Search This Blog

01/05/2012

એકી કરવામાં શરમ શેની ?

જગત ભરના એકીઓ કરનારાઓ, કોઈ માફ ન કરી શકાય એવો અપરાધ કર્યો હોય, એવા ગુન્હાઇત ભાવે એકી કરવા જાય છે. એકી શબ્દ બોલવામાં જ નહિ, એકી કરવા જવામાં પણ પોતે કોઈ જધન્ય અપરાધ કરવાનો હોય, એવા ડરે છે. કોકના ઘેર બેઠા હોય ને લાગી હોય, તો બધાની વચ્ચે પૂછતા તેમના મોઢાં તરડાઈ જાય છે. જાણે કંઈ ખોટુ કરવા માંગતા હોય, એવા આજીજીભર્યા સ્વરે પરમિશનો માંગે છે. બોલી ન શકે, ઉભા થતા ઈશારાથી મોઢું વાકું કરે, એટલે પેલા સમજી જાય, ‘‘ઓહ.... વૉશરૂમ જવું છે ને....? આ સામેના રૂમમાંથી બહાર નીકળશો એટલે ડાબી બાજુ જ છે.’’ મારે એકી કરવા જવું છે, અથવા મને લાગી છે, એવું બોલવું તો કેમ જાણે અસભ્યતાની નિશાની હોય, એમ ગુજરાતીમાં કોઈ બોલી શકતું નથી. આ સાયન્સ જ એવું છે કે, આમાં તો તાબડતોબ આવેલો પડકાર ઝીલી જ લેવો પડે. આ ગીતનો સહી મતલબ આજ સુધી લોકો ખોટો સમજતા રહ્યા છે, ‘લાગી છૂટે ના, અબ તો સનમ.... હોઓઓ....!

મનુષ્ય એકી કરતા કરતા ડરે છે અને એકીનું કોઈને પૂછતાં ય ડરે છે. જેને બી ઘેર એ ટોઈલેટ જવાની પરમીશન માંગે, ત્યારે કોઈ પૂછતું નથી કે, ‘જાતા કહાં હૈં દીવાને, સબ કુછ યહાં હૈ સનમ....હકીકતમાં તો આ પ્રવાસ એણે એકલાએ ખેડી નાંખવાનો હોય. ચલ એકલા, ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા.... હોઓઓઓ.જીવનભર એકબીજાને સુખ-દુઃખનો કોલ આપનારાઓને પણ આ યાત્રામાં સાથ-સંગાથનું સપનું જોઈ શકતા નથી. આતો એક વાત થાય છે.

આ જગતમાં તમે વિવેક-વિનય અને સભ્યતાંથી જીવન જીવવા માંગતા હો તો, પણ ગુજરાતના શહેરોમાં જાહેર સ્થળોએ એક પબ્લિક યુરિનલ શોધવું ઈમ્પોસિબલ છે.... ખાસ કરીને સ્ત્રીઓ માટે. અમદાવાદના સી.જી. રોડ જેવા ભરચક વિસ્તારોમાં જવું હોય તો ક્યાં જાઓ...? આમાં તો ફૂટપાથો ય તમારી મદદે ન આવે, પણ ભોળો માનવી કોક છુપીછુપાઈ જગ્યાએ ફૂટપાથ શોધીને ઉભો રહેવા જાય તો કેવો ફફડતો હોય, એ તમે કદી જોયો છે ? (જવાબઃ આવું તો અમે ના જોયું હોય ને ? જવાબ પૂરો) હમણા કોક બૂમ પાડશે.... હમણા કોક જોઈ જશે... નો ભય એના આંતરડા સાફ કરી નાંખે છે. એનું ઘ્યાન ચાલુ યજ્ઞમાં રહેતું નથી. ચહેરા પર શાંતિના ભાવ છલકાતા નથી. પૂર્ણાહુતિ પ્રસંગે કંઈક કરી બતાવ્યાનો ને કંઈક પામ્યાનો સંતોષ તેના મોઢાં પર દેખાતો નથી. સંસ્થા ફક્ત એટલું જ જાણવા માંગે છે કે, એકી કરવા જવું શું પાપ છે ? (આકાશમાંથી ૩૬ કરોડ દેવી-દેવતાઓના મોઓઓ.... ટા મોટ્ટા પોકારો, ‘‘પાપ નથી..... પાપ નથી...પાપ નથી... !’’)

ફુટપાથ તો શું ચીજ છે.... કોકના ઘરે મહેમાન બનીને આવ્યા પછી જાતક કહી પણ શકતો નથી કે એને જવું ક્યા છે, એની મંઝિલ ક્યાં છે, આવનારી પાંચ મિનિટ માટે એનો ઘ્યેય શું છે ? એ સહન બઘુ કરશે પણ આવી લાગે તો પોતાનું કેટલું ખરાબ દેખાશે, એ ભયથી બી જાય છે. આટલે દૂર બેઠા-બેઠા નવાઈઓ આપણને લાગે કે, આમાં ડરવાનું શું ? ભાઈ જીવનમાં તે કદી ખોટું કામ કર્યુ નથી. તું હમેશા બીજાના કામમાં આવ્યો છું,એટલે અહીં પણ કોક તારા કામમાં આવશે, એ અપેક્ષા શું વધારે પડતી નથી ? (જવાબઃ ઘણી વધારે પડતી છેઃ જવાબ પૂરો) આખરે એને કચ્ચી કચ્ચીને લાગે, ત્યારે ભીખ માંગવા જવું હોય, એવા ગરીબ હાવભાવ સાથે એ પૂછે, ‘‘ઈફ યુ ડોન્ટ માઈન્ડ.... બાથરૂમ કઈ બાજુ..... ?’’ ઓહ નો....! પેલો માઈન્ડ કરે અને કહી દે, ‘‘છુટા નથી..... આગળ જાઓ’’ તો શું પ્રવાસ પડતો મૂકવાનો છે ? અરે મૂરખ મનવા....! આવા યજ્ઞો માટે ભૂમિદાન કરવાની કોઇ ના પાડતું હશે ? આમાં તો પેલો માઇન્ડ કરે કે ન કરે, કવિ નર્મદ કહી જ ગયો છે કે ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.... હોઓઓ !નર્મદે ના કીઘું હોત તોય જીવનમાં અમુક ડગલાં તો ભરવા જ પડે.... ! સુઊં કિયો છો ?

મારી લાઈફમાં ઘોડા ઉપર બેસી, તીરો-તલવાર કે ભાલા બરછી પકડીને હું એક પણ યુઘ્ધ લડ્યો નથી. એવા ફોટા ય પડાવ્યા નથી. શહેનશાહો યુઘ્ધમાં પહેરે એવા બખ્તર પહેર્યા નથી. એમાં મારી રાષ્ટ્રભક્તિ કાંઈ ઓછી ન હોય. હું ડરપોક નથી પણ ચાલુ યુઘ્ધે સમરાંગણમાં જો મને એકી લાગે તો, મારૂં શું થાય એ ચિંતાથી હું હલબલી જાઊં છું. દુશ્મન એક ઝાટકે ધડથી મારૂં માથું ઉડાડવા જતો હોય ને ત્યાં જ એકી લાગે તો શું હું એકસક્યૂઝમી...... થૂપ્પિસ.... !કહીને મેદાન છોડી શકવાનો છું ? રણભૂમિમાં પાકા બાંધેલા કંતાનના કામચલાઉ ટોઈલેટો હોતા નથી. અને માની લો કે દરિયાવદિલ દુશ્મન મારી હાલત સમજીને મને મેદાન-એ-જંગ છોડવાની બે ઘડી આપે તોય હું શું કરી લેવાનો હતો ? રણમેદાનમાં દુશ્મન અને આપણા જીવનમાં લાગેલી એકીઓ, કોઈના રોકયા રોકાતા નથી. યુઘ્ધશાસ્ત્રમાં તો કહ્યું છે દુશ્મનને કદાપિ પીઠ ન બતાવવી, પણ શું.... આવા તાકીદના કામો માટેય ન બતાવવી ?..... આ તો જરા અમથું પુછું છું.

ઓકે. રણ છોડ્યા પછી પહેરેલ બખ્તરે ભૂદાન કરવું, તમે માનો છો એટલું સહેલું નથી હોતું. ફૌલાદની જંઝીરો સાથે એકી કરવામાં એક સિપાહીનું ઝનુન, વીરતા, મર્દાનગી કે ભાયડાના ધડાકા....... કાંઈ કામમાં આવતા નથી. અહીં તો સૌમ્ય ચહેરે તનબદનમાં શાંતિ પ્રાપ્ત કરવાની ટ્રીકો વાપરવાની હોય છે. આપણા જેવા ને તો તાલીમને અભાવે બખ્તર ખોલતાય ૨૦ મિનિટ લાગે.

મને સમજ નથી પડતી કે રોજના રેગ્યુલર કામો જેવું આ એક કામ છે, જેમાં તમે કંઈ ખોટું કરતા નથી, કોઈનું જીવન બર્બાદ કરતા નથી કે, એમના બાથરૂમમાં ગયા પછી મહીંથી સ્ટોપર બંધ કરીને ધીમા અવાજે ગીતો ગાતા નથી. તો ફિર ડર કાહે કા.....? એકી એ રોજ ૧૫-૨૦ વખત કરવું પડતું વૈજ્ઞાનિક કામ છે, સામાજીક જરૂરિયાત છે. શરીરમાંથી ઉઠેલો એક કરૂણ પોકાર છે. આમાં ઘરના સારા સંસ્કાર, ઉચ્ચ વિચારો, અભૂતપૂર્વ વિવેક-વિનય કે તમારી દિલ્હી સુધીની ઓળખાણો કામમાં ન આવે. આ એક એવો યજ્ઞ છે જેમાં બા ખીજાતા હોય તો જવું જ પડે. એકી લાગવી એ ગુજરાતી ભાષાનો માન્ય શબ્દ પ્રયોગ છે. મૂથી શરૂ થતો શબ્દ પણ અફકોર્સ જોડણીકોષ માન્ય શબ્દ છે. પણ જાણે કોઈ ગાળ બોલ્યું હોય એવા મોઢાં ચઢાવવામાં આવે છે. પણ પોતે બહુ ભણેલા અને સંસ્કારી છે. એટલું દેખાડી આપવાની લ્હાયમાં ને લ્હાયમાં હાલમાં લાગેલી તાકીદની લ્હાયને લોકો ગૂન્હા જેવી ગંભીર ગણે છે. ધોળીયાઓનું શીખી શીખીને આપણેય હવે એકી કરવા જવું છે, ને બદલે Can I use your toilet ? (હું તમારો બાથરૂમ વાપરી શકું ?) રામ જાણે કઈ કમાણી પર બોલવામાં આવે છે ? તારી ભલી થાય ચમના.....! પેલો એનો બાથરૂમ વાપરવાની ના પાડે તો શું તું એના બંગલાની ટેરેસ પર જઈને પ્રાણ-પ્રતિષ્ઠા કરવાનો છું ? ખોટી ફીશીયારીઓ ના માર.... વાંદરા.....! સીઘું પૂછ કે, મને એકી લાગી છે, કહાં જાઊં, કિધર જાઊં.. ?’ બાથરૂમ ન બોલાય, મેહતા સાહબ બાથરૂમ ન બોલાય. પેલો નહાવાનું સમજે. વોશરૂમ પણ ધોળીયાઓને બીજો કોઈ શબ્દ મળતો નહી હોય એટલે કૉઈન કર્યો છે. શું વોશરૂમનો અનુવાદ એકી-ઓરડીકે ધોલાઈ-ઘાટકરી શકવાના છો ?

હાઈવે પર ગાડી લઈને જતા હો અને ગાડીમાં પુરૂષો-પુરૂષો હોય તો વાંધો નહિ. પણ કોઈ સ્ત્રી બેઠી હોય તો શરમથી માથું ઝૂકી જાય છે. એકી એક અરમાન નથી. એકી એક સપનું નથી. એકી કોઈ પાપે ય નથી. રોજ નિયમિત પુરૂં કરવાનું કામ છે.

આપણેય, સમજીએ કે ડીસન્સી ખાતર હાઈવે પર ગાડી ઉભી રાખ્યા પછી, લહેરાતા ખેતરોમાં તમે મનોરમ્ય છતા કોઈ ગીચ ઝાંડી-ઝાંખરા ગોતવા જાણે મફત સાબુની ભેટ-કુપન લેવા નીકળ્યા હો એમ, બહુ દૂર નીકળી જાઓ છો ! આવો જાતક ઝાડીઓમાં ગૂમ થવા જતો હોય ત્યારે જતી વખતે તમે ગાડીમાં બેઠા-બેઠા, પાછળથી એનો આકાર અને શરીરમાં થતી હલચલનો અભ્યાસ કરો, તો કરફ્યૂ વખતે સૂનસાન સડક પર છાપાનું પડીકું આમથી-તેમ હરફર-હરફર કરતું હોય, એવો આ ભટકતો લાગે. છેલ્લી ક્ષણો દરમ્યાન કાળી ભેંકાર રાતમાં શીતળ ચંદ્ર કાળા ડીબાંગ વાદળોની પાછળ આહિસ્તા...આહિસ્તા ખોવાઈ જાય, એમ આ પાર્ટી હળવે હળવે ગીચ ઝાડીઓની પાછળ ઓઝલ થતી દેખાય છે.

અફ કોર્સ, એની અઢી મિનિટ પછીનો સૂર્યોદય અલૌકિક હોય છે. શિકાર પતાવીને કોઈ જંગલી વરૂ ઝાડી-ઝાંખરામાંથી બહાર નીકળ્યું હોય, એવી બેફિકરાઈથી પ્રગટ થાય છે. એના ચહેરા પર કોઈ અનોખું તેજ અને શાંતિ મહેસૂસ થતી જણાય છે. આમ, બહુ ખુશ થવા જેવું એણે કાંઈ કર્યું નથી. પણ એના ચહેરા પર કોઈ અનુપમ શાંતિના ઘને બાદલ છલકાય છે. એને આવતો જોવો એક મંગલમય ઘટના છે. આવીને તરત, આ જ ઘટના સ્થળે નેનો જેવી કારનું કારખાનું નાંખશે, એવી આશા ઉભી થાય છે. હજી હમણા પતાવેલું કામ જ એવું છે કે, એની પૂર્ણાહૂતિ પછી મનુષ્યને કશું કરી બતાવવાનો વિચાર આવે.

નાનપણમાં હું વેકેશનમાં થાનગઢ (ચોટીલા પાસે) જતો ત્યાં ટોઈલેટ-ફોઈલેટની વ્યવસ્થા આખા ગામમાં કોઈને ત્યા નહિ. રોજ વહેલી સવારે ગામના પાદરે હાથમાં ડબલું લઈને જવું પડતું. વહેલી પરોઢે ત્યાં કોઈ સેલ ખૂલ્યું હોય, એમ આખું થાનગઢ પાદર પર છલકાય. પુરાણકાળમાં ઋષિમુનિઓ હાથમાં કમંડળ લઈને આમ જ નીકળી પડતા. ગામમાં બધાને ખબર એટલે આવે સમયે જતાં વટેમાર્ગુઓને કોઈ ન બોલાવે..... પાછા ફરતા બોલાવાય..... એમાં કોઈની બા ના ખીજાય. જતી વખતે સ્પીડ પકડવાનું અને કોઈની સાથે નહિ બોલવાનું કારણ એ રહેતું કે, શહેરના બિલ્ડરોની માફક થાનગઢવાસીઓને પણ રોજ નવી નવી ભૂમિ શોધવા નીકળવું પડતું. કેટલાક ભૂમિપૂજકો તો એવા દુર દુર નીકળી જતા કે, ઘરે ચિંતા થતી કે, ‘સુઊં એમણે સમાધિ ય તીયાં જ લય લીધી......?’ આજની જનરેશન આને ટ્રેકિંગ સમજે.

આ લેખ લખવા પાછળ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને મારો સંદેશ એટલો જ છે કે, જે કામ કરવામાં તમારો કોઈ વાંક ન હોય એ કરતી વખતે, કર્યા પછી કે એ વિશે બે માણસને વાત કરતા ગભરાવું નહિ.

‘‘એકી કરણમાં શરમ શેની !’’

સિક્સર 
- અમિતાભ બચ્ચને મલ્લિકા શેરાવત સાથે કામ કરવાની ના પાડી !
- હવે........ઊંમર થઈ કહેવાય !!

No comments: