Search This Blog

07/10/2012

ઍનકાઉન્ટર : 07-10-2012

૧. આપણા બે મહાન નેતાઓ મનમોહનજી અને સોનિયાજીને જો કોઈ ડર હોય તો એ ક્યો હોય?
- ‘પાની કી તરહ લૌટ કે મછલી ન ચલી જાયે,
હાથોં સે ફિર તેરે કહીં દિલ્લી ન ચલી જાયે,
વૈસે તો મુહબ્બત મેં મઝા આતા હૈ લેકીન,
ઈસ ખેલ મેં પુરખોં કી હવેલી ન ચલી જાયે’
(શોભા જી. પટેલ, અમદાવાદ)

૨. કુંવારી કરીના કપૂરે બે બાળકોના બાપ સૈફ અલીખાનને કેમ પસંદ કર્યો હશે
- ઘણી નોકરીઓમાં પૂર્વશરત હોય છે. ‘અનુભવીને પ્રથમ પસંદગી.’
(સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

૩. આપણા દેશમાં અત્યારે લોકશાહી છે કે રાજાશાહી?
- ઈટાલિયનશાહી.
(આનંદ ડી. વાઢાળા, ગારીયાધાર)

૪. રાજેશખન્નાના ગયા પછી મહાનુભાવો બોલ્યા, ‘એક યુગનો અંત આવી ગયો.’ પણ એનો અંત તો ૨૦ વર્ષથી આવી ગયો નહતો?
- બધા આ જે બોલ્યા હતા તે, રાજેશખન્નાના ઘરમાં એની સખી બનીને રહેતી હતી તે અનીતા માટે બોલ્યા હતા.
(લલિત ઓઝા, જૂનાગઢ)

૫. સાયકલ વાપરવાની શરમ આવે છે ને પેટ્રોલ પોસાતું નથી, તો હવે?
- ‘ટારઝન-ટારઝન’ રમો.
(જયેશ અંતાણી, ભાવનગર)

૬. મહાત્મા ગાંધી અને પંડિત નેહરૂ વચ્ચે સૌ પ્રથમ મુલાકાત ક્યાં અને ક્યારે થઈ હતી?
- એ ન થઈ હોત તો દેશ આખો બચી ગયો હોત!
(બાલુભાઈ જે. સંપટ, જામનગર)

૭. આપ વાહિયાત સવાલોના જવાબો તરત આપો છો... એમ કેમ?
- લો. આ તમને તરત આપ્યો.
(કે. બી. રૂપારેલીયા, જુનાગઢ)

૮. આજે લોકો બીજાની પડતી જોઈને રાજી કેમ થાય છે?
- એટલે તો હું કોઈના લગ્નમાં જતો નથી.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

૯. જાતે ઊભા થઈને પંખો ચાલુ કરવાને બદલે તમે અમને શા માટે કહો છો?
- મહેનત કરો, હોંશ રાખો અને નિર્ભય બનો... બઘુ આવડી જશે.
(ભૂપેન્દ્ર કે. દવે, નડિયાદ)

૧૦. રાજેશખન્નાને તો યુવતીઓ એમના લોહીથી પત્રો લખતી... તમને?
- બ્લડ-બેન્કમાંથી વેચાતું લઇ આવીને !
(શીતલ શાહુ, કાણોદર-પાલનપુર)

૧૧. લોકશાહીમાં પ્રજાની આવક પ્રધાનો જેટલી ન હોવી જોઈએ?
- જાવક એટલી છે...!
(શ્રીમતી કોકિલા બી. પંડ્યા, ભાવનગર)

૧૨. ડિમ્પલ કાપડીયા વિધવા થયા પછી તમારો શું પ્રતિભાવ છે?
- એક તો રાજેશખન્ના એનો ગોરધન ન હતો, એટલે એ વિધવા થઈ ન કહેવાય. બીજું, મારે હાલમાં ડિમ્પલના પ્રતિભાવની રાહો જોવાની છે... તમારે મારા પ્રતિભાવોની નહીં!
(ઉપેન્દ્ર એ. વાઘેલા, રાજકોટ)

૧૩. રસ્તા ઉપર ગાયો રઝળતી જોવા મળે છે, ભેંસો કેમ નહીં?
- તમારું કાંઈ ખોવાયું હોય તો મ્યુનિ. ખાતામાં તપાસ કરો.
(રાજવીર સોલંકી, વ્યારા)

૧૪. સતી દ્રૌપદી પાંચ પતિઓને સાચવી શકતી. આજની પત્ની એક પતિને કેમ સાચવી શકતી નથી?
- બીજા ચાર હવે પોસિબલ નથી, માટે !
(કિશોર વ્યાસ, ઘોઘા)

૧૫. વીજળીની ધરખમ ચોરી કરનારાને લહેર ને પ્રામાણિકપણે વીજળીનું બિલ ભરનારાઓની વીજળી ડૂલ...!
- પ્રામાણિકપણે વીજળીનું બિલ ભરનારાઓ, પ્રામાણિકપણે કટકી આપે છે???
(હરેશ એમ. ગાંધી, ઘોઘા)

૧૬. ૨૫ સવાલોના જવાબો વિચારતા તમને કેટલો સમય લાગે છે?
- વિચારીને જવાબો આપનારા હશે કોઈ બીજા... અમે નહિ!
(તન્મય અંજારીયા, રાજકોટ)

૧૭. ‘નાગન બન ગઈ રાત સુહાની, પથ્થર બન ગયે તારે...’ આમાં કાંઈ સમજાતું નથી!
- પેલી બરોબરની વિફરી હોય ગોરધન ખૂણામાં લાચાર બેઠો હોય, ને પથરાં જેવા છોકરાઓ સુવાનું નામ ન લેતા હોય!
(તન્મય અંજારીયા, રાજકોટ)

૧૮. પેન્શન મેળવતી સ્ત્રી સાથે લગ્ન કરાય?
- તમારા આંટા આઇ ગયા લાગે છે !
(સુબોધ નાણાવટી, રાજકોટ)

૧૯. સ્ત્રીને પુરુષની સમોવડી બનાવવામાં પરમેશ્વરની મંજૂરી ખરી કે નહીં?
- મને કોઈ વાંધો નથી.
(હિતેષ વ્યાસ, ઘોઘા)

૨૦. શું નવા રાષ્ટ્રપતિ પ્રણવ મુકર્જીને આપે શુભેચ્છા પાઠવી?
- દેશને પાઠવી.
(રાહુલ બગડા, જૂનાગઢ)

૨૧. ‘આડાં આવ્યા હતા અને સીધા ચાલ્યા જશું’ એટલે શું?
- કોલસા-કૌભાંડમાં ભાજપવાળા આડા આવે છે, પણ અમે સાંગોપાંગ નીકળી જઈશું!
(વિશ્વા નાણાવટી, રાજકોટ)

૨૨. દાદુ, મારી પ્રેમિકા મને છોડીને હવે બીજા પાસે જતી રહી છે... શું કરવું?
- હવે તો બઘું પેલો જ કરશે ને...?
(મલય પ્રભાકર દેસાઈ, સુરત)

૨૩. તમારી પાસે ઓફર બન્ને સાથે આવી હોય, રૂા. ૧૦૦ કરોડમાં એક ફિલ્મના હીરો બનવાની ને બીજી વિધાનસભાની ટિકીટ માટે... તો કઇ સ્વીકારો?
- ટિકીટવાળી ઓફર મને ગમી... પછી સો-બસો કરોડ તો મારા ડ્રાયવરને ટીપ આપીશ ને?
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

૨૪. પોલિટિક્સ ગંદુ જ હોય તો સારા માણસો એમાં શું કામ પડે છે?
- તમને ક્યો એકે ય સારો લાગ્યો?
(પ્રદીપ પંડ્યાહિંમતનગર  )

૨૫. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું ને ઈંગ્લિશ મીડિયમના મારા બાળકો સાથે વાતચીતમાં ય તકલીફો પડે છે... શું કરું?
- હરદ્વાર ગોસ્વામીનો ખૂબસુરત શે’ર છે : !
એના કરતા હે ઈશ્વર, દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?’
(કલ્પના જોશી, અમદાવાદ)

No comments: