Search This Blog

24/10/2012

પોલીસ સ્ટેશનમાં

અમારી બાજુમાં ચોરી થઈ.

આ વખતે અમે નહોતી કરી, એટલે નિરાંત હતી. આઈ મીન, આ વખતે અમારા ઘેર નહોતી થઈ, એટલે નિરાંત હતી.

ડર એ હતો કે, દેખાવમાં અમારું આખું ફૅમિલી ખાસ કાંઈ સજ્જન લાગતું નથી. પોલીસ આવશે તો એ લોકોને અન્ય ખુલાસાઓની જરૂર જ નહિ પડે. મારું મોંઢુ ય એવું છે કે, પોલીસવાળો તો ઠીક, ડૉક્ટરો ય કોઈ પાર્ટી-બાર્ટીમાં મળે, તો સીધી સલાહ આપવા માંડે છે, 'દાદુ... બીજું બધું બરોબર છે... બસ, પીવાનું છોડી દો.'

હું દારૂ નથી પીતો, એની જાહેરાત મારે આ રીતે કરવી પડે, એની ય મને શરમ આવે છે કારણ કે, દોસ્તોમાં મારી છાપ ખરાબ પડે છે કે, 'આ તો... હંહ... દારૂ ય નથી પીતા...' અને સંતો-મહાત્માઓ મારો ભરોસો નથી કરતા કે, આ નહિ પીતો હોય!
'કવ છું, અસોક... આ જરા કપડાં હારા પે'રી લિયો... પોલીસું આવશે તો તેમને આવા જોઈને બીજાં ખુલાસા માંગસે જ નંઈ...' ઘરમાં આપણે થોડા કાંઈ શૂટ પહેરીને બેઠા હોઈએ? ઘરમાં હું તો ચડ્ડો પહેરીને બેસું છું. સારી ભાષામાં એને 'શૉર્ટ' કહેવાય, પણ ઘેર પોલીસ આવવાની હતી, એટલે સારી ભાષાની જરૂર ક્યાં પડવાની હતી, એટલે નવરાત્રી માટે સિવડાવી રાખેલા પોપટી રંગનો કૂરતો અને નીચે શ્યામ ગુલાબી ચોયણીમાં હું પોલીસો સામે શું કામ છેલછબિલો લાગું?
'હેં...?'

'
હું કઈ સાડી પે'રૂં...?'
'સ્ટુપિડ જેવી વાતો ના કર... ઘરમાં પોલીસ આવે છે, તારા પિયરીયાઓ નહિ!'

'
પણ હું કે'તી'તી કે, ઈ લોકો કાંય પૂછે તો તમે છાનીના રે'જો... કાંય બાફી નો મારતા...'

'
તે ચોરી આપણે ક્યાં કરી છે કે, બાફવાનું ય આપણે હોય?'

'
એમ નંય, એમ નંય...! ઈ લોકોનો હાઉ જ એવો હોય ને, કે આપણે ચોરીયું નો કયરી હોય તો ય જવાબ 'હા'માં જ દેવાઈ જાય...!'

પણ સોસાયટીમાં સન્નાટો ધમધોકાર છવાઈ ગયો હતો, ચોરની બીકે નહિ, પોલીસની બીકે!

ઘણીવાર પ્રજાને, કોનાથી વધારે બીવાનું છે, એની ખબર હોય છે. કોક કહેતું હતું કે, આમાં તો પોલીસ આપણા ઘેર આવે, પછી આપણને ત્યાં બોલાવે ને જરા ગભરાઈ જઈએ તો ધમકાવે.

એમને શક પડે તો ધોલધપાટે ય કરે. કોકની ઓળખાણ કાઢવા જઈએ તો બે ધોલ વધારે મારે... હઓ!

ચોરી તાજી જ થઈ છે, એટલે અત્યારે તો પોલીસનું પેટ્રોલિંગ સોસાયટીમાં ય ચાલુ હોય, એટલે અમે ઘરની બહાર નીકળતા ન હતા. જીવનમાં જ્યારે ડરીને ચાલવાનું હોય ત્યારે ચાલ ચોર જેવી થઈ જાય. આપણે કોઈની સામે નજર ન મીલાવી શકીએ. સામે પોલીસ ઊભી હોય ત્યારે કોઈ સજ્જન માણસ લશ્કરની પરેડમાં નીકળ્યો હોય, એવો ટટ્ટાર થઈને ચાલી ન શકે.

'
જુઓ દવે સાહેબ, આમાં આપણાથી બહુ પડાય નહિ... મને તો પોલીસ પૂછશે તો હું કહી દેવાનો છું,'' હું તો ઘરમાં હતો જ નહિ... જે કાંઈ પૂછવું હોય, એ મારી વાઈફને પૂછો...' ગાંધીનગરમાં આપણે છેક સુધી ઓળખાણો છે, એવા કાયમ ફડાકા મારતા પડોસી દોશી સાહેબ થોડા નહિ પણ ઘણા ગભરાયેલા અવાજે મને સલાહ આપતા હતા. એકવાર એમની વાઈફે મારી ચામાં ભૂલથી એક ચમચી ડૅટોલ નાંખી દીધું હતું, ત્યારથી અમારા ઘરમાં ય કોઈને આવડું અમથું છોલાય-બોલાય ત્યારે ડૅટોલને બદલે અમારાથી ય ભૂલમાં ચા ચોપડાઈ જાય છે.

'
વાઈફ...? તમે છટકીને તમારી વાઈફને ભરાઈ દેવા માંગો છો? આવું તો કેવી રીતે ચાલે?' મેં પૂછ્યું.

'
અરે દાદુ, સોસાયટીમાં બધા એમ જ કરવાના છે...!'

'
યૂ મીન... બધા તમારી વાઈફ ઉપર જ ઢોળી દેવાના છે?'

'
નૉન સૅન્સ...! અરે પોતપોતાના ભાગે પડતી આવેલી વાઈફોના માથે!'

'
એનું લૉજીક શું?'

'
લૉજીક? અરે, લૅડીઝ સાથે પોલીસો જરા આમન્યાથી વાત કરે.'

ટેન્શનમાં તો અમે સહુ હતા. બધાની વાતોનો સાર એટલો હતો કે, સામાન્ય માણસો સાથે ય પોલીસની વાત કરવાની ઉદ્ધતાઈથી આપણે ટેવાયેલા ન હોઈએ. જેમ જેમ આપણે દયામણા મોંઢે વાત કરતા જઈએ, એમ હાળા આપણને દબાવતા જાય. પોતે તો બહું વર્ષોથી પોલીસની ધોલધપાટ ખાઈ ખાઈને જમાનો જોઈ નાંખ્યો હોય, એમ બુબુભાઈએ બહુ અધિકૃતતાથી કહ્યું, 'બૉસ... પોલીસની થપ્પડ અને આપણે ઘરઘરમાં મારીએ, એ થપ્પડમાં બહુ ફેર, 'ઈ! બને તો એ લોકોની સામે જ નહિ આવવાનું...!'

'
અરે પણ... એમ એ લોકો થપ્પડ-બપ્પડ મારે શેના? આપણે તો કોઈ ચોર છીએ?' એક વડીલે ડરતા કહ્યું.

'
આપણે તો કોઈ વાંધો જ આવવાનો નથી. આપણને બોલાવશે તો કહી દઈશું, મોદી અમારા સગામાં થાય!'

'
એમ તો અમારે ગાંધીનગરમાં થોડી ઘણી પહોંચ તો ખરી...! અમારા બાબાના મૅરેજમાં એક ધારાસભ્ય આયેલા...'

'
જો... હું તો ચોખ્ખું કહી દેવાનો છું. ચોરી થઈ ત્યારે અમે લોકો તો એલિસબ્રીજ એક ફ્રેન્ડના ઘેર હતા. અમને તો ચોરી થવાની વાતની જ ખબર નથી.'

'
સ્ટુપિડ જેવી વાતો બંધ કરો હવે! અરે, આ ઠોલાઓના હાથમાં પાંચ-પચ્ચી પકડાઈ દેવાના...! નૉટો બતાડો એટલે કોઈ નામ ના લે આપણું...!'

'
મને એક આઈડિયો આવે છે...!'

'
આઈડીયો...? કે આઈડીયા?'

'
અરે ભ', મારો આઈડિયો જરા મરદ જાતનો છે, એટલે આઈડિયો કીધો. આપણે એક કામ કરીએ. પોલીસવાળા આપણી સોસાયટીમાં આવે, એ પહેલા કાલે વહેલી સવારે આપણે બધા પિકનિક પર ઉપડી જઈએ... ત્યાં થોડા એ લોકો પૂછપરછ માટે આવે?'

'
', કોઈ પંખો ચાલુ કરો ને જરા...! આ ઈડીયટની તો બૈરીમાં કે એની વાતમાં... કોઈ દમ જ નથી હોતો!'

'
એ લાલા... કોઈની વાઈફ માટે આવું ના બોલાય!'

સોસાયટીના ઘરે ઘરે આખી રાત પ્લાનો બનતા રહ્યા. પોલીસ આવે તો શું જવાબ આપવો!

પોલીસ આવી જ નહિ. ચોરી ઘનુભ'ઈના ઘેર થઈ'તી. ફરિયાદમાં એમની વાઈફનો નૅકલેસ ગૂમ થયાની નોંધાઈ હતી. એ પોલીસમાં જઈને કહી આવ્યા કે, ક્ષમા કરજો. ચોરી-બોરી થઈ જ નથી. નૅકલેસ ઘરમાં ને ઘરમાં જ આડોઅવળો મૂકાઈ ગયેલો.

ઈન ફૅક્ટ, ચોરી થયેલી. નૅકલેસ તો ગયો જ. ઘનુભ'ઈ શાણા માણસ નીકળ્યા. વાત પોલીસના ચોપડે ગઈ, એટલે ચોર પકડાય અને હાર પોલીસના હાથમાં આવે, તો પણ ઘનુભ'ઈને પાછો મળવાનો નથી... આઈ મીન, મળે તો ય ૨૦-૨૫ વર્ષો પછી મળે. પોલીસ પહેલા તો હારનું બિલ માંગે. પછી શહેરમાં ચોર પકડાય, એમ આવી ફરિયાદ નોંધાવનારાઓને ઓળખ-પરેડ માટે બોલાવે. રોજના ધક્કા.

એના કરતા હારના જે સી ક્રસ્ણ કરી નાંખવું સસ્તું પડે.

મનમોહનો, શરદ પવારો, રૉબર્ટ વાઢ્રાઓ, નીતિન ગડકરીઓ પાસેથી રૂપિયો ય પાછો મળવાનો છે? બસ. ભૂલી જાઓ.

સિક્સર
-
હોટેલમાં ડિનર લેવા ગયા પછી બિલ કેટલા ચકાસે છે?
-
ચકાસો તો ખબર પડશે કે, ગુજરાતની મોટા ભાગની હોટેલમાં એકાદ-બે ડિશો વધારાની કે સબ્જી-રોટીનો મૅનુમાં લખેલા ભાવથી વધારે ભાવ લઈ લે છે. મહેમાનો પાસે 'પો પાડવા બિલ ચકાસવું શરમજનક ગણાય, એ વાતનો કેટલીક હોટેલવાળા પૂરો ફાયદો ઉઠાવે છે!

No comments: