Search This Blog

08/12/2011

મારા જીવનની ત્રણ ભૂલો

ચિત્રલેખા દિવાળી અંક 2011માં પ્રગટ થયેલો હાસ્યલેખ.


ભૂલ કરવી એ નૉર્મલ માણસનું લક્ષણ છે. ( અથવા તો માણસનું નૉર્મલ લક્ષણ છે.) પણ ભૂલ કબૂલ કરવી એ ડોબાઓનું કામ છે.

આ મહાન નિરીક્ષણને તમે હવે પછી અશોક દવેજીના ક્વોટ તરીકે ઉપયોગ કરી શકશો. રસ્તે ચાલતાં ઠેસ વાગે એ પણ પ્રકાર ભૂલનો જ છે. પણ... જરા જોઇને ચાલતા હો તો...! એવી ઘટનાસ્થળે જ કોઇ સલાહ આપી દે ત્યારે, વાગી એને ઠેસ ન કહેવાય, યોગ કહેવાય અથવા તો જોવામાં ભૂલ તમારી થઇ છે... ચાલવામાં મારી નહીં... મને કોઇ ઠેસ વાગી નથી એવું વગર પુરાવે સાબિત કરી શકો તો તમે જિનિયસ કહેવાવો...!

આવા ઘણા જિનિયસો દિલ્હીની તિહાર જેલમાં છે.

મતલબ સાફ છે. હું ય આ જ દેશનું સંતાન છું. આજુબાજુ જે જોયું એવા સંસ્કાર મારા પર પડ્યા છે. સાઠે પહોંચવા આવ્યો છું. પણ મને યાદ નથી આજ સુધી મે એકેય ભૂલ કબૂલી હોય ! કઠિન કામ અમથાંય મને ફાવતાં નથી. મેં આજ સુધી બાકાયદા એકેય ભૂલ કરી નથી અને ચિત્રલેખા મારી પાસે મારા જ જીવનની ત્રણ જેટલી માતબર સંખ્યામાં ભૂલ કબૂલાવવા ચાહે તો સ્વાભાવિક છે હું બદમાસીઓ પર ઊતરી આવવાનો છું.

અફ કોર્સ, બીજા કોઇએ કરેલી ભૂલો વિશે મને પૂછો... આવા ૫૦ દિવાળી અંકોમાં આપણો લેખ પાકો ! જો કે ચિત્રલેખામાં તો વગર ગુને મારી ત્રણ–ત્રણ ભૂલ કબૂલવાની છે તો એવી સફાઇથી મારી ભૂલો વિશે વાત કરીશ કે વાચકના જીવો બળી જાય કે અગર આને જો ભૂલ કહેવાતી હોય તો અલ્લાહ કસમ... આપણે બી આવી ભૂલો કરવા તૈયાર છીએ.

મારી પહેલી ભૂલ...
૧૯૬૯માં મારી પહેલી સગાઇ નાયરોબીની એક છોકરી સાથે જામનગરમાં થયેલી. ઉંમર હશે એકઝેક્ટ ૧૭ વર્ષ. મારા કરતાં એ એક વર્ષ મોટી હતી. ( અક્કલમાંય... એટલે જ મને પસંદ કર્યો હોયને ? ) તમે સમજી શકો છો કે ૧૭ વર્ષની કુમળી વયે એક માસૂમ યુવાન પાસે પ્રેમના સંદર્ભમાં કેટલી અપેક્ષાઓ રાખી શકો?

આ હું તમને નથી પૂછતો... પેલીને મેં આવું પૂછ્યું હતું. કારણ કે અનુભવ–અનુભવો અભાવે મને સ્પેલિંગની ભૂલો વગરનું આઇ લવ યુ કહેતાંય નહોતું આવડતું. એ અકળાતી હતી તો મેં સાંત્વન આપ્યું કે હજી ‘આઈ લવ યુ’ પર મારો હાથ બેઠો નથી તો થોડો સમય આપ... બહાર થોડો અનુભવ લઇ આવું ને પછી તને એકલીને ‘આઇ લવ યુ’ કહીશ.

આપણા મનમાં કોઇ પાપ નહીં એટલે એ ખાસ કાંઇ બોલી તો નહીં, પણ લાઇફનું પહેલું ચુંબન કરવાનું આવ્યું (લાઇફનું પહેલું એટલે એની લાઇફનું... મારી લાઇફ વિશે મને આધારભૂત જાણકારી નહોતી !) ત્યારનો સમો વાચકોએ નોંધી રાખવા જેવો છે કે પ્રથમ ચુંબનની વેળાએ આજુબાજુ કેવી હવાઓ ચાલતી હોવી જોઇએ (ખાતરના કારખાનાની બહાર જગ્યા સારી મળી ગઇ હોય તો ય ત્યાં પહેલું ચુંબન ના કરાય... બા ખિજાય !), ઝાડપાન કેવાં ફરફર કરતાં હોવાં જોઇએ, અંધારું માફકસરનું કેટલું હોવું જોઇએ એથી સામે છેડે તમને એના હોઠ શોધવામાં તકલીફ ન પડે (ઘણાને તો આવા ટેન્શનમાં પેલીનું મોઢુંય મળતું નથી હોતું !) અને ખાસ તો... પ્રથમ ચુંબનના ચૌદ કલાક પહેલાં ખાવા – પીવાનું ધ્યાન રાખવું જોઇએ. આપણું મોઢું અને ખાતરના કારખાનામાંથી આવતી ગંધ એકસરખી ન હોવી જોઇએ...!

અમે પરફેક્ટ સ્થાને હતાં. લાખોટા તળાવની પાળે ગોવાળની મસ્જિદની બાજુના સમરત સદનની ટેરેસ પર મારા મોસાળમાં આ તખ્તો ગોઠવાયો હતો. ૧૭ વર્ષની ઉંમરે પહેલી વાર આવું કરવાનું આવે તો છોકરું કેવું હેબતાઇ જાય? અફ કોર્સ, મારો ઇરાદો ચુંબન કરવાનો હતો, પણ એમ કાંઈ ચુંબનો રસ્તે પડ્યા છે... ખાસ કરીને પહેલી વારનાં? હું હેબતાતો જતો હતો ને એ ટેન્શનમાં આવતી હતી કે આને કાંઈ આવડતું–બાવડતું લાગતું નથી...! સામે આપણેય નિખાલસ. મેં પણ કહી દીધું :

‘મને પણ આવડતું નથી.’

પછી તો... વો હી હુઆ જો હોના થા... બધું પતી ગયા પછી મારા ચહેરા પર વિજયનો ભાવ અને પેલી તો હેબતાઈ ગઇ કે આ તો ના પાડતો’તો કે એને કશું આવડતું નથી... ને એણે કરી બતાવ્યું. એ તો વર્લ્ડ બેસ્ટ ચુંબનનોના વર્ગમાં મૂકી શકાય એટલું પરફેક્ટ હતું. આઘાત તો મનેય એટલો જ લાગ્યો હતો કે મારાથી પહેલા બૉલે સિક્સર વાગી કેવી રીતે ગઇ ?!

અહીં જીવનની પહેલી ભૂલ કરી. બસ, આનંદ ઉપરાંત પહેલો જંગ જીતવાના ઉન્માદમાં મારાથી પ્રતિજ્ઞા લેવાઇ ગઇ કે હવે પછી જીવનમાં આવું ચુંબન બીજી કોઇને નહીં કરું... ઈતિહાસ રોજેરોજ બનાવવાના ન હોય !

ફિર ક્યા... ? કો’ક કારણસર સગાઇ તૂટી ગઈ અને મારે બીજી સાથે સગાઈ કરવી પડી. બીજી ઈનિંગ્સમાં પણ પેલી પ્રતિજ્ઞા પાળવી તો પડે...! એ પ્રતિજ્ઞા પાળીને અધમૂવો થઇ ગયો... આ તો સારું છે કે આપણી પાસે નવી પ્રતિજ્ઞાઓનો જથ્થો વિપુલ પ્રમાણમાં પડ્યો હોય એટલે પહેલી વાળી પ્રતિજ્ઞા લૂંછી નાંખી ને નવી શરૂ કરી કે હવે પછી કોઇને ના ન પાડવી !

મારી બીજી ભૂલ...
આ બીજી ભૂલમાં કૉમેડી કરતાં કરુણા વધારે હતી.

અમદાવાદના એક જાણીતા અખબારમાં પત્રકાર તરીકે મારી નોકરી નાઈટની. જુવાની ધગધગતી અને હાસ્યલેખક તરીકે મારું ફૅન–ફોલોઈંગ પણ મોટું હોય એવું ધારીને મારી સાથેના એક રોમાન્ટિક (હાલ સ્વર્ગસ્થ) પત્રકાર રોજ મને ઉશ્કેરતા રહે : ‘દાદુ... તમને તો ઘણી બધી છોકરીઓ ઓળખે. એકાદી સાથે આપણો પરિચય કરાવોને !’

મેં મજાક ખાતર કાગળ પર એને ત્યાં ને ત્યાં ઉપજાવી કાઢેલા ૮–૧૦ ટેલિફોન નંબરો લખી નાખ્યા કે જાઓ રાજ્જા... લહેર કરો.

માત્ર મજાક ખાતર કરેલી આ ભૂલ મને બહુ મોંઘી પડી. 

ઘેર જઇને એણે તો બધાં ચકરડાં ઘુમાવી જોયાં ને બીજા દિવસે ખુશ થતો મારી પાસે આવ્યો : ‘થેન્ક યુ, દાદુ... થેન્ક યુ... મારું કામ બની ગયું... તમે આપેલા નંબરો પરથી એક મળી ગઈ.... મસ્ત મસ્ત !’

હવે હું ચમકી ગયો કે આ ડોબો તો સાચું માની ગયો છે એટલે ખિજાઈને સ્પષ્ટતા કરી દીધી કે ભ’ઇ... આ તો બધા ખોટા નંબરો મેં તને મજાક ખાતર આપેલા... આમાંની કોઇને હું ઓળખતો નથી... ! બંધ કરી દે આ બધું... ક્યાંક ભરાઇ જઈશ તો મરી રહીશ...!

એણે નફ્ફટાઇથી જવાબ આપ્યો : ‘કોઇ વાંધો નહીં... મને ય ખબર હતી કે તમે મને ઉલ્લુ બનાવો છો ને નંબરો ખોટા આપ્યા છે, પણ એ મજાકમાંય મારું કામ થઇ ગયું, બૉસ... થેન્ક યુ.’

આ બાજુ જેને એ નંબર લાગ્યો હતો એ અમદાવાદના એક કવિ–પ્રોફેસરની વાઇફ હતી. આણે શરૂઆતથી જ રોમાન્ટિક અને અભદ્ર ભાષામાં પોતાના અરમાનો કહેવા માંડ્યાં. પેલાં બહેન ડરી તો ગયાં, પણ સ્વસ્થતા રાખીને એ વખતે હાએ હા કરીને બીજે દિવસે ફરી ફોન કરવાનું ઇજન આપ્યું અને પોતાના પતિને બધી વાત કરી દીધી. પ્રોફેસરે ઠંડે કલેજે પોતાના મિત્રોને વાત કરી ને બીજે દિવસે સવારે વાસણા બસ–સ્ટૅન્ડ પર ભાઇને બોલાવવા પત્નીને જણાવ્યું. ગુપ્તવેશે પોલીસો અને મારઝૂડ કરી શકે એવા થોડા યાર–દોસ્તોને પણ બોલાવ્યા. હજી બન્નેએ એકબીજાને જોયાં તો નહોતાં, પણ ફોનમાં વર્ણનોની આપ–લે થઇ હતી એ મુજબ બહેને લાલ સાડી પહેરીને બસ–સ્ટૅન્ડ પર આવવાનું હતું અને આ ભાઇએ પોતાના વર્ણનમાં ઝભ્ભો–લેંઘો, કાળાં ચશ્માં, ટૂંકા સફેદ–કાળા મિક્સ વાળ અને થોડી ફાંદ જણાવી હતી.

છટકું પૂરું ગોઠવાઇ ગયું હતું. શાર્પ ટાઇમે રિક્ષામાં ભાઇ આવ્યા. બન્નેએ એકબીજાને જોયા. ખબર પણ પડી ગઇ કે આપણી પાર્ટી આ જ છે. હવે અહીં ભૂલ એ થઇ ગઇ કે આજુબાજુ પોતાના માણસો છે કે નહીં એની ખાતરી કરવા બહેનજીએ જોયું એમા પેલાને શંકા પડી અને કાચી સેકન્ડમાં એ જ રિક્ષામાં પલાયન થઇ ગયો.

પ્લૉટ નિષ્ફળ ગયો. ઘવાઇને એણે પેલાં બહેનને ફોન કર્યો ને ખખડાવ્યાં : આવા છટકાં ગોઠવીને મને બોલાયો’તો... ? સામે પેલાં બહેને યોજના મુજબ સામો ગુસ્સો કર્યો : 

‘ઓ માય ગૉડ... તો રિક્ષામાંથી ઊતર્યા એ તમે જ મારા દેવ હતાં... ?  જાઓ, હવે મારી સાથે તો બોલશો જ નહીં... એક તો હું મારા પતિને દગો કરીને તમને મળવા આવી ને તમને એટલો વિશ્વાસ પણ ન આવ્યો ? હવે કદી મને ફોન કરશો નહીં.’

પલળી ગયેલાએ પસ્તાવાવાળી સોરી કહીને ફરી મળવાની યાચના કરી. યાચના યોજના મુજબ તાબડતોબ મંજૂર થઇ ગઇ. બીજે દિવસે સવારે ટાઉન હોલના કમ્પાઉન્ડમાં... એ જ લાલ સાડી સાથે !

એ દિવસોમાં હું દિવસે એક કૉ–ઓપરેટિવ બૅન્કમાં નોકરી કરતો હતો ને રાત્રે પ્રેસમાં પાર્ટ–ટાઇમ. એ મારી બૅન્કમાં આવ્યો. થોડો ગભરાયેલો હતો : 

‘દાદુ... દાદુ... એક નાનું કામ કરવાનું છે. આવતી કાલે સવારે પેલીએ મને ટાઉન હૉલ બોલાવ્યો છે. તમે મારી સાથે ચલો. ખાલી એટલું જ જોવાનું છે કે એ આવી છે કે નહીં. કદાચ કોઇ છટકું–બટકું ગોઠવ્યું હોય ને ડાયરેક્ટ મને જુએ તો હું મરી જઉં... હું પાછળ બસ–સ્ટેન્ડ પર બેઠો હોઇશ. મને ઈશારો કરજો કે એ આવી છે કે નહીં. પછી તમે જતા રહેજો.’

આ વખતે હું ગુસ્સે થયો: હવે ચેતી જા... હું તો આવીશ નહીં, પણ તનેય નહીં જવા દઉં... સાલા, મરીશ !

એ કરગર્યો : ‘દાદુ... મારું બસ... એક આટલું કામ કરી આપો... હું તો આટલો કદરૂપો છું ને મને પેહલી વાર આવી કોઇ સારી છોકરી મળી છે... તમે સપોર્ટ કરો.’

પહેલી ભૂલ, મજાકમાંય આવા ડોબાને ખોટા ફોન નંબરો આપવાની અને બીજી, એના નાટકને તાબે થઇને ટાઉન હૉલ જવાની હા પાડવાની.

ટાઉન હૉલ પર જમાવટ થઈ ગઈ હતી. પોલીસખાતાના છૂપાવેશે અનેક માણસો, અન્ય ભાડૂતી ભાઇલોગ અને થોડા પત્રકારો. પત્રકારો એટલા માટે કે પ્રોફેસરે પેલાના ફોન ટ્રેસ કરાવ્યા એમાં શહેરના ચોક્કસ એરિયાની ખબર પડી હતી અને એ જમાનામાં ટેલિ–પ્રિન્ટરો હતાં એટલે એના ખટખટાખટખટ...ના નિરંતર અવાજોને કારણે ધારણા એટલી બંધાઇ હતી કે આ રોમિયો છે તો કોઇ પ્રેસનો. પ્રેસનો જ નીકળે તો ઉપસ્થિત પત્રકારો તરત ઓળખી શકે.

નિયત સમયે અમે પહોંચી ગયા. પેલો બસ–સ્ટૅન્ડે અને હું ટાઉન હૉલના કમ્પાઉન્ડમાં. નજર તરત પડી કે લાલ સાડીવાળા બહેન ચોક્કસ બાંકડે બેઠેલાં છે. મારો રોલ એટલું જોઇને બહાર પેલાને દૂરથી ફક્ત ઈશારો કરીને પૂરો થતો હતો કે જાઓ  સિધાવો... પેલા આવી ગયા છે.

મારા આઘાતની વચ્ચે એ ત્યાં હતો નહીં. હું ચમક્યો એટલે એની તપાસ કરવા ફરી કમ્પાઉન્ડમાં આવ્યો અને એને શોધ્યો. ન મળ્યો એટલે બે બાંકડા છોડીને એને મેસેજ આપવા પૂરતો થોડી રાહ જોવા બેસી ગયો. બહેને મને સ્વસ્થતાથી જોયો. વ્યૂહરચના એવી હતી કે બહેન ઇશારો કરે કે પેલો આવી ગયો છે અને આ જ છે એટલે બધાએ રોમિયો પર તૂટી પડવાનું હતું. હું નિશ્ચિતતાથી એટલે બેઠો હતો કે મારા પર તો ડાઉટ જવાનો કોઇ સવાલ જ નથી, કારણ કે રોમિયોનો અવાજ એમણે અનેક વખત ફોન પર સાંભળ્યો છે. વાસણા બસ–સ્ટૅન્ડે એને હૂબહૂ જોયો પણ છે.

પ્લાન મુજબ એમણે મને જોઇને પેલા લોકોને કોઇ ઇશારો ન કર્યો, પણ એ દરમિયાનમાં એક સિનિયર પત્રકાર બહુ ઉમળકાથી મને મળવા આવ્યા. એ યોજનાના ભાગરૂપ હતા અને મારા જ કાર્યાલયમાં હોવાથી પહેલો ડાઉટ એમને મારા પર પડ્યો હતો. આડીઅવળી વાતો કરીને મને મારી અહીં ઉપસ્થિતિનું કારણ પૂછ્યું. હું જવાબ અને એમને બન્નેને ટાળી શક્યો, પણ અસ્વસ્થતા મને થઇ એટલે ક્ષણ બગાડ્યા વિના હું ત્યાંથી નીકળી ગયો.

અમારી આ મુલાકાતની બરોબર ૧૨ મિનિટ પહેલાં એ જ પત્રકાર ટાઉન હૉલની બહાર પેલા બસ–સ્ટૅન્ડ પાસે મૂળ રોમિયોને મળ્યા હતા. રોમિયોની પીઢ ઉંમર જોતાં એ પત્રકારે નિખાલસતાથી રોમિયોને અંદર બનવા જઇ રહેલી ઘટના વિશે બાફી માર્યું.

અમારો આ રોમિયો અગાઉ આ પત્રકારશ્રીએ આપેલી વિગતો પરથી પેલા પ્રોફેસરનું નામ ઓળખી ગયો. એને હવે ખબર પડી કે અજાણતાંમાં એ પોતાના જાણીતા પ્રોફેસરની પત્નીને જ આવા ફોન કરતો હતો ! સ્વાભાવિક છે કે આટલું સાંભળ્યા પછી એ ત્યાં એક ક્ષણ પણ રોકાય ? કલાક પછી મારી બૅન્કે પાછો આવ્યો. ગભરાટમાં મને એણે બધી વાત કરી દીધી કે આવો લોચો થયો છે.

હવે મે એને પૂરા ગુસ્સાથી હાથ જોડ્યા : ‘હજી ચેતી જા... હવે મરી રહીશ.’ માફી તો એણે માંગી લીધી, પરંતુ નવી ભીખ પણ માગી:

‘દાદુ... મારી વાઇફ પ્રેગનન્ટ છે... જો એને કાલ ઊઠીને ખબર પડશે તો અમારું આવનારું બાળક મરી રહેશે. ભગવાનને ખાતર... ગમે તે થાય તમે કોઇને મારું નામ નહીં દેતા... આપણે બન્ને બ્રાહ્મણ છીએ... ભગવાન શંકર ખાતરેય મારી લાજ રાખજો. જીવનભર હું તમારો ગુલામ રહીશ, પણ મારું નામ ન દેતા !’

બ્રાહ્મણોની સાલી આ એક કમી હોય છે. એક વખત વચન આપે પછી મરી જાય તોય ફરી ન જાય, કારણ કે એમની પાસે ખિસ્સામાં આપવા જેવાં વચનો જ પડ્યાં હોય છે, પૈસા નહીં.
********
બીજા દિવસની રાત્રે લગભગ અગિયારેક વાગે બે શિક્ષિત માણસો કાર્યાલયમાં મારા ટેબલ પર આવ્યા : ‘અશોક દવે આપ જ ?’

મને એમણે પોતાનું નામ દીધું એ સાથે જ હું સમજી ગયો કે પેલો રોમિયો મરવાનો થયો છે. આ લોકો અહીં સુધી આવી ગયા છે એટલે સ્વાભાવિક છે, મનેય થોડી પૂછતાછ કરશે, પણ મે તો અભયવચન આપ્યું છે એટલે હું તો કહી દઈશ : મને કશી ખબર નથી. પેલાનો મરવાનો સમય આવી ગયો હશે તો મરશે, પણ હું શું કામ એનું કારણ બનું?

‘આપને વાંધો ન હોય તો થોડી વાતો કરવી છે... બહાર આવશો?’

ના પાડવાનું મારી કોઇ પણ કારણ અને વિકલ્પ નહોતો. મારું સ્કૂટર અને એ લોકોની ત્રણેક ગાડીઓ સાથે રાત્રે સવા અગિયારે કાફલો વી.એસ.હૉસ્પિટલ પાસે પહોંચ્યો. મારે સ્કૂટર પાર્ક કરવાનું હતું, જેથી બાજુની રેસ્ટોરાંમાં ચા–પાણી માટે બેસી શકાય, પણ અચાનક જ કશુંક ભયજનક બની ગયું. મારા આવતાંની સાથે જ એમના ચાર–પાંચ માણસોએ જબરદસ્તીથી મને એમની મોટી એમ્બેસેડરમાં ધકેલી દીધો. હું કાંઈ સમજું એ પહેલાં બધી ગાડી એકસાથે પૂરી સ્પીડ સાથે ઊપડી. શરૂઆત થઇ મને મારઝૂડ કરવાની. હું કાંઇ સમજી શકું એટલો સમય પણ એ લોકો મને આપવા માંગતા નહોતા એટલી ઝડપ એમના મારવામાં હતી. ગાળાગાળી સાથે અને હવે તો તારી લાશના ટુકડા કરીને નાંખી દઈશું એવી ચીસાચીસ સાથે મને મારતા રહ્યાં. વચમાં અજાણતામાં ક્યાંક મોઢું ખોલવાનો મળી ગયો એમાં હું એટલું પૂછી શક્યો : મને કેમ મારી રહ્યાં છો ? પ્રોબ્લેમ શું છે ? ઐ તો કહો... પ્રોબ્લેમ એમણે કીધો : ‘હરામજાદા... કો’કની પત્નીને ગંદા ફોન કરવાની સજા હવે તને મળશે, નીચ...!’

આ સાંભળીને મારા જીવનનો આનાથી મોટો આંચકો તો બીજો કયો આવવાનો હોય ? મે તરત કહી દીધું :
‘ઓકે...તો આ ગેરસમજ છે... અરે ભાઇ તમારો ગુનેગાર હું નથી... તમારો ગુનેગાર તો પેલો XXXX છે... વિશ્વાસ ન હોય તો એ બહેનને ફોન કરી મારો અવાજ સંભળાવો કે મને રૂબરૂ લઈ જાઓ... એમણે તો વાસણા બસ–સ્ટેન્ડ પર પેલાને જોયો છે... મને જોય પછી તો એ તરત કહેશે કે એ હું નથી !’

કોઇ પરિણામ નહીં. માર વધતો ગયો. એ લોકોએ ગાડીઓ હાઇ–વેને બદલે કન્ટ્રી–સાઇડના રસ્તા પરથી લીધી હતી, જેથી મારું અપહરણ કોઇ જોઇ ન જાય. એમને બીજો ફાયદો એ પણ જોઇતો હતો કે એક જ ગાડીમાં બેઠેલાઓ અશોક દવેને ફટકારે રાખે તો બીજાને આવો ચાન્સ ક્યારે મળે ? ગાડીઓ બાકાયદા ઊભી રહેતી. બીજી ગાડીઓવાળાય તબિયતથી એમનો હાથ સાફ કરવા મને મારવા આવતા ને પાછા ગાડીમાં બેસી જતા !

અચાનક મને યાદ આવ્યું કે હું તો કોઇ કાળેય પિક્ચરમાં નહોતો તો પછી આમને હું ક્યાંથી દેખાયો ? મને મારઝૂડ કરવાના ઝનૂનમાં ઐ લોકો મને સાંભળવા પણ તૈયાર નહોતા ત્યારે અચાનક મે મારું અસલ ખાડિયા (અમદાવાદ) અને બ્રાહ્મણ પરશુરામ–સ્વરૂપ ખોલીને એક–બેને તો ત્યાં ઝાપટી લીધા ને સામા ત્રણ–ચાર મુક્કા પુરજોશથી ફટકાર્યા ઉપરાંત એક વાક્ય અનાયાસ જ મારાથી બોલાઇ ગયું :
‘સાલાઓ સાંભળતા નથી... હુંય ખાડિયાની ઔલાદ છું... હવે તમેય જુઓ !’

ખાડિયાનું નામ પડતાં એ લોકો હેબતાઇ ગયા. ગાડીઓને બ્રેક વાગી ગઇ. મારા ગાડીમાં બેઠેલા પ્રોફેસરને કોઇ ઝબકારો થયો :
‘અરે, પેલા ફોન તો વાસણાથી આવતા હતા... રાત્રે અને અશોક તો ખાડિયા રહે છે. દેખીતું છે, કોઇ માણસ આવા ફોન કરવા રોજ વાસણા સુધી લાંબો ન થાય... બહુ બહુ તો રાણપુર કે રેલવેપુરા જાય ને ત્યાંથી કોઇ ફોન આવ્યા નથી... માય ગૉડ... અશોક નિર્દોષ છે... સૉરી... સૉરી... ગાડીઓ રોકો.’

તખ્તો પલટાઇ ગયો.
‘તમને મારું નામ દીધું કોણે ? ’
‘ XXXXએ તો કીધું કે આ ફોન તમે કરતા હતાં....!’
‘શુંઉઉઉઉઉઉ...? XXXXએ મારું નામ દીધું ?’
બીજે દિવસે એ જ ઘટનાનું પુનરાવર્તન... માર ખાનાર ફક્ત વિલન જ બદલાયો હતો... ખૂબ માર્યો એને એ લોકોએ. ઘેર આવીને મારી પત્ની અને મા–બાપ પાસે પણ માફી માંગી. મારા અખબારના માલિક તંત્રી પાસે પેલાને તૂટેલાં હાડકે લઇ જઇને મે લેખિતમાં કબૂલ કરાવ્યું કે માત્ર ઇર્ષાથી અને મારી જાતને બચાવવા મે અશોક દવેનું નામ દઇ દીધું હતું.... આજની તારીખે પણ પેલા તંત્રીશ્રી પાસે રોમિયોએ લખેલું કબૂલનામું સહીસલામત પડ્યું છે.

મારી ત્રીજી ભૂલ...
કોઇના પર પણ વિશ્વાસ મૂકવાના વિષયમાં મારા પર વિશ્વાસ મૂકી શકાય એવો નથી. આમ તો મેં એવાં કોઇ કામ કર્યા નથી કે અંતે મારે પસ્તાવું પડ્યું હોય, પણ એક વાત શીખી ગયો છું કે વિ્શ્વાસ તો સ્વયં ઇશ્વર પર પણ મૂકી શકાય એવો નથી...! કોઇએ પોતાની પર્સનલ ગણતરી કરી જોઇ ખરી કે આજ સુધી પરમેશ્વરે તમારી સાથે કેટલા કિસ્સાઓમાં વિશ્વાસઘાત કર્યા છે?
...અને તોય હું આ ત્રીજી ભૂલ કરે જ જઉં છુ, કોઇની પણ પર આંધળો વિશ્વાસ મૂકવાની !
છેતરાતા રહેવાનીય સાલી એક લજ્જત હોય છે !

No comments: