Search This Blog

19/10/2012

શમા ('૬૧)

ગુલામ મુહમ્મદનું દિલડોલ સંગીત અને જેમાં હીરો આપણા ગુજરાતી વિજય દત્ત હતા...

ફિલ્મ            : શમા ('૬૧)
નિર્માતા         : તસ્વીરિસ્તાન
નિર્દેશક         : લેખરાજ ભાકરી
સંગીત          : ગુલામ મુહમ્મદ
ગીતો            : કૈફી આઝમી
થીયેટર          : એડવાન્સ (અમદાવાદ)
રનિંગ ટાઈમ     : ૧૬ રીલ્સ
કલાકારો        : સુરૈયા, વિજય દત્ત, નિમ્મી, તરૃણ બોઝ, ચાંદબાલા કમ્મો, કુમાર, મુમતાઝ બેગમ, ટુનટુન, કમ્મો (કુમુદ) ત્રિપાઠી, રેણુ માંકડ, લીલા મિશ્રા, ઇંદિરા બંસલ, રાજપ્રકાશ, સુનિતા, રાજપ્રકાશ. 

ગીતો : 
૧.  ઈન્સાફ તેરા દેખા, અય સાકી-એ-મયખાના    –  સુમન કલ્યાણપુર 
૨.  વો સાદગી કહે ઈસે દીવાનગી કહે, ઉનકા બઢા જો હાથ – મુહમ્મદ રફી 
૩.  આપ સે પ્યાર હુઆ જાતા હૈ, ખેલ દુશ્વાર હુઆ જાતા હૈ – સુરૈયા 
૪.  મેરે મેહબૂબ તુઝે પ્યાર કરું યા ન કરું  – સુમન કલ્યાણપુર 
૫.  મસ્ત આંખો મેં શરારત કભી ઐસી તો ના થી – સુરૈયા 
૬.  શગુફતગી કા લતાફત કા શાહકાર હો તુમ – – 
૭.  ધડકતે દિલ કી તમન્નાઓ મેરા પ્યાર હો તુમ – સુરૈયા 
૮.  યાસ કે દર પે ઝુકા જાતા હૈ સર આજ કી રાત – સુમન-રફી 
૯. ઈક જુર્મ કરકે હમને ચાહા થા મુસ્કુરાના, ચાહા થા – સુમન કલ્યાણપુર 
૧૦. દિલ ગમે સે જલ રહા હૈ જલે, પર ધુંઆ ન હો  – સુમન કલ્યાણપુર 
૧૧.  દિલ ગયા તો ગયા, દિલરૂબા મિલ ગયા – સુમન, શમશાદ, કોરસ 
(ફિલ્મના ટાઈટલ્સમાં ગીતા દત્તનું નામ હોવા છતાં ફિલ્મમાં એનું કોઈ ગીત જણાયું નથી.)

મુસ્લિમ કલ્ચર પર ભારતમાં ફિલ્મ બનાવવી કઠીન છે. એક તો, એટલું ઉર્દુ બધાને આવડે નહિ (ઉર્દુ એવી જબાન છે, જેના ઉચ્ચારમાં નાની અમથી ભૂલ થઈ જાય તો અર્થ બદલાઈ જાય.) બીજું, મુસલમાનો મૂળભૂત રીતે સેન્સીટીવ પ્રજા છે. મુસ્લિમ કલ્ચરને પરદા પર રજુ કરવામાં ઝીણામાં ઝીણી વાતનો ખ્યાલ રાખવો પડે. એ સમયના મુસ્લિમ નિર્માતાઓ પણ વેપારી હતા, એટલે ઈમોશનલ થઈને મુસ્લિમ બેકગ્રાઉન્ડ ઉપર ફિલ્મ બનાવીને બોક્સ-ઓફિસ બાજુ પર મૂકી દે, એટલા કાચા એ લોકો નહોતા. ધી ગ્રેટ દિલીપકુમારે આખી લાઈફમાં મુસલમાનનો રોલ ફક્ત એક જ ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં કર્યો છે. બીજી બાજુ, હિંદુ નિર્માતાઓ પૈસાથી માંડીને અજાણતામાં ભરાઈ જવાનું રિસ્ક લેવા નહોતા માંગતા. એવું ય ક્યાંય નહોંતું કે, મુસલમાનો હિંદુ બેકગ્રાઉન્ડની ફિલ્મો જોવા જ ન જાય ને મુસ્લિમ સબ્જેક્ટ પર ફિલ્મ બની હોય, તો હિંદુઓ આઘા રહે. 'મધર ઈન્ડિયા' કે 'આન' મુસલમાને બનાવી હતી છતાં ટિકીટબારી છલોછલ, તો બીજી બાજુ 'મેરે મેહબુબ' કે 'શમા' જેવી મુસ્લિમ પાર્શ્વભૂમિની ફિલ્મો હિંદુઓએ બનાવી હતી. આ ફિલ્મ લેખરાજ ભાકરીએ બનાવી હતી. મનોજકુમાર એમનો ખૂબ નજીકનો સગો, એટલે મનોજને ફિલ્મોમાં ય એ લાવ્યા. 'બનારસી ઠગ' કે 'માં-બેટા'માં મનોજની સાથે આપણા ગુજરાતી હીરો વિજય દત્ત પણ હતા. અટક એમની 'ભટ્ટ' હતી, (આ લોકો સુરત-બારડોલી પાસેના 'મોતા' ગામના 'મોતાળા' બ્રાહ્મણ) પણ 'બૈજુ બાવરા'વાળા ગુજરાતી નિર્માતા દિર્ગ્દશક વિજય ભટ્ટ આ વિજય ભટ્ટની બરોબર બાજુમાં રહે. એમાં બન્નેની ટપાલો એકબીજાના ઘેર પહોંચી જતી. મિત્રો જ હતા. એટલે આવી ગેરસમજ ન થાય માટે વિજયે 'ભટ્ટ' અટક કાઢી નાંખીને 'દત્ત' કરી લીધી. આમાં એક પ્રોબ્લેમ મોટો થઈ ગયો. અરસો '૬૦ની સાલની આસપાસનો હતો ને ખુદ મનોજ તદ્દન નવોસવો. લેખરાજ ભાકરી બહુ નજીકના સગાં છતા સુરૈયા-નિમ્મી જેવી કલાસ-વન હીરોઈનો સામે હીરો બનવાનો એક રેર ચાન્સ પોતાને બદલે વિજય દત્તને મળ્યો. એથી મનોજ ધાગધાગો થઈ ગયો. એ 'શમા'ના સ્ટુડિયોના સેટ પર જઈને એટલો ઝનૂનમાં આવી ગયો કે, વિજય દત્તનું ગળું દબાવી દીધું... દબાવેલું જ રાખ્યું... વિજય દત્તને પૂરા ૧૫ દિવસ હોસ્પિટલમાં રહેવું પડયું. અલબત્ત, મનોજને પોતાની ભૂલ સમજાઈ ને રોજ ખબર કાઢવા આવે. હોસ્પિટલનો પૂરો ખર્ચો પોતે આપવાની વાત કરી, પણ આપણા ગુજુભાઈ પોતે જ ગર્ભશ્રીમંત હતા, એટલે દોસ્તીના દાવે ભેટી પડીને ગઈ ગૂજરી ભૂલી ગયા અને મનોજ પાસેથી પૈસો પણ ન લીધો. 

વિજય દત્તે આ ફિલ્મ 'શમા' ઉપરાંત માલા સિન્હા-સંજીવકુમાર અને વિનોદ મેહરાવાળી ફિલ્મ 'ઝીંદગી', મનોજકુમાર-વિજયા ચૌધરીવાળી ફિલ્મ 'બનારસી ઠગ', ફિલ્મ મનોજકુમાર અને અમિતાની ફિલ્મ 'માં-બેટા'માં ય કામ કર્યું હતું. 

આપણી એ થોડી કમનસીબી કહેવાશે કે, એક તો વિજય દત્ત ગુજરાતી હોવા છતાં, હિંદી ફિલ્મોમાં આટલા ઊંચા સ્થાને પહોંચ્યા ને ફરી કોઈવાર દેખાયા જ નહિ. ફિલ્મોમાં ટકવું હોય તો ચમચાગીરીથી માંડીને વીવી ગીરી... બધું કરવું પડે, એ આમને માન્ય નહોતું. કદાચ થોડી હાઈટ પણ ઓછી હતી. એમનો અવાજ મીઠડો અને બેમિસાલ હતો અને ખાસ તો, ઉર્દુ ઉચ્ચારો અને તેહઝીબ પરફેક્ટ શીખી લીધા હતા. ઉચ્ચારો માટે તો ઉર્દુના ખાસ ટીચર પણ રાખ્યા હતા. કમનસીબીએ એમની સાથે મોટો અન્યાય એ કર્યો કે, '૮૫ની સાલમાં આપણા ઈન્ડિયાના 'કનિષ્ક' વિમાનની આયર્લેન્ડના દરીયામાં ગમખ્વાર હોનારત થઈ હતી, તેમાં વિજયભાઈનો કાબેલ પુત્ર સ્વ. પરાગ પણ હતો. વિજયભાઈના ધર્મપત્ની શ્રીમતી મુક્તાબેન ભટ્ટ અમદાવાદમાં રહે છે. આ લેખ માટે ઘણી માહિતી એમણે મને આપી છે. આજે ૮૦ની આસપાસની ઉંમર હોવા છતાં મુક્તાબેન ખૂબસુરત લાગે છે. 

ખૂબસુરતીમાં તો તમારી દૃષ્ટિએ નિમ્મી ચઢે કે સુરૈયા, એનો જવાબ પોસિબલ નથી. બન્ને મધુબાલા જેવી કાંઈ રૂપપરીઓ નહોતી, છતાં સુંદર તો હતી. મારા જામનગરમાં શ્રી ચંદુભાઈ બારદાનવાલાની પાર્ટીમાં નિમ્મીને હું મળ્યો, તો સાનંદાશ્ચર્ય એ નીકળ્યું કે, વર્ષો પહેલા અમદાવાદમાં મેં શરૂ કરેલી 'ગ્રામોફોન કલબ'માં એ આવ્યા હતા, ત્યારનો મને આદરથી યાદ રાખ્યો હતો. એટલે સુધી કે પરિચય દોહરાવવાની પણ જરૂર ન પડી. મારી પત્નીને ભેટીને નિમ્મીએ કહ્યું, 'અશોકજી આપ કો ભી હંસાતે હૈં, યા નહિ?' 'ભી' નહિ, નિમ્મીજી... 'હી'એ જવાબ સાંભળીને રાજકપુરની 'બરસાત'માં એ એકે ય વાર નહોતી હસી, એવું ખડખડાટ અત્યારે હસી. 

તો બીજી બાજુ, સુરૈયા અત્યંત ડીસન્ટ અને વેલ-બીહેવ્ડ લેડી હતી. કન્વેન્ટ-એજ્યુકેટેડ હોવાને કારણે ઇંગ્લિશ ફલ્યૂએન્ટ બોલે. ગુજરાતી કડકડાટ બોલે. અને ઉર્દુ પણ તેહઝીબવાળી બોલે. નૂરજહાંની માફક 'મેરે કુ ખાણે કા હૈ... ને જાણે કા હૈ'વાળી ઉર્દુ નહિ. રહેમાન એની પાછળ પડી ગયો હતો. ઈફિતખારે પાગલપણાની તમામ સરહદો વટાવીને મુંબઈના મરિન લાઈન્સ પર જ્યાં એ રહેતી, તે 'કૃષ્ણ મહલ'ની સામે દરીયા પાસેની ફૂટપાથ પર ઈફિતખાર રીતસર ઉપવાસ પર બેસી ગયો હતો કે, જ્યાં સુધી સુરૈયા મને પરણવાની હા નહિ પાડે, ત્યાં સુધી ઉઠીશ નહિ. બીજે દહાડે પોલીસવાળાએ એક મોટો ઘાંટો પાડયો, એમાં ઉપવાસ-બુપવાસ કેન્સલ અને ભ'ઈ પોતાના ઘેર! હિંદી ફિલ્મોના આપણા ગુજરાતી સંગીતકાર તુષાર ભાટીયા સુરૈયાની બાજુના ફલેટમાં રહે છે. તેમના કહેવા મુજબ, હું પણ સુરૈયાને મળી શક્તો નહતો. એ કોઈને પોતાના ઘેર આવવા દેતી નહિ. કહે છે કે, કદાચ કોઈ એના ઘેર આવી શકે, તો બેઠા પછી ડ્રોઈંગરૂમમાં કલાક બેસી રહેવું પડે. સુરૈયા મેહમાનોને પણ કદી ફૂલ મેઈક-અપ અને લથોલથ ઘરેણાં સિવાય મળતી નહીં. એના જીવનના અંત સુધી એક ગુજરાતી પરિવાર જ તેની સૌથી નિક્ટ રહ્યો હતો. દેવ આનંદ સિવાય અન્ય કોઈ પુરુષને સુરૈયાએ ચાહ્યો નથી. ફિલ્મ 'શમા' ઘણી સામાન્ય ફિલ્મ હોવાને કારણે એની સ્ટોરી-બોરીમાં ઝાઝું રોકાણ કરવા જેવું નથી. વળી અમદાવાદમાં તો એ કેટલા કલાક ચાલી હતી, તે ય કોઈને યાદ નથી. માં-બાપ વિનાની અનાથ શમા (નિમ્મી) લખનૌના મશહૂર શાયર પરવાના ઉર્ફે પરવેઝ (વિજય દત્ત)ના ઘરમાં નાનપણથી ઉછરી છે. એ શૈશવથી જ શાયરને ચાહે છે, પણ શાયરનું દિલ શહેરની સુંદરી સુરૈયાને ચાહે છે. સુરૈયા શાયરની શાયરીને અને પરિણામે ખુદ શાયરને ચાહે છે. એ જ આપણી જૂનીપુરાણી ત્યાગ અને બલિદાનની કથાઓ મુજબ, નિમ્મી પોતાનો પ્રેમ વિજય દત્ત ઉપર જાહેર કરવાને બદલે, સુરૈયા સાથે લગ્ન કરાવી આપે છે. એ જ વો હી, ફટી-પુરાની વિલનોવાલી બાત... કે સુરૈયાનો ભાઈ દિલાવર (તરૂણ બોઝ) પાછો નિમ્મી ઉપર ફિદા છે અને એણે ના પાડી દેતા, એ શમા-પરવાના (નિમ્મી અને વિજય દત્ત) ઉપર લફરાનો આક્ષેપ મૂકી દે છે, એમાં પેલી નિમ્મી ઝેર ધોળે છે, જે જાડી ટુનટુને બદલીને ઊંઘની દવા ભરી દીધી હોવાથી બચી જાય છે. અહીં લેખકે કોઈ પણ ભોગે શમા-પરવાનાને ફિલ્મનાં અંતે એક તો કરવા પડે, એટલે પોતાના સગા ભાઈએ આવું અધમ કૃત્ય કર્યું, એના આઘાતમાં સુરૈયા પહેલે માળેથી પડતું મ્હેલીને આપઘાત કરે છે અને શમા-પરવાનાના માર્ગમાંથી ખસી જાય છે. ફિલ્મમાં મુસ્લિમ કલ્ચરનો બખૂબી ખ્યાલ રખાયો છે, ખાસ કરીને લખનૌની તેહઝીબનો. ઈવન, આજના જે કોઈ શિક્ષિત મુસલમાનો છે, તેમની પાસે લખનવી ડીસન્સી જોવા મળે છે. ઉર્દુ તો અમથી ય કોઈ ખાસ મેહફીલ વગર બોલતું નથી, પણ જેમને જાણકારી છે, એ અરબી-ફારસી મિશ્રિત ઉર્દુ બોલીને મેહફીલમાં જમાવટ કરી દે છે. ફિલ્મ 'શમા' મુજરાઓ ઉપર આધારિત હોવાથી દિર્ગ્દશક અને આર્ટ-ડાયરેક્ટર દેશ મુકર્જીએ લખનૌના મુજરાઓને પરફેક્ટ પેશ કર્યા છે. મુજરાનો ય ઠાઠમાઠવાળો એક ઠસ્સો હતો. મોંઘા ભાવની કાર્પેટ, મુગલાઈ ફર્નિચર અને પહેરવેશ, તબલાં, હાર્મોનિયમ, સારંગી, પાનપટ્ટીથી ઘરાકોનું મોંઢું લાલતરબોળ, થૂંકદાની, સદા ય જલતી શમ્મા, શહેર લખનૌના નવાબજાદાઓ ને અમીરજાદાઓ, બાંકી ટોપી, ધરેણાં અને ખાસ તો મુજરો પેશ કરતી નાચનેવાલીઓ કોઈ વેશ્યા નહોતી, તવાયફો હતી. તવાયફો ગ્રાહકોને શરીર ન વેચે. હકીકતમાં તો આ તવાયફો શેર'ઓ શાયરી, ગઝલ અને નઝમોની જાણકાર હતી. અફકોર્સ ફિલ્મનું એકમાત્ર સર્વોત્તમ પાસું હોય તો ગુલામ મુહમ્મદનું પરફેક્ટ ટેનવાળું સંગીત. એકોએક ગીતો આજે ય લોકજબાન પર છે. સુરૈયા તો આમે ય મર્યા પછી પણ ગુલામની કાયમી એહસાનમંદ રહેવાની. એના શ્રેષ્ઠ ગીતો આ સંગીતકારે આપ્યા છે. એવો જ, એહસાન ગુલામભાઈએ સુમન કલ્યાણપુર ઉપર પણ કર્યો કહેવાય કે, લતાના રાજમાં શંકર-જયકિશનને બાદ કરતા કોઈ સંગીતકાર સુમન પાસે ફરકવાની હિંમત નહતો કરતો, ત્યારે ગુલામ મુહમ્મદે સુમનને આ ઉપરાંત પણ અનેક ફિલ્મોમાં ગવડાવ્યું છે. 'ધડકતે દિલ કી તમન્નાઓ મેરા પ્યાર હો તુમ...' સુરૈયા અને નિમ્મી બન્ને ઉપર ફિલ્માયું છે. નોર્મલી, સુરૈયા અને નૂરજહાં બીજા કોઈને પ્લે-બેક આપતા નહોતા. આ ફિલ્મના બે ગીતો 'દિલ ગમ સે જલ રહા હૈ, જલે પર ધૂંઆ ન હો...' અને 'એક જુર્મ કરકે હમને, ચાહા થા મુસ્કુરાના...' મારા ફેવરિટ ગીતો છે. પહેલા ગીતમાં કૈફી આઝમીએ સુંદર કમાલ કરી છે, 'દુનિયા તો ક્યા ખુદા સે ભી કહે દિયા, વો મેહરબાં નહિ, તો કોઈ મેહરબાં ન હો...' બીજો એવો એક મીસરો જુઓ, 'વો ગમ હસિન હૈ જીસ ગમ કે જીમ્મેદાર હો તુમ...' બહુ ઓછાને ખબર હશે કે, હિંદી ફિલ્મી ગીતોમાં ૪૦-૫૦ના દાયકા સુધી તો ગીતોમાં ફક્ત તબલાં જ વાગતા. પર્કશન્સના અન્ય વાજીંત્રોની કોઈને ખબર નહોતી. ઈવન નૌશાદ પણ નહિ. પણ ઉંમરમાં નૌશાદથી મોટા અને નોકરીમાં એમના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ગુલામ મુહમ્મદે ઢોલક, નાલ, ખંજરી, માદલ, ઢપ અને આજે જે વાગે છે તમામ તાલવાદ્યો ફિલ્મોમાં લઈ આવનાર એકમાત્ર ગુલામ મુહમ્મદ હતા. જિંદગીભર ગરીબીમાં ગાળેલા એ વર્ષોના વરસ પછી સફળતા એમની ફિલ્મ 'પાકિઝા'માં મળી ને એ જોના એ ફિલ્મ 'શમાં'માં રોકાઈ શક્યા નહિ. 

બહુ મધુરૂ મધુરૂ ઉર્દુ સાંભળવા મળે છે. કૈફી આઝમીના ઉર્દુ સંવાદોને શક્ય હોય ત્યાં સુધી અરબી-ફારસી ટચ નહિ આપીને કૈફીએ હિંદુસ્તાનમાં બોલાતી ઉર્દુ લખી છે. સાહિર લુધિયાનવીનો 'વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકીન, ઉસે ઇક ખૂબસુરત મોડ દેકર છોડના અચ્છા...' અહીં કૈફી આઝમીને સંવાદ તરીકે વાપર્યો છે. 

ફિલ્મ સામાન્ય કક્ષાની હોવા છતાં... જેમ આપણા જમાનાની ઓલમોસ્ટ તમામ ફિલ્મોમાં બનતું હતું તેમ, ફિલ્મનું સંગીત ઉચ્ચ કોટીનું હોવાને કારણે આ બધી ફિલ્મો આજપર્યંત યાદ રહી ગઈ છે. 'શમા' એનો મોટો દાખલો!

No comments: