Search This Blog

10/10/2012

એમનો ડોગી

'ડર કે આગે જીત હૈ' એ કહેવત આપણી સામે કૂતરો ઊભો હોય ત્યારે કામમાં આવતી નથી. ભયમુક્ત સમાજની ભલે આપણે વાતો કરીએ, પણ જ્યાં સુધી લોકો પાળેલા કૂતરા ઘરમાં પાળવાનું બંધ નહિ કરે, ત્યાં સુધી સમાજ ભલે થતો, હું ભયમુક્ત થવાનો નથી. મને કોઈ પ્રેમ અથવા પ્રેમો કરે તો સામે હું કર્યા વિના રહું નહિ, એવી જ રીતે કોઈ મને મારે તો હું સામે માર્યા વગર રહું નહિ, પણ કૂતરાને મારવાથી ક્યો ફાયદો? એ મને પ્રેમો કરવા આવે તો સામે મારે ય કરી બતાવવા, એવા સ્વચ્છ મતનો હું નથી, માટે મને માફ કરવો. કૂતરાઓ સાથે તો હું કદી જીભાજોડીમાં ય ઉતરવા માંગતો નથી. આપણું સાંભળે જ નહિ ને ઉપરથી આપણો અવાજ દબાઈ જાય, એમાં ઉપસ્થિત દર્શકો તો એમ જ માને ને કે, વાંક આ ભ'ઈનો લાગે છે!

વળી, 'ડર કે આગે' ભલે ને જીત હોય પણ આપણે એની સામે જીતી પણ જઈએ તો ય, કૂતરા સામે જીતીને ક્યા વાવટા ફરકાવવાના? મારા પૂરતું તો આ એક જ પ્રાણી એવું છે, જેને નથી તો હું પ્રેમ કરી શકતો, કે નથી મારામારીઓ કરી શકતો. ક્યારેક સામનો થઈ જ જાય તો, મૅક્સિમમ હું 'હઈડ...હઇડ' કરીને હૃદયની ભડાસ કાઢી નાંખું છું. આપણે કોઈના માટે મનમાં કશું નહિ રાખવાનું.

અચ્છા. હું અહીં રોડ પર રખડતા કૂતરાઓની વાત નથી કરતો પાળેલા કૂતરાઓની વાત કરું છું. કહે છે કે, સામાન્ય રીતે પરિણિત સ્ત્રીઓ કૂતરા પાળવાનું વધુ પસંદ કરે છે. મૂળ ઈરાદો ઘરમાં એક સાથે બબ્બે પુરુષો એના કાબુમાં રહે. (કૂતરો પુરુવાચક જાતિ છે, પણ માણસને કૂતરાવાચક જાતિ ન કહેવાય) ઇતિહાસ સાક્ષી છે કે, દુનિયાભરની આવી તમામ સ્ત્રીઓ પોતાના ગોરધન કરતા પોતાના ડૉગીને વધારે પ્રેમ કરે છે.

'ડૉગી...?' 'કૂતરા'ને બદલે 'ડૉગી...?' 

યસ, પાળેલા કૂતરાને હવેથી કૂતરો ન કહેવાય, ડૉગી કહેવું પડે. 'આ કૂતરો તમારો છે?' એવું પૂછવાને બદલે 'આ ડૉગી તમારો છે?' પૂછો. (એક સલાહ : એ હજી નાનું બચ્ચું જ હોય તો 'ડૉગુ' નહિ કહેવાનું. આ લોકોમાં ત્રણે જાતિઓ માટે આપણી માફક, ડૉગ, ડૉગી અને ડૉગુ ન બોલાય... ત્રણે માટે ડૉગી જ બોલાય. નૈતિકતા એમાં છે કે, તમારે પણ ડૉગી સાથે ઈંગ્લિશમાં બોલવાનું. ગુજરાતીમાં બોલશો તો સદરહુ ડૉગીના ફાધર-મધર... આઈ મીન, માલિકોને નહિ ગમે. ઘણા તો કોઈને ત્યાં ડૉગી જોઈને સીધા ગુજરાતીમાં ચાલુ પડી જાય છે, 'કેમ છો, બ્રુનોભ'ઇ...? મજામાં?' એટલું બોલીને ડૉગીને ગુજરાતીમાં બચ્ચીઓ ભરે, પણ ઈંગ્લિશમાં 'કિસો' ન કરે! આમાં કેવા ખરાબ સંસ્કારો પડે...? (અહીં 'ખરાબ સંસ્કારો' ડૉગી ઉપર પડે, એવું સમજવાનું છે... આ લોકોના ફેમિલી ઉપર નહિ...... ભૂલચૂક લેવીદેવી.) 

આ લોકોના ડૉગીઓ નાનપણથી ઈંગ્લિશ-મીડીયમમાં ભસી ભસીને મોટા થયા હોય, બોલો! કૂતરામાં હોય કે નહિ, તમારામાં ડીસન્સી હોવી જોઈએ. સુશિક્ષિત ઘરોમાં પાળેલા ડૉગીઓને તમે ફલાઈંગ-કિસ આપો, એ પણ તમારા સારા સંસ્કાર નથી ગણાતા. સલામતિ ખાતર પણ કૂતરાને કિસો ન કરવી. એ સામે કરવા આયો તો આપણે લેવા દેવા વિનાના ભરાઈ જઈએ કે નહિ? આપણામાં 'કિસ' કહેવાય, પણ એમનામાં 'વડચકું' કહેવાય. વળી, હજી તમે પહોંચ્યા જ હો ને અચાનક એ તમારા ઉપર 'ભોં-ભોં' કરતો કૂદે, ત્યારે તમે 'હે...ય...હે...ય' કરતા ઈન્સલ્ટ કરો, એ એટિકેટ નથી ગણાતી. ડૉગી કેવું ડરી જાય

અને ડૉગી-ડૉગી ય જ્યાં સુધી તમે એનું નામ ન જાણતા હો, ત્યાં સુધી જ બોલવાનું હોય છે. નામ જાણી લીધા પછી એની ફોઈએ જે પાડયું હોય તે નામ, 'ફેન્ટમ', 'સૅવૉય', 'સ્કૂબી', 'બ્રુનો', 'બૅન્જો', 'માર્શલ' કે 'મૉર્ગન' હોય તો આપણે સામે ચાલીને 'મોગી-મોગી' નહિ કરવા માંડવાનું, કૂતરાની બા ખીજાય! (દવે સાહેબ, લખવામાં કાંઈક ભૂલ-બૂલ તો નથી થતી ને? આમાં કૂતરાની બા ક્યાં આવી? જવાબઃ અહીં દવે સાહેબ પોતે ય મૂંઝાણા છે. સદરહું કૂતરા... સૉરી, ડૉગીની બા કોણ હશે, નામ પાડનાર ફોઈબા કોણ હશે, એ તો એ લોકોને ય ખબર ન હોય. વળી, એને ખૂબ પ્રેમ કરતી ઘરની માલકીન એની બા કે ફોઈબા તો ના જ હોય ને?... બહુ બહુ તો ફ્રેન્ડ હોય. આ લોકોની બાઓ સાલી ક્યાંથી શોધી લાવવી, એ પ્રશ્ને દવે સાહેબ પોતે મૂંઝાણા છે : જવાબ અધૂરો!) 

બ્રાહ્મણોની આવનારી નસ્લ ભલે મને ડરપોક કહે, પણ જે ઘરમાં ડૉગી હોય, ત્યાં હું નથી જતો... અમને જમવાનું કીધું હોય તો પણ! એક ઘરમાં એક વખત કોફીની સાથે મને કૂતરાના બિસ્કીટ ખવડાવી દેવામાં આવ્યા હતા, ત્યારથી આ હાકલ કરી છે. આપણે આખું પેકેટ ખઈ ગયા પછી એ લોકો માફીઓ માંગે એનો શો અર્થ? આપણે લોકો તો કેવા ધાર્મિક વિચારોવાળા હોઈએ કે, જમવા બેઠા હોઈએ, તો આપણા ભાણામાંથી વધ્યું-ઘટયું કૂતરાને ખવડાવી દઈએ, પણ કૂતરાનું વધ્યું-ઘટયું ય ખાઈ જઈએ, એવા ભૂખાવડાઓ આપણે ના હોઈએ. કોઈ તો બોલો, સુઉં કિયો છો

આવાઓના ઘરે નહિ જવાનું બીજું કારણ એ કે, પેલો સીધો આવીને આપણને સુંઘવા માંડે છે. સાલા આપણે તો કોઈ ગુલાબના ફુલ કે અનારકલી છીએ, તે એ આપણને આમ સુંઘી જાય? એનું આખું બોડી આપણા પાટલૂન પર ઘસે, એમાં આખું પેન્ટ વાળ-વાળ થઈ જાય. જગત આખું જાણે છે કે, પુરુષના પાટલૂન પર વાળ જોયા પછી વાઈફોને બીજા કોઈ ખુલાસાની જરૂર જ નહિ. 'આ વખતે કોઈ બોય-કટવાળી પકડી લાગે છે!

કહે છે કે, માણસો ઉપરથી વિશ્વાસ ઉતરવા માંડયો, એમાં લોકો કૂતરા પાળતા થઈ ગયા. દગો ન કરે, જેનું ખાય એનું ખોદે નહિ, સામો પ્રેમ એટલો બધો આપે કે, વાસ્તવમાં પછી ઘરના બીજાઓના પ્રેમની પણ જરૂર ન રહે, ઘરમાં કૂતરો છે, એ જાણ્યા પછી ચોરલોકો ય ના આવે, તમારી કાર હજી સોસાયટીના નાકે હોય ત્યાં સૂંઘવાની શક્તિને કારણે એને ખબર પડી જાય કે, તમે આવ્યા છો. એ ક્યારેક ગુસ્સે પણ થાય, ક્યારેક દુઃખી પણ થાય ને ક્યારેક બહુ ગેલમાં ય આવી જાય. આવી તો જાય જ ને, આખરે એ પણ માણસ છે... સોરી, એ પણ કૂતરો છે. 

પણ એ તો... જે લોકો માણસોથી ત્રાસ્યા હોય એમને આવું બધું ફાવે. આપણે નોકરી-ધંધાવાળાઓને માણસોથી ત્રાસવું પોસાય નહિ. ત્રાસ્યા પણ હો તો ય, તમારી ઓફિસમાં માણસોને બદલે કૂતરાઓને ગોઠવી ન શકાય. મારા એક દોસ્તે એના પાળેલા ડૉગીનું નામ 'બૂમર' કે 'જૅરી' રાખવાને બદલે 'સૂર્યકાન્ત' રાખ્યું છે. હું એની ભારતીયતાથી પ્રભાવિત થયો, ત્યારે એણે ફોડ પાડયો કે, સૂર્યકાંત ધંધામાં એનો પાર્ટનર હતો અને ૩૬ લાખનું કરી ગયો, એટલે બધી દાઝો ઉતારવા માટે કૂતરાનું નામ આ રાખ્યું. બધી ભડાસ કાઢવા, મહેમાનો આવે ત્યારે, 'સૂર્યકાંત, મારા બૂટ લઈ આય...' 'લે, આ પ્લેટ ચાટી જા...' એવા હૂકમો છોડતો. (હું એટલો જ નિર્ણય લઈને ઊભો થયો કે, ભૂલેચૂકે ય આ લોકો સાથે બગાડવું નહિ!) 

ઘણી લેડીઝ માટે કૂતરો રાખવો કે ઉપવાસ રાખવો, પબ્લિસિટી બની જાય છે. મારી વાઈફની એક સખીએ પોતાના બોડીનું માપ લેવડાવ્યા વગર પોમરેનિયન કૂતરો પાળ્યો છે, બહેનના શરીરના ૭૦ ટકા ભાગોનું વજન કરો તો મારૂતિ સુઝુકી બરોબર થાય છે. એમનો આકાર ખમતીઘર હોવાને કારણે આવા નાનકડા પાઉચ જેટલી સાઈઝના પોમરેનિયનને બદલે અરબી ઘોડો પાળે તો કોઈને અન્યાય ન થાય. નજરે જોનારાઓનું તો કહેવું છે કે, આટલા નાનકડા કૂતરાને ખોળામાં લઈને બેઠા હોય ત્યારે, ઉત્તરસંડાના કોક એકાકી ખેતરની વચ્ચે ખાટલા પર વૃદ્ધ ખેડૂત સુતો હોય એવું લાગે. 

મેં જો કે નક્કી કરી લીધું છે કે, પાળવું પડે તો ઘરમાં હું જીરાફ, ગૅન્ડો કે હિપોપોટેમસ પાળીશ, પણ કૂતરા નહિ પાળું, (બે-ચાર દોસ્તોએ મને ચીમ્પાન્ઝી પાળવાની દરખાસ્ત કરી, પણ એ પ્રસ્તાવ મેં સ્વીકાર્યો નથી. ઘરે આવનારઓને કોઈ ફરક તો લાગવો જોઈએ ને?) વાત સાચી છે કે, કૂતરો પાળવાથી એની સાથે ખૂબ માયા બંધાઈ જાય છે. બેશક ઘરની પણ કોઈ વ્યક્તિ કરતા તે વધારે વહાલો લાગે છે. જગતભરના કૂતરાઓનું મૅક્સિમમ આયુષ્ય ૧૨ વર્ષનું હોય. એ જાય પછી આપણામાંથી કોઈનું હૃદય કાંઈ એટલું મજબૂત નથી હોતું કે, આવો ઘા જીરવી શકે. આપણે લાઈફમાં ટકી રહેવા માટે બીજો નવો ડૉગી લઈ આવવો પડે. એય ૧૨ વર્ષ...

આ જિંદગીમાં એકાદો ઘા તો સહન થતો નથી દર ૧૨-૧૨ વર્ષે કન્ફર્મ્ડ ઘાઓ શું કામ સહન કરવા

સિક્સર
...અને ગુજરાતભરના ગાયનૅક ડોક્ટરોનું ત્રણ દિવસનું અધિવેશન કુલુ-મનાલીમાં યોજાયું. 
- કહે છે કે, આ ત્રણ દિવસોમાં ગુજરાતમાં મૅક્સિમમ 'નોર્મલ' ડીલિવરીઓ થઈ.

No comments: