Search This Blog

17/10/2012

કે.લાલ.... સિર્ફ નામ હી કાફી હૈ !

સદીઓથી જાદુગરીથી માંડીને સાક્ષર સુધી એક તોતિંગ કુતુહલનો વિષય રહ્યો છે. મુઠ્ઠી બંધ કરીને એકવાર ખોલો તો સિક્કો નીકળે ને બીજી વાર ખોલતા ખાલીખમ્મ...! આપણે અંજાઈ જઈએ એ એમને માટે કલા અને આપણા માટે ચોંકી જવાનો આનંદ છે. જાદુ જ એવો વિષય છે, જેમાં ઉલ્લુ બની ગયા પછી હસવું આવે છે. જાદુગરો તો કહી દે છે કે, આમાં હાથચાલાકીથી વિશેષ કાંઈ નથી, પણ એ બધું જાણવા છતાં, નજરના ધોખાથી છેતરાવું આપણને ગમે છે. મુઠ્ઠી ખુલવાનો રાઝ ખુલી જાય તો એ જાદુ રહેતું નથી અને બેવકૂફ બનવાનો પસ્તાવો થાય એ પસ્તાવો જુદો. મિનીટ પહેલા અધધધ મૂંઝાયેલા પ્રેક્ષકને એ ટ્રીકનું રહસ્ય જાદુગર કહી દે, પછી એની આખી બોડી-લેન્ગ્વેજ બદલાઈ જાય છે. ''ઓહો... આમાં તો કાંઈ નથી... આવું તો હું ય કરી શકું !''

જાદુ એ ટ્રીક ખુલ્યા પહેલા આનંદ પામવાની વાત છે.

ખુલેલી એક જ મુઠ્ઠી આપણી ઉપર આટલો મોટો પ્રભાવ પાડી શકે, તો દાયકાઓથી આખા વિશ્વ સામે લાખો કરતબોની જે ગુજરાતી વાણીયાએ મુઠ્ઠીઓ ખોલીને એક 'લેજન્ડ' બની જવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું, એ મહાન જાદુગર કે.લાલે ગૂમ થવાનું જાદુ પરમેશ્વરને ય બતાવી દીધું... કાયમ માટે પોતે ગૂમ થઈને ! મૃત્યુની મુઠ્ઠી ખોલવાની ઘટનાને 'હાથચાલાકી' નહી, 'શ્વાસચાલાકી' કહે છે. કે.લાલ સાહેબનો આ અંતિમ પ્રયોગ આપણા જેવા એમના ચાહકોને બહુ ભારે પડયો.

એક સદીમાં શ્રીકૃષ્ણે પોતાનું મોંઢુ ખોલીને સમગ્ર બ્રહ્માંડ દર્શાવવાની માયા જાળ માતા યશોદાને બતાવી દીધી હતી. એ ઘટનામાં ય સત્ય હશે, એની પ્રતિતી કે.લાલ સાહેબે એમના હરએક પ્રયોગોમાં દર્શકોને કરાવી દીધી. નજર સામે કાંઈ હોય નહિ ને ઘણું બધું આવી જાય અને જે હોય તે પલભરમાં ગાયબ થઈ જાય, એ જ એમની માયાજાળ ! યશોદાએ તો કન્હૈયાના મોંઢામાં કેવળ જીભ અને દાંતની અપેક્ષા રાખી હશે, ત્યારે ત્રણેય લોકનું દર્શન બાળકન્હૈયાએ મોંઢું ખોલીને કરાવી દીધું, એ કન્હૈયાની માયાજાળ. કે.લાલ એમના શોઝમાં કહેતા, ''હવે હું આપને એક નવી દુનિયામાં લઈ જવા માંગુ છું,'' એ નવી દુનિયા જોયા પછી પ્રેશકોને માતા યશોદાએ શું શું જોયું હશે, એનો અણસાર આવતો હતો !

આજકાલ તો ભારતની પ્રજાસ્વરૂપે માતા યશોદા બાળમનમોહન પાસે મોંઢું ખોલાવે છે ને બ્રહ્માંડ તો બાજુ પર રહ્યું... પૂરા એક લાખ-૨૮ હજાર કરોડ રૂપિયાનો કાળો કોલસો મોંઢામાં જોઈને માં ને પોતાને હેડકીઓ આવવા માંડે છે...!

પણ 'લાલ સાહેબ'ના હુલામણા નામે ઓળખાતા કે.લાલના અવસાને તો ઈશ્વરનો ય એક રાઝ ખોલી નાંખ્યો કે, રહી રહીને એને ય કે.લાલની માયાજાળ જોવાનો અભરખો ઉપડયો હશે. અહીં ધરતી પર તો કે.લાલના શોની ટિકીટો મળતી નહોતી ને ઉપર ઈશ્વરને ય આ બધું ફ્રી-પાસમાં જોવા મળે. બસ....બોલાવી લીધા.

દાયકાઓ પહેલા અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં કે.લાલનો શો જોઈને પોળના બે-ચાર દોસ્તોને એવા જાદુ કરી બતાવવાની સનક ઉપડી. બુધ્ધિના પ્રમાણમાં શરીરના મામલે વિરાટ સંપત્તિ હાંસિલ કરી ચૂકેલા એક જાડુએ અમને બધાને કાચની બે લખોટીઓ મોંમાં નાંખીને ગૂમ કરી દેવાનો પ્રયોગ બતાવ્યો. પહેલા એણે, ''જુઓ, કે.લાલ તો કંઈ નથી. એમની માફક આ લખોટીઓ હું ય ગૂમ કરી શકું છું'' એવી ટિપીકલ પોળીયા ભાષામાં જાડુએ ઠાંસ મારી. અમારી હા કે ના સાંભળવાનો એ ઉપક્રમ નહતો, એટલે એટલું બોલીને જાડુએ લખોટીઓ મોંમાં નાંખી.

એને એટલી ખબર નહિ કે, લખોટીઓ મોંમાં નાંખ્યા પછી કાંઈ બોલવાનું ન હોય...એ બોલ્યો... ''ગળળળળ...પ'' એવા કોઈ અગાઉ ન સાંભળ્યા હોય એવા અવાજો એના મોંમાંથી નીકળ્યા. પછી બે મોટી હેડકીઓ... પેટના ભાગેથી એનું આખું બોડી ઝટકા સાથે કૂદ્યું અને લખોટીઓ સાચ્ચે જ ગાયબ ! આ જાદુ કે.લાલે નહોતું કર્યું, એટલે આને જામીન પર છોડાવવા માટે કે.લાલ પાસે નહિ, ડોક્ટર પાસે જવું પડયું. આજે ૬૫ વર્ષની ઉંમરે એ જ ડોહા ગામમાં કહેતા ફરે છે, ''જાદુગરો કરે છે, એ ફક્ત જોવાય... એવું કરાય નહિ !''

પલભરમાં આખેઆખો માણસ ગાયબ કરી દેવાની કે.લાલની ખૂબીથી હોલમાં બેઠેલા ઘણા પ્રેશકોની આંખો ચમકતી. આવું આવડી જતું હોય તો, છ મહિનાથી ધામા નાંખીને પડેલી સગ્ગી સાસુને ગુમ કરી દેવાના સપના જોવાનો લાલ સાહેબ કોઈ અલગ ચાર્જ નહોતા લેતા.

લાલ સાહેબ આટલી ઉંમરે એક અદભૂત પ્રયોગ કરી બતાવતા. પોતે એક ખુરશીમાં બેસી રહે. પ્રેક્ષકોમાંથી કોઈને સ્ટેજ પર બોલાવી મજબુત દોરડાં વડે એમના હાથ કચકચાવીને બાંધી દેવડાવે. અને કાચી સેંકડમાં એ દોરડું છુટી જાય ને પાછું બંધાઈ પણ જાય. કમાલ ક્યાંક દોરડામાં હશે, એવી શંકા ન રહે માટે સ્ટેજ પર આવેલો પ્રેક્ષક ચારે બાજુથી એ દોરડું તપાસી લે. દોરડાં જેવું દોરડું જ હોય... કાશ, પંખે લટકનારાઓ આવું દોરડું વાપરે તો લાખો આત્મહત્યાઓ રદબાતલ થઈ હોત !

અમે ઘેર આવીને આ જ પ્રયોગ કરી જોયો. સ્વાભાવિક છે, આમાં ઘરના કોઈ સભ્યને તો વાપરી નંખાય નહિ, એટલે ધૂળજીને આવો બાંધી દીધો. એ રાડું પાડતો રહ્યો, ત્યાં સુધી, ''', તને કંઈ નહિ થાય... તને કંઈ નહિ થાય'' એવી ગેરન્ટીઓ આપતા આપતા મુશ્કેટાટ બાંધી દીધો. કે.લાલનો પ્રયોગ જોઈને ખાત્રી હતી કે, આમાં ગાંઠ મારવાની જ કોઈ ટ્રીક હોય, એટલે ધૂળજીને જામીન પર છોડાવવાની ગેરન્ટી હતી. પણ એવું ન થયું. ચીસો પાડતો ધૂળજો એવો હકડેઠઠ બંધાઈ ગયો હતો કે, એને છોડાવવાની ગાંઠ અમને આવડતી નહોતી. દોરડું જ્યાં જ્યાં અડતું હતું, ત્યાં ત્યાં ચામડી છોલાઈ હતી. જરા જોર વાપરીને બન્ને બાજુ દોરડું ખેંચીશું તો ગાંઠ આપોઆપ ખુલી જશે, એ લૉજીકમાં પેલો વધારે ભરાયો ને વધારે ટાઈટ થયો. સમજ્યા કે, ક્રાંતિ ભોગ માંગી લે છે, પણ એમાં સાથ બન્ને પક્ષોએ આપવો જોઈએ. અમે દોરડું ખેંચનારાઓ તો કેટલું સહન કરીએ ? ધૂળજીએ ચીસાચીસ સિવાય કોઈ સાથ ન આપ્યો, એમાં મારા જ ઘરમાંથી કે.લાલનો તદ્દન નવો અવતાર ધરતી પર આવતા સહેજમાં રહી ગયો !

પોળના આવા પ્રયોગોનો સીધોસાદો અર્થ એટલો કે, કે.લાલે મેજીકની દુનિયામાં એ કીર્તિમાનો હાંસિલ કર્યા હતા કે, પોળીયાથી માંડીને વિશ્વભરના મોટા જાદુગરોએ આજે પણ કે.લાલને પ્રણામ કરવા પડે છે. ફરક એટલો હોય છે કે, કીર્તિમાનો હાંસિલ કરવામાં જાદુ ક્યાંય કામમાં આવતું નથી... ત્યાં તો નકરી સાધના, ઝડપ અને સફળતા જ કામમાં આવે છે. બોલો, સ્વયં વડાપ્રધાનને ય ખબર છે કે, પૈસા ઝાડ ઉપર નથી ઊગતા. લાલ સાહેબ તો ઉંમરમાં સમજણા થયા ત્યારથી જાદુની આકરી સાધના કરી કરીને આ સ્ટેજે પહોંચ્યા હતા એક દ્રષ્યમાં પ્રેક્ષકગૃહમાં ઠેઠ પાછળના દરવાજેથી પલક ઝપકતા જ લાલ સાહેબ સીધા સ્ટેજ પર આવી જતા. પ્રેક્ષકોના માનવામાં જ નહોતું આવતું કે, માત્ર અઢી સેંકડમાં આ માણસ હોલના દરવાજેથી સ્ટેજ પર કેવી રીતે આવી ગયો...? કોઈકે આનું રહસ્ય પૂછ્યું, ત્યારે મીઠડું હસીને લાલ સાહેબે ઉત્તમ જવાબ આપ્યો હતો, ''હોલના દરવાજેથી અહીં સ્ટેજ પર પહોંચતા મને ૭૦ વર્ષ થયા છે...!''

કહે છે કે, માણસ જેમ જેમ મોટો થતો જાય છે, એમ એનામાં નમ્રતા પણ અઢળક આવતી જાય છે. લાલ સાહેબમાં તો જન્મજાત હતી. કોઈકે સ્ટેજ પર એમની સ્પીડના વખાણ કર્યા ત્યારે પૂરી જવાબદારીથી બોલ્યા, ''હાથ-કરતબ કે જાદુના અન્ય પ્રયોગોમાં સ્પીડને લાગેવળગે છે ત્યાં સુધી મારા કરતા જુનિયર કે.લાલ (હસુભાઈ એમના સુપુત્ર) વધુ ફાસ્ટ છે.'' અને વાત સાચી પણ છે. યુવાન હસુભાઈ દેશ-વિદેશમાં ફરીને દરેક શોમાં કોઈ નવો કરતબ બતાવતા રહે છે. કે.લાલ પછી કોણ ? એ જવાબ અઘરો પડે એવો નથી.

વર્લ્ડના ખૂબ જાણિતા મેજીશિયનો ડેવિડ કૉપરફીલ્ડ, ડગ હેનિંગ, લાન્સ બર્ટન, ડેવિડ બ્લેન, સીરિલ તાકાયામા અને ક્રિસ એન્જલથી માંડીને ભારતભરના મોટા જાદુગરોએ લાલ સાહેબ પાસેથી એક યા અન્ય ફોર્મમાં પ્રેરણા લીધી છે. વર્લ્ડ-લેવલના જાદુગરોની હરિફાઈમાં ભારતના આપણા એક માત્ર કે.લાલ પ્રથમ નંબરે વિશ્વ વિજેતા બનવાનું બહુમાન ધરાવે છે. પણ ભારત દેશને ગર્વ થાય એવા અનેક કામો કે.લાલ સાહેબ કરતા ગયા છે. જગતનો કોઈ દેશ બાકી નથી, જ્યાં કે.લાલના શો ન થયા હોય, એમાં અરબી દેશોના પ્રવાસ દરમ્યાન કોઈ માલેતુજાર આરબે કરોડો રૂપિયાની ઓફર મૂકીને કહ્યું, ''બસ... આ તમારા 'વોટર ઓફ ઈન્ડિયા'નું નામ બદલીને 'વોટર ઓફ અરબસ્તાન' કરી આપો.''

કે.લાલે હાથમાં આવેલા કરોડ રૂપિયાને પલભરમાં ગાયબ કરીને આરબની તિજોરીમાં પાછા મૂકી દેવાનો દેશપ્રેમી કસબ બતાવ્યો, ત્યારે આરબને ભારતીય જાદુ શું છે, તેનો ખ્યાલ આવ્યો.

કે. લાલો રોજ પેદા નથી થતા... એકાદ સદીમાં એક પણ માંડ થાય છે.

સિક્સર
- 'ફિલ્મોમાં ગાવાની અનેક ઓફર્સ વિનયપૂર્વક પાછી ઠેલી ન હોત તો સ્વ. રાસબિહારી દેસાઈનું નામ રફી, મન્ના ડે કે કિશોરથી કમ ન હોત !'
આ વાત સ્વયં મન્ના ડે એ મને કીધી હતી.
- જો કે, ફિલ્મોમાં હોત તો એક પૂજનીય ઋષિના સન્માન સાથે ''રાસભાઈ'' જીવી ગયા ન હોત !

No comments: