Search This Blog

05/10/2012

ગુરૂદત્તનું આરપાર : ફિલ્મ : ‘આરપાર’ (’૫૪)

ફિલ્મ : ‘આરપાર’ (’૫૪)
નિર્માતા-નિર્દેશક : ગુરૂદત્ત
સંગીત : ઓ. પી. નૈયર
ગીતકાર : મજરૂહ
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ : ૧૪૬-મિનિટ્‌સ
કલાકારો : ગુરૂદત્ત, શ્યામા, શકીલા, જ્હૉની વૉકર, જગદીપ, જગદિશ સેઠી, વીર સખૂજા, કુમકુમ, રાશિદખાન નૂર અને ગુરૂદત્તની માંના રોલમાં અમિરબાનુ.

ગીતો

૧. કભી આર કભી પાર લાગા તીરે નઝર, સૈયા ઘાયલ કિયા રે - શમશાદ બેગમ
૨. બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સમ્હલના, બડે ધોખે હૈં - ગીતાદત્ત
૩. હૂં અભી મૈં જ્વાં અય દિલ, બેહોશ હૂં બિન પીએ - ગીતાદત્ત
૪. એ લો મૈં હારી પિયા, હુઈ તેરી જીત રે, કાહે કા ઝગડા - ગીતાદત્ત
૫. સુન સુન સુન સુન જાલીમા, પ્યાર હમકો તુમસે હો ગયા - ગીતા-રફી
૬. મુહબ્બત કર લો જી ભર લો અજી કિસને રોકા હૈ - ગીતા-રફી
૭. અરે ના ના ના મેરી તૌબા, મૈં ના પ્યાર કરૂંગી - ગીતા-રફી
૮. જા જા જા જા બેવફા, તુ ના કિસી કા મિત રે - ગીતાદત્ત

ગુરૂદત્તનું હોવા છતાં બડું ફાલતું પિક્ચર હતું આ, ‘આરપાર’!

એને બદલે બીજા કોઇએ ઉતાર્યું હોત તો કહેત, ‘‘....એટલે જ બડું ફાલતું પિક્ચર હતું !’’ જે માણસ ‘પ્યાસા’ જેવું ક્લાસિક અને ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ જેવું સાહિત્યિક પિક્ચર ઉતારી શકે, એ ‘આરપાર’ જેવી ઘટીયા ફિલ્મ પણ ઉતારે, એમાં કાંઈ નવાઈ નહોતી. ‘કાગઝ કે ફૂલ’ પણ એવી જ ઘટીયા ફિલ્મ હતી ને! ‘આરપાર’ જોયા પછી એની ઉપરથી માન ઉતરી જાય કે, માત્ર બે જ સમૃદ્ધ ફિલ્મો ઉપર આપણે ગુરૂદત્તને મહાન સર્જક કહી દીધો? ‘કાગઝ કે ફલ’ માટે એને થોડો માફ કરી દેવાય કે, એ પોતે જ ફિલ્મને સમજ્યો નહતો, પણ બાકીની કમર્શિયલ ફિલ્મોમાં થોડી સર્જકતા તો દેખાવી જોઈએ?

ન દેખાઈ. ન દેખાઈ એનું કારણ હવે મળી શકે છે કે, ‘પ્યાસા’ જેવી સદીની પહેલી પાંચ સર્વોત્તમ ક્લાસિક ફિલ્મ બનાવતા પહેલા એના વિચારો ક્લાસિક નહિ, ક્રાઈમ તરફી વઘુ હતા. કહે છે ને કે, ઉત્તમ સર્જનો થતા થઈ જાય છે... તાજમહલ ભાગ-૨ ન બને!

પણ ‘આરપાર’ જેવી ફિલ્મો તો આજે ય બને છે, એ માટે ગુરૂદત્તને માન આપવું જોઈએ. ગુરૂને મિત્રોની જાહોજલાલી હતી. દેવ આનંદ અને રહેમાન સાથે પૂના કે કોલ્હાપુરમાં એ ત્રણે ફિલ્મોમાં આવું-આવું કરતા હતા ને આવી શકતા નહોતા, એક જ રૂમમાં રહેતા, ત્યારના મિત્રો. જ્હૉની વૉકર પણ છેવટ સુધીનો દોસ્ત. અબ્રાર અલ્વી નામનો કોઈ લેખક ગુરૂનો સર્વોત્તમ મિત્ર હોવાનો દાવો કરતો હતો, એણે મોટું કપટ કર્યું. પોતાના નામની બાયોગ્રાફી તો કોઈ અડે ય નહિ,એટલે બીજા કોક પત્રકાર પાસે એણે ગુરૂદત્તની બાયોગ્રાફી ને નામે લખાવી અને કોઈ માનશે ખરૂં...?  આ માણસને આજે ય કોઈ ઓળખતું નથી, એણે આ સમગ્ર પુસ્તકમાં પોતાની જ વાહવાહીઓ કરાવી છે તે એટલે સુધી કે, ગુરૂદત્તનું જે કાંઈ સારું, તે બઘું આ ભ’ઈના કહેવાથી. આ ફાલતુ પુસ્તક વાંચો તો મનમાં ચોક્કસ ઠસી જાય કે, ગુરૂદત્તમાં તો કોઈ અક્કલ-બક્કલ હતી નહિ, પણ આ ભ’ઈ ન હોત તો ગુરૂદત્ત એકે ય ફિલ્મ બનાવી જ ન શક્ત. આ એક કહેવાતા દોસ્તમાં ગુરૂદત્ત ફૅઇલ ગયો.

ગુરૂદત્તમાં સુનિલ દત્તની જેમ ‘દત્ત’ એની અટક નહોતી. અટક તો એની પદુકોણ હતી - વસંતકુમાર શિવશંકર પદુકોણ.

ફક્ત ૪૪ વર્ષ જ જીવીને આપઘાત કરી લીધો. (જન્મ તા. ૯ જુલાઈ, ૧૯૨૫, મૃત્યુ તા. ૧૦ ઓક્ટોબર, ૧૯૬૪) નવાઈ એ વાતની લાગે કે, ‘દત્ત’ એની અટક નહોતી તો પછી વાઈફ ગીતા રૉયે લગ્ન પછી ‘પદુકોણ’ ને બદલે ‘દત્ત’ અટક કેમ લખાવી? અફકોર્સ, પછી તો છોકરાઓ ય ‘દત્ત’ ચાલુ રાખી, એટલે એ જ સ્વીકૃત બની.

વાચકોને ‘આરપાર’ની વાર્તા શું હતી, તે જણાવવું અઘરું થઈ પડે એમ છે, ત્યારે વિચાર આવે છે કે, મને આ ફિલ્મની વાર્તાનો ટુંકસાર કહેતા પેટમાં ચૂંક આવે છે તો વાર્તા લખનાર અને એની ઉપરથી ફિલ્મ બનાવનારના તો પૂરા ખાનદાનમાં આજની તારીખ સુધી ચૂંકો ચાલુ રહી હશે. છતાં ય, ટ્રાય મારી જોઈએ:

ગુરૂદત્ત કાલુ નામનો ટેક્સી ડ્રાયવર છે. ટેક્સીનો એક્સિડેન્ટ કરી બેસતા જેલ ભેગો થાય છે. બહાર આવ્યા પછી ગેરેજવાળા (જગદિશ સેઠી)ની છોકરી શ્યામાના પ્રેમમાં પડે છે. બીજી તરફ વીર સખુજા નામનો શરીફ ગુંડો હોટેલના બહાને પોતાની ગેન્ગ ચલાવીને પાપી પેટનું પૂરું કરે છે. શકીલા એની કલબની ડાન્સર અને પાપોની ભાગીદાર હોય છે. જ્હૉની વૉકર પણ એનો જ માણસ. ઘેરથી કાઢી મૂકાયેલા ગુરૂદત્તને મફતમાં ટેક્સી આપીને આ સખૂજો સામી શરત મૂકે છે છે કે, અમારે બેન્ક-ફેન્ક લૂંટવી હોય ત્યારે ભાગી જવા માટે તારે હાજર રહેવાનું... એ દિવસે સી.એસ. કે સિક-લીવબીવ નહિ ચાલે. આ વીર સખૂજાને તમે ગુરૂદત્તની જ ફિલ્મ ‘સી.આઈ.ડી.’ના વિલન તરીકે ખાસ કરીને, શમશાદ બેગમના ‘કહીં પે નિહાહેં કહીં પે નિશાના...’ ગીતમાં વહિદા રહેમાનની સાથે જોયો હશે. શ્યામાનો બાપ બનતો એક્ટર જગદિશ સેઠી ઠેઠ સાયગલ સાહેબના જમાનાનો મજેલો એક્ટર. જ્હૉની વૉકર (મૂળ નામ, ‘બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી’)ની ફિલ્મોમાં હજી શરૂઆત હતી, એટલે ખાસ કોઈ રોલ આ ફિલ્મમાં એને માટે નહતો બન્યો, પણ લાઈફમાં એનો રોલ આ ફિલ્મથી બની ગયો. ‘અરે ના ના ના મેરી તોબા, તોબા કાયકુ કરતા...’ ગીતમાં જ્હૉની વૉકરની સાથે નૂર નામની અભિનેત્રી છે, જે વાસ્તવિક જીવનમાં જ્હૉની વૉકરની પત્ની અને હીરોઈન શકીલાની સગી બહેન છે. જ્યારે ‘મુહબ્બત કર લો, જી ભર લો, અજી કિસને રોકા હૈ...’ ગીતમાં ગુરૂદત્તની સાથે ગાતી એક્ટ્રેસ નાઝી છે, જે ઘણી બધી લતા મંગેશકર જેવી દેખાય છે. બીજી છોકરી મીના છે. ‘શોલે’વાળો ‘સુરમા ભોપાલી’ આ ફિલ્મમાં ચાઈલ્ડ પણ ન કહેવાય ને યુવાન પણ ન કહેવાય, એવી કિશોરાવસ્થાના રોલમાં છે. આજના હવે સહેજ પણ જાણિતા ન રહેલા છતાં ખૂબ ટેલેન્ટેડ કોમેડિયન-ડાન્સર જાવેદ જાફરીનો આ જગદીપ પિતા છે. કોઈએ માર્ક કર્યું ખરું કે, આપણી એ વખતની હિંદી ફિલ્મોના તમામ બાળ-કલાકારોમાંથી એકપણ છોકરો મોટા થઈને સફળ જ ન થયો! ડૅઝી અને હની ઈરાની, બૅબી ફરીદા, માસ્ટર બબલુ, મા. શાહિદ કે શેખર કપુરવાળી ફિલ્મ ‘મોસમ’નો માંજરી આંખોવાળો સોહામણો છોકરો (નામ અત્યારે યાદ નથી આવતું... એ તમે યાદ કરી લેજો... મારે લેખ આપવાનું મોડું થાય છે...!) પણ મોટા થઈને કાંઈ કરી ન શક્યા. જગદિપ પણ એક જમાનામાં તો હીરો તરીકે આવતો હતો... (આ બતાવે છે કે, એ જમાનાની ફિલ્મોનું સ્તર કેવું હશે!) રફી સાહેબનું ‘પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઈ હો તો ટલ જાયેગી’ જેવું ફિલ્મ ‘પુનર્મિલન’નું અદ્‌ભૂત ગીત ફિલ્મમાં બતૌર હીરો જગદીપે ગાયું હતું, બોલો!

આરપાર’ તો ગુરૂએ પોતે નિર્માણ અને દિગ્દર્શિત કરેલી ફિલ્મ હતી, પણ ‘ટ્‌વૅલ્વ ઑ’કલૉક’ ગુરૂદત્તની પોતાની નિર્માણાધીન ફિલ્મ નહોતી. ‘શોલે’વાળા જી. પી. સિપ્પીની ફિલ્મ હતી. આ ફિલ્મમાં બે ચમત્કાર થયા હતા. એક તો, સાહિર લુઘિયાનવી અને મજરૂહ સુલતાનપુરી આ બે શાયરોએ પહેલી અને છેલ્લીવાર એક જ ફિલ્મના ગીતો સાથે લખ્યા હતા. નોર્મલી, આ બન્ને ગીતકારોની પહેલી શરત એ હોય કે, મારા સિવાય આ ફિલ્મમાં બીજો કોઈ ગીતકાર નહિ જોઈએ. એમાં ય અપવાદરૂપે, ખૈયામના સંગીતવાળી ફિલ્મ ‘ફૂટપાથ’માં તો એક રેકોર્ડ બની ગયો. આજ સુધીની એકપણ હિંદી ફિલ્મનું એક ગીત કોઈ બે ગીતકારોએ નથી લખ્યું. તલત મેહમુદનું દિલીપકુમાર ઉપર ફિલ્માંકિત થયેલું, ‘શામ-એ-ગમ કી કસમ આજ ગમગીં હૈ હમ...’ આ એક જ ગીત અલી સરદાર જાફરી અને મજરૂહ સુલતાનપુરી બન્નેએ ભેગું લખ્યું છે. એક ગીત બે જણા કેવી રીતે લખી શકે, એ સવાલ મને નહિ પૂછવાનો... ત્રીજો ગીતકાર હું નહતો...!

અને બીજો ચમત્કાર તો ના કહેવાય પણ ઝાટકો એ હતો કે, ઓપી નૈયર જેવા ગ્રેટ સંગીતકારે ફિલ્મ ‘ટ્‌વૅલ્વ ઑ’ક્લૉક’નું ટાઈટલ-મ્યુઝિક બિનાકા ગીતમાલાનું જીંગલ મ્યુઝિક સીઘું ઉઠાવેલું હતું. એ લોકોએ પણ હોલીવુડમાંથી ઉઠાવેલું હતું. ‘આરપાર’માં અલબત્ત, ઓપીએ કમ્માલ કરી છે, ધમ્માલ કરી છે. એકેએક ગીત સુહાનું બન્યું છે. ગીતાદત્ત જ ઓપીને ફિલ્મોમાં લાવી હતી, પણ એક વખત આશા ઓપીના જીવનમાં આવી ગઈ, પછી બીજાઓની માફક ઓપીએ પણ ગીતાને છોડી દીધી. ઓપીના ખાસમખાસ ચાહકોમાંથી પણ બહુ ઓછાના ઘ્યાન પર આવ્યું હશે કે, ઓપી કરૂણ ગીતો કે ભક્તિ ગીતો ફિલ્મો માટે નહોતા બનાવતા. ન છુટકે થોડા બનાવવા પડ્યા છે. એ કહેતા, ‘હું રોંમાન્સનો માણસ છું... કરૂણાનો નહિ!’ ‘આરપાર’માં ‘મુહબ્બત કર લો જી ભર લો...’ ગીતમાં રફી-ગીતા ઉપરાંત એક ત્રીજી સ્ત્રીનો કંઠ પણ છે, એ કોનો છે, તે ઘણી તપાસ કરવા છતાં માહિતી મળી નથી. ટાઈટલ્સમાં નામ નથી.

બહુ ઓછાના ઘ્યાન પર આવ્યું હશે કે, ગુરૂદત્તની ફિલ્મોના મોટા ભાગના ગીતોની શરૂઆત સંગીત વગર શરૂ થાય. આનો મતલબ એ થાય કે પ્લેબેક-સિંગરે ખૂબ ઘ્યાન રાખવું પડે કે, ક્યા સૂરથી ગાવાનું છે! ગુરૂના મોટા ભાગના ગીતો સીધા શરૂ થઈ જાય છે, એ તમે નોંઘ્યું હશે.

ફિલ્મ ‘આરપાર’ની હીરોઈન શ્યામા હતી. પાકિસ્તાનના લાહોર ખાતે તા. ૧૨ જૂન, ૧૯૩૫ના રોજ ‘ખુરશિદ અખ્તર’નામ સાથે જન્મી. એના પિતાએ મુંબઈ આવીને ફ્રૂટ્‌સ વેચવાની લારી અને પછી ભાયખલ્લામાં દુકાન શરૂ કરી. જૂનાં ગીતોના શોખિનોએ નૂરજહાંએ ગાયેલી ફિલ્મ ‘ઝીનત’ની કવ્વાલી, ‘આંહે ન ભરી શિકવે ન કિયે, કુછ ભી ન ઝુબાં સે કામ લિયા...’માં કિશોરાવસ્થાની આ શ્યામા, શશીકલા અને શાલિની આ કવ્વાલી ગાય છે. એ દિવસોમાં શ્યામા મલબાર હિલ પાસેના નેપિયન-સી રોડ પર ‘ગુલમર્ગ’ નામના ફલેટમાં રહેતી. ગીતાદત્ત નજીકમાં જ રહેતી હોવાથી અમસ્તી શ્યામાને ઘેર આવી અને એને જે કાંઈ સૂઝ્‌યું હશે, સીધી ‘આરપાર’ની હીરોઈન બનવાની ઓફર કરી દીધી. હીરોઈન હતી ત્યારે શ્યામા બેશક ખૂબ સેક્સી અને સુંદર લાગતી હતી. દેવ આનંદની મોટાભાગની ફિલ્મોના પારસી કેમેરામેન ફલી મિસ્ત્રીની એ પત્ની બની. ઉર્દુમાં તો એ સ્કૂલથી ભણી હતી. પણ એ મરાઠી, પંજાબી અને એમાંય ગુજરાતી તો કડકડાટ બોલી શકે છે. કમનસીબે, કોઈને કોઈપણ સબ્જેક્ટમાં ના જ નહિ પાડવાની નીતિને કારણે ગુરૂદત્તની હીરોઈન બનવા સુધી પહોંચેલી શ્યામા જ્હૉની વૉકરની ય હીરોઈન બની ને કરણ દીવાનની પણ. પછી તો શરીરે ખૂબ ફૂલી ગઈ અને એના ચરીત્ર માટે પણ કોઈ ગૅરન્ટી આપી શકે એવું રહ્યું નહોતું, એટલે એના પુત્રોએ પણ એને ખૂબ ધમકાવી હોવાનું કહેવાય છે.

નાની શ્યામાએ બેબી ખુરશિદ તરીકે ફિલ્મ ‘પરવાના’માં કે. એલ. સાયગલની નાની બહેનનો રોલ પણ કર્યો છે. મીનાકુમારીની જેમ શ્યામાને પણ આ નામ ગુજરાતી દિગ્દર્શક વિજય ભટ્ટે આપ્યું હતું.

આરપાર’ પૂરતી એક નવાઈ લાગે ખરી કે, ગુરૂદત્ત એક વ્યક્તિ તરીકે પ્રામાણિક હતો. પોતે નિર્માતા-દિગ્દર્શક હોવાથી પોતાની ફિલ્મોનો એ હીરો બની શકે, પણ એકાદ બે રીલ્સનું શુટીંગ કર્યા પછી એને પોતાને જ લાગે કે, હીરો તરીકે પોતે આ ફિલ્મમાં ફિટ નહિ થાય, તો આખી ફિલ્મ પડતી મૂકી દે. ‘સાહિબ, બીબી ઔર ગુલામ’માં સૌ પ્રથમ તો બિશ્વજીતને ઓફર કરી હતી. એણે ના પાડી એટલે શશી કપુર કન્ફર્મ થઈ ગયો, પણ મુંબઈના ટ્રાફિફ-જામને કારણે શૂટિંગના પહેલા દિવસે મોડો પહોંચ્યો, એમાં કાકાની ડાગળી ચસકી. સીધો કાઢી જ મૂક્યો અને પોતે હીરો થઈ ગયો.

એવી જ રીતે ‘કાગઝ કે ફૂલ’નો ગુરૂદત્તનો મૂળ હોરો તો અશોકકુમાર હતો, પણ ખૂબ બિઝી હોવાને કારણે દાદામોની પાસે શુટીંગની તારીખો નહોતી.

સાહિબ, બીબી...’નો મીનાકુમારીવાળો રોલ લંડનથી છાયા આર્ય નામની છોકરીને બોલાવીને આપ્યો હતો, પણ એકાદ રીલનું શુટીંગ કર્યા પછી ના પાડી દીધી કે, આ નહિ ચાલે. જુનાં ‘ફિલ્મફેર’, ‘સ્ક્રીન’ કે ‘સ્ટાર એન્ડ સ્ટાઈલ’ વાચનારાઓને હજી યાદ હશે, એ જમાનામાં, મોટા ભાગની હીરોઈનો કે હીરોના ફોટા જીતેન્દ્ર આર્ય નામના ફોટોગ્રાફર પાડતા. આ છાયા એમની પત્ની.

સુરતના પ્રદીપ નાયક પાસેથી જૂના ‘ફિલ્મફેર’ની નકલ મળતા આ લેખની કેટલીક માહિતી એમાંથી લીધી છે.

No comments: