Search This Blog

23/05/2014

દો દૂની ચાર

ફિલ્મઃ 'દો દૂની ચાર' ('૬૮)
નિર્માતા : બિમલ રૉય
દિગ્દર્શક : દેબુ સેન
સંગીતકાર : હેમંત કુમાર
ગીતકાર : ગુલઝાર
રનિંગ ટાઇમ : ૧૩-રીલ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, તનૂજા, અસિત સેન, સુધા શર્મા, સુરેખા પંડિત, રાશિદ ખાન, વિનોદ શર્મા, ઇફત્તેખાર, ચંદ્રિમા ભાદુરી, લતા અરોરા, ભોલા, બૅબી સોનિયા (નીતુ સિંઘ).




ગીતો
૧. બૂંદ બરોબર બૌના સા....ઐસા ગુસ્સા ન કીજીયે હુઝુર...રાનો મુકર્જી
૨. હવાઓં પે લિખ દો, હવાઓં કે નામ, હમ અન્જાન પરદેસીયોં....કિશોર કુમાર
૩. ઉપરવાલા નીચે દેખે, નીચેવાલા ઉપર...ચક્કર ચલાયે ઘનચક્કર...કૃષ્ણા કલ્લે-મન્ના ડે.
૪. નીંદીયા મામી આ જાઓ, ચંદા મામા સો રહે હૈં....રાનુ મુકર્જી
૫. બડા બદમાશ હૈ યે દિલ, કાબુ નહિ આતા, કહીં પિટવાયેગા....કિશોર કુમાર
૬. અબ તો મુસ્કુરાઇયે, મુસ્કુરાઇયે જરા, આપકી શરારતેં ગુલ...રાનુ મુકર્જી

આજ દિન સુધી સ્વચ્છ અને હેતુલક્ષી ફિલ્મો બનાવવામાં બિમલ રૉયનો કોઈ સાની નથી. ઋષિકેશ મુકર્જી ય એમના ચેલા અને એ જ નકશ-એ-કદમ પર ચાલ્યા. ફરક માત્ર કૉમેડીનો. ઋષિ દાએ ફિલ્મો કૉમેડીના સ્પર્શ સાથે બનાવી. જોહર-છાપ કૉમેડી ફિલ્મો બનાવવી-જોહર જેવી દ્રષ્ટિ હોય તો અઘરૂં નથી, પણ કૉમેડી સાથે સમાજને કંઇક આપવું હોય તો વિષય અઘરો બની જાય, જેમ કે 'આનંદ'...તે એટલે સુધી કે મોટા ભાગના દર્શકો 'આનંદ'ને હજી સુધી 'કૉમૅડી' ફિલ્મ માને છે. મૂર્ખામીમાં કરૂણ ફિલ્મ બનાવો અને કૉમેડીમાં ફેરવાઇ જાઓ, તો લઠ્ઠ કહેવાઓ, પણ હસતા હસતા રડાવી દે કે તેથી ઊલટું હોય તો બાત જરા મુશ્કીલ હૈ, જનાબ !

અહીં તો બિમલ રૉયે ક્લિયર-કટ કબુલ કરી દીધું છે કે, એમની આ ફિલ્મ 'દો દૂની ચાર' શૅક્સપિયરના મશહૂર નાટક 'કૉમેડી ઑફ એરર્સ' ઉપરથી ઍડૅપ્ટ કર્યું છે. આઉટરાઇટ કૉમેડી છે...વચ્ચે રોના-ધોના કુછ નહિ. વિલન કે ટેન્શનવાળી કોઇ સીચ્યૂએશન નહિ. બિમલ રૉયે તો જવલ્લે જ કૉમેડી ફિલ્મો બનાવી છે, પણ એમાંની આ એકમેવ છે. કિશોર કુમાર જેવો સિંગિંગ-હીરો અને તનૂજા જેવી તોફાની છોકરીને લીધી હોય, એટલે મજો તો આમે ય પડવાનો છે. બન્ને સ્વભાગવત નૅચરલ મસ્તીખોર હતા. અહીં તો બસ...થોડી ઍક્ટિંગ ઉમેરવી પડી. કબુલ કે તદ્દન ફાલતુ કૉમેડિયન અસિત સેનને કેવળ બંગાળી હોવાને કારણે જ આટલો કિંમતી રોલ આપી દેવાયો ? હે વૉઝ એ બ્લડી નૉન-ઍક્ટર....! પણ શક્ય છે, આ ફિલ્મમાં કિશોરના નોકર તરીકે ભોંદુરામની જરૂર હતી, એટલે અસિત સેનને લીધો હશે.

ફિલ્મની વાર્તા સાંભળો કે જાવા દિયો, એ બહુ મહત્વનું નથી. મહત્વનું આ ફિલ્મનું હળવું પોત છે. સાવ આસાન વાતોમાંથી બિમલ રૉયે કેવી કૉમેડી ઊભી કરાવી છે, તે જુઓ, સાહેબ ! ઓકે. ફિલ્મના દિગ્દર્શક બિમલ દા નહિ, પણ દેબુ સેન છે અને એ પણ કોઇ ઓછો ગ્રેટ દિગ્દર્શક નથી. બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફોટોગ્રાફી સ્વચ્છ અને સુંદર શૉટ્સમાં લેવાઇ હોય તો કલરની ઊણપ ન દેખાય. યસ. દેબુ સેને થોડા દ્રષ્યો માટે કૅમેરામૅન પાસે કાળજી રખાવી શકાઇ હોત ! જેમ કે, રૂમના દ્રષ્યોમાં લાઇટ પાત્રોની ઉપરથી પડતું હોય, એટલે મોટા મોટા પડછાયા દેખાયે રાખે, એ નજરને ખૂંચે. પડછાયા અવૉઇડ કરવા માટે બધા કૅમેરામૅનો અનેક લાઇટો કે રીફ્લૅક્ટરોનો ઉપયોગ કરે છે.

પણ આપણે આદત મુજબ, જુદા ટ્રેક ઉપર ચઢી ગયા, રામજી ! મૂળ વાર્તા મુજબ, પૈસાપાત્ર કિશોર કુમાર કૂંવારો છે અને નાનપણથી દોસ્તની જેમ સાથે ઉછરેલા એના નોકર સેવક (અસિત સેન)ને સગા ભાઇ જેમ રાખે છે. ધંધાના કામ અર્થે બીજા ગામમાં જવાનું થતા, એ બન્ને ચોંકી જાય છે કે, આ ગામમાં પહેલી વાર આવ્યા હોવા છતા, સહુ એમને ઓળખે છે. આ લોકોને કોઇ ક્લ્યૂ મળતી નથી કે, ગામના દરેક જણ એમને ઓળખે છે કેવી રીતે ? એટલે પોતાને ગામ પાછા જવા નીકળે છે, ત્યાં સુરેખા પંડિત અને તનૂજા નામની બે સ્ત્રીઓ ગામમાં અચાનક ભટકાય છે અને કિશોરને અનુક્રમે પોતાનો વર અને બનેવી માની લે છે. એટલે સુધી કે, કિશોરના નોકરને પણ ઓળખી જાય છે. વાસ્તવમાં એ જ ગામમાં કિશોર કુમારનો હમશકલ (ઍઝ યૂઝવલ...વર્ષો પહેલા ખોવાઇ ગયેલો ભાઇ....!) અને એના નોકરનો ય હમશકલ અસિન સેન (બન્નેના...સૉરી ચારે ય ના એક જ નામો...સંદીપ અને સેવક.) પછી તો અદલાબદલી, ગોટાળા અને ફારસ....હઓ હઓ ! ફિલ્મની બેનમૂન માવજતને કારણે કૉમેડી અપ-ટુ-ડૅટ ચાલી આવે છે. ગુલઝારના સંવાદો હોવાને કારણે મજો ઓર પડે છે.

એ હા...ફિલ્મ '૬૮ની સાલમાં બની હતી, મતલબ...રંગીન ફિલ્મોનો દૌર ઑલરૅડી શરૂ થઈ ગયો હતો, છતાં બિમલ રૉય આ ફિલ્મ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટમાં બનાવી, એના બે અર્થો કાઢીને હમણાં બાજુ પર મૂકી દઇએ કે, ફિલ્મ લૉ-બજેટ હતી અને બીજું, બંગાળી સર્જકો આમે ય કરકસરીયા વધારે !

નીતુ સિંઘ (આપણા રણવીર કપૂરના મૉમ...યૂ નો !) આ ફિલ્મમાં બાળકલાકાર તરીકે છે. કિશોરના શ્રેષ્ઠ પ્રથમ દસ ગીતોમાં જેને તમે ય મૂકવાના છો, એ 'હવાઓં પે લિખ દો, હવાઓં કે નામ...' નીતુ સિંઘ (એ વખતે બૅબી સોનિયા તરીકે ઓળખાતી) ઉપર ફિલ્માયું છે. અહીં દિગ્દર્શક દેબુ સેન અને કૅમેરામૅન દિલીપ ગુપ્તાની સઘળી કમાલો નિખરી આવે છે. ગીત આવું મીઠડું કમ્પૉઝ થયું હોય તો એનો ઉપાડ પણ સૌમ્ય હોવો જોઇએને...? છે જ...ગીત શરૂ થતા પહેલા કિશોરના સુરીલા હમિંગ સાથે જંગલની પ્રાકૃતિક વનરાજીઓને કૅમેરામાં સંગીતને સુસંગત ઢબે કંડારાઇ છે. ગીત સાંભળતા જ નહિ, જોતા પણ મનને શાંતિ મળે એવું મનોહર ચિત્રાંકન થયું છે. હેમંત કુમાર સંગીતકાર તરીકે પહેલેથી ઘણા સંયમિત રહ્યા છે. પોતાનું સંગીત હોય એટલે પોતાના જ ગીતો ઠોકી દેવાના ઝનૂનમાં એ કદી ય નહોતા. આ ફિલ્મમાં એમણે પોતાનું કોઇ ગીત રાખ્યું નથી... રાખી શકત... જગ્યાઓ તો ઘણી હતી, પણ એમણે એમની ગાયિકા દીકરી રાનુ મુકર્જીનું મધુરૂં કામ સોંપ્યું છે. 'ઐસે ગુસ્સા ન કીજીયે હુજૂર...' ગીત તનૂજા પાસે ગવડાવ્યું છે. 'નીંદિયા મામી આઓ...' જેવા બીજા ય એકાદ-બે ગીત છે. વર્ષો પહેલા રાનુ પાસે 'નાની તેરી મોરની કો મોર લે ગયે, બાકી જો બચા થા કાલે ચોર લે ગયે..' (ફિલ્મઃમાસુમ...જો કે, એના સંગીતકાર કોઇ રોબિન ચૅટર્જી કે ઍનર્જી-બૅનર્જી હતા !) અને સલિલ ચૌધરીના સંગીતમાં ફિલ્મ 'કાબુલીવાલા'નું પપ્પા સાથે ગાયેલું, 'કાબુલીવાલા આયા કાબુલીવાલા આયા...' આજ દિન સુધી આપણને યાદ છે. અશોક કુમાર, કિશોર કુમાર અને અનુપ કુમાર...ત્રણે ભાઇઓ ચેહરે-મોહરે કે હાલ-ચાલમાં કેટલા સરખા હતા કે, ત્રણે ચાલતી વખતે બન્ને હાથ ઝુલાવતા રહે અને તે પણ ક્રૉસમાં. ત્રણેની હૅરસ્ટાઇલ સરખી. દાદામોની ઍક્ટિંગમાં હિંદી ફિલ્મોમાં આજ સુધી નંબર વન છે, તો કિશોર કુમારે '૬૯-માં ફિલ્મ 'આરાધના' પછી નંબર વન પ્લૅબૅક સિંગરનો તાજ પહેરી રાખ્યો. '૬૯-પહેલા તો એ ગાતો નહતો, સિવાય કે પોતાના ગીતો કે દેવ આનંદને પ્લૅ-બૅક આપવાનું હોય, નહિ તો...ના, નહિ તો કશું નહિ. ગમે તેમ તો ય મુહમ્મદ રફી જેટલો સંપૂર્ણ ગાયક કિશોર નહિ, એટલે પહેલો નહિ તો બીજા નંબરે તો હોત જ ! એ વાત જુદી છે કે, 'આરાધના' પછી એ જ સુપ્રિમો બની રહ્યો અને મુહમ્મદ રફી હાંસીયામાં ધકેલાઇ ગયા.

પણ એક આ 'હવાઓં પે લિખ દો, હવાઓં કે નામ...' ગીતને બાદ કરતા બાકીના એકે ય ગીતમાં ઠેકાણાં નહોતાં. શંકર-જયકિશનો, ઓપી નૈયરો કે નૌશાદોની કિંમત અહીં થાય છે કે, ભાગ્યે જ કોઇ અપવાદોને બાદ કરતા એમની તમામ ફિલ્મોના તમામ ગીતો સુપરહિટ જ હોય-જેને 'સ્ટ્રાઇક રૅટ' કહેવાય. આ જૉનરમાં ઇવન મદન મોહન, સી.રામચંદ્ર કે બાકીના તમામ સંગીતકારો ન આવે. હેમંત કુમારની જેમ દરેક ફિલ્મનું એકાદ ગીત જ મશહૂર થયું હોય...બાકી તો, 'બોલ મેરે ભૈયા...!'

ફિલ્મ '૬૦-ના દશકમાં બની હતી (૧૯૬૮), એટલે મુંબઇમાં ફિયાટ અને ઍમ્બેસેડરો જ દેખાય છે. નાનકડી બબૂકડી સ્ટાન્ડર્ડ-હૅરલ્ડ તાજી તાજી નીકળી હતી અને પબ્લિક પાસે જોવા માટે અન્ય કોઇ કારો હતી નહિ, એટલે સ્ટાન્ડર્ડ હૅરલ્ડ વહાલી લાગતી હતી. હું હજી નવો નવો કૉલેજમાં આવ્યો હતો. સાયકલમાં દસ પૈસામાં તાજો પવન પુરાવવા પૂરતી જાહોજલાલી હતી, એટલે મારી સાયકલને આવું રૂપકડું નામ 'સ્ટાન્ડર્ડ-અશોક' નામ આપ્યું હતું. યસ. એ સમય હતો, જ્યારે પૂરા અમદાવાદમાં ગાડી (ગાડી એટલે 'કાર'...ગુજરાતમાં કારને જ નહિ, સાયકલને ય 'ગાડી' કહેવાની ફૅશન છે...થૅન્ક ગૉડ....આ લોકોને ઍરક્રાફ્ટ કે હૅલીકૉપ્ટર ફેરવવા નથી આપ્યું...!) પણ એ જમાનામાં મારી અમદાવાદ કૉમર્સ-આર્ટ્સ કૉલેજમાં એક માત્ર પ્રકાશ ઠક્કર આ સ્ટાન્ડર્ડ હૅરલ્ડ લઇને આવતો હતો.

ઓકે. ફિલ્મ કૉમેડી છે, એટલે આપણે નૉર્મલી જે કૉમેડી ફિલ્મો મેહમુદ કે જ્હૉની વૉકર છાપની જોઇએ છીએ, એ હિસાબે 'દો દૂની ચાર' એવી કોઇ સ્લૅપસ્ટિક (સ્થૂળ) કૉમેડી ફિલ્મ નથી. વાર્તા તો શૅક્સપિયરે લખી છે, એટલે હવે બધા માનવાના કે, કૉમેડીમાં અતિશયોક્તિ તો હોય જ. સીધેસીધા બનેલા પ્રસંગમાં અતિશયોક્તિનું મેળવણ ન નાંખો, તો દહીં બરોબર જામે નહિ. ''આવું તે કાંઇ હોતું હશે ?'' એવા સવાલો ઊભા કરનારને કૉમેડી ફિલ્મો ગમતી નથી. સ્થૂળ કૉમેડી પણ ધૂમ હસાવે છે અને એટલે તો લૉરેલ-હાર્ડી આજ સુધી ચાર્લી ચૅપલિન જેટલા જ મશહૂર છે. ચૅપલિનની કૉમેડીને ઊંચી માનવામાં આવે છે કારણ કે, એમાં મૅસેજ હતો. હાસ્યની પાછળ છુપું કારૂણ્ય હતું. લૉરેલ-હાર્ડીમાં આવું કશું ન હોય. મગજ ઘેર મૂકીને હસે રાખવાનું, ધૅટ્સ ઑલ...!

તો શૅક્સપિયરે લખેલી આ વાર્તાનું શું ? એ ય વાંચીને તમને સ્થૂળતા તો ડગલે ને પગલે દેખાવાની કે, ''અરે....આવું તે કાંઇ બનતું હશે ?'' અર્થ એવો થયો કે, શૅક્સપિયર પણ માનતો હોવો જોઇએ કે, હાસ્યમાં અતિશયોક્તિ હોવી જ જોઇએ. કમનસીબે, ગુલઝારના સંવાદો હોવા છતાં ફિલ્મનો કોઇ સંવાદ હસાવી શક્યો નથી. જે કાંઇ હાસ્ય છે, તે સઘળું 'સીચ્યૂએશન કૉમેડી'નું છે જેમ કે, કિશોર બન્ને હાથમાં મોટા પૅકેટો પકડીને ઘેર આવે છે, ને નાક અને કપાળથી કૉલ બૅલ દબાવે છે. મેળામાં, 'ચક્કર ચલાયે ઘનચક્કર...'ગીત પત્યા પછી કિશોર તાળીઓ પાડી અભિવાદન કરે છે, એ સમયે અચાનક પાછળથી આવેલી તનૂજા એનો હાથ પકડીને ખેંચે છે, ત્યારે કિશોર એક હાથે હવામાં તાળીઓ પાડે રાખે છે. બસ, એટલા માટે જ આઇ.એસ. જોહરની ફિલ્મો વધુ હસાવનારી બનતી હતી કે, મૂરખવેડાં તો મૂરખવેડાં...હસવું ધમધોકાર આવે છે ને ?

યસ. હમણાં બે ફિલ્મો આઉટરાઇટ અને સૅન્સિબલ કૉમેડીની જોઇ, વિનય પાઠકની 'ભેજા ફ્રાય' (બીજો પાર્ટ જોવા જેવો નથી.) અને વિનયની જ લારા દત્તા સાથેની ફિલ્મ 'ચલો દિલ્લી' આંખ મીંચીને ડીવીડી લઇ આવજો જ...ખૂબ મસ્તીભરી ફિલ્મો છે. ત્રીજી ફિલ્મ 'ક્લબ ૬૦'ને કૉમેડી તો ન કહેવાય, પણ ફિલ્મ 'આનંદ'ના જૉનરની ટ્રેજી-કૉમેડી છે. આવી ફિલ્મો બારબાર નથી બનતી. ફારૂખ શેખ અને સારીકા ઉપરાંત રઘુવીર યાદવને કારણે ફિલ્મ ઘણી ઉચકાઇ છે. આખી ફિલ્મમાં ઝરમર વરસાદ જેવું હસવું તો આવતું રહેશે, પણ આ ફિલ્મ તમે ચોક્કસ જોજો.

'દો દૂની ચાર' બંગાળીઓની ફિલ્મ હોવાથી તનૂજાને બાદ કરતા બધો ટ્રાફિક બંગાળીઓનો છે, એટલે આપણે બીજા કોઇ આર્ટિસ્ટોને ઓળખી તો ન શકીએ ને ઓળખવાની જરૂરે ય ન પડે. સુરેખા પંડિતને તમે જોઇ છે, જે આ ફિલ્મની હીરોઇન પણ છે. ફિલ્મ 'અનુપમા'માં લતા મંગેશકરે ગાયેલું, 'ધીરે ધીરે મચલ, અય દિલે બેકરાર, કોઇ આતા હૈ...' ફિલ્મમાં આ સુરેખાએ ગાયું હતું. રણવીર કપૂરની 'મૉમ' જેમ રીટા ભાદુરીની 'મૉમ' ચંદ્રિમા ભાદુરી પણ કિશોરની મૉમના રૉલમાં છે.

સ્વચ્છ ફિલ્મો જોવી ગમે તો ખરી જ ને ? તો આ જોવા જેવી ખરી.

No comments: