Search This Blog

07/12/2011

રૂઠે રૂઠે પિયા, મનાઉં કૈસે...?

બહુ ઓછા નસીબદારો હોય છે, જેમની વાઈફો રીસાઈ જાય ને એમને પાછી મનાવવા જવું પડે. ઘણાની તો રિસાતી જ નથી, એમાં એ અભાગિયાઓને બીજાની વાઈફો મનાવવા જવાના કપરા દહાડા આવે છે. શું થાય ? વ્યવહારમાં રહેવું તો પડે...!

રૂઠેલી પત્નીને મનાવી લાવવાની બઘું મળીને ૩૩૨-ટ્રીકો જ જાણવામાં આવી છે. એમાંની મોટા ભાગની તો જાહેરમાં વાપરી શકાય એવી હોતી નથી. બા ખીજાય, એવું કોઈ કામ ઘરમાં બધાના દેખતા નહિ કરવાનું. અમે લોકો નાના હતા ત્યારે મોટી વાઈફોને ગલીપચી કરીને મનાવતા. એમાં એ હસી પડે ને આપણને, કોઈને ઉલ્લુ બનાવ્યાનો મનમાં સંતોષ થાય. (આ વાક્યમાં વપરાયેલા બહુવચનનો પૂરો અર્થ તો અમને ય ખબર પડે એમ નથી !... પણ ટૂંકમાં પતાવો ને, ભ’ઈ.. કે, અમે આવી ગલીપચીઓ બહુ કરતા... બસ !)

વાઈફે-વાઈફે મનાવવાના ધોરણો અલગ હોય છે. મોટા ભાગના કેસોમાં ગોરધનો લટુડા-પટુડા કરતા હોય છે. આવા ગોરધનો વાઈફોને મનાવતી વખતે એમના નામો અડધા કરી નાંખે છે. વાઈફ રીસાય, એનો પહેલો ફટકો એના નામને પડે છે. કેટલાક પતિઓ વાઈફના નામની સ્ત્રી-જાતિની નાન્યતર જાતિ કરી નાંખે છે. શિલ્પાનું ‘શિલ્પુ’, કાદમ્બરીનું ‘કાદુ’, ફાલ્ગુનીનું ‘ફાલુ’, કાજલનું ‘કાજુ’... પણ ગળામાંથી ઘચરકા કઢાવે, એવા ય કેટલાક નામોની આ ગોરધનો ‘હિયે.. બ્બા’ કરી નાંખે છે.. ‘પાર્શ્વી’ને તમે ‘પશુ’ કહીને બોલાવો, એ સારું લાગે ? ભલે મહીં ગમ્મે તેટલો લાડ સમાયો હોય.. ! આ તો એક વાત થાય છે. એક દોસ્તની ધર્મપત્નીનું નામ ‘ગાયત્રી’ છે.

‘ગાયુ... એ ગાયુ.. ગાયુઉઉઉ..! ચલ હવે જરી સામું જો.’ રબારી ગાયને રોટલી નાંખવા આવ્યો હોય એમ મોંઢેથી ડચકારો બોલાવીને હજી એક વાર બોલશે, ‘ગાયુ..ઉઉઉ !’ અહીં છેલ્લા ‘યુ’ની પાછળ ‘ઉઉઉઉ’ કેટલું લંબાવો છો, એની ઉપર આની લાચારી ને પેલીની હઠનો આધાર હોય છે. સામે પેલી ય ઓછી ન હોય. એણે ‘આદિત્ય’નું ‘આદુ’ કરી નાંખ્યું છે.

‘પહેલા મારા ખભેથી હાથ લઈ લે, આદુ...’ આવું ગાયુ બોલે, એના જવાબમાં ખભો વધારે દબાવવાનો... જાણે માલિશ-મસાજવાળો આયો હોય, એમ કચડ-કચડ-કચડ ખભો દબાવે રાખવાનો ! ગાયુને મજા પડતી હોય એટલે એ ના નહિ પાડે, એમાં અડધો જંગ તો તમારા ખભે જ જીતી લીધો કહેવાશે. ખભો દબાવવામાં એક ફાયદો પણ મળી રહે છે કે, આમ પ્રેમાળ હાથોથી એનો ખભો દબાવતા રહેવાનું હોય, પણ સેવા કરવાના નામે વચમાં એક મોટો ઝાટકો એવો મારી દેવાનો કે, જૂની બધી દાઝો કાઢી નંખાય...! ભલે ને નાનકડી ચીસ પાડીને, ‘ઓય વોય... મારી નાંખી મને...’ બોલતી ! એની પાસે આટલી ચીસો ય પડાવી શકો તો, અંદર બેઠેલા આપણા બા ય ખુશ થાય ! સુઉં કિયો છો ?

વાઈફો રીસાય ત્યારે ખભો દબાવવો કે ગળું, એ વિશે રાજકોટ અને જામનગર જેવા શહેરોમાં બહુ મોટા મતભેદો પ્રવર્તે છે. જો કે, રાજકોટ બાજુની વાઈફોઝ પોતાનું ગળું કોઈને દબાવવા દેતી નથી. એ એમના ગોરધનના ગળાં મચડી નાંખવા માટે મુલ્ક-મશહૂર છે. ‘.... તિયાંની વાઈફું કોઈ ’દિ રીસાય નંઈ... વરૂંને ઝીંઝોટી જ નાંખે !’ (‘વરૂં’ એટલે ‘વર’નું બહુવચન)

ગુજરાતની અસ્મિતા અને પરંપરામાં માનતા કેટલાક હસબન્ડોઝ વાઈફોઝને મનાવવા માટે સુસંસ્કૃત પદ્ધતિઓ અપનાવે છે, જેમાં બારી પાસે અદબ વાળીને ઊભા રહીને પ્રસંગોચિત કવિતા બોલવી અથવા ધીમા અવાજે જૂની ફિલ્મનું કોઈ ગીત ગાવું. પણ, ‘મને પૈણનાર તો કવિ મૂવો છે...’ એવી અત્યાર સુધી છુપાવી રાખનાર બાતમી અચાનક ફૂટી જાય, તો અક્કલવાળી કઈ ધર્મપત્ની આવા કવિ-પતિ પાસે બે ઘડી ય ટકવાની છે ? ભાવિ પતિઓ, યાદ રાખો... કવિતા-ગઝલનો ઉપયોગ અનવૉન્ટેડ માણસોને ઘરમાંથી હાંકી કાઢવા માટે થાય છે... રીસાઈ ગયા પછી મનાવવા માટે આવો ઉપયોગ કરો તો કવિ-પતિને છોડીને પેલી પુરી-પકોડીવાળાના ઘરમાં જઈને બેસશે, પણ અહીં પાછી નહિ આવે ! લગ્ન પછી હંમેશા અક્કલથી કામ લેવાનું હોય, કવિતાથી નહિ ! હવે બોલો.. સુઉં કિયો છો ?

પત્ની રીસાઈ હોય તો વળતા હૂમલા પેટે સામે આપણે પણ રીસાઈ બતાવવું, એવા બા-વેડા કેટલાક પતિઓ કરતા હોય છે. અફ કોર્સ, આમાં સફળતાની થોડી થોડી ગેરન્ટી બેશક હોય છે કે, કંટાળીને પેલી ય પાછી આવે ને સીધી થઈ જાય ! પણ યે કોઈ મર્દોવાલી બાત નહિ હૈ, છગનજી ! એ ન ભૂલો કે, આપણે પુરૂષો છીએ ને આપણે બ્લેક-મેઈલિંગને બદલે બુદ્ધિ વાપરી શકીએ તેમ છીએ. અરે, રીસાતી હોય તો હમણાં કહું એમ એની... (જવા દો... હું જરા ગુસ્સામાં આવી ગયો !) પણ વાઈફ સામે ‘ઝૂકને કા નહિ... ટટ્ટાર રહેના કા...!’ એવી થીયરી તાજા પરણેલાઓ કેટલાક કિસ્સાઓમાં લેતા હોય છે, પણ આખરે બે-ચાર દહાડામાં એ લોકો ય સીધા થઈ જાય છે. પત્ની પાસેના એક અમૂલ્ય શસ્ત્રથી દુનિયાભરના ગોરધનો લાચાર છે, નિઃસહાય છે, તૂટી ગયેલા છે... બે જ દહાડા વાઈફો એની પાસે ફરજીયાત ઉપવાસ ખેંચાવે, એમાં તો ‘તારી ગાય છું, બા !’ કહીને આખુડો ચાર પગે હાઈલો આવે..! ભલભલા મરદો આંઈ માર ખાઈ જાય છે ! (માટે કહીએ છીએ... પડોસ-બડોસમાં સંબંધો સાચવો... આવું થાય તો કોઈ ’દિ કામ આવે !)

રીસાતા અને મનાવતા આવડવું, એ પણ અનેક વર્ષોની સાધના માંગી લેતું કામ છે. બધાને કાંઈ ન આવડે. ઘણા ગોરધનોને હરખું મનાવતા ન આવડે, એમાં પેલી મુદતો પાડતી જાય છે ને કૅસ લાંબો ચાલે છે. તો ઉત્તર ગુજરાત બાજુના કેટલાક હસબન્ડોઝ વાઈફને મનાવે છે કે બીવડાવે છે, એ ખબર ન પડે.

‘જો મૂઈ સઈતા... ’ (એ બાજુ સવિતા કોઈ ન બોલે !... અને ‘સવિતા’, ‘શાન્તા’ ને ‘કાન્તા’થી સારા નામો હજી ય નથી પડતા ! કઉં છું એ હોંભર... તારી બા તારા બાપા પાહે આવા જ ડાચા ચઢાવતી’તી...? હું તારા બાપાની જગાએ હઉં, તો તારી બાનું મોઢું મઈડી નોંખું, હમજી ?’ બેઠેલા વાઘનું જડબું ફાડી નાંખે એવી કદાવર ઉત્તર ગુજરાત બાજુની પટલાણીઓ એમના ગોરધનો પાસે ઇયળ જેવી નરમ થઈ જાય છે. ગુજરાતનો એક આ જ પટ્ટો એવો છે, જ્યાં ઘરમાં ગોરધનોનું જ ચાલે, વાઈફોનું નહિ ! પટેલો રીસાયેલી વાઈફોને હિંચકે ઝૂલાવી, કિચનમાંથી દૂધનો ગ્લાસ લઈ આવીને શુષ્ટુ-શુષ્ટુ મનામણા ન કરે... જરૂર પડે, ભોડામોં એક મ્હેલી દે, એ તો... હઓ ! બ્રાહ્મણ હસબન્ડોઝ ગઠીયા હોય છે-બહાર ક્યાંક કાળું-ધોળું કરી લાયા હોય, એમાં પકડાઈ જાય, પણ વાઈફને ઉલ્લુ બનાવવામાં જરા બી પકડાય નહિ. પત્નીને મામુ બનાવતી વખતે રૂપિયાનો ય ખર્ચો ન થાય, એનું ઘ્યાન રાખે. મનાવવાના ચાર્જરૂપે કંઈક લાવી આપવાની બેવકૂફી બ્રાહ્મણો ન કરે. સૌથી વધારે ફાવી ગયા છે, જૈન ગોરધનો..... એમનાથી રીસાઈને જૈન-વાઈફો કોઈ કાંદા કાઢી શકતી નથી... (ક્ષમા, અહીં ‘કાંદા’ શબ્દને બદલે ‘ખાખરા’ શબ્દ વાંચવો.) પેલી મોંઢા ચઢાઈને બેઠી હોય ને પેલો સાંજે ઘેર આવે ત્યાં સુધીમાં ‘ચોવિયાર’નો ટાઈમ થઈ ગયો હોય, એટલે ડિક્કો-ડમ્મ...! બઘું સવાર ઉપર જાય !

જો કે, બધી વાઈફો એવી નસીબદાર નથી હોતી કે, ક્યારેક રીસાઈ જવાની લક્ઝરી મળે. એને તો પૈણ્યા ત્યારથી જ મોંઢુ ચઢેલો ગોરધન મળ્યો હોય છે ને પ્યાલા-બરણીવાળા ય એને લઈને તપેલી-બપેલી આલે એમ ન હોય ! અનેક વાઈફોની વેદનાભરી દાસ્તાન હોય છે કે, ‘લોકોને તો કેવા સ્માર્ટ અને હસમુખ હસબન્ડો મળ્યા હોય છે ! એમની જ નહિ, બીજાની વાઈફોને પણ ધમધોકાર હસાવતા હોય ! ને આ અમારાવાલો સીરિયસળો સીરિયસ જ, સાલો ! વાત વાતમાં ગુસ્સે થઈ જાય ને વાત વાતમાં મોંઢા ચઢાઈને બેઠો હોય !’

કહે છે કે, આવા ઢીલીયા-પોચીયા પતિદેવોની વાઈફો સત્યવાન-સાવિત્રીની વાતો સાંભળતા જ લાલચોળ થઈ જાય છે... વટ-સાવિત્રીના વ્રતો એ પડોસમાં જઈને કરી આવે છે ને, આનો આ જ વર મને સાતે ય જનમ મળજો, એવી કોઈ વાત કાઢે તો એના ગળે આ.... મોટ્ટું બચકું ભરી લે છે, બોલો !

ભાઈઓ... એ જે હોય તે... જવાબ મનમાં આપજો... તમે આની આ જ વાઈફ સાત જનમ સુધી ચલાવવા માંગો છો ?

સિક્સર

– આ મેરેજ–સીઝનમાં ખાલી ચાંદલાના જ બધું મળીને દસ હજાર થયા, એવા જીવો લોકો બાળતા હોય છે...!
– સામે ૨૦–હજારનું ઝાપટી આયા છો, એ કોઇને યાદ આવતું નથી !

1 comment:

Anonymous said...

excellent............