Search This Blog

14/10/2012

ઍનકાઉન્ટર : 14-10-2012

1 આજના યુગમાં બધાની આશા ફળતી કેમ નથી ?
- એ આશાડી છે જ એવી !
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

2 પાકિસ્તાની સૅક્સી વિદેશ મંત્રી હિના રબ્બાની અને બેનઝીર ભૂટ્ટોના છોકરા વચ્ચે આડુંઅવળું ચાલી રહ્યું છે, એમાં જીવ કોનો બળતો હશે ? હિનાના ગોરધનનો કે આસિફ ઝરદારીનો ?
- ભારતના વિદેશ મંત્રી એસ.એમ. ક્રિશ્નાનો.. ! હાથ ઘસતા પાછા આયા તે..!
(મયૂરી ત્રિવેદી, વડોદરા)

3 હવે ભાજપના નીતિન ગડકરીનું ય નામ ભ્રષ્ટાચારમાં ચમકયું .. !
- ભાજપનો ભ્રષ્ટાચાર કોંગ્રેસને સારી કહેવડાવે એવો તગડો છે.
(જયવંત કેશવ, પોરબંદર)

4 તમે ફેસબૂક પર છો ?
- ના. મને મારી પ્રાયવસી વહાલી છે.
(પાર્થ,આહ્યા, ગોંડલ)

5 પ્રેમીને પરણવા માં-બાપ સાથે ઝગડો કરેલી સ્ત્રી પતિ સાથે ઝગડો થતા માં-બાપ પાસે પાછી કેમ ચાલી જાય છે ?
- તમારા જેટલા બધા નસીબદાર નથી હોતા !
(નવનીત પરમાર, રાજકોટ)

6 તમારા બા વારંવાર કેમ ખીજાય છે ?
- એમાં તમારા બાનું શું જાય છે ?
(પ્રશાંતવદન એમ. વોરા, ભાવનગર)

7 તમારી જેમ સદા ય હસતા રહીને જીવન વીતાવવું છે. કોઇ ઉપાય ?
- રોજ સવારે તમારા માં-બાપના આશીર્વાદ લો.
(શગુફતા શેખ, જંબુસર)

8 ગોરધનને હંમેશા કહ્યામાં રાખવાનો ઇરાદો શું હોય ?
- આનો જવાબ આપવાની મારી પત્નીએ મને ના પાડી છે.
(અનિલ દેસાઈ, નિયોલ-સુરત)

9 ડિમ્પલ કાપડીયા પણ માથામાં તેલ નાંખીને તમને મળે, તો શું પ્રતિભાવ હશે તમારો ?
- જીંદગીમાં પહેલીવાર હું ય મારા માથામાં ધોધમાર તેલો નાંખુ.
(બિંદુ એચ. ભટ્ટ, જામનગર)

10 એક ભિખારીએ, ‘પૈસા કમાવાના ૧૦૦-ઉપાયો’ પુસ્તક લખ્યું...
- લોકો બધી નકલો ભીખમાં માંગી ગયા.
(હિતેશ દેસાઈ, તલીયારા-નવસારી)

11 સરકાર અજમલ કસાબ પાછળ આટલો બધો ખર્ચો કેમ કરે છે ?
- જીવો ના બાળો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના વિદેશ-પ્રવાસોના ખર્ચાનો એ હજારમો ભાગે ય નથી.
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ)

12 દાદુ, પ્રેમમાં નિષ્ઠા પુરુષની વઘુ સાચી હોય છે કે સ્ત્રીની ?
- હમણાંથી એવું કાંઈ તપાસવાનો મોકો જ મળ્યો નથી, બોલો !
(મોના બી. શાહ, અમદાવાદ)

13 અદાલતોમાં ભગવત-ગીતા ઉપર આરોપી પાસે સોગંદ લેવડાવવાનું પ્રયોજન શું ?
- લે.. બે ઘડી મજાકે ય ન થાય ?
(ધારા રાજાજી ટોપીયા, ધોરાજી)

14 દીકરીના જન્મને તમે ખુશી ગણો કે નહિ ?
- એનો આધાર એ કોના ઘરે આવી છે, એના ઉપર છે !
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

15 ‘ઍનકાઉન્ટર’માં કોઇ નેતા કે મંત્રી સવાલ કેમ પૂછતા નથી ?
- એ લોકોને તો ઍનકાઉન્ટરની સમજ પડે છે !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

16 હું ૪૦-વર્ષથી ઉપરની કોઇ સ્ત્રી સામે જોતો નથી, છતાં મારા કેમ કોઇ વખાણ કરતું નથી ?
- છોરૂં કછોરૂં થાય... માવતર થી કમાવતર થોડું થવાય છે ?
(સુબોધ નાણાવટી, રાજકોટ)

17 પરિણિતાના કપાળમાં ચાંદલો તો પરણેલા પુરૂષના કપાળમાં ?
- ઢીમડું.
(રમેશ મહેતા, જૂના ડીસા)

18 માણસ ૫૦ વર્ષ સુધી જે ખાય છે, તે પચી જાય છે, પણ ૫૦-ની ઉંમર પછી પચે એવું કેમ ખાતો નથી ?
- ખાવાને પચવા સાથે કોઇ સંબંધ હોત તો, ડોહા રૂ. ૧.૨૦ હજાર કરોડનો કોલસો ખાઇ ગયા છે.. પચી ગયો ને ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

19 અમેરિકા પાકિસ્તાન ઉપર ઓળઘોળ હોવા છતાં પાકિસ્તાનીઓ અમેરિકન પ્રજાને નફરત કેમ કરે છે ?
- કયા પાકિસ્તાનીને તમે કોઇને પ્રેમ કરતો જોયો ?
(પી. આર. નાણાવટી, જામનગર)

20 આ ટીમ અન્ના કયાં ખોવાઇ ગઇ ?
- કોઇ સફાઇ-કામદારને પૂછો.
(ખુશ્ભુ માલવ મારૂ, સુરત)

21 પાડોસી પ્રેમથી જુએ છે. શું કરવું ?
- તમે સ્ત્રી હો તો ચિંતા કરવા જેવું નહિ.. !
(સુમન વડુકુળ, રાજકોટ)

22 કોઇ સગાનું બાળક દત્તક લેવાનો આનંદ થાય, પણ પોતાનું બાળક સગાને આપતા જીવો કેમ બળે ?
- એમાં બાળવાનો હોય તો જીવ બાળકે બાળવાનો હોય !
(ભાવી છાયા, જૂનાગઢ)

23 તમારી દ્રષ્ટિએ આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક કોણ છે ?
- સ્વ. બકુલ ત્રિપાઠી... માત્ર ગુજરાતના નહિ.. ભારતભરના.
(ધ્રુવ પંચાસરા, વિરમગામ)

24 ચંદ્રની ધરતી પર પહેલી દુકાન કોઇ ગુજરાતી શરૂ કરશે, એ ધારણામાં તમે સહમત ખરા ?
- દુકાનની તો ખબર નથી, પણ પહેલું દેરાસર ચોક્કસ બંધાશે.
(હેમુલ ડી. ભટ્ટ, કલોલ)

25 થોડા સફળ થતા જ કવિઓ-સંગીતકારો સાઘુબાવાની માફક વાળ કેમ વધારી દે છે ?
- નહિ તો એમની શારીરિક પર્સનાલિટીમાં એવું કાંઇ બળ્યું હોતું નથી કે, લોકો એમની સામે ય જુએ. બીજાઓથી જુદા તરી આવવા માટે આ એક જ કૌશલ્ય છે.
(હરિશ પી. મેહતા, સુરત)

26 તમને પોતાને લિજજ્ત પડી હોય એવો કોઇ શે’ર કહેશો ?
- ‘આવું અજવાળું ક્યાં ઊગે ધણમાં
    કંઈક જાદુ હશે રબારણમાં.’
 (કવિ શોભિત દેસાઈ)

27 ઇશ્વર સાચાની જ નહિ, ખોટાની ફરિયાદ પણ કેમ સાંભળે છે ?
- મારાથી આમાં કાંઇ બોલાય એવું નથી.. હમણાં મારી ફરિયાદ એણે સાંભળી હતી !
(યાકુબ અજમેરવાલા, અમદાવાદ)

No comments: