Search This Blog

03/10/2012

એક કૂતરી વિયાઈ...!

ન્યૂસ ચેનલોએ ચોવીસે-ચોવીસ કલાકનો સ્લોટ ટીવી પર લઈ લીધો હોવાથી બધા ભરાઈ પડ્યા છે જે, રોજેરોજ નવા ન્યૂસ લાવવા ક્યાંથી અને બતાવવું શું ? અક્કલમાં ન ઉતરે એવી વાતોને આ લોકો નેશનલ ન્યૂસ બનાવીને વળગાડે છે. ૨૪ કલાક પૂરા કરવાની લ્હાયમાં હવે એ દિવસો દૂર નથી કે, નેશનલ ન્યૂસમાં, કોઈ યુવતીનો હાથરૂમાલ અમદાવાદના કોઈ શોપિંગ-મોલમા ખોવાઈ ગયો, એના માટે દેશભરની ચેનલો લાઈવ-શો બતાવશે, ઈન્ટરવ્યૂઝ લેશે, સંભવિત રૂમાલચોર કોણ છે, એની ચર્ચાઓ થશે, વગેરે વગેરે.

(મૂળ આ ટીવી ટોક શો ઈંગ્લિશમાં રજુ થયેલો સમજવો.)

બરખા : નમસ્કાર. છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈમાં કૂતરીઓ વિયાવાની ઘટનાઓ ખુલ્લેઆમ બની રહે છે. પ્રશાસનને એની ચિંતા હોય એમ લાગતું નથી. અમે અમારા સ્ટુડિયોમાં મુંબઈના પુલીસ-કમિશ્નર મનોહર ફડકે, ભાજપના મહામંત્રી સુધીર ફાટે, કોંગ્રેસના શહેર પ્રમુખ જયવંત બોલે તેમ જ શિવસેનાના પ્રવક્તા ઉઘ્ધત મારેને આમંત્રિત કર્યા છે.
મારો પહેલો સવાલ પુલીસ કમિશ્નર ફડકેને છે. મિસ્ટર ફડકે, શું આટલી બધી કૂતરીઓ મુંબઈમાં વિયાઈ, ત્યાં સુધી મુંબઈ પુલીસ ઊંઘતી હતી ?
મારે : કમિશ્નર જવાબ આપે તે પહેલા હું તમારો સવાલ સુધારવા માંગુ છું કે, પુલીસ ઊંઘતી હોય તો કૂતરી વિયાય જ ક્યાંથી ? (બધા હસી પડે છે.)
બરખા : મિસ્ટર ઉઘ્ધત મારે... તમે સવાલ પૂછાય ત્યારે જ બોલો. હાં તો કમિશ્નર ફડકે, તમે સ્વીકારો છો કે, મુંબઈ પુલીસ ઊંઘતી રહી ને કૂતરીઓ વિયાઈ ગઈ...!
ફડકે : મારી પાસે એક પણ કૂતરી વિયાવાની ફરિયાદ આવી નથી.
બરખા : મિસ્ટર ફડકે, કૂતરી એક નહિ, હજારોની સંખ્યામાં વિયાઈ છે. શહેર આખું પરેશાન છે ને તમે કહો છો, તમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી ? ભાજપના મહામંત્રી સુધીર ફાટેને કૂતરીઓ વિયાવાની બાબતે કાંઈ કહેવું છે ?
ફાટે : મને તો એમાં કોંગ્રેસના માણસોનો હાથ લાગે છે... (ખંઘુ અને ખોટું હસી પડે છે.)
બોલે : જુઓ જુઓ જુઓ જરા... આ ભાજપની સભ્યતા...જુઓ જરા ! કેવા નોન-પાર્લામેન્ટરી શબ્દો વાપરે છે !
ફાટે : એમાં અસભ્યતા ક્યાં આવી ? હું તો ઉપરથી, કોંગ્રેસના પ્રાણીપ્રેમની પ્રશંસા કરૂં છું કે, કોંગ્રેસીઓ પ્રાણીઓની ‘ખૂબ નજીક જઈને’ સેવા કરે છે...! (તીખું સ્માઈલ આપે છે.)
બોલે : મારા દોસ્ત ફાટેના ઘ્યાન પર લાવું કે, કોંગ્રેસને કૂતરાઓની કોઈ જરૂર પડતી નથી.
ફાટે : કરેક્ટ... તમને કૂતરાઓની નહિ, ‘કૂતરીઓની’ જરૂર પડે છે... હહહહાહાહહા...!
બરખા : કમિશ્નર ફડકે, તમે કાંઈ જવાબ ન આપ્યો !
ફડકે : કોંગ્રેસની કૂતરીઓની જરૂર પડે છે કે નહિ, તે રાજ્ય સરકારના ગૃહ ખાતાઓ કે પુલીસ-ડીપાર્ટમેન્ટે જોવાનો વિષય નથી.
મારે : કરી બતાવવાનો વિષય છે... (બધા ખૂબ હસે છે.)
બોલે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સુધી એક પણ કૂતરીને અન્યાય નહિ થાય. બહેરા-મૂંગા પશુઓ ઉપર ત્રાસ ગૂજારવાનું કામ કોંગ્રેસનું નથી.
ફાટે : થઈ રહ્યો છે એનું શું ?
બોલે : કોને થયો ?
ફાટે : તમારા જ પ્રાઈમ મિનિસ્ટરને...! આઈ મીન... તમે ના કીઘું કે, કોઈ બહેરા-મૂંગા ઉપર ત્રાસ નહિ ગુજારાય...!
બરખા : સોરી... સોરી... નથિંગ પર્સનલ, નથિંગ પર્સનલ...! હાં તો કમિશ્નર ફડકે, બૃહદ મુંબઈમાં આટલી બધી માસુમ કૂતરીઓ વિયાય છે ને પુલીસ કહે છે, અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી...?
ફડકે : અમારી પાસે એક પણ ફરિયાદ આવશે તો મુંબઈ પુલીસ ચોક્કસ સખ્ત પગલાં લેશે.
બરખા : કૂતરીઓ ઉપર...?
ફડકે : નો...! કસુરવારો ઉપર.
બરખા : આ ૨૬ નવેમ્બરનો અખબારી અહેવાલ જણાવે છે કે, બોરિવલીમાં એક કૂતરી વિયાઈ, ત્યારે પુલીસ કોન્સ્ટેબલ પાંડુ મરાઠે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા... અખબારમાં એનો ફોટો પણ છપાયો છે.
ફડકે : એનો મતલબ એ થોડો કે, સદરહૂ કૂતરી પાંડુ મરાઠેને કારણે વિયાઈ છે ?
બોલે : આ પાંડુ મરાઠે શિવસેનાનો માણસ છે...
મારે : એ ચપડગંજુ... શિવસેનાના માણસો તો તારા ઘરની આજુબાજુ ય રહે છે, એનો મતલબ...
બરખા : આ રીપોર્ટમાં લખ્યું છે કે, મુંબઈ પુલીસના ઘ્યાન પર હતું છતાં સદરહૂ કૂતરીને એમને એમ વિયાવા દીધી અને કોન્સ્ટેબલ પાંડુ મરાઠેએ કોઈ પગલાં ન લીધા.
ફડકે : હું તમને બીજો અખબારી અહેવાલ બતાવું... ચોથી માર્ચ, ૨૦૧૨ના આ છાપામાં અહેવાલ છે કે, સાન્ટા ક્રૂઝ પુલીસે આવી કોઈ ઘટના બનતા પહેલા જ એક કૂતરાને રંગે હાથ ઝડપી લીધો હતો.
ફાટે : યે સરાસર જુઠ હૈ, ગલત હૈ, બેક્સુરો પર ઈલ્ઝામ હૈ...
બોલે : મિસ્ટર ભાજપ, આ આક્ષેપ તમારા ઉપર નહિ, એક કૂતરા ઉપર થઈ રહ્યો છે. તમે શેના અકળાઓ છો ?
બરખા : આ ચર્ચા ગલત રાહોં પર જઈ રહી છે. આજનો આપણો ટોક-શો કૂતરીઓ વિયાવાના જ ધન્ય અપરાધ સામે મુંબઈ પુલીસની અમાનુષી બેકાળજી અંગેનો છે, તેમ જ...
ફાટે : બરખા એક મિનીટ, એક મિનીટ... મારે કાંઈ કહેવું છે. ગયા મહિને ભેંડી બજારમાં એક કૂતરી ઉપર ૧૨-૧૨ કૂતરાઓએ ગેન્ગ રેપ કર્યો હતો, ત્યારે કોંગ્રેસના મારા ફાઝિલ દોસ્ત ક્યાં હતા ?
બોલે : ૧૩-મો કૂતરો હું નહતો.
ફાટે : પણ મીડિયાએ પણ અહેવાલો આપ્યા છે કે, એ ગેન્ગ રેપના બારેબાર આરોપી કૂતરાઓને બચાવવા તમારા કોંગ્રેસ-પ્રમુખ દિલ્હી સુધી દોડાદોડ કરીને કેસને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.
બોલે : બરખા, આ ભાજપવાળાઓને કોંગ્રેસને ગાળો દીધા સિવાય બીજું કાંઈ આવડે છે ? ન આવડતું હોય તો અમે શીખવાડીએ.
મારે : એ કામ તમે શિવસેના ઉપર છોડી દો.
બરખા : એક્સક્યુઝ મી, આપણો ટાઈમ ખતમ થઈ રહ્યો છે. હું તમને બધાને દસ દસ સેકન્ડ આપીશ.
છેલ્લો સવાલ છે, મુંબઈમાં કૂતરીઓ વિયાતી રોકવાનો તમારી પાસે કોઈ ઉપાય છે ? મિસ્ટર ફાટે.
ફાટે : રસ્તા ઉપર કોંગ્રેસી કાર્યકરોના હરવા-ફરવા ઉપર નજર રહેવી જોઈએ. (હોહા... હોહા... હોહા)
બોલે : હું દાવા સાથે કહી શકું એમ છું કે, ભાજપવાળા આ કામ કરી શકે એમ જ નથી. આ તો મર્દ શ્વાનોનું કામ છે. (હોહા... હોહા... હોહા)
મારે : ખસીકરણ.
ફડકે : મુંબઈ પુલીસ મુંબઈની પ્રજા જ નહિ, મુંબઈની કૂતરીઓની પણ સેવા કરવા હરદમ તૈયાર છે.
બરખા : ઉમ્મીદ હૈ, આપ સબ કો આજ કા યે પ્રોગ્રામ પસંદ આયા હોગા... કલ ઈસી સમય ઈસી ચેનલ પર દેખીયે, ‘ક્યા નાક-કાન કે બાલો કો કાટના ચાહિયે ?’ તો દેખતે રહીયે, ‘કલ તક’.

સિક્સર
- દેશના સૌથી સળગતા કાળા પથ્થર (કોલસા)ના બેતાજ બાદશાહ આપણા ‘‘મનુકાકા’’ને સમર્પિત, સોલ્લિડ શાયર ‘ચંદ્રેશ મકવાણા’નો શેર :

ચાલ માન્યું એકલો પથ્થર નથી,
તો ય તું કાંઈ એટલો સઘ્ધર નથી,
લોક લૂંટી જાય છે મંદિર પણ,
અર્થ એનો એ જ તું અંદર નથી.’

No comments: