Search This Blog

28/10/2012

ઍનકાઉન્ટર 28-10-2012

1 ‘ટેવાઈ જવું’ એટલે શું ?
- ડો. મનમોહનના કોલસા-કૌભાંડ પરથી દેશની નજર હટાવવા એ લોકો જ રોબર્ટનું કૌભાંડ લઈ આવ્યા. એના ઉપરથી નજર હટાવવા કોંગ્રેસીઓ એ જ સામે ચાલીને સલમાન ખુરશિદનું કૌભાંડ ચગાવ્યું... હવે સલમાનને બચાવવા દિગ્વિજયે બાજપાઈ ને અડવાણીના કૌભાંડો ચગાવ્યા... (જે સાચા હોવાના બેશક પૂરી શક્યતાઓ છે) બસ... આપણે સહુએ આવા બધાઓથી જ ટેવાઈ જતા શીખવાનું છે ! 
(સંજીવ જી. શાહ, અમદાવાદ)

2 મનમોહન કેમ કદી હસતા નથી ?
- દુનિયા આખી એની ઉપર હસવા માંડી છે એટલે.
(દેવેન્દ્ર ભંભા, તીરૂપુર-તામિલનાડુ)

3 કુદરતી ઉકળાટ ઉપરાંત હવે રાજકીય ઉકળાટ પણ વધતો જાય છે... ઠંડક ક્યારે થશે ?
- ૧૫- ડિસેમ્બર, ૨૦૧૨ પછી.
(અખિલ મહેતા, અમદાવાદ)

4 આપની નજરમાં જીંદગી ખરેખર શું છે ?
- !
(નવનીત વી. પરમાર, રાજકોટ)

5 આપ ગંભીર પ્રશ્નોના વિનોદી જવાબ આપો છો, પણ એમાં ય ગંભીરતા હોય છે. શું છે રહસ્ય ?
- હું પરણેલો છું.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

6 બન્ને પક્ષે ગુણાંકો મેળવી લીધા છતાં, લગ્ન પછી અવગુણાંકો કેમ વધારે મળે છે ?
- લગ્ન પછી ગણિત પાકું થાય !
(કાજલ ત્રિપાઠી, ન્યુયોર્ક)

7 હું તમને જોયે ઓળખતી નથી. પણ તમે રસ્તે મળો તો તમને ઓળખવાની નિશાની કઈ ?
- ખબર પડવા છતાં મને જોઈને તમને હસવું ન આવે, તો એ જ અશોક દવે.
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

8 અભિમાનીઓ પોતાના અભિમાનથી જ ઘવાતા હોય છે. સુઉં કિયો છો ?
- જો કે.. ચેતવું નમ્ર માણસોથી, ઓકે ?
(હિમેશ કે. કુંઢડીયા, મુંબઈ)

9 જો કોઈ મહિલા વાચક તમને પૂછે, ‘મુઝસે શાદી કરોગે ?’ તો શું વિચારો ?
- ટેસ્ટ એનો ઊંચો ન હોય... મારો તો હોય ને ?
(દશરથસિંહ ચૌહાણ, અમદાવાદ)

10 મારૂ સપનું છે કે, વિશ્વમાં માત્ર ને માત્ર તિરંગો લહેરાય..... બસ !
- આ માસનો ‘અશોક દવે એવોર્ડ’ તમને આપવામાં આવે છે.
(મહમંદ નૂર મુંજાવર, સીમાસી-ઊના)

11 જેને લખતા વાંચતા આવડતું ન હોય, છતાં ‘એનકાઉન્ટર’માં સવાલો પૂછવા હોય તો કેવી રીતે પૂછવા ?
- તમે પૂછ્‌યો છે એવી રીતે.
(દિનેશ જોષી. દહીંસર)

12 એકવાર માત્ર જોવા માટે તિહાર જેલમાં જવું છે. કોઈ ઉપાય ?
- એક વાર પરણી ચૂક્યા હો તો, જોવા કરતા રહેવા જવું વધારે ફાયદેમંદ છે. સહુ પરણેલાઓ પણ એક વાર ફક્ત ‘જોવા’ જ ગયા’તા...!
(જગદીશ રસિકલાલ શાહ, રાજકોટ)

13 ભાગ્યમાં લખાયું હોય એટલું જ મળતું હોવા છતાં, માણસ પૈસા કમાવવા ભાગમભાગ કેમ કરે છે ?
- એ આડો ભાગે છે... ઉપર ભાગે તો ઉપર જતો રહે !
(ગાયત્રી એ. ઠક્કર, મુંબઈ)

14 ફિલ્મોના અશોક કુમાર અને ઈતિહાસના સમ્રાટ અશોક વચ્ચે ફેર કેટલો ?
- છાપાના અશોક દવે જેટલો.
(રસીલા દિલીપ શાહ, અમદાવાદ)

15 ‘વહાં લે જાતે હૈં કશ્તિ, જહાં તુફાન હોતે હૈ...’ એવા સાસુ-સસરા હોય તો શું કરવું ?
- હાલમાં તો ઘરમાં જે કાંઈ પડ્યું હોય એ વાપરી કાઢવું... આગળનું પછી જોઈશું !
(ભાવી છાયા, જૂનાગઢ)

16 એક ગરીબ મારી પાસે ૨૦-વર્ષ જૂનું ટીવી ભીખમાં માંગે છે... આપી દઉં ?
- એમ ના અપાય ! એને કહો, ‘એકની સામે એક ફ્રી’ મુજબ, ઘરમાં વીસેક વર્ષ જૂનું ને લોહી પીતું જે કાંઈ પડ્યું હોય, એ ય સાથે લઈ જવું પડશે !... પંખો ચાલુ કરો.
(માલવ મારૂ, સુરત)

17 આજના ન્યાયાધીશો કે લાંચવિરોધી બ્રાન્ચના અધિકારીઓ જ લાંચ લેતા હોય તો દેશનું મોરલ ક્યાં ગયું ?
- ઉંફ... દેશનું મોરલ પચ્ચા-પચ્ચા રૂપિયે મીટર ખાદી ભંડારમાં જોઈએ એટલું મળે છે.
(હરેશ ગાંધી, સેગવી-વલસાડ)

18 તમારી ભૂતપૂર્વ પ્રેમિકા વિશે શું વિચારો ?
- કેવી નસીબદાર હતી...ને પરમેશ્વરે કેવી સજા કરી ?
(શિવાંગી મનોજ શાહ, અમદાવાદ)

19 ઊંચુ શિક્ષણ પ્રાપ્ત કરવા છતાં ગણત્રી તો આંગળીના વેઢાંથી જ થાય છે. એવું કેમ ?
- વેઢાંનો બીજો એકે ય ઉપયોગ હોય તો બતાવો.
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

20 અરવિંદ કેજરીવાલ વિશે શું માનો છો ?
- પરપોટો.
(કવિતા સુબ્રમણ્યમ-શાહ, અમદાવાદ)

21 એક જ પત્ની રાખવાનો કાયદો ક્યારે રદ થશે ?
- એક ગોરધનવાળો કાયદો રદ થશે ત્યારે.
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

22 સત્ય મઘુરૂં હોવા છતાં લોકોને કડવું કેમ લાગે છે ?
- છાતીની આરપાર સનનન... કરતું નીકળી જાય છે માટે.
(કિશોર વ્યાસ, ઘોઘા)

23 ‘વર્ષા’નું રૂપાંતર ‘વરસાદ’ થયું. સ્ત્રી લંિગમાંથી સીઘું પુલ્લિગ...? આવું જાતીય પરિવર્તન ??
- એ લોકોને બચ્ચું ય છે... ‘‘વર્ષ’’.
(રોહિત કે. દરજી, હિંમતનગર)

24 આગામી ચૂંટણીઓમાં ‘ઘરનું ઘર’ની ભેટ મળી છે, તો ‘વાંઢીને વર’નું શું ?
- ઘરની સાથે વર પેકેજ ડીલમાં આવી જાય છે.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી)

25 આગામી ચૂંટણીમાં જમીન કે લેપટોપ મફત આપવાની જાહેરાતો થઈ છે... સુઉં કિયો છો ?
- કોંગ્રેસવાળા બેવકૂફો છે. ચૂંટાવાના જ નથી, એની ખાત્રી છે તો પછી પ્રત્યેક નાગરિકને આવી ફાલતુ ચીજો આપવાની શું કામ મેથી મારો છો ? કહો, દરેક નાગરિકને બંગલો, પ્રાયવેટ વિમાન અને મર્સીડીઝ-બેન્ઝ પણ મળશે.
(ડો. અબ્દુલગની મેહસાણીયા, સુરત)

26 હિંદુ, મુસ્લિમ, સીખ્ખ, ઈસાઈ... (અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી) સહુ પર ઈટાલિયન કન્ટ્રોલ ?
- બધું સરભર કરવા રાહુલ બાબાને પાકિસ્તાની સાથે પરણાવવો.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

No comments: