Search This Blog

26/10/2012

'આયા તુફાન' ('૬૪)

અભી કમસીન હો, નાદાં હો, જાને જાના...
દારાસિંઘનું આયા તુફાન

ફિલ્મ : 'આયા તુફાન' ('૬૪)
નિર્માતા : રતન મોહન
દિગ્દર્શક : મુહમ્મદ હુસેનસંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતો : અસદ ભોપાલી
રનિંગ ટાઈમઃ ૧૪ રીલ્સ
કલાકારો : દારાસિંઘ, હેલન, અનવર, મારુતિ, ઈંદિરા બિલ્લી, શ્યામકુમાર, મનોહર દીપક, મધુમતિ, જીવનકલા, રાની, લલિતા દેસાઈ, પદ્મારાણી, ચંપકલાલા, હબીબ, ટુનટુન, શેખર પુરોહિત, અરૂણા, બેલા બૉઝ.

ગીતો:
૧. બુરા ન માનો સનમ, દિલ કી બાત... અભી કમસીન હો,નાદાં હો...  –  રફી, ઉષા કમલ
૨. જરા સમ્હાલના મેરી જાં અપની અદાએ, કે તેરા મેરા નયા નયા... – મુકેશ, લતા, કમલ
૩. આપને ક્યા કહા, મૈંને ક્યા સુન લિયા, દિલ કી હાલત ન પૂછીએ...  – લતા મંગેશકર
૪. તોહર નામ લઈ કે છોડા હૈ જમાના, સજન આ જાના...  –  લતા, ઉષા
૫. જિંદગી મેં આયા તુફાન, હુએ આજ સબ પરાયે, દિન યે કૈસે આયે... – મુહમ્મદ રફી
૬. હમ પ્યાર કિયે જાયેંગે, કોઈ રોક સકે તો રોક લે, ચાહે યે દુનિયા... – લતા મંગેશકર
(ગીત નં. ૫ ફારૂક કૈસરે લખ્યું હતું, જે આ ફિલ્મના સહદિગ્દર્શક પણ હતા.)

થૅન્ક ગૉડ... હું એવા કોઈ ભ્રમનો માણસ નથી કે, હું તો 'પ્યાસા', 'મધર ઈન્ડિયા' કે 'જાગતે રહો' જેવી કલાસિક ફિલ્મો જોનારો માણસ... મારાથી તો દારાસિંઘની ફિલ્મો જેવી ફિલ્મો જોવાય પણ ખરી?

ફિલ્મ મારા માટે કેવળ મનોરંજનનો વિષય રહ્યો છે. દરેક ફિલ્મ જોતા પહેલા હું મારું માનસ એ ફિલ્મના ઢાંચામાં ઢાળી દઉં છું, જેથી એ ખરાબ હોય તો એ ફિલ્મ મને ઓછી હેરાન કરે. ગુરૂદત્ત કે રાજકપુરની ફિલ્મ જોવાની હોય ત્યારે હું એક આદર્શ ક્રિટિક બની જઉં છું. એ લોકોની થોડી ય ગફલત ચલાવી ન લઉં ને જ્યારે આઈ.એસ.જોહર કે દારાસિંઘની ફિલ્મ જોવાની હોય તો હું બાળક કે પિટ-કલાસનો પ્રેક્ષક બની જઉં છું. દારાસિંઘના એકએક મુક્કે મને સખ્ખત મઝા પડતી જાય છે. જોહરની સાવ સ્ટુપિડ કૉમેડી જોઈને હું ખીલખીલાટ હસી પડું છું કારણ કે, એ વખતે મારામાં રાજ કપૂર બેઠો નથી હોતો! માટે બધી ફિલ્મોનો હું આનંદ ઉઠાવી શકું છું.

દારાસિંઘની આ જ કારણે મેં ઓલમોસ્ટ બધી ફિલ્મો જોઈ છે. પાંચ કૂવાની 'ઈંગ્લિશ ટૉકીઝ'માં તો એ જમાનામાં 'હન્ટરવાલી' કે 'મીસ ફ્રન્ટિયર મૅઈલ' જેવી નાદીયા-જોન કાવસની ઢીશુમ-ઢીશુમ ફિલ્મો તો ખૂબ આનંદ આપતી. બધામાં બુદ્ધિ અને લૉજીક દોડાવવા જઈએ તો મસ્તીનો આનંદ ગૂમાવવો પડે!

પણ દારાસિંઘની ફિલ્મ 'આયા તુફાન' મેં દારાસિંઘ માટે નહોતી જોઈ. મારા ખૂબ ફૅવરિટ સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલના બેનમૂન ગીતો જોવા સાંભળવા માટે જોઈ હતી, ધી ગ્રેટ કોરીયોગ્રાફર પી. એલ. રાજના નૃત્ય નિર્દેશનમાં હેલનના અપ્રતીમ ડાન્સીઝ જોવા માટે જોઈ હતી.

'૬૦ના દાયકામાં આવી ફિલ્મો બનાવવામાં મોહમદ હુસેન (સાચો ઉચ્ચાર 'મુહમ્મદ' હોવો જોઈએ, પણ બધા મુસલમાનો એટલા શિક્ષિત નથી હોતા...!)ની માસ્ટરી હતી. આજની સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર ફરાહખાન અને 'હાઉસફૂલ'વાળા કૉમેડીયન નિર્માતા-દિગ્દર્શક સાજીદખાનના ફાધર અને સી-ગ્રેડની ફિલ્મોના હીરો-દિગ્દર્શક કામરાન પણ આવી ફિલ્મો બહુ બનાવતા અને ચોક્કસ પ્રેક્ષકોમાં એ ચાલતી પણ ખરી. એ વખતની બાળકલાકાર બહેનો ડૅઝી અને હનીમાંથી હની ઈરાની સાથે કામરાને લગ્ન કર્યા, એના આ બે સંતાનો અને પછી તો કામરાને ઘણી ફૂટપાથો ઉપર લારી-ગલ્લાં ઊભા કરવા માંડયા. એમાંનો એક ગલ્લો એટલે 'ગૂંજ ઉઠી શેહનાઈ'ની હીરોઈન અમિતા પણ ખરી.

ફિલ્મ 'આયા તુફાન'માં મોહમદ હુસેને એક કામ સારું કર્યું કે, હીરો દારાસિંઘને લીધો, હીરોઈન હૅલનને બનાવી અને સંગીત હજી નવાસવા આવેલા લક્ષ્મી-પ્યારેને આપ્યું, એમાં એની ય જાણ બહાર વાત બહુ મોટી બની ગઈ. તમને થોડો ય ઉમદા નાચગાના જોવાનો શોખ હોય તો તાબડતોબ આ ફિલ્મની ડીવીડી મંગાવી લો.

દારા સાથે વિશ્વ પ્રસિદ્ધ કુશ્તીબાજો બૅરોન વૉન હૅગ્ઝી, ત્રિલોકસિંઘ, કિંગકોંગ અને રે ઍપોલિનની મઝાની કુશ્તિઓ જોવા મળશે. વર્લ્ડ-રેસલિંગમાં દારાસિંઘનો 'ઈન્ડિયન ડૅડ-લૉક' નામનો દાવ બહુ પ્રસિદ્ધ થયો હતો. અલબત્ત, હવે તો ટીવીની WWF જેવી ચેનલો પર ઈવન આપણા 'ધી ગ્રેટ ખલી' જેવા મહાકાય પહેલવાનોને જોયા પછી દારાસિંઘનું બોડી બહુ ફિક્કું લાગે. 'સિક્સ-પેક' (છાતી નીચે સ્નાયુઓની 'ત્રણ-દૂ-છ' કરચલીઓ પડે, એને સિક્સ-પેક કહે છે.) તો જાવા દિયો, દારાના તો પેટના ભાગમાં એ વખતે ય ચરબીના થર જામેલા જોવા મળતા હતા. આ ઉપર વિશ્વના કુશ્તિબાજોના નામો લખ્યા છે, એ બધાના આજના WWF ના પહેલવાનો સામે તો ચણા ય ન આવે, પણ દારાસિંઘને માન એટલા માટે વિશેષ આપવું પડે કે, એ જમાનામાં આવા જ ગ્રેટ પહેલવાનો સામે એ વર્લ્ડ-ટાઈટલ જીત્યો હતો. કરામત એના શરીર-સૌષ્ઠવમાં નહિ, કુશ્તીના એના કરતબોમાં હતી, ભારતીય અખાડાઓમાં શીખેલા એના દાવપેચ વિદેશી પહેલવાનોને બહુ અઘરા પડતા હતા.

ઓકે. ઍક્ટિંગ તો બહુ દૂરની વાત છે, પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સાવ અજાણ એવા દારાસિંઘને બોલતા ય નહોતું આવડતું, એટલે એની શરૂઆતની તમામ ફિલ્મોમાં એનો અવાજ 'ડબ' કરવામાં આવ્યો હતો. 'ડબ' એટલે એને બદલે બીજા કોઈનો અવાજ રેકોર્ડ કરીને ફિલ્મમાં વપરાય. તમે એને શક્તિના પર્યાય તરીકે ઓળખો કે નહિ, એ તમારો પ્રોબ્લેમ છે, પણ આજે ય, વાત તાકાતની નીકળે છે તો ઘરઘરમાં ય નામ દારાસિંઘનું લેવાય છે.

ફિલ્મોની બહારની કોમેડી એ થતી કે, એના અલમસ્ત સ્નાયુઓ બતાવ-બતાવ કરવાના મોહમાં દારાની ફિલ્મોના બધા દિગ્દર્શકો મોટા ભાગની ફિલ્મોમાં એને ઉઘાડો જ રાખતા. દારાને આખી ફિલ્મમાં ઉઘાડો રાખવામાં પ્રોબ્લેમ એ થતો કે, મેઈક-અપ ફક્ત મોંઢાનો થતો. છાતી અને જાંઘોને તો કેવી રીતે ને કેટલી વાર ગોરી બતાવવી? પરિણામે, તમે ફિલ્મ જોતા હો તો હસવું એ વાતનું આવી જાય કે, પાવડરના ધોળા ધોળા લપેડાં કરેલાં મોંઢાની સામે બાકીના શરીરના રંગનો કોઈ મેળ ન ખાતો. હેલનને તો હું રૂબરૂ મળ્યો છું, એટલે ખબર છે કે, બિલકુલ ચીઝના કૅક જેવી એની ગોરી ચામડી છે. પરિણામે ઉઘાડા દારાસિંઘની સાથે એ ઊભી હોય ત્યારે કેસર-પિસ્તાની કૂલ્ફીની બાજુમાં મકાઈ-ડોડો ઊભો રાખ્યો હોય એવું લાગે.

આ ફિલ્મને બહાને ચર્ચા લક્ષ્મી-પ્યારેની સિદ્ધિની કરી લેવા જેવી છે. હજી તદ્દન નવાનવા એ બન્ને આવ્યા હતા. દેખિતું છે. કોઈ મોટા બેનરની ફિલ્મો એમને ન મળે. ધાર્મિક અને આવી ઢીશુમ-ઢીશુમ છાપની ફિલ્મો જ મળે. વેપારી સંગીતકાર હોય તો પોતાની ઉત્કૃષ્ટ ધૂનો, ભવિષ્યમાં સારી ફિલ્મ માટે સાચવી રાખે. ઓહ માય ગૉડ, તમે 'આયા તુફાન'ના ગીતો સાંભળો ત્યારે ખબર પડે કે, આ બન્ને સંગીતકારોએ એવા કોઈ માપ દંડો રાખ્યા વિના, જે મળી તે તમામ ફિલ્મોમાં કલાસ-વન બ્રાન્ડનું સંગીત જ આપ્યું. રફી સાહેબનું 'અભી કમસીન હો, નાદાં હો, જાને જાના...' ચાહકોને પૂછી તો જુઓ, એમના બેસ્ટ ગીતો કરતા સહેજ પણ ઉતરતું કહેવાય? ફિલ્મ 'સતી સાવિત્રી' કે 'હરિશચંદ્ર-તારામતી' જેવી પૂરી ધાર્મિક હોય કે 'પારસમણી', 'છૈલાબાબુ', 'લૂટેરા' કે 'આયા તુફાન' જેવી તદ્ન સી-ગ્રેડની હોય, એમનું સંગીત 'સત્યમ્, શિવમ્, સુંદરમ્' કે 'સરગમ' કક્ષાનું જ હોય. કોઈ પણ ગીતમાં સંગીતને એ લોકો ઠાંસોઠાંસ ભરી દેતા. અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર, ખૈયામ, કલ્યાણજી-આણંદજી કે રવિની જેમ એવું નહિ કે, ખર્ચો બચાવવા બને ત્યાં સુધી ઓછામાં ઓછા વાજિંત્રોનો ઉપયોગ કરવો. એ બન્નેની પ્રેરણામૂર્તિમાં શંકર-જયકિશનની રાહો પર જ ચાલીને લક્ષ્મી-પ્યારે પણ પોતાના સંગીતને ભરચક બનાવતા. આ ફિલ્મમાં તો એમણે મને અનોખો ઝટકો ય આપ્યો છે. રફીસાહેબના 'અભી કમસીન હો...' પહેલા ઉષા મંગેશકર અને કમલ બારોટ પાસે એક માની ન શકાય એવું અદ્ભુત સુરીલું મુખડું ગવડાવ્યું છે, 'બુરા ન માનો સનમ...' ગીતનું ફક્ત મુખડું જ બનાવીને લક્ષ્મી-પ્યારેએ કેવી મધુરી ધૂન વેડફી નાંખી? ભાગ્યે જ સાંભળવા મળે, એવા ઠેકા સાથે ડાન્સ-ડાયરેક્ટર પી. એલ. રાજે અદ્ભુત નૃત્ય-નિર્દેશન (કોરિયોગ્રાફી) આપ્યું છે. આ એક જોવો ગમે એવો રૂમાલ-ડાન્સ પણ હતો. રફીનું આવું ગીત કોઈ નહિ ને મનોહર દીપક જેવા ઘણા કદરૂપા ડાન્સ-ડાયરેક્ટરને ગાવા મળે, એમાં ભલે લક્ષ્મી-પ્યારેનો વાંક ન ગણીએ કે મુકેશની સાથે લતા મંગેશકર અને કમલ બારોટવાળું ખૂબ જાણીતું ગીત, 'જરા સમ્હાલના, મેરી જાં અપની અદાયેં...' એક વૃદ્ધ અને પહેલાવાળા કરતા ય વધુ કદરૂપા લાગતા ડાન્સર સોહનલાલ પાસે ગવડાવ્યું છે, એનો જીવ પણ કેટલો બળે?

એ વખતે ફિલ્મના નૃત્ય ગીતોની અભિનેત્રીઓના નામો ટાઈટલ્સમાં જુદા આપવામાં આવતા હતા. અહીં પણ ડાન્સ-ડારેક્ટર પી. એલ. રાજની સાથે અરૂણા બેલા બૉઝ, મધુમતિ, રાની, મનોહર દીપક (મધુમતિનો પતિ) અને સોહનલાલ નૃત્યોમાં ચમકે છે.

આ ફિલ્મમાં લક્ષ્મી-પ્યારેનો એક આંચકો ય જોવા-સાંભળવા મળ્યો. કામરૂ દેશનો રાજકુમાર શ્યામકુમાર (એટલે 'જ્હૉની મેરા નામ'નો ગુંડો, જે 'સોના ભી જાયેગા, ઔર પૈસા ભી જાયેગા'વાળી ફાઈટ-સીક્વન્સમાં દેવ આનંદના હાથનો માર ખાય છે. સુરૈયા સાથે 'તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, હોઓઓ' ગીત ગાનાર પણ આ જ શ્યામકુમાર, જે મૂળ પાકિસ્તાનમાં જન્મેલો પઠાણ હતો.) રાજકુમારી હૅલન માટે ભેટ લઈને આવે છે, ત્યારે આશ્ચર્યજનક રીતે બેકગ્રાઉન્ડમાં ચિત્રગુપ્તની ફિલ્મ 'ઓપેરા હાઉસ'માં લતા મંગેશકરે ગાયેલા, 'સોના ના, સિતારોં કા હૈ કહેના, ખ્વાબોં કે અંઘેરે મેં ન રહેના'ની બેઠી ધૂન વાગતી હોય છે. એવી જ રીતે, દારાને ફસાવવા ઈંદિરા બિલ્લી ઢોંગ કરીને દારા પાસે પોતાને આખી ઉચકાવે છે, એ દ્રષ્યમાં ફિલ્મ 'જંગલી'ના લતા મંગેશકરના, 'જા જા જા, મેરે બચપન, કહીં જા કે ફિર ના જા...' ગીતની ધૂન ઍકોર્ડીનમાં વાગે છે. આવું બને જ કેવી રીતે, એ નથી સમજાતું.

ફિલ્મના છેલ્લા બને રીલ્સ રંગીન છે, એટલે રાહત કરતા ખુશી એ વાતની કે, લતાનું બેનમુન, 'હમ પ્યાર કિયે જાયેંગે, કોઈ રોક સકે તો રો લે...' કલરમાં જોવા મળે છે.

એક જમાનામાં થોડી ઓછી પણ તો ય થોડી જાણિતી બનેલી અભિનેત્રી પદ્મારાણી (આપણી ગુજ્જુ ફિલ્મોની બારમાસી ગાંવ કી ગોરી) જીવનકલા અને લલિતા દેસાઈ (આશુ) પણ આ ફિલ્મમાં છે. આશુને તો અર્જુન હિંગોરાનીની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં બધી રીતે 'સૅક્સી'ગર્લ તરીકે રજુ કરવામાં આવતી. આપણા અન્ય ગુજરાતી ચરીત્ર અભિનેતા શેખર પુરોહિતની પણ દારાસિંઘ બ્રાન્ડની ફિલ્મોમાં બોલબાલા હતી. ખૂબ સારો એક્ટર, પણ સી-ગ્રેડની ફિલ્મોમાં વેડફાઈ ગયો! હૅલનનું કોરું માથું હજી કોઈએ જોયું પણ નહિ હોય. એની માં બર્માની અને પિતા યુરોપિયન હોવાને કારણે સ્કીન ચીઝ જેવી ગોરી અને વાળ બ્લોન્ડ હોવાને કારણે મોટા ભાગે તો દરેક ફિલ્મમાં ઈન્ડિયન દેખાવા માટે એને માથે વિગ પહેરવી પડી છે. એ વાળમાં પીંછા, કલર્સ અને સ્વિચો ય બહુ નાંખતી. બહુ ઓછી ફિલ્મોમાં હૅલને હીરોઈન તરીકે કામ કર્યું છે. ઍક્ટ્રેસ તરીકે નામ મોટેથી લેવાય એવું નથી, પણ ડાન્સર તરીકે એનાથી કોઈ મોટું નામે ય લેવાય એવું નથી. 'આયા તુફાન'ના હૅલનના એકોએક ડાન્સીઝ બહુ ઉમદા છે.

મારુતિ પાસે કોમેડીનું ટાઈમિંગ અને સૅન્સ ઉમદા હતી. ઢીંચી ઢીંચીને હનુમાનજીને પ્યારો થઈ ગયો. હનુમાનજી ઉર્ફે મારૂતિ તેલ પીતા હશે, પણ આ દારૂ પીને લાંબો થઈ ગયો. સી-ગ્રેડની આવી ફિલ્મોમાં કોમેડીનો વિભાગ મારૂતિ, કુમુદ ત્રિપાઠી કે કમલ મેહરા સંભાળતા, જેઓ ગરીબ નિર્માતાઓના મેહમુદ, જ્હોની વોકર કે રાજેન્દ્રનાથ કહેવાતા.

ક્યારેક... ફૉર ઍ ચૅઈન્જ, આવી ફિલ્મો જોવાય પણ ખરી અને એમને માટે લખાય પણ ખરૂં!

No comments: