પાપ ગણાય છે. બહુ નૅચરલ અભિનેત્રી હતી, ને એમાં ય ક્યારેય નહિ ને આ ફિલ્મમાં ગોલ્ડીએ તેની પાસે ‘રાત અકેલી હૈ, બુઝ ગયે દિયે...’ જેવો શ્રૃંગાર-રસથી ભરપુર ડાન્સ કરાવ્યો છે, તે પ્રેક્ષણીય છે. ઇન ફેક્ટ, એની કુદરતી ઢબે ઍક્ટીંગ કરવાની ખૂબીને કારણે ૧૯૬૮-ના ‘ફિલ્મફૅર’ના ‘બેસ્ટ સપોર્ટીંગ ઍક્ટ્રેસ’ના રોલ માટે એને નોમિનેટ કરવામાં આવી હતી, પણ આ ઍવોર્ડ ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ માટે મુમતાઝ લઇ ગઈ હતી. આ વર્ષનો સર્વોત્તમ અભિનેત્રીનો ઍવોર્ડ ફિલ્મ ‘મિલન’ માટે નૂતનને મળ્યો હતો.

હૅલન સ્ક્રીન પર દેખાતી હોય, ત્યાં સુધી તમે અન્ય કોઇ ઍક્ટરને ફક્ત બે ઘડી પણ જુઓ, તો તમારી જ્ઞાતિએ તમને ન્યાત બહાર મૂકવા જોઈએ, એવું પુરાણોમાં કીઘું છે. ‘‘બૈઠે હૈ ક્યા ઉસકે પાસ... લલલ્લ્લા લલલ્લા’’ ડાન્સમાં કેવી છવાઈ ગઈ છે. એ વખતે એની સાથે લગોલગ માથે છાણનું પોટલું પડ્યું હોય, એવી વિગ પહેરીને નાચતી (સિલ્વિયા) છોકરીની સામે જોઇએ તો ય સમાજમાં આપણી વાતો થાય. હૅલનને પડતી મૂકીને બીજી ક્યાં ડાફરીયાં મારો છો, એવો કટાક્ષ તો આપણા સસુરજી બાજુની સીટમાં બેઠા હોય, તો કરી મ્હેલે. એ વખતે વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર ગૅરી સોબર્સને પતાવ્યા પછી રાજેશ ખન્નાના ઝાડ પર ઊંધા માથે લટકવા ગયેલી અંજુ મહેન્દ્રુ પણ આ ફિલ્મમાં છે.

ગૉલ્ડી ઉપર ઇંગ્લિશ ફિલ્મોનો પ્રભાવે ય જન્માક્ષરના વખતથી હતો, એટલે ફિલ્મના જે દ્રશ્યમાં દેવ આનંદ દારૂ પીને લથડીયા ખાવાની ઍક્ટિંગ કરે છે, તે આખી સિચ્યૂએશન હૉલીવૂડની ક્લિન્ટ ઈસ્ટવૂડની કાઉબૉય ફિલ્મ ‘ઍ ફિસ્ટફૂલ ઑફ ડૉલર્સ’માંથી ઉઠાવવામાં આવી હતી. આમ તો ફિલ્મનો પ્લોટ પણ દેસી નહોતો. કોઇને ખરાબ ન લાગે, એટલે એ લોકો ચોરીને બદલે ‘ઍડેપ્ટેશન’ નામનો નિર્દોષ શબ્દ વાપરે છે. એ વાત જુદી છે કે, ફિલ્મના ટાઈટલ્સમાં પટકથાલેખક, સંવાદ લેખક અને દિગ્દર્શક તરીકે વિજય આનંદનું નામ આપવામાં આવ્યું છે. અલબત્ત, જેમણે ‘ગાઇડ’ની વાર્તા લખી હતી, એ જ કે.એ. નારાયણે આ ફિલ્મની વાર્તા પણ લખી છે. પણ કોઈ દલીલ કે વિવાદ વગર ઊંચા ઝંડા ફરકાવવા પડે, આ ફિલ્મના દિલડોલ સંગીત અને સંગીતકાર પિતા-પુત્ર બર્મનના. સચીનદેવ બર્મને એક એક રચના એકબીજા ગીતથી ભિન્ન અને અનોખી કરી છે. 

એ પોતે પહાડી ઈલાકામાંથી આવતા હોવાથી, ફિલ્મના સંગીતમાં સિક્કીમનો સ્પર્શ સંભળાય છે, તો સાથે સાથે દીકરા રાહુલદેવને કારણે ભરપુર માત્રામાં વૅસ્ટર્ન-વાદ્યોનો સમુચિત ઉપયોગ થયો છે. ખાસ કરીને આ ફિલ્મનું ટાઈટલ અને ફરિયાલવાળું ડાન્સ-મ્યુઝિક શ્રવણીય છે. હજી ડીવીડી મંગાવીને ‘જ્વેલ થીફ’ જોવાના હો, તો સસ્પૅન્સ તો જાહેર નહિ કરૂં, પણ આ કૉલમ વાંચતા મિત્રોને સૂચન કર્યું કે, આટલા વર્ષો પછી આ ફિલ્મોની યાદ અપાવો છે, તો લેખમાં વચ્ચે ફિલ્મનો પ્લોટ પણ કહી દો, જેથી સાવ ભૂલાઈ ગયેલું થોડું થોડું તો યાદ આવે. એ મુજબ, હીરો વિનય (દેવ) પોલીસ-કમિશ્નર પિતા (નઝીર હૂસેન)ની જીદ છતાં ભણીગણીને પોલીસફૉર્સ જેવી સન્માનનીય નોકરીમાં જોડાવાને બદલે પથ્થરો ફેંદીને એમાંથી હીરા તરાશવાના ‘બેકાર’ કામમાં પડે છે, પણ દીકરો એમના ધાર્યા કરતા વઘુ સ્માર્ટ છે. 

નોકરી કરવાની સાથે સાથે એ જ્વેલર્સ લાલા વિશંભરનાથ (સપ્રૂ)ની છોકરી અંજુ (તનૂજા)ને પણ જીતી લે છે. દરમ્યાન શહેરમાં હીરા-ઝવેરાતના અઠંગ ચોર અમરનો આ વિનય હમશકલ હોવાની એને ખાત્રી કરાવતા રહેવામાં આવે છે, એટલે સુધી કે, સિક્કીમથી આવેલ વિશંભરનાથના જીગરી દોસ્ત અશોકકુમારની બહેન શાલુ (વૈજ્યંતિમાલા) તરફ પણ એટલા કારણે ખેંચાવાનું થાય છે કે, શાલુ વિનયને અમરનો હમશકલ સમજી બેસે છે. શાલુ અમરની મંગેતર હોવાનો દાવો કરે છે. પોતે અમર નહિ, વિનય છે, એ સાબિત કરવામાં દેવ આનંદ આ ફિલ્મના ત્રણ કલાક વાપરી નાંખે છે, પણ આખરે એ ફૂલ્લી-પાસ થાય છે.

ફિલ્મ બન્યાના ૩૦-વર્ષ પછી, દેવ આનંદને એની રાબેતા મુજબની બેવકૂફી ઉપડે છે, તેમ ‘જ્વેલ થીફ’ની સીક્વલ-એટલે કે બીજો ભાગ ‘ધી રીટર્ન ઓફ ‘જ્વેલ થીફ’ ઉતારવાનો ધખારો ઉપડ્યો અને રાબેતા મુજબ ફરી ધોવાઇ ગયો. જૂની ફિલ્મમાંથી ફક્ત અશોક કુમાર જ એની સાથે આ સીક્વલમાં હતો.

પ્રવાસના શોખિનો સિક્કીમ જઈ આવ્યા હોય, એમણે પણ આ ફિલ્મ ફરી જોવી જોઈએ. ફલી મિસ્ત્રીનો પરફૅક્ટ કેમેરો સિક્કિમના આઉટડૉર લોકેશન્સ પર બહુ સાહજીકતાથી ફર્યો છે. આ ફિલ્મના સુપર્બ સાઉન્ડ માટે આપણા ગુજરાતી રૅકૉર્ડીસ્ટ બારોટને ‘ફિલ્મફૅર’ એવૉર્ડ મળ્યો હતો.

એક વાત કહું? આવી મસ્ત મજાની ફિલ્મ હોય, પછી એને વિશેના આવા ફાલતુ લેખો વાંચવાના જ ન હોય.... ફિલ્મ મંગાવીને બીજી વાર જોઇ જ લેવાની હોય...! સુઉં કિયો છો?

No comments: