Search This Blog

23/12/2011

શરાબી (’૬૪)

ફિલ્મ : શરાબી (’૬૪) 
દિગ્દર્શક : રાજ ૠષિ 
સંગીત : મદન મોહન 
ગીતો : રાજેન્દ્ર કૃષ્ણ 
ફિલ્મની લંબાઇ : ૧૬-રીલ્સ
થીયેટર (અમદાવાદ): લાઇટ હાઉસ
કલાકારો : દેવ આનંદ, મઘુબાલા, રાધાકિશન, લલિતા પવાર, બદ્રીપ્રસાદ, ડૅઝી ઇરાની, રામ મોહન, રાજનાથ, રતન ગૌરાંગ, શાર્દુલ, અને રવિકાંત 

ગીતો
૧. ચાંદ કી ચાલ ભી હૈ બહેકી હુઇ....સાવન કે મહિને મેં.....મુહમ્મદ રફી

૨. જાઓ જી જાઓ, દેખે હૈં બડે, તુમ જૈસે ચોર લૂટેરે....આશા ભોંસલે-રફી
૩. તુમ હો હંસિ કહાં કે, હમ ચાંદ આસમા કે....આશા ભોંસલે-રફી
૪. સોચતા હૂં પિયું, પિયું ન પિયું...સાવન કે મહિને મેં-ભાગ-૨...મુહમ્મદ રફી
૫. મુઝે લે ચલો, આજ ફિર ઉસ ગલી મેં, જહાં પહેલે પહેલે.....મુહમ્મદ રફી
૬. સાવન કે મહિને મેં, એક આગ સી સીને મેં ભાગ-૩.....મુહમ્મદ રફી
૭. કભી ન કભી, કહીં ન કહીં, કોઇ ન કોઇ તો આયેગા...મુહમ્મદ રફી
૮. દો દો હાથ, દો દો પાંવ, કામ જો લેગા ઇન ચારોં સે...મુહમ્મદ રફી

મઘુબાલા સરીખી હિંદી ફિલ્મોની આજ સુધીની અપ્રતિમ સુંદર સ્ત્રી સાથે, એની બરોબરીમાં ઇક્વલ ઊભો રહી શકે એવો હૅન્ડસમ હીરો તો એકમાત્ર દેવ આનંદ જ હતો. મારો આ અંગત મત મારી પાસે જ રાખું છું, છતાં તમારી જીદમાં જરા ઢીલા પડવું હોય તો એ બન્નેની ફિલ્મ ‘કાલા પાની’ જોઇ લેજો.... કોણ વધારે મનમોહક લાગે છે, એની ચર્ચાઓ નડિયાદથી નાયગ્રા (... અથવા વાયગ્રા) સુધી ચાલશે. અભિનયમાં તમને છુટ છે, મઘુની સાથે તમે દિલીપકુમાર મૂકો કે રાજ કપૂરને.... આપણી વચ્ચે કોઈ ઝગડો નથી, પણ ધારીયા ઉછળશે-ખાસ ખાડિયામાં બનેલા... જો ભૂલેચૂકે ય મઘુબાલાની નાનકડી સરખામણી ભારત ભૂષણ કે પ્રદીપકુમાર સાથે કરી છે તો ! ઍક્ટિંગ હોય કે દેખાવ... આ લોકોને શી લેવા-દેવા ? પ્રદીપકુમાર તો મઘુ સાથે રાજમહેલના શાહી રથમાં બેઠો હોય કે ભાડાની સાયકલ ઉપર, એને કોઇ ફરક પડવાનો નથી. ભારત ભૂષણ તમારા મઘુભાભી સાથે ફિલ્મનું રૉમેન્ટિક ગાણું ગાય કે જૈન-સ્તવન, આપણે ‘જય જીનેન્દ્ર’ બોલીને ઊભા જ થઈ જવાનું હોય... બાકી તો મઘુબાલાના ફાધર અતાઉલ્લા ખાનમાં ય પઇની અક્કલ નહિ કે, ફક્ત પૈસા ખાતર એ મઘુને, રોંગ-પાર્કિંગમાં ગૅરેજની બહાર ગોઠવેલા રોડ-રોલર જેવા પ્રેમનાથ સાથે ય ફિલ્મો તો કરવા દીધી, પણ પ્રેમનાથનો ફિલ્મી સિક્કો ચાલતો હતો, ત્યાં સુધી મઘુબાલા-પ્રેમનાથના પ્રેમ-પ્રકરણનો ય કોઇ ઉઘાડેછોગ વાંધો ન લીધો. અરે વાત ટૂંકાવો ભ’ઈ, આપણી આંખે એવા તે ક્યા પાપો કર્યા’તા કે, આવી અપ્સરાને આપણે બારમાસી વિલન સજ્જન સાથે કે દિલીપકુમારના નિષ્ફળ ભાઈ નાસિરખાન સાથે ય હીરોઇન તરીકે જોવી પડતી હતી.... બા કેવા ખીજાતા, એ તો તમને આવતાં અંકે કહીશ !

પણ દેવ આનંદ સાથે મઘુ આવે, એટલે બારે મહિનાનો ગુસ્સો ઉતરી જાય. કોઇ ફાલતુ નિર્માતા-દિગ્દર્શકોથી બનેલી આ ઘણી સારી ફિલ્મ ‘શરાબી’ જેટલી કોઇ યાદ રહી ગઇ છે આપણને બધાને, એના દિલડોલ સંગીતને કારણે, પણ એ તો સાંભળવાના કામમાં આવે, બાકી જોવા માટે ય આ બન્ને સાથે હોય તો ખર્ચો ખોટો નહિ ! સુઉં કિયો છો ? એમાં ય, દેવ આનંદ તો પાછો ગરીબ શરાબી બતાવ્યો છે, એટલે પહેરી પહેરીને કેવા કપડાં પહેરે ? શૂટ-બૂટ તો હોય નહિ ! અને છતાં ય, કપડાંની પસંદગીમાં ય એની એક સ્ટાઇલ હતી. આજે તો હસવું આવે એ જમાનાના પહોળા-પહોળા પાટલૂનો, ને એની ઉપર કાળો પટ્‌ટો, શૂઝ પહેર્યા હોય તો ય પાટલૂન જમીનને કદી ન અડે ને હીરો સારા ઘરનો બતાવવાનો હોય તો, આડી લિટીઓ કે ચોકડાંવાળું શર્ટ, જે દુનિયાભરના ગમે તે રંગો છાંટીને પહેર્યું હોય, દેખાવાનું તો બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ જ.

ઓહ યસ. એ દિવસોમાં તો હજી આ ધરમદેવ પિશોરીમલ આનંદમાં ટૅબલ-ફૅનની માફક ડોકી ધુમાય-ધુમાય કરવાની કે આંખો ઝીણી કરવાની ‘સ્ટાઇલો’ આવી નહોતી ને દિલીપકુમાર અને રાજકુમારની જેમ શર્ટના ગળા અને હાથના કાંડા સુધીના શર્ટ દેવ આનંદની હબખે ચઢ્‌યા હજી નહોતા. એટલે ક્યાંક તો એ સફેદ લેંઘા-ઝભ્ભામાં ય દેખાણો છે.

મઘુબાલાને બહુ સિમ્પલ બતાવી છે, એ પ્રમાણમાં પૈસાદાર બાપની ‘‘ઇકલૌતી બેટી’’ હોવા છતાં ! પણ એના મુક્ત સ્માઇલોના હૂલ્લડો અહીં પણ ફાટી નીકળ્યા છે. દેવ આનંદના ખાલી જગ્યાવાળા દાંત અને મઘુનું હજાર રૂપિયે સૅન્ટીમીટરવાળું ખડખડાટ હાસ્ય.... મોંઘવારી બહુ વધી ગઇ કહેવાય, નહિ ?

આ કપડાં-ફપડાંના વર્ણનો વાંચીને કેટલાકને ઝાટકા વાગી શકે કે, ફિલ્મોના પરિચય-લેખોમાં બહુ બહુ તો ફિલ્મોના અવલોકન કરો, ઍક્ટિંગની વાતો કરો.... આ બઘું શું કે, દેવ આનંદની ચાલ કેવી હતી કે કપડાં કેવા પહેરતો હતો ! એ શૅક્સપિરિયન વાચકોને એટલું જ કહેવાનું કે, આ કૉલમ ‘ફિલ્મ ઇન્ડિયા’માં ઘ્યાન એ વાતનું રખાય છે કે, એ ’૫૦ કે ’૬૦-ના દાયકાઓમાં આપણી ફૂલગુલાબી જુવાનીઓમાં આપણે ફિલ્મો ક્યા ઍન્ગલથી જોતા હતા ! એ વખતે ‘કોરિયોગ્રાફી’ શબ્દ ય સાંભળ્યો નહતો, એટલે ‘નાચગાના’ બોલી નાંખતા. ‘સન-ઍન્ડ-સૅન્ડ’ જેવી હોટલમાં હીરો જાય તો ત્યાં કેવા કપડાં પહેરાય કે ઝાડ ભલે થોરનું હોય, એની બાજુમાં હીરોઇનને બેસાડ્યા પછી આપણે કેવા પોશ્ચરમાં બેસાય ને શું શું બોલાય ને શું ના બોલાય, એ બઘું શીખવાની ઉંમરો હતી. આજે પણ આપણા હરએકમાં ક્યાંક ને ક્યાંક ભલે બુઢ્‌ઢો તો બુઢ્‌ઢો રાજેન્દ્રકુમાર પડ્યો છે, દિલીપકુમાર પડ્યો છે કે શશી કપૂર પડ્યો છે... કે ચલો ભ’ઇ, એક જમાનામાં કોઇ આપણને ડાબી બાજુથી થોડા દૂરથી જુએ, તો ક્યાંક આપણો કાન શમ્મી કપૂર જેવો ને ખભા દેવ આનંદ જેવા લાગતા હતા. આ ફિલ્મ ‘શરાબી’માં દેવ આનંદ ‘જાઓજી જાઓ, દેખે હૈં બડે...’  એ આશા-રફીના યુગલ ગીતમાં આડી લાઈનોવાળું બહુ સુંદર શર્ટ પહેરે છે, તે મને આજે ય સિવડાવી લેવાનું મન થયું છે... આ પ્રભાવ હતો, મારી ઉંમરના એ દિવસોના જુવાનો ઉપર એ લોકોનો, માટે એવા સંસ્મરણોની વાતો પણ આ કૉલમમાં લખીએ છીએ. મને દેવ આનંદ વધારે ગમે એનું એક કારણ એ પણ ખરૂં કે, મારા સ્વર્ગસ્થ પિતા અને દેવ આનંદ બિલકુલ સરખી ઉંમરના....! કાકા માટે અહોભાવ હજી એટલા માટે થાય કે, આજે એને જન્મે ૩૨,૧૯૬-દિવસો (૮૮.૧૭ વર્ષો) પછી પણ એણે પોતે જુવાની છોડી નથી. પૉઝિટિવ થિન્કિંગનો એ સ્માર્ટ વિદ્યાર્થી છે.

એક ઍક્ટર તરીકે કમનસીબે ‘હરે રામા હરે ક્રિશ્ના’ પછી એણે પોતે એનું સત્વ ખોઇ નાંખ્યું, પણ આપણા જમાનાની એ બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં એની અભિનયક્ષમતા પણ કોઇનાથી ઉતરતી નહોતી, એનો પરમ દાખલો આ ફિલ્મ ‘શરાબી’માં જોવા મળશે. ફિલ્મ તો બહુ સરસ છે, પણ અદાકાર તરીકે દેવ પૂરો ખીલ્યો છે.

કેશવ (દેવ) અને કમલા (મઘુ) વચ્ચે પ્રેમ હોવા છતાં-બન્નેના અનુક્રમે માતા (લલિતા પવાર) અને પિતા (બદ્રીપ્રસાદ) રાજી હોવા છતાં લગ્ન એટલા માટે રોકાઇ ગયા હતા કે, કેશવ ગરીબ હોવા છતાં રોજ ચિક્કાર ઢીંચતો હતો અને છોડવાનું નામ લેતો નહતો. એમાં ને એમાં બાપ ગૂજરી ગયા, ત્યારે માતાના આક્રોશ સામે નમતું જોખીને એણે શરાબ નહિ પીવાની પ્રતિજ્ઞા લીધી. એ સાચ્ચે જ આવી પ્રતિજ્ઞા પાળી બતાવે, તો જ દીકરીનો હાથ કેશવના હાથમાં આપવાની કમલાના પપ્પાની જીદ. કમનસીબે, દરેક શરાબીઓને થાય છે તેમ, એકવાર છોડ્યા પછી બીજો ઝટકો આવતો જ હોય છે, તેમ કેશવ પણ અકસ્માતે ફરી શરાબી બની જાય છે પણ એ ભૂલનો એહસાસ થતા ફરી નહિ પીવાની નવી પ્રતિજ્ઞા પણ લઇ લે છે.

૨૦મી ફેબ્રુઆરી, ૧૯૫૮-ના રોજ બન્નેના લગ્નની તારીખ નક્કી થાય છે, પણ દારૂડીયા દોસ્ત શંકર (રાધાકિશન)ની અસરમાં કેશવ ફરી પાછો પીવા ઉપર ચઢી જતા ૧૬ ફેબ્રુઆરી, ૧૯૫૮-ના રોજ મઘુબાલાના ફાધર આ મૅરેજ ફક્ત ફોક જ નથી કરાવતા, મરતા પહેલા મઘુ પાસેથી પ્રોમિસ લઈ લે છે કે, એણે દેવ સિવાય ગમે તે આલીયા-માલીયા સાથે પરણવાનું.... (... એમ કરતા ય ડોહો શ્વાસ છોડતો હોય તો ભલે, કહીને!) મઘુ પિતા કી આજ્ઞા સ્વીકારી લે છે. આ બઘું જાણ્યા પછી દેવને મોટો આઘાત લાગતા નવેસરથી પીવાનું બહાનું મળી જાય છે ને ચિક્કાર પીવા માંડે છે. ફિલ્મ પૂરી થતા સુધીમાં તો દેવ સુધરવાનો જ છે, એટલી મઘુબાલાને ખબર એટલે પોતાનો આલિશાન બંગલો છોડીને દેવના ગરીબ મકાનમાં રહેવા જ આવી જાય છે. દેવ તો એને સ્વીકારતો નથી કે, પહેલા મને શું કામ છોડ્યો હતો ? છેવટે શરાબના નશામાં, જ્યાં દેવ નોકરી કરતો હતો તે કોલસાની ખાણમાં એની ભૂલથી મોટો બ્લાસ્ટ થાય છે ને ઘણા મજૂરો મરી જાય છે અને મજૂરણ તરીકે કામ કરતી તેની માં (લલિતા પવાર) પણ બન્ને પગ ગૂમાવી દે છે. પસ્તાવો અને પિક્ચર પૂરૂં. જૂની ફિલ્મોના શોખિનો માટે એ જમાનાના મશહૂર કૉમેડીયન/વિલન રાધાકિશન બહુ પ્રેમભર્યું નામ છે. ‘રામરામરામ...’ એનો તકીયા-કલામ. દેવનો માનીતો હોવાથી એની સાથે કોઇ ૪-૫ ફિલ્મોમાં આવ્યો હતો. રાધાકિશને એના બિલ્ડિંગની અગાસી ઉપર ચઢીને નીચે પડીને આત્મહત્યા કરી હતી... કેમ કરી હતી, તે બહાર આવ્યું નહિ.

આ ફિલ્મનું નામ ‘શરાબી,’ એટલે ડાયરેક્ટરે કોઇ સમજી વિચારીને જ ફિલ્મના ગીત-સંગીત અસલી જીંદગીના મશહૂર શરાબીઓ રાજેન્દ્ર કૃષ્ણ અને મદન મોહનને પીતા-પીતા સંગીત બનાવવાનું કામ સોંપ્યું. ગીતો એવા મઘુરા બન્યા છે કે, અહીં ચર્ચા તમારા ઉપર છોડીએ છીએ કે, બન્ને પીતા હતા માટે આટલું સુંદર કામ કર્યું કે, ‘છતાં’ આટલું સરસ સંગીત આપ્યું ? આપણે જવાબમાં ‘છતાં’ જ રાખવું પડશે કારણ કે, ફિલ્મનો હીરો દેવ આનંદ પોતે દારૂ પીતો નહતો. હજી બીજા ૫૦-વર્ષ સુધી યાદ રહી જાય એવા રફી સાહેબના આ ફિલ્મના ગીતો, પણ એ કદી પીતા નહોતા... છતાં, રફી સાહેબના કેવા ઉત્તમોત્તમ ગીતો બન્યા છે ! દેવ આનંદ અને રફી સાહેબ-બન્નેના ચાહકો માટે દુઃખની વાત એ છે કે, છેલ્લે છેલ્લે બન્ને વચ્ચે કોઈ મોટું મનદુઃખ થયું હતુ, તે શું હતું, તે કદી બહાર આવ્યું નહિ. એક ક્લીયર છે કે, ફિલ્મઇન્ડસ્ટ્રીમાં આ બે માણસો પરફૅક્ટ જૅન્ટલમૅનની છાપ ધરાવે છે. બેમાંથી કોઇ એકબીજા માટે નબળું કદી ય બોલ્યા નથી, પણ ફરિયાદ દેવ માટે કરવી જ પડે કે, એની આત્મકથામાં કૂતરાં-બિલાડા બધા માટે લખ્યું છે પણ મુહમ્મદ રફી સાહેબનો એકપણ વખત નામોલ્લેખ પણ નથી. બન્ને વચ્ચે વિવાદ ગમે તે હોઇ શકે, એક પ્રોફેશનલ તરીકે સ્વીકારવું તો પડે જ કે, મોટા ભાગના ઉત્તમોત્તમ ગીતો રફીએ ગાયા છે, તેમને આવી રીતે નીગ્લૅક્ટ કેવી રીતે કરી શકો ? 

No comments: