Search This Blog

22/05/2013

પુસ્તકોની પ્રસ્તાવનાઓમાં ઊભા થતા કોમેડી મુદ્દા

હમણાં એક પ્રસ્તાવના વાંચતા વાંચતા હું ઊભો થઇ ગયો. ચોંકવાનું આવે ત્યારે ઊભા થઇ જવાની આપણી હૉબી! લગ્નના ફેરા મેં ઊભા ઊભા ફર્યા હતા. લેખકે એમાં લખ્યું હતું, ''આ પુસ્તક પ્રકાશિત કરવામાં મને અનન્ય સહકાર આપનાર વડીલ શ્રી ચીમન ગગનને તો કેમ ભૂલાય?''

સાલો ટેન્શનમાં હું આવી ગયો કે, આ ચીનીયો કોઇ એવી હસ્તિ છે જેને લેખક ભૂલવા માંગે છે પણ ભૂલવાનો રસ્તો મળતો નથી. શક્ય હોય તો એક ભલા વાચક તરીકે મારે એને રસ્તો બતાવવાનો છે. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને, એણે સીધું વાચકો પાસે જ માર્ગદર્શન માંગી લીધું છે કે, ''...ચીમન ગગનને તો કેમ ભૂલાય?''

લેખકે ચીનીયાનો આપણી પાસે બળાપો કાઢયો છે કે માર્ગદર્શન માંગ્યું છે, એની સમજ પડતી નહોતી. એના શબ્દો બહુ કરૂણ હતા કે, ''... શ્રી ચીમન ગગનને તો કેમ ભૂલાય?'' મને પ્રારંભિક આઇડિયો એવો આવ્યો કે, કરૂણ શબ્દોમાં લેખકને પત્ર લખું કે, 'આવા સંજોગોમાં નોર્મલી ફિલ્મની હીરોઇનો મકાનની ટેરેસ પર જઇ ચંદાને, તારાઓને, કાળમીંઢ રાતને કે હવાઓ પાસે માર્ગદર્શન માંગે છે કે, હું નથ્થુને કેમ ભૂલી શકતી નથી. તમે બધા માર્ગદર્શન આલો...'' તારા મકાનમાં ધાબું ન હોય તો ફ્લેટની બારીમાંથી ચંદ્રને જોઇને પૂછી લેવાનું, ''ચીમન ગગનને ભૂલવાનો કોઇ આઇડીયો પડયો હોય તો બતલાવો..''

લેખકની બીજી મજબુરી એ હોઇ શકે કે, એ ચીનીયાથી ઘણો દબાયેલો હોય ને સાચ્ચે જ આ પુસ્તક છપાવી આલવામા ચીનીયાએ પ્રકાશક સાથે ઘણા હાંધા-હલાડા કર્યા હોય. કયો પ્રકાશક કવિ- લેખકને સીધેસીધો ચા-પાણી માટે બોલાવે છે?  ચીનીયો વચમાં આયો હશે, એટલે આ ફફડયો છે કે, ચીમન ગગનને ભૂલવો જરૂરી છે, પણ શક્ય નથી, એટલે લાયને.. મેં 'કુ.. વાચકોને પૂછી જોઇએ!... હું નહિ ભૂલું ને ચીનીયો મને યાદ રાખશે તો મારૂં આગામી પુસ્તક મારી શ્રદ્ધાંજલિનું ય નહિ હોય! માટે પુસ્તક પ્રકાશનના આનંદ કરતા ચીનીયાને ભૂલવાનો રંજોગમ એને વધુ સતાવે છે! પહેલા ઘામાંથી હું બહાર નથી આવ્યો ત્યાં બીજો માર્યો. વાત એકલા ચીનીયાથી પતતી નથી. ઘરના રેશન-કાર્ડના નામો લખાવતો હોય એમ આભારના લિસ્ટમાં એણે બીજા ૧૭-૧૮ નામો લખાવ્યા છે. પહેલા આપણને થોડી રાહત રહે કે, એનું પુસ્તક વાંચીને મરી ગયેલાઓનું આ લિસ્ટ લાગે છે. એવી ય ગોઠવણ હોય કે, સાહિત્યમાંથી જેને જેને ઉડાડવા હોય, એ સહુના નામો લેખકના આગામી પુસ્તક પહેલાં મોકલી દેવા, પ્રસ્તાવનામાં લેખક એમની યાદી પ્રસ્તુત કરે, તો સમાચાર સારા ય આવે... આ તો એક વાત થાય છે!

એ તો ત્રીજી લિટીમાં ખબર પડે કે, પ્રસ્તુત યાદી મુજબના શખ્સોએ જ આવડા આને નિસરણી આલી'તી! પૉસિબલ છે, એમાંનો એક... આ લખવા બેઠો હોય ત્યારે એક બાજુથી કોરા કાગળીયા વીણવા ગયો હોય, જેથી સર્જકશ્રી લખી શકે. બહુ ઓછા વાચકોને ખબર હશે કે, ભલભલા લેખક માટે મોટો ખર્ચો કાગળનો હોય છે. તંત્રીઓ કાંઇ એટલો પુરસ્કાર નથી આપતા, જેમાંથી ફૂલ્સ કેપ કાગળોનું પેકેટ લઇ અવાય. સન્માન વખતે અનેક વાચકો લેખકોને પેન ભેટમાં આપે છે, શૉલ ઓઢાડે છે.. કોઇએ તેમને કાગળો ઓઢાડયા? એક બાજુથી કોરા કાગળો ભેટમાં આપ્યા? સર્જકોને લખ્યા કરતા ભૂસવાનું વધારે હોય, છપાયા કરતા પાછું વધારે આયું હોય ને વંચાયા કરતા ભેટમાં વધારે અપાયું હોય, એટલે કાગળ તો જથ્થામાં જોઇએ.

પેલા ૧૭-૧૮માંનો બીજો એક મિત્ર આખા એરીયામાં ફરીને ગાય શોધવા ગયો હોય. અનેક લેખકોને પ્રેરણા માટે એમની બારીમાંથી ગાય ઊભેલી દેખાવી જોઇએ, તો જ સૂઝે. એક કવિના પગ પાણીમાં બોળેલા હોય તો જ પેન ઉપડે, એટલે પગ નીચે પાણી ભરેલી થાળી મૂકવી પડે. મહાન થઉ-થઉ કરતા સહેજમાં ન થઇ શકેલા એક મહાકવિ લખતી વખતે ખોંખારા ઉપર ખોંખારા ખાવાના શરૂ કરી દે છે. તેઓશ્રીને પ્રેરણા ખોંખારે- ખોંખારે મળતી હોય છે. માણસ છે- બધા ખોંખારા જાતે ન ખાઇ શકે, તો વાઇફની મદદ લે ને લખવાનું આગળ ચાલે, એટલે તમને યાદ હોય તો ઘણા સર્જકોએ પોતાનું પુસ્તક એમની વાઇફને 'અર્પણ' કર્યું હોય છે... સર્વનામો કે વિશેષણો ઊંચા ગજાના લઇ આવવાના, ''અર્પણ.. મ્હારી જીવનસંગિની... ગોદાવરીને, જેણે આ પુસ્તકના શબ્દે- શબ્દે ખોંખારા ખઇ ખઇને મને પ્રોત્સાહિત કર્યો છે.''

મોટાભાગની પ્રસ્તાવનાઓની શરૂઆત લેખક ભારે નમ્રતાથી કરે છે કે, આ તો બે ચાર કવિ-લેખક મિત્રો પાછળ પડી ગયા કે, 'હવે પુસ્તક ક્યારે આપો છો?.. હવે નહિ ચાલે...'' એમણે મને ઉશ્કેરી ઉશ્કેરીને આ પુસ્તક લખવા પ્રેર્યો. આ બીજી આવૃત્તિ એની સાબિતી છે. તારી ભલી થાય ચમના.. એક એકને પકડી પકડીને તેં તારૂં પુસ્તક વળગાડયું છે, ન લે તો મફતમાં આલ્યું છે અને લે તો અનેક લાલચો આપી છે, કે ''આ છેલ્લું જ છે, બસ.... હવે બીજું વાંચવા નહિ આલું.. પ્લીઝ, આટલી વખત મારૂં પુસ્તક સ્વીકારી લો...!'' પછી બીજી શું, ૩૨-મી આવૃત્તિ ય શું કામ ન થાય?

રહી વાત મિત્રો શેના માટે તને પુસ્તક બહાર પડાવા ઉશ્કેરતા હતા, તેની છે, તો ચમન, તું આવા કોઇ ચોપડા-બોપડા બહાર પાડે ને થોડી ઘણી રૉયલ્ટી આવે, તો એમના લેણાં પૂરા થાય, એ લાલચે એ લોકો તારી પાછળ પડયા'તા, પણ ધન્ય છે તને ને ધન્ય છે તારી જનેતાને કે, કેવો રચનાત્મક અર્થ કાઢીને, તે આ સીઝેરિયન 'પ્રસૂતિ' એટલે કે 'પ્રસ્તાવના'નો યશ પેલા લોકોને આપ્યો છે!

દરેક લેખક પ્રસ્તાવનામાં પ્રકાશકોનો ગંજાવર આભાર માનવાનું ચૂકતા નથી. પણ ન માને તો જાયે ય ક્યાં? છુટકો જ નથી ને? જગતભરના પ્રકાશકો એ લેખકોના આભારોથી લથબથ થઇ ગયા હશે, પણ આજ સુધી એકે ય પ્રકાશકે લેખકનો આભાર માન્યો હોય, એવું વાંચવામાં તો નથી આવ્યું. જરૂરત તો બંનેને એકબીજાની હોય છે ને? પ્રકાશકો આવી ચાંપલાશપટ્ટીમાં પડતા નથી, પ્રકાશકો પ્રસ્તાવના લખતા નથી કે, ''મને મિત્રોએ ઉશ્કેર્યો કે, આનો ચોપડો છાપી માર ને, ભ'ઇ.. લોહીઓ પીતો અટકે!''

કેટલાક વાચકોના મતે, પ્રસ્તાવનાઓ લેખકની આત્મશ્લાઘા હોય છે. નમ્રતા અને વિવેક અહીં તમને ફાટફાટ થતા દેખાશે. ૯૮ ટકા કવિ-લેખકોએ તો ભ'ઇ સા'બ.. કેવી ગરીબીમાં દિવસો કાઢ્યા હતા ને પગમાં સ્લીપરની પટ્ટી સંધાવવાના પૈસા નહોતા, '૬૪ની સાલમાં એ મુંબઇ ગયા અને '૭૮માં પાછા આવ્યા ને મકાન ભાડે લીધું, ફાધર બિમાર, મધરને આંખે હરખું દેખાય નહિ, છોકરી ભાગી ગયેલી ને છોકરો કહ્યામાં નહિ... કેવી કેવી મુસિબતોનો સામનો કર્યા પછી તેઓ લેખક બન્યા...! ઓહ.. તારી બીજી વાર ભલી થાય ચમના... તું આ બધું અમને સુઉં કામ કે'સ...? તારા ફાધર અમારા ઘેર બટાકા-પૌંવા ખાઇ ગયા નહોતા ને તારી બા ને ફક્ત ડોહા જ દેખાતા નહોતા.. બાકીનું તો બધું જોઇ લેતા'તા!

પ્રસ્તાવના કેવળ લેખક-કવિઓના ધંધામાં જ હોય છે, બાકીના ધંધાઓ ગ્રાહકોને આટલા નડે એવા હોતા નથી. ડૉકટર, વકીલ, વાળંદ, કુશ્તીબાજ, શેર-બજારીયો કે અન્ડરવર્લ્ડના 'ભાઇલોગ' કેમ કદી પ્રસ્તાવના લખતા નથી? માલ તો એ લોકોને ય વેચવાનો હોય છે!

એક જ કારણ હોય.. જગતના કોઇ ધંધાદારીઓ કે શોખિનો કવિ-લેખકો જેટલા નિઃસહાય નથી હોતા. શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરવા છતાં સર્જક હંમેશા અન્યો ઉપર આધારિત હોય છે, લાચાર હોય છે. 

No comments: