Search This Blog

25/05/2014

ઍનકાઉન્ટર : 25-05-2014

* દરેક જવાબમાં સેન્સ ઓફ હ્યૂમરની વેરાયટીનું રહસ્ય શું છે ?
- 'અમુલ બટર'
(રોહિત ભણસાલી, જામનગર)

* ભારતને ઇંગ્લિશમાં 'ઇન્ડિયા' કેમ કહેવાય છે ?
- અંગ્રેજોને હિંદુસ્તાન બોલતા નહોતું ફાવતું. 'હિન્ડિયા'નો પ્લાન હતો... છેવટે 'ઇન્ડિયા' કર્યું.
(વીર સુરાણી, કોટડા-ભૂજ)

* પોસ્ટકાર્ડ બંધ કરવાનું કારણ ?
- પાસપોર્ટ ઉપર સવાલો ન મંગાવાય માટે.
(મલય ભટ્ટ, ભાવનગર)

* કેજરીવાલને હવે બસ... પાટુ મારવાની બાકી છે..
- જૂતાં જૂનાં થાય એ પહેલા પતાવી આવો.
(મનોજ એમ.પંચાલ, મુંબઇ)

* કહેવાય છે કે, સગાઇથી લગ્ન સુધીનો સમય ગોલ્ડન ટાઇમ હોય છે. તમારૂં આ બાબતે શું માનવું છે ?
- ડરો નહિ. ભરોસો રાખો. ઇશ્વર સહુ સારા વાના કરશે.
(જયદીપ લિમ્બડ, આદિપુર-કચ્છ)

* દુલ્હનને સોળ શણગાર તો દુલ્હાને ?
- બસ... પેલીના સોળે શણગારનું બિલ ચૂકવવાનું આવશે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ચૂંટણીમાં ઊભી રહીને રાખી સાવંત સાબિત શું કરવા માંગતી હતી ?
- એજ કે, પાર્લામેન્ટમાં એક સ્ટુપિડથી પતે એવું નથી.
(રાજ પટેલ, ખણસોલ- આણંદ)

* સર-જી, તમામ પક્ષોની હવે હાલત શું ?
- સત્તા અને શક્તિ મુજબ જેટલું ખવાશે, એટલું ખાશે.
(વિપુલ કે.બાંભણીયા, ભાવનગર)

* આપની જૂની કોલમ, 'દેખત સૂરત આવત લાજ' હવે નવા ફિલ્મી ગીતો માટે ચલાવશો ?
- હવે મને લાજ આવે છે...
(પ્રકૃતિ સુથાર, કાલોલ-પંચમહાલ)

* સર, અહી જવાબ આપવા માટે તમે ક્યાં ક્યાં પુસ્તકો જોઇ લો છો ?
- એક જ... મારી પાસબુક.
(ધવલ સોની, ગોધરા)

* સાંભળ્યું છે, ભૂતકાળમાં તમે જાદુના ખેલો કરતા...!
- હા, મારૂં વાંદરૂં મહુવામાં ભરાયું છે, એટલે બંધ કર્યા. (પંખો ચાલુ કરો)
(સંદીપ ભટ્ટ, મહુવા)

* ભાષણ કરતા નેતાઓની પાછળ ઊભેલા બોડીગાર્ડો શું વિચારતા હશે ?
- સ્વ.ઇંદિરા ગાંધીના સ્વર્ગસ્થ બોડીગાર્ડો સતવંતસિંઘ અને બિયંતસિંઘને યાદ કરતા હશે.
(બાલકૃષ્ણ વ્યાસ, વડોદરા)

* કલયુગી પુત્ર સતયુગી પુત્ર ક્યારે બનશે ?
- એમ કાંઇ છોકરા મારી નંખાય છે કાંઇ ?
(નીલ ઘોડાદરા, તિરૂપતિનગર)

* તમારી દ્રષ્ટિએ આજના શિક્ષણમાં શું ફેરફાર કરાવવો જોઇએ ?
- છોકરાઓને ભણાવવાનું શરૂ કરવું જોઇએ.
(પરાગ કલોલા, જૂનાગઢ)

* ડૉક્ટરો અને મોબાઇલ રીપેરરો ગ્રાહકના જોખમે જ કામ કરે છે ?
- કોણ ગયું ?
(પ્રહલાદ રાવળ, રાજપીપળા)

* ઝાડુ સ્વચ્છતાનું પ્રતિક, પણ કેજરીવાલ ગંદકી ફેલાવે...!
- ના, એ સારૂં કામ કરતો ગયો છે... કેજરીવાલ હવે 'ઝાડુ'ના પ્રતિક તરીકે ઓળખાય છે.
(જયંત ત્રિવેદી, ભાવનગર)

* તમે અમેરિકા તો પહોંચી ગયા. પાછા આવવાનું કેમનું છે ? ફાળો-બાળો ઉઘરાવીએ ?
- ઉઘરાવો, પણ તમે જાતે ન જતા... લોકો ય ઉધાર તો પાછું માંગે ને ?
(જયેશ અંતાણી, ભાવનગર)

* દવે સાહેબ, તમે ઘરનું એડ્રેસ માંગો છો, તે કોઇ ઇનામ મોકલવાના છો ?
- તમે તાબડતોબ કોંગ્રેસમાં જોડાઇ જાઓ.
(ડૉ.અશ્વિન કાકડીયા, સુરત)

* અમેરિકાના વિઝા તમને ઘેર બેઠા મળી ગયા ? ઓબામા સાથે કંઇક ગોઠવણ કરી હતી ?
- ચા-પાણીની ઉઠબેસ પૂરતો સંબંધ, ભ'ઇ ...!
(ડૉ.પ્રવિણ ઓઝા, રાધનપુર)

* આજનું શિક્ષણ સારા નાગરિકો બનાવી શકશે ?
- તમે 'શિક્ષણ'નો 'શિ' અને નાગરિકનો 'રિ' ખોટો લખ્યો હતો.
(રાહુલ કંસારા, સાણંદ)

* મારી વાઇફે ૨૧- મુરતીયા જોયા બાદ મને પસંદ કર્યો હતો. તમારો નંબર કેટલા લોકો પછી હતો ?
- તમારા વાઇફ ક્યા શહેરમાં રહેતા હતા, એ મને ખાસ યાદ નથી.
(મૌલિક પટેલ, અમદાવાદ)

* એક હાસ્યલેખક હોવાનો મોટો ફાયદો કયો ?
- તમામ લોકો હસતા મોઢે મળવા આવે.
(જીજ્ઞોશ બેન્કર, અમદાવાદ)

* આઇપીએલની મેચો અંગે આપનું શું માનવું છે ?
- રાજકારણીઓના મોંઢા જોવા કરતા એ ઓછી નુકસાનકારક છે.
(નૈમિષ ભટ્ટ, મોરબી)

* મને કોઇ સવાલ જ નથી મળતો, તમને પૂછવા માટે... શું કરું ?
- પાર્લામેન્ટમાં જતા રહો.
(વિકી પેથાપરા, મોરબી)

* હમણાં હમણાં બા બહુ ખીજાયા... શું બા રીટાયર થાય છે ? (મારો સવાલ ભારતના વર્તમાન રાજકારણ ઉપર છે)
- કોક કે' તુ કે, ઇટાલીની ફ્લાઇટો માટે ઇન્કવાયરીઓ બહુ આવે છે.
(નૈમિષ સિધ્ધપુરા, મેલબોર્ન- ઓસ્ટ્રેલિયા)

* તમે અમેરિકાથી પાછા આવશો, ત્યારે ભારત બહુ બદલાઇ ગયું હશે, નહિ ?
- પોસિબલ છે, મને સીધો ૧૦, જનપથ, દિલ્હી લઇ જવામાં આવે.
(ધૂ્રવ ચાંદલાવાલા, હાલોલ)

* મને સની લિયોન સાથે પ્રેમ થઇ ગયો છે. લગ્ન કરવા છે. કોઇ ઉપાય ?
- તમારો ને એનો મેળ નહિ જામે... એને કપડાં કે સિલાઇકામ સાથે ઝાઝી લેવા દેવા નથી.
(તેજસ દરજી, વડોદરા)

No comments: