Search This Blog

04/05/2014

ઍનકાઉન્ટર - 04-05-2014

* ધર્મને નામે ચાલતી રાજનીતિ આપણે ક્યાં સુધી સહન કરવાની ?
- દેશને બદલે પોતાના ધર્મને જ પહેલું મહત્વ આપતા લોકોને સહન કરીએ છીએ ને ? આપણે માર ખાવાને લાયક છીએ.
(ચિંતન પી. વ્યાસ, રાજકોટ)

* પગને તો પવિત્ર માનીને પગે લાગવામાં આવે છે, છતાં પગ પુસ્તક પર પડે તો અપવિત્ર કેમ ?
- એ જ પુસ્તક કોઈના માથામાં ઝીંકો તો છોલાઈ પણ જાય... એટલે હથિયાર તરીકે કાંઈ થોડો ઉપયોગ થાય ?
(મુકેશ પડસાળા, અમદાવાદ)

* કાળો કૂતરો અને બ્લૅક-ડોગ વચ્ચે શું ફરક ?
- કાળા કૂતરાને સોડામાં નાંખીને પીવાય નહિ.
(મૂકેશ નાયક, નવસારી)

* ઘણા સવાલો રીપિટ થવા છતાં દર વખતે તમારો જવાબ જુદો હોય છે... જવાબોમાં આટલા વૈવિધ્યનો રાઝ ?
- લક્સ સાબુ.
(ચિરાગ કક્કડ, માંગરોળ)

* અશોકજી, લગ્ન પહેલા પત્નીને મેં પૂછ્યું હતું, 'આટલા પગારમાં તારૂં ચાલશે ને ?' તો જવાબ આપ્યો, ''મારૂં તો ચાલશે... તમે શું કરશો ?''... તમારે કેમનું છે ?
- મારે તો લગ્ન પછી ય એને આ જ સવાલ પૂછતા રહેવું પડે છે... પણ જમાઈઓને સાચવી લેવામાં મારો સસરો ફૅઇલ ગયો છે...
(શેખર ચિત્રે, વડોદરા)

* દેશમાં જેટલા ધર્મસ્થાનો છે, એટલા પુસ્તકાલયો હોત તો દેશ આજે ક્યાં હોત?
- દેશ તો ત્યાંનો ત્યાં જ હોત... પણ પ્રકાશકો લહેર કરતા હોત... !
(સલીમ બુધ્ધવાની, વડોદરા)

* તમે કોઈ પૂછપરછની બારી છો, કે લોકો આટલા સવાલો તમને પૂછે જાય છે ?
- પૂછપરછની બારી ખરો, પણ સરકારી બારી છું, એટલે નોકરી ટકી ગઈ છે ને એકે ય જવાબ સાચો આપવો પડતો નથી. જય હિંદ...
(શૈલ ગાંધી, અમદાવાદ)

* દરેક 'ઍનકાઉન્ટર'માં છેલ્લો એક સવાલ વાચકોને તમે પૂછો તો ?
- તો મારી પોલ ખુલી જાય... વાંચકો તો બુદ્ધિમાન હોય છે.
(કાલીદાસ ઠાકર, અમદાવાદ)

* સની લિયોન અને સોનિયા ગાંધી વચ્ચે સામ્ય શું ?
- એકને પામવાનું મન થાય... બીજાથી છુટવાનું !
(પરમજીતસિંહ મહીડા, આણંદ)

* તમારૂં ઓરિજીનલ નામ શું છે ?
- ઇચ્છાશંકર.
(ભરત કે. ગોસાંઈ, મુંબઈ)

* ...'ઑલ ઈઝ વૅલ...' તમે સુઉં કિયો છો ?
- કપાળ તમારૂં... !
(રાધિકા જાસોલીયા, ભાવનગર)

* તમારા પત્નીને તમે કાયમ આડે હાથે લેતા હો છો... તમને કોઈએ એવા લીધા છે ?
- ઘણાની પત્નીઓએ !
(પરવેઝ શેખ, મેનપુરા-ઠાસરા)

* રાહુલ ગાંધી અત્યારથી ઇ.સ. ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીઓ કરતા હશે ને ?
- હા... કદાચ ત્યાં સુધીમાં લગ્ન તો થઈ જ જશે !
(ચંદ્રમૌલી જાની, સુરેન્દ્રનગર)

* ઍન્જીનીયરિંગના વિદ્યાર્થીઓને તમારો કોઈ સંદેશ... ?
- પેલા જોકની જેમ... એક બ્રીજ બનાવવામાંથી તમને ૧૦-ટકા કટકી ન મળવી જોઈએ... ૧૦૦-ટકા મળવી જોઈએ... બ્રીજ બન્યો જ હોય નહિ !
(સંજય શિયાલ, સુરત)

* કેજરીવાલનો સાચો પરિચય શું ?
- લોકોને મફલર પહેરતા બંધ કરી દીધા.
(કરમશી મકવાણા, માથાવડા-ભાવનગર)

* તમને આ ૨૦૧૪-ના ઈલેકશન્સના પરિણામોનું શું લાગે છે ?
- ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણી સાથે ભેગી કરીને કોંગ્રેસને ત્રીસેક સીટો તો આવશે... ! હું બહુ બોલી ગયો... ???
(બ્રિજેશ કે. ચંગેલા, રાજકોટ)

* માણસ શિક્ષિત હોવા છતાં ઈર્ષા કેમ છોડી શકતો નથી ?
- હું તો હાસ્યલેખક છું... મને ક્યાંથી ખબર પડે ?
(હિરેન ગણાત્રા, રાજકોટ)

* 'ગૂગલ'-યૂટયુબમાં તમારૂં નામ લખ્યું... ફેમસ છો, બૉસ... !
- અહીંના કર્યા અહીં ભોગવી રહ્યો છું.
(રાઘવ ભટ્ટ, સુરત)

* મારી સાળી પરણવાની વાતથી ગભરાય છે... શું સમજવું ?
- પોતાની બહેનના સાસરીયાઓને ઓળખતી હશે !
(ચંદ્રકાંત રાઠોડ, અમદાવાદ)

* આજના દશરથ તેમની કૈકેયીને સહન કેમ કરી શકતા નથી ?
- તમારા અંગત સવાલો ન પૂછો.
(કે.બી. પરમાર, દામનગર-અમરેલી)

* પહેલા અમે પોસ્ટકાર્ડથી સવાલ પૂછી શકતા... તમે એ ય બંધ કર્યું... કેમ ?
- તે મારા ઘેર આઈને પૂછી જાઓ, એ ધંધો તો ના પોસાય ને ?
(વિરાજ કદમ, અમદાવાદ)

* તમે અમેરિકા જ રહી જવાના છો ?
- મારા ભારત દેશથી સારો બીજો કોઈ દેશ છે ખરો ?

* 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા...' તો આખું જંગલ જોઈને શું થાય ?
- જે થવું હોય તે થાય... ! ધ્યાન એટલું રાખવાનું કે, બાજુવાળી પાંદડીને ખબર પડવી ન જોઈએ !
(દીપક પટેલ, જૂનાગઢ)

* કન્યાવિદાય વખતે વર પક્ષવાળાઓ કેમ રોતા નથી ?
- કોઈનો એવો સ્વભાવ... !
(રાકેશ રાઠોડ, કુકસવાડા-જૂનાગઢ)

* કાયમ 'ડિમ્પલ-ડિમ્પલ' કરો છો, પણ સાચું કહેજો... તમને વધારે તો તમારા વાઇફ જ ગમે છે ને ?
- હું એને પણ કોકવાર 'આઈ લવ યૂ' કહું છું.
(રિધ્ધી જાની, ભાવનગર)

* આ ઈલેક્શનમાં કુંવારાઓની જ બોલબાલા છે. સુઉં કિયો છો ? કુંવારા રહેવામાં જ ફાયદા ને... ?
- એ તો હવે થઉં તો ખબર પડે !
(પાર્થ શાહ, કલોલ)

No comments: