Search This Blog

29/05/2013

મેરો તો જામનગર, દૂસરો ન કોઇ !

''હંભાળીને હરખું નો રાયખું, એમાં જામનગર બગડી બઉ ગીયું. એક જમાનામાં કાઠીયાવાડનું પેરિસ ગણાતું આ શહેર અટાણે હમજો ને...અમદાવાદના ગાંધી રોડ જેવું થઇ ગીયું છે.''

હું તો કેમ જાણે અમદાવાદથી બિમાર જામનગરની ખબર કાઢવા ગયો હોઉ, એમ ત્યાંના એક અદા મને શહેરનો હેલ્થ-રિપોર્ટ આપી રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ ડોહા કે કાકા કે વડિલને બદલે 'અદા' કહેવાની પરંપરા છે. એમને એ ખબર ન હોય કે, તમે તો ત્યાં રહો છો, એટલે ઘર કી મૂર્ગી દાળભાત બરોબર હોય, પણ વર્ષોથી જામનગર છોડીને દૂર વસેલા મારા જેવાઓ માટે તો આજે ય આ નગર 'જામ' ભરેલું છે. જેવું છે, એવું અમારૂં છે. કબ્બુલ કે, બાઝકણી પડોસણો જેવી રીલાયન્સ કે એસ્સાર જેવી રાક્ષસી કંપનીઓ ત્યાં ફિટ થઇ હોવાથી બાળક જેવું આ નગર જરા હેબતાઇ ગયું છે, ચીચોચીચ થઇ ગયું છે....પણ પેલું કહે છે ને, 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી !'

રાજકોટની જેમ આ બધા ય ૧૨ થી ૪ ઘસઘસાટ ઊંઘવાવાળાઓ ! આળસ આખા સૌરાષ્ટ્રને આણામાં આવેલી છે. છતાં ય ૧૨ થી ૪ સજડબંબ બંધના પ્રતાપે સૌરાષ્ટ્રમાં ૧૨ થી ૪ ની વસ્તી ગાયબ હોય ! એ વાત જુદી છે કે, આ સમયમાં સૌરાષ્ટ્ર ઊંઘતું હોવા છતાં ભારે ઉદ્યમી હોય !

આ ખંડહરવાળી વાત એની મૂળ ઇમારતને લાગુ પડતી હશે કે નહિ, નો આઇડીયા...પણ જામનગરને આખુડી લાગુ પડે છે. એક ચક્કર શહેરનું મારો, એમાં મહુડીના મંદિરની બહાર ભૂખ્યા કૂતરાં સુખડીની રાહો જોઇને બેઠા હોય એમ અહીના હજારો મકાનો ખંડહરથી ય બિસ્માર હાલતમાં અરિહંતશરણ થવાની રાહ જોઇ રહ્યા છે. કુતુહલ એટલું જ કે, ત્યાંથી પસાર થતા આપણી વાઇફ જરા મોટેથી બોલે તો ય મકાન ભમ્મ થઇ જશે, એવી બીકો લાગે, છતાં અંદર આખા ફેમિલીના ફેમિલીઓ રહેતા હોય. કોમિક એ વાતનું કે, જામનગરના દરેક મકાનોનું નામ હોય, એમ આવા ખખડધજ મકાનના ય નામ હોય, 'શક્તિ-સદન', 'રાજ ભવન', 'રાંદલ કૃપા', 'પટેલ હવેલી' કે 'નાયરોબી-વિલા'.

આ 'વિલા'વાળા બધા નાયરોબીથી અહી જમા થયેલા. ''અમારે આફ્રિકા ને ઇંગ્લેન્ડમાં વિલાયું બવ હોય, બ્વાના...! તીયાં મોમ્બાસામાં કાઇળાંઓ અમને ધોઇળાં ગણીને લૂંટે ને અમારા ઇંગ્લેન્ડમાં ધોઇળાંવ અમને 'દેસી' ગણીને લૂંટે, બોલો !..ઇ તો આંઇ દેસમાં આઇવા, તંઇ ખબર પડી કે, દેસમાં હઉ અમને પરદેસી ગણીને માન બઉ દિયે...કે આ તો આફ્રિકાવાળા...એમને ઇંગ્લિશ બઉ આવડે...!''

અમારા સાસરાની જેમ ઇસ્ટ આફ્રિકાથી ઘણો તોતિંગ માલ જામનગરમાં ઠલવાણો હતો. વળી પાછી જરાક અમથી કળ વઇળી, એટલે એ લોકો લંડન વીયાં ગયા. આફ્રિકા જન્મારો કાઢી આવેલાઓ અમેરિકામાં સેટ થયા હોય કે ઇગ્લેન્ડમાં.... એમાંનો એકે ય ગુજરાતી યુગાન્ડા, મોમ્બાસા, નકૃરૂ, થીકા, દારે સલામ કે નાયરોબી ભૂલ્યો નથી. આજે પણ એમને ઇંગ્લેન્ડ-અમેરિકા કરતા આફ્રિકા વધુ વહાલું લાગે છે. ગુજરાતીઓ આ જ કારણે જગતભરમાં નંબર- વન છે કે જે દેશનું ખાય, એનું ખોદે તો નહિ, પણ ગૌરવ લે. કેન્યાની ભાષા સ્વાહિલીના માંડ ૮-૧૦ શબ્દો યાદ હોય, પણ ''દેસમાં'' કોઇ ત્યાંનું જૂનું મળી ગયું, એટલે એકબીજાને એ શબ્દો ફખ્તથી સંભળાવે.

ઇસ્ટ આફ્રિકાથી આવેલા ગુજરાતીઓની જેમ, અહીના કચ્છીઓ, જૈનો, ભાટીયાઓ, પટેલો, બ્રાહ્મણો અને લોહાણાઓ 'કી અયોં ?'(એટલે 'કેમ છો ?)'બોલી પૂરતા જ નહિ, દિલના ય સાંગોપાંગ કાચના શીશા જેવા સાફ માણસો છે. આપણે સામું પૂછવા જઇએ કે, ''તમને ભૂજ-ભચાઉને બદલે જામનગર સેટ થાય છે ?''તો કહે, ''અસાકેં. હતે બઉ ફાવેવ્યો આય.'' તરત યાદ આવે કે, આપણને કચ્છી તો આવડતું નથી, એટલે ઘટનાસ્થળે જ અનુવાદ કરી આપે કે, ''અમને અહીયાં બહુ ફાવી ગયું છે...''

કહે છે કે, કોલમ્બસે અમેરિકા શોધ્યું અને નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્રની ધરતી ઉપર પહેલો પગ મૂક્યો, ત્યારે એમને જૈનોનો નવકાર મંત્ર અને મુસલમાનોની આઝાન સંભળાઇ હતી, ત્યારે આ તો જામનગર છે, ભા'આય...! અહી જૈનો અને મુસલમાનોની સંખ્યા લોહાણાઓ જેટલી જ તગડી છે. જામનગરનો અડધો વેપાર લોહાણા અને જૈનોના હાથમાં છે.

હતી એક જમાનામાં બ્રાહ્મણોની બોલબાલા...આજે નથી. જ્ઞાતિએ બ્રાહ્મણ હોય પણ બેવકૂફો હજી 'સામવેદી'અને 'યજુર્વેદી'ની સંકુચિતતામાંથી બહાર નથી આવ્યા, એટલે કચ્છીઓ કે લોહાણાઓની જેમ બ્રાહ્મણો વિકાસ ન કરી શક્યા !

ગામ થોડું કોમિક તો ખરૂં. અડધા જામનગરને 'ળ'અને 'શ'બોલતા આવડતા નથી. દેસી દુકાનોના પાટીયે-પાટીયે 'વારાઓ'કાઢ્યા હોય. વારા એટલે 'વાળા'...વજુભાઇ નહિ....આ તો ઘુઘરાવારા, મેસુબવારા, સરબતવારા....વારવારા....(એટલે વાળવાળા...!) માટલાને આ લોકો 'ગોળી' કહે છે, એટલે ''....ગોરીમાં પાણી ભયરું...?'' એમ પૂછે !

દુકાન કોઇ બી હો, ભીંત પર ભૂલ્યા વગર સ્વર્ગસ્થ પિતાનો ફૂલ ચઢાવેલો ફોટો હોય જ. ચોંકી જઇએ કે, દુકાન ખોલી એમાં ડોહો ગાયબ...? એમાંનો એક પિતો હરામ બરોબર ફોટો પડાવતી વખતે એક વારે ય હસ્યો હોય ! ફોટામાંથી બહાર આવીને એક તમાચો ઝીંકી દેશે, એવી ગ્રાહકને બીક લાગે, એવો કડક ચહેરો રાખ્યો હોય. ગલ્લે બેઠેલા એના દીકરાને પૂછીએ ત્યારે કહે, 'બાપુજી પહેલેથી જ આવા ગંભીર હતા...!'ખુલાસો થાય એ સારૂં નહિ તો પહેલી વાર દુકાને આવનારને એમ લાગે કે, આ ફોટો આમની દુકાનેથી માલ ખરીદનાર સ્વર્ગસ્થ ગ્રાહકનો ફોટો છે...!

સૌરાષ્ટ્ર જાઓ એટલે માનપાન વિશે નવું જાણવા મળે. રસ્તે કોક ઓળખિતું મળે, એટલે આપણા ખભે હાથ મૂકીને સ્માઇલો સાથે કહે, ''જોવો ભા'આય...ગામમાં તમારા હાટું જી કાંય વાતુ થાતી હોય...બાકી આપણને તમારા માટે માન છે...!'' આ વખતે આપણે પોતાની વાઇફને લઇને બજારમાં નીકળ્યા હોઇએ એમાં આપણી નજર ન હોય કે ન બોલાવવો હોય તો'ય ફૂટપાથ ક્રોસ કરીને આવે, ''કાં દવે ભા'આય...બીજું સુઉં ચાલે છે ?'' પછી વાઇફની સામે જોઇને પૂછે, ''આ મારા બેન છે ?'' હેબતાઇ જવાય કારણ કે, આપણે તો હજી પહેલાવાળું ય હરખું ન ચાલતું હોય, ત્યાં આ બીજાનું પૂછે છે. રહી વાત આપણી વાઇફ એની બહેન હોવાના ઘટસ્ફોટની, તો એમાં ત્યાં જ ઊભા ઊભા આપણને ખાટો ઘચરકો આવી જાય કે, ભૂતકાળમાં આપણા સસૂરજી ક્યાં ક્યાં ખેલ ખેલી આવ્યા હશે, એનો ખુલાસો આ ભાઇ મળ્યા ત્યારે થયો ને ? આપણી વાઇફ એની બહેન થતી હોય એટલે કુંભમેળામાં છુટા પડી ગયેલા આ બન્ને ભાઇ-બેન વર્ષો પછી મળતા હોય, ત્યારે આપણે કેવા ઢીલા થઇ જ જઇએ ?

મળનારનો મૂળ હેતુ જો કે એવો હોય કે, ભલે તમારી વાઇફ સાથે રસ્તામાં મળ્યા, પણ મારાથી ડરવાની જરૂર નથી...હું તો એને બહેન જ માનું છું.

અહી રાજકોટ-જામનગરમાં પોતાના નામની પાછળ 'ભાઇ' લગાવવાનો દસ્તુર છે. 'હું કિરીટભા'ય બોલું છું....'કે, જો ને...દવે ભા'આય મોઢું બતાવવા આઇવા'તા !''

તારી ભલી થાય ચમના...તું શેનો તારી જાતે માન ભેગું કરી લે છે ? અમારે તને 'કિરીટીયો'કહેવો કે 'દવલો'કહેવો, એનો આધાર તારા લક્ષણો ઉપર છે. બહાર ક્યાંય સાંભળ્યું, ''હું અમિતાભ ભા'આય બચ્ચન બોલું છું ?'' આ લોકો ડરતા હોય છે કે, હું મારી જાતને માન નહિ આપું, તો લોકો તો સાલા મને પર્સનલી ઓળખે જ છે....!

ભાષા કાઠીયાવાડની એટલે પિચ પડતા વાર લાગે. 'મોઢું બતાવવા' આવવાનો મતલબ, સવારે દાઢી કેવી ચકાચક કરી છે, આંયખુંમા કાયળી મેશો કેવી આંયજી છે ને હું રૂપાળો કેવો લાગું છું, એ બધો માલસામાન બતાવવા નહિ ! આ તો એમ કે, વ્યવહાર પૂરતા અમે તમારા ઘરે આવી ગયા, એટલે મોઢું બતાવી ગયા !

ઇશ્વરને આવા મોંઢા બતાવવા રોજના હજારો લોકો જામનગરના મંદિરોમાં જાય છે. ભગવાનને 'હેલ્લો-હાય'કરીને બહાર ગોઠવાઇ જાવાનું. ઘર કરતા આંઇ ઠંડા પવનું વધારે આવે, એટલે ભગવાન સુવા જાય પછી જ લોકો ઘરે જાય. અહીંના શ્રી હનુમાન મંદિરનો એક વર્લ્ડ-રેકોર્ડ છે. ૧ ઓગસ્ટ, ૧૯૬૪ના દિવસથી અહી નોનસ્ટોપ 'રામધૂન' ચાલે છે. વરસાદ હોય કે રાત્રે ૩ વાગ્યાની કાતિલ ઠંડી, ઓછામાં ઓછા ૪-૫ ભક્તો ઢોલક-હાર્મોનિયમ સાથે 'શ્રીરામ જયરામ જયજય રામ'ની ધૂન ગાતા હોય. આજ સુધી એકે ય દિવસ પડયો નથી. હું ગયા સપ્તાહે ગયો, ત્યારે ૧૭,૮૨૧ દિવસ થયા હતા.

ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે એક ફરક લાગણીનો ઝાઝો. અહીં તમને જમાડયા વગર કોઇ જાવા નો દિયે ! એમ તો આપણે અમદાવાદમાં ય કોઇને ભૂખ્યા જવા ન દઇએ.....પણ એ તો સવારનું કાંઇ વધ્યું-ઘટયું હોય તો જ...!

સિક્સર

ક્રિકેટર શ્રીસંત મોઢું ખોલશે તો ઘણા હણાઇ જશે.
'મરવાની અણી ઉપર છું, છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો, આ પડખું ફર્યો, લે !'

No comments: