Search This Blog

21/10/2012

ઍનકાઉન્ટર : 21-10-2012

૧. જેને લક્ષ્મીનો જરા ય મોહ નથી, એવી પત્ની ક્યાં મળે ?
- જેને પત્નીનો જરા ય મોહ નથી, એવી લક્ષ્મી ક્યાં મળે, એવું પૂછાય !
(માલવ પી. મારૂ, સુરત)

૨. દુનિયાને આપણી જરૂર હોય છે કે આપણને દુનિયાની ?
- પગાર તારીખે ખબર પડે.
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

૩. રાષ્ટ્રપતિ ભવનમાં ૭,૦૦૦ કર્મચારીઓની મોટી ફૌજ હોવા છતાં ૩૦ ટ્રકો ભરીને ત્યાંથી માલ ઉપડી ગયો. કેમ કોઈ પકડાયું પણ નહિ
- ૩૦ ટ્રકો જેટલું જ ચોરાય, એમાં શેના આટલા ઘાંઘા થઈ જાઓ છો?
(પ્રવીણ જી. મેહતા, ભાવનગર)

૪. ગુજરાતમાં ૮૨ હજાર પરિવારો વીજળી પામ્યા નથી. સુઉં કિયો છો ?
- વીજળીમાં વાડકી વ્યવહાર ન હોય... 
(ભરત ડી. સાંખલા, ડીસા)

૫. બળતું ઘર કૃષ્ણાર્પણ કહેવાય છે. અન્ય કોઈ દેવી- દેવતાઓ કેમ નહિ ?
- શ્રીરામજી કે મહાદેવજી જરા ભોળા... શ્રી કૃષ્ણ એક જ બિલ્ડરો કે હાઉસિંગ બોર્ડવાળાઓને સીધા કરી શકે એવા છે.
(મીના નાણાંવટી, રાજકોટ)

૬. જીવનભર સંઘર્ષ કરીને બચાવેલી મૂડી લાગણીના પ્રવાહમાં પુત્રને આપી દીધા પછી ‘બાપુજી’ને બદલે ‘ડોહા’ થઈ જાય, તો શું કરવું ?
- બસ... પૌત્રો આવા પુત્રની એ જ દશા કરવાના છે... સમયની રાહ જુઓ, બાપુજી!
(જીતેન્દ્ર સી. સંઘવી, રાજકોટ)

૭. હવે અનેક બેન્કો સોના સામે લોન આપવા માંડી છે, પણ સોનું ખરીદવા કઈ બેન્ક લોન આપે છે ?
- સોનું ખરીદવા માટે લોનની જરૂર પડતી હોય, એવા લોકોએ પહેલા પોતાનું પેટ ભરવાની જરૂર છે.
(ઘનશ્યામ આચાર્ય, બોટાદ)

૮. ઊંટ જોઈને ભેંસ ભડકે, તો સ્ત્રી કોને જોઈને ભડકે છે ?
- હમણાં થોડા દિવસ આપણે ઘરની બહાર નહિ નીકળવાનું...!
(આઇ.યુ. વહોરા, જરોદ- વડોદરા)

૯. ચલણી નોટો ઉપર મહાત્મા ગાંધીનો ફોટો શું સૂચવે છે ?
- એ જ કે, ‘મારે આના વગર જીવનભર ચાલ્યું.’
(દિલીપ જે. ધંઘુકિયા, અમદાવાદ)

૧૦. ‘એન્કાઉન્ટર’માં ઘણા નામો દર વખતે હાજર હોય છે. શું એ લોકો પેટ્રન્સ છે ?
- એ એવા વાચકો છે, જે ‘રોજના ૫- ૧૦ પોસ્ટકાર્ડસ લખે છે.... મહિને એક પોસ્ટ કાર્ડ ઉપર ૫- ૧૦ સવાલો નથી મોકલતા. હા, જે યાત્રાળુઓ છાપે- છાપે પ્રવાસના શોખિનો હતા, એમને આપણી બોગીમાં સ્થાન ન મળે.’
(જીતેન્દ્ર જોશી, વડોદરા)

૧૧. સવા સો કરોડની વસ્તી ધરાવતા ભારતને ઑલિમ્પિકમાં એક પણ ગોલ્ડમેડલ નહિ.. ? શરમ આવે છે.
- એ શરમનું કારણ શોધી કાઢો, તો ગોલ્ડમેડલ તમને !
(હર્ષ પ્રદીપભાઈ પંડ્યા, મુંબઈ)

૧૨. આપણે સ્વદેશી હોવા છતાં વિદેશીનો મોહ કેમ રાખીએ છીએ ?
- પૂછો આખી કોંગ્રેસને !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

૧૩. પરમાત્મા જેવી કોઈ શક્તિ હશે ખરી ?
- હું ત્યાં આવીને તમારા પગ પાસે નારીયેળ ફોડું તો જ વિશ્વાસ આવશે કે, મારા માટે તો સ્વયં આપ પણ પરમાત્મા છો !
(અરવિંદ દેસાઈ, અમદાવાદ)

૧૪. ‘ગરીબ કી જોરૂ સબ કી ભાભી’, તો અમીરની વાઇફ....
- એના ગોરધન માટે ‘ભાભી’ સમાન...!
(રાહુલ બગડા, જૂનાગઢ)

૧૫. કેશુભાઈની પરિવર્તન પાર્ટી ક્યાં સુધી ટકશે ?
- એમને તો ખબર પડી જ ગઈ છે... આપણને પડે ત્યાં સુધી !
(વિશાલ જે. રંગાણી, વડિયા- અમરેલી)

૧૬. દેવઆનંદ અને રાજેશ ખન્નાના જીવન - મૃત્યુ વચ્ચે શું ફરક હતો ?
- બંને જીવ્યા સ્ત્રીઓ માટે, પણ મૃત્યુ પામ્યા પોતાને માટે.
(રોહિત પ્રજાપતિ, સાંથલ- મહેસાણા)

૧૭. રાણી અને પટરાણી વચ્ચે શું ફરક ?
- પટરાણીઓમાં ભાગ હોઈ શકે.... ભાગ-૧..., ભાગ-૨..., ભાગ ૮-૯... એમ જેવી જેની શક્તિ, ભ’ઈ !
(કેશવ કક્કડ, અમદાવાદ)

૧૮ સનમ સામેના ફ્‌લેટમાં રહે છે, પણ દર વખતે મારા કે એના ઘરનું કોક ને કોક વચ્ચે આવી જ જાય છે. શું કરવું ?
- મુંબઈના બહુ તોફાની કવિ મુકેશ જોશીનો શે’ર કામે વળગાડી દો.
માત્ર એમના જ ઘરમાં હોય એ ચાલે નહિ
આપણા પણ ઘરમાં બારી જોઈએ
ને એ જો ધાબે સૂતા હોય તો
આપણી પણ ચંદ્ર ઉપર પથારી જોઈએ.’
(ધવલ માંજરેકર, વડોદરા)

૧૯. દાદુ, વિધાનસભાની ચૂંટણીમાં તમને ટિકિટ મળે તો ?
- કોઈ બે-ચારને બાદ કરતા આજે તો મને ઓળખનારા મારા માટે સારું બોલે છે. મારે એવું નથી જોઈતું કે, કોઈ બે-ચાર જ મારું સારું બોલે ને...
(જીગ્નેશ વી. પટેલ, ચડાસણ- માણસા)

૨૦. આજની ભટકેલી યુવાની માટે તમે કોને દોષ દો છો ?
- ઇન ફેક્ટ, આજના જેવી યુવાની તો અગાઉની કોઈ પેઢીમાં નહોતી, અમારી પેઢીને ય મીઠી ઇર્ષ્યા આવે, એવો બહુ બ્રિલિયન્ટ ફાલ ઉતરતો જાય છે, દોસ્ત
(જયેશ અંતાણી, ભાવનગર)

૨૧. દાદુ, સોનિયાના જમાઈ રોબર્ટ વાઢેરા ય કૌભાંડી...?
- રાહુલ (જો) પરણશે, તો એનું આવનારું બચોળીયું ય સીધા ૧૦ લાખ કરોડ લઈને જ બહાર આવશે. બસ, તમે બધા ગણે રાખો. એ લોકો વાપરે રાખશે
(મમતા બી. શાહ, અમદાવાદ)

૨૨. કોંગ્રેસી જમાત હરદમ જુઠ્ઠાણાનો કાદવ કેમ ઉછાળે રાખે છે ?
- ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓ મારા મતે ખૂબ બ્રિલિયન્ટ અને દેશને કામમાં આવે છે. એવા એમના નહિ, પણ આપણા કમનસીબે એ લોકો એવી પાર્ટીમાં ભરાઈ પડ્યા છે કે, એમને ભાગે પોતાનું કાંઈ નહિ, ‘ઉપરથી’ સૂચવાય એટલું જ બોલવાનું આવે છે... ને ઉપર તો તમે જાણો છો, મોટું મીંડું છે !
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૨૩. કોઈ સુંદર યુવતી સ્મિત આપે તો હું ખુશખુશાલ થઈ જાઉં છું, પણ ઘરે પત્નીને શું જવાબ દેવો ?
- રહેવા દો મારી સલાહ લેવામાં હાવ ભરાઈ પડશો..!
(મઘુકર પી. માંકડ, જામનગર)

૨૪. દાદુ, તમે તમારા પ્રથમ પ્રેમમાં સફળ થયેલા કે નિષ્ફળ ?
- સાલી... બધીઓ સફળ થતી ગઈ... એકલો હું જ નિષ્ફળ રહ્યો !
(સુમન વડુકૂળ, રાજકોટ)

No comments: