Search This Blog

31/05/2013

'મીર્ચ મસાલા' (૮૭)

ફિલ્મ : 'મીર્ચ મસાલા' (૮૭)
નિર્માતા : રાષ્ટ્રિય ફિલ્મ વિકાસ નિગમ
દિગ્દર્શક : કેતન મહેતા 
સંગીત : રજત ધોળકીયા 
સંગીત માર્ગદર્શન : નારણભાઇ મૂલાણી (મુંબઇ) 
વાર્તા : સ્વ.ચુનીલાલ મડીયા 
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ-૧૨૮ મિનીટ્સ 
થીયેટર : રૂપાલી (અમદાવાદ) 
કલાકારો : સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, દિપ્તિ નવલ, ઓમ પુરી, સુરેશ ઓબેરોય, બેન્જામિન ગિલાની, રાજ બબ્બર (મહેમાન કલાકાર), પરેશ રાવલ, દીના પાઠક, રત્ના પાઠક-શાહ, સુપ્રિયા પાઠક, મોહન ગોખ્ખલે, રાજુ બારોટ, અદિતી દેસાઇ, દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુરભિ શાહ, સતીશ પંડયા, સ્નેહલ લાખીયા, હરિશ પટેલ, બાબુભાઇ રાણપુરા, રવિ શર્મા, અર્ચિતા, જીજ્ઞા કે. વ્યાસ અને ઇશાની શાહ. 



મિર્ચ મસાલા'જેવી કોઇ ફિલ્મ બને, એ બનાવનારા માટે પડકાર અને જોનારાઓ માટે સદભાગ્ય કહેવાય. કેતન મેહતાએ આપણા જ ગુજરાતી સાહિત્યકાર સ્વ.ચુનીલાલ મડીયાની 'ડાઉન ટુ અર્થ' વાર્તા ઉપરથી આ ફિલ્મ બનાવીને આજે એના નિર્માણના ૨૫ વર્ષો પછી ય દર્શકોના મનમાં એ અસર ઊભી રાખી છે, જે પ્રેક્ષકોને વિશ્વાસ અપાવે કે, ફિલ્મો કેવળ મનોરંજનનું જ માધ્યમ નથી. ફિલ્મ જોતી વખતે અને જોયા પછી આવનારા વર્ષો સુધી ફિલ્મની અસર મનમાંથી જાય નહિ, એવી ફિલ્મો બહુ પાતળી સંખ્યામાં બને છે. કલાને નામે એવી ફિલ્મો ય આપણે ત્યાં (વિદેશી ફિલ્મોના પડછાયામાં) બની છે, જે દર્શકને ફિલ્મ જોતી વખતે મૂંઝવે રાખે. સરકારી પુરસ્કારો તો આવી ફિલ્મોને મળવાના જ છે એટલે અને સરકાર મુંઝાશે ને સમજ નહિ પડે તો પુરસ્કાર આપશે, એ સઘળો જુગાર કલાને નામ પેલી weird ફિલ્મો બનાવનારા રમે જાય છે. કંઇક બાકી રહી જતું હોય તેમ ફિલ્મ સત્યજીત રે કે મૃણાલ સેને બનાવી છે અને મોંઢું બગાડીશું, તો કૉફી-ટેબલ પર આબરૂ જશે, એટલે ગમે કે ન ગમે, આવી ફિલ્મોની ખૂબ ધીમા અવાજે, ઇગ્લિશમાં ક્રિટિક્સની લિંગોમાં આવી ઓફબીટ ફિલ્મોના વખાણ કરતા જાઓ...કૉફી-ટેબલનું બિલ બીજો ચુકવશે. 

શશી કપૂર ફિલ્મ 'કલયુગ' જેવી માસ્ટર પીસ બનાવ્યા પછી તાડુક્યો હતો, 'શેની ઓફબીટ ફિલ્મો ને શેની પેરેલલ સિનેમાઓ...? ફિલ્મો બે જ પ્રકારની હોય...સારી ફિલ્મો ને નબળી ફિલ્મો.' 

કેતન મહેતાએ સારી ફિલ્મ બનાવી છે. ઓફબીટ ફિલ્મોની વાર્તા કહેનારા દિગ્દર્શક બહુધા ફિલ્મની વાર્તા કહેવામાં પ્રેક્ષકો ઉપર પ્રયોગો કરતા હોય છે, જેની ફોર્મ્યુલા મુજબ વાર્તાનો અમુક હિસ્સો પ્રેક્ષકોએ ધારી લેવાનો-ધી એન્ડ તો ખાસ..વ્યક્ત કરતા અવ્યક્ત ઘણું બધુ ભરેલું હોય, એને સાદી ભાષામાં ઓફબીટ ફિલ્મ કહેવાય. 'શોલે' કે 'મધર ઇન્ડિયા'ની ટીકા કરનારા તમને હજી ય મળી રહેશે.. ઓફબીટ ફિલ્મોની ટીકા ન થાય. આપણને સમજ નથી પડતી, એટલું લોકો સમજી ન જાય માટે ઘણું બધું સમજી લેવું પડે છે. પણ કેતન મેહતાએ દાદીમાંની વાર્તાની સરળતાથી 'મિર્ચ મસાલા'ની વાર્તા ફિલ્મની પટ્ટી ઉપર કીધી છે, મૂળ લેખકને સહેજ પણ અન્યાય ન થાય, એનું ધ્યાન રાખીને ! આવી સરળતા ફિલ્મ 'ધી ગોડફાધર'માં જોવા મળી હતી. મારિયો પુઝોની આ જ નામની નવલકથા પરથી બનાવેલી ફિલ્મ પણ મૂળ નવલકથા જેટલી જ અસરકારક હતી. અફ કોર્સ, ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ મારિયો પૂઝોએ જ લખ્યો હતો. 

બ્રિટીશરોના રાજમાં અંગ્રેજ-સરકાર ભારતને કોઇપણ ખૂણેથી લૂંટવા માંગતી હતી. બધા તો ધોળીયા અમલદારો ક્યાંથી લાવવા. એટલે એવી જ નાલાયક પ્રકૃતિ ધરાવતા આપણા ''દેસી'' લોકોને મોટી મોટી પોસ્ટ આપી દેવાઇ હતી, એમાં એક નાનકડા ગામની સુબેદારી કરવા મોકલેલા સુબેદાર (નસીરૂદ્દીન શાહ)ને આતંક અને સ્ત્રીભૂખના જોરે ગામ પર બેફામ હુકુમત ચલાવવાનો અબાધિત પરવાનો મળી જાય છે. ફિલ્મની પ્રોટેગોનિસ્ટ ગામની યુવાન અને સુંદર સોનબાઇ (સ્મિતા પાટિલ) છે, જે તાબે થતી નથી. એના બેકાર પતિ (રાજ બબ્બર- મહેમાન કલાકાર) ને શહેરમાં નોકરી મળી જતા સોનબાઇ એકલી પડી જાય છે, છતાં એની સ્ત્રીશક્તિ એકલી પડતી નથી.. એ જાણવા છતાં કે, ગામની અન્ય સ્ત્રીઓની નિરક્ષરતાનો સઘળો લાભ સુબેદાર, તેના ૪-૫ સિપાહીઓ અને ગામના મળતીયાઓ ઉઠાવે છે, એટલે સુધી કે મુખી (સુરેશ ઓબરોય) પણ સ્ત્રીઓનો શોખિન અને સુબેદારથી ડરનારો ઘરમાં સુશીલ પત્નિ (દિપ્તિ નવલ) હોવા છતાં સુબેદારના ભયની છાયામાં રહે છે. પૂરા ગામમાં શિક્ષિત એક માત્ર માસ્તરજી (બેન્જામિન ગીલાણી) છે, જેના સ્ત્રી-શિક્ષણનો મહિમા અનેકવાર ટીચાવી નાંખે છે. ગામની અન્ય સ્ત્રીઓ મસાલાના એક નાનકડા કારખાનામાં પેટીયું કમાય છે, જેમાં સોનબાઇ પણ ખરી. એની સાથે કામ કરતા સ્વ.દીના પાઠક, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક ઉપરાંત આપણા અમદાવાદના જ સ્થાનિક કલાકારો અદિતી દેસાઇ, દિપ્તિ બ્રહ્મભટ્ટ, નાનકડી ઇશાની શાહ (હાસ્યલેખક તારક મેહતાની સુપુત્રી) ઉપરાંત અન્ય સાથીઓ છે. સુબેદાર યેન કેન પ્રકારેણ સોનબાઇને પામવામાટે એની પાછળ ઘોડેસવાર સિપાહીઓ મોકલે છે. સોનબાઇ ગભરાઇને કારખાનામાં આશરો લે છે. અલ્લાહની રહેમતોમાં દ્રઢ વિશ્વાસ રાખતા નમાઝી બુઝુર્ગ અબુ મીયા (ઓમ પુરી) એ ઠાની લીધી છે કે, પોતાના જીવના ભોગે ય એ આવા અત્યાચારનો ભોગ કોઇ અબળાને નહિ બનવા દે. એ હવેલી જેવા વિશાળ કારખાનાનો જીવના ભોગે ય એ આવા અત્યાચારનો ભોગ કોઇ અબળાને નહિ બનવા દે. વિશાળ કારખાનાનો તોતિંગ છતાં તૂટી શકે એવો દરવાજો બંધ કરી દે છે. સિપાહીઓ બહાર ઊભા ઊભા અબુ મીયાંને ધમકીઓ આપતા રહે છે. કમનસીબે સોનબાઇનું રક્ષણ કરવાને બદલે કે સ્ત્રીશક્તિને બુલંદ બનાવવાને બદલે સોનબાઇની સાથેની સ્ત્રીઓ એને સુબેદારને શરણે જવાનો ફોર્સ કરતી રહે છે. અબુ મીયાંને સહારે સોનબાઇ અડગ રહે છે. ધૂધવાયેલો સુબેદાર દરવાજો તોડીને અંદર આવે છે, એ વખતે તાજી તાજી પ્રગટ થઇ ગયેલી સ્ત્રી જાગૃતિ અને શક્તિનો પરચો એને મળી જાય છે. સોનબાઇ સુબેદાર ખત્મ કરી નાંખે છે.

આવી પ્રેરણાત્મક વાર્તા પરથી બનેલી આ ફિલ્મ એ જમાનામાં આવી હતી, જ્યારે 'રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ'આવી સારી ફિલ્મો બનાવવાના મોટા મૂડમાં હતી. એ જોનારો એક અલાયદો વર્ગ હતો. એ વર્ગ તો હજી હશે, પણ આવી ફિલ્મો નથી. અલબત્ત, નસીરૂદ્દીન શાહને મોડે મોડે આવી આર્ટ ફિલ્મો માટે નફરત થઇ ગઇ. પૈસામાં ઊંચા ગજાનું સમાધાન કરવાનું હોય ને છતાં ટિકીટબારી ઉપર તો ફિલ્મ ચાલે નહિ. પોતાની સાથેના સહુ કલાકારો જેટમાં ઊડતા હોય ને આર્ટ ફિલ્મોને વફાદાર કલાકારો ફિયાટને ય રાહદારીઓ પાસે ધક્કા મારી મારીને ચલાવતા હોય. અલબત્ત, અહી તો બાવાના બે ય બગડયા. નસીર કન્વેન્શનલ હીરો તરીકે તો ઇસ્ટ આફ્રિકાની ફિલ્મોમાં ય ચાલે એવો નથી. આર્ટ ફિલ્મોથી કંટાળીને એ અર્ચના પૂરણસિંઘ જેમાં હીરોઇન હતી તે 'જલવા' જેવી ફાલતુ ફિલ્મમાં કામ કરવા ગયો અને ભારે પછડાયો. સની દેવલ અને ચન્કી પાન્ડે સાથે 'ત્રિદેવ' ('ઓયે..ઓયે..ઓયે ઓ.વા..)' જેવી કમર્શિયલ ફિલ્મો કરી પણ એ બધામાં તો એ સહેજ પણ ન ચાલ્યો. હવે આજકાલ એ 'અ વેન્સ ડે', 'ઇશ્કીયા' કે 'ખુદા કે લિયે' જેવી ફિલ્મોમાં કામ કરે છે, એ કમર્શિયલ અને ફિલ્મોના મિશ્રણ જેવી છે. એમાં પાછો એને 'એક્ટર' પુરવાર થવાનો ફરી મોકો મળી રહ્યો છે. નસીરૂદ્દીન શાહે કેટકેટલી ફિલ્મોમાં બેનમૂન અભિનય આપ્યો છે, એની સરખામણીમાં ફાલતું ફિલ્મો એણે જવલ્લે જ લીધી છે. ફિલ્મ ભલે પાકિસ્તાનની રહી ને ભલે નસીરે ત્યાંની ફિલ્મમાં કામ કર્યું...આ ફિલ્મ બાકાયદા જોવા જેવી છે. નસીરનો રોલ એની એક્ટિંગ-એબિલિટીને વધુ પુરવાર કરે એટલો મોટો નથી, પણ નિર્ણાયક છે. ફિલ્મ તમને ગમશે. 

સાદી ભાષામાં એની ઘણી ફિલ્મોની જેમ 'મીર્ચ મસાલા'માં પણ નસીરે વિલનનો અને આર્ટ ફિલ્મોની જબાનમાં કહી એ તો 'એન્ટી હીરો'નો કિરદાર નિભાવ્યો છે. પોલાદી અવાજના માલિક નસીરનો બીજો USP એના હાવભાવ છે, જે અત્યારના હીરોલોગ માટે બજારમાં વેચવા કાઢો તો કોઇ ખરીદાર નહિ મળે. શો-કેસમાંથી ગ્રાહકો-આમાં આપણું કામ નહિ, કહીને પાછા વળી જશે. તો બીજી તરફ સ્મિતા પાટીલ આમ તો મૂળભૂત અભિનેત્રી હતી જ નહિ. એ તો મુંબઇ દૂરદર્શન પર ન્યુસરીડર હતી. પ્રોબ્લેમ રાજ બબ્બર સાથેના એના લગ્નજીવનનો હતો કે બીજો, એની ઝાઝી ખબર કોઇને નથી, પણ ખુબ વહેલી ગૂજરી ગઇ.

ફિલ્મી બેકગ્રાઉન્ડ કે ધનિક પરિવારમાંથી આવતી ન હોવાથી સાવ આપણા જેવી જ હતી. ફિલ્મી નખરા નહિ. આ ફિલ્મમાં એની સાથે કામ કર્યાની સુખદ પળો વાગોળતા અમદાવાદના અદિતી દેસાઇ કહે છે, 'ફિલ્મનો છેલ્લો જ શોટ બાકી હતો ને સ્મિતાને તરત જ ફ્લાઇટ પકડીને મુંબઇ પહોચવાનું હતું. કોઇ મોટા બેનરની ફિલ્મના શૂટિંગ માટે ! ફિલ્મ જોઇ હશે, એમને છેલ્લું દ્રષ્ય સ્મરણમાં હશે કે, બધી બહેનો એકજુટ થઇને સુબેદારની આંખોમાં મરચાની ભૂકી નાંખે છે, એ દેખતો બંધ થઇ જાય છે. અને સ્ત્રીશક્તિનો અડીખમ પરચો બતાવવા સ્મિતા યોગ્ય ક્ષણની રાહ જોઇને હાથમાં દાતરડાં સાથે શૂન્યમનસ્ક ઊભી છે. હવે પછી શું થવાનું છે (કે શું થવું જોઇએ !)'એનો અણસાર સ્મિતાએ કેવળ હાવભાવથી આપવાનો હતો, તે કેમે કરીને બંધબેસતો નહોતો. એક પછી એક રીટેક થવા માંડયા ને એની ઉતાવળને ધ્યાનમાં લઇને એ દ્રષ્ય, 'જેવું હોય એવું'ના ધોરણે ઓકે કરવામાં ન આવ્યું. સ્મિતાએ જ કીધું, 'જ્યાં સુધી શોટ પરફ્કેટ નહિ આવે, ત્યા સુધી મારે જવાનો સવાલ જ ઊભો થતો નથી.' 

અમદાવાદના જે કલાકારોએ આ ફિલ્મમાં કામ કર્યું છે, એ લોકોના રોલની લંબાઇ તો ઠીક છે, મહત્તાનો વિચાર કરવા જઇએ તો ય નારાજ થઇ જવાય એવું છે. ગુજરાતમાં આ સહુ મોટા ગજાના સ્ટેજ કલાકારો છે. ફક્ત હિંદી ફિલ્મોમાં ઓળખાય પણ નહિ, એવા દૂરના દ્રષ્યોમાં ઊભા રહેવાનું મળે, એટલે પોતાની ગરિમાનો ય વિચાર નહિ કરવાનો ? વિખ્યાત હોલીવૂડની ફિલ્મ Mackenna's Gold દિલીપ કુમારે ઠૂકરાવી એટલે ઓમર શરીફને રોલ મળ્યો. ઓફરો તો દેવ આનંદને ય હતી, પણ અહી શહેનશાહના કિરદાર કરતા હો ને ઇંગ્લિશ ફિલ્મમાં પાછળ ભાલો પકડીને ઊભા રાખી દીધા હોય, એવું ન ચલાવી લેવાય.

પણ આમાના કેટલાક કલાકારોને મળ્યો ત્યારે સરસ મજાની સ્પષ્ટતા થઇ. અહી સવાલ રોલની લંબાઇ કે મહત્તાનો નહતો. ગુજરાતની એક મહાન નવલકથાને રાષ્ટ્રીય સ્તરે હિંદી ફિલ્મદેહ મળે છે, એ આ તમામ કલાકારો માટે પોતાના ગૌરવ કરતા ય મોટી વાત હતી. વળી નસીર, સ્મિતા, ઓમ પુરી કે દિપ્તિ નવલ સરીખા કલાકારો સાથે કામ કરવાની તક મળે છે, તો આવી તક જવા ન દેવાય. શક્ય છે, અમદાવાદના આ કલાકારોને ખાસ તો આ લેવલના કલાકારોને બદલે શાહરૂખો કે સલમાનો સાથે આવું અને આટલું કામ કરવા મળ્યું હોત તો ન સ્વીકારત. અને ત્રીજું મહત્વનું કારણ ફિલ્મનો દિગ્દર્શક કેતન મેહતા ફક્ત ગુજરાતી જ નહિ, આમાંના ઘણાની સાથે ફિલ્મ ઇન્સ્ટીટયૂટમાં ભણી ચૂકેલો, એટલે દોસ્તીદાવે પણ સાથે કામ કરવાની લજ્જત અનોખી ઉપડે. નહિ તો આજે એ વાતને ૨૫-૨૫ વર્ષો પછી પણ અમદાવાદના રાજુ બારોટ, અદિતી દેસાઇ, દિપ્તિ બ્રહ્મભટ્ટ, સતિષ પંડયા, સુરભિ પટેલ, સ્નેહલ લાખીયા, જીજ્ઞા કે. વ્યાસ અને અર્ચિતા સ્ટેજ પરના મહત્વના નામો ગણાય છે. ખાસ તો સહદિગ્દર્શક તરીકે આ ફિલ્મમાં સેવા આપનાર કાબિલ સાહિત્ય અને નાટયકાર પરેશ નાયક આજે પણ આ ફિલ્મ માટે ગૌરવ અનુભવે છે. ફિલ્મની વેશભૂષા અમદાવાદના જ મીરાં અને આશિષ લાખીયાએ સંભાળી હતી. ''તારી આંખનો અફીણી..''ને અમર કરનાર સ્વર્ગસ્થ ગાયક-સંગતીકાર દિલીપ ધોળકીયાના પુત્ર રજત ધોળકીયાએ આ ફિલ્મનું સંગીત આપ્યું હતું. ખાસ મેદાન મારી જાય છે, શ્રી બાબુભાઇ રાણપુરા જેમણે ફિલ્મમાં અભિનય અને કંઠ બન્ને દ્વારા ફિલ્મને ઉચકાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. 

એ સમજો ને...'૮૦નો એક અલગ દાયકો આ NFDC વાળાઓનો હતો. એ જ અરસામાં આવી સુંદર ફિલ્મો 'ધારાવી', 'સૂરજ કા આંઠવા ઘોડા', 'પાર્ટી' અને 'જાને ભી દો યારો' જેવી અસરકારક ફિલ્મો બની હતી. જોવાની લહેર એ વાતની છે કે, આ કોલમ નિયમિત વાંચનારાઓ માટે હવે મુંબઇના શ્રી.નારાયણભાઇ મૂલાણીનું નામ નવું નથી. ફિલ્મના ટાઇટલ્સમાં સંગીત સલાહકારમાં એમને સ્પેશિયલ દરજ્જો આપવામાં આવ્યો છે. એક કારણ એ પણ ખરૂં કે, ફિલ્મમાં નસીર પગ લાંબા કરીને '૩૦ની સાલની હિંદી ફિલ્મોની જે રેકોડર્સ આપણા દેશી ગ્રામોફોન પર સાંભળે છે, તે રેકોડર્સ મૂલાણી સાહેબના ખજાનામાંથી અવતરી છે. તેઓ સ્વચ્છ ૭૮ RPM રેકોડર્સના રાષ્ટ્રવ્યાપી સંગ્રાહક હોવાને નાતે ફિલ્મમાં શુધ્ધ રેકોર્ડિંગવાળા કજ્જનબાઇનું 'ફુકત કોયલીયા..' અને રાજકુમારીના બે ગીતો ''કાહે મારી નજરીયા...'' અને ''વો ગયે નહિ હમે મિલકે..'' પણ આજના અદ્યતન રેકોર્ડીંગની બરોબરીમાં ય વધુ મીઠડાં લાગે છે. 

આપણે ગુજરાતીઓ છીએ એટલે સહેજે ય કુતુહલ થાય કે, જે લોકેશનમાં આવી સુંદર ફોટોગ્રાફીવાળી ફિલ્મ ઉતરી છે, એ ગામ ક્યું હશે ? તો રાજકોટ જતા વચમાં બા'મણબોરનું ટોલનાકું આવે છે, ત્યાં જ બાજુમાં આ નાની મોલડી નામના ગામે આખી ફિલ્મ ઉતરી છે. 

ફિલ્મમાં બતાયેલી હવેલી ગામનો દરબારગઢ છે. થોડું ઘણું શુટિંગ બાજુના ડોસલીગૂના ગામે પણ થયું છે.

No comments: