Search This Blog

28/05/2014

અમેરિકામાં મરવાનો ટાઇમ તો છે... પોસાય એવું નથી !

મને મારવાની કોઇ હૉબી નથી. હું એ સબ્જૅક્ટમાં બહુ પડયો જ નથી. આપણને એમ કે... જે ગામ જવું નહિ, એનું નામ શું કામ લેવું? ખોટી વાત છે મારી? એમાંય અહીં અમેરિકા આવ્યા અમેરિકા આવ્યા પછી મરવા ઉપર મારી હટી ગઇ છે કે, ભલે કે કોઇ ૪૦-૫૦ વર્ષો પછી મારે મરવાનું આવે, તો બી હું અમેરિકામાં તો નહિ જ મરૂં. ઉપર મહાદેવજીનેય મૅસેજ મોકલી દીધો છે કે, 'આપણું આપણા ઈન્ડિયામાં જ મરવાનું રાખજો. અમેરિકા તો નહિ જ!' ''આપણું'' એટલે લખ્યું કે, મહાદેવજી તો મરવાના હોય નહિ... ભેગોભેગો આપણો કૅસ બી ગોઠવાઇ જાય તો... મને જરા સારૂં લાગે! બા કહેતા હોય, 'મરવામાં કોઇ ઉતાવળ કરવી નહિ.... આપણી પાછળ આવતા હોય, એમને માટે જગ્યા પહેલ કરી આવતા હોય, એમને માટે જગ્યા પહેલી કરી આપવી.' બા પોતેય હજી અડીખમ બેઠા છે.

પણ અમેરિકામાં નહિ મરવાનો પ્લાન એટલા માટે ખુલ્લો મૂક્યો કે અહીં જીવવું સહેલું છે, મરવાનું મોંઘું પડે એવું છે. હવે તો હિંદુઓના સ્મશાનગૃહો પણ હાજરસ્ટૉકમાં... આઇ મીન, જોઇએ એટલા મળે છે... ચૉઇસ ઇઝ યૉર્સ! પણ હિંદુ હો કે અન્ય કોઇ, અહીં કબ્રસ્તાન કે સ્મશાન (ક્રીમેટરી)નું... ભાડું ૧૦ હજાર ડૉલર્સ...! આપણે તો એને સાઇઠે ગુણવા પડે કે નહિ? આપણા રૂ. ૬ લાખ થયા. સાલું આટલું ભાડું આપણા મૅરેજના પાર્ટી પ્લોટોનુંય નથી હોતું, વાત શું કરો છો? અને આ ૧૦ હજાર ડૉલર્સ તો મિનિમમ કીધા..... કૉફિન કે નનામી-ફનામીના બીજા ઉમેરો તો વાત ૧૩-૧૪ હજાર ડૉલર્સ ઉપર પહોંચે. હા, હજી સાસુ કે સસરો મરવાના થયા હોય તો પૈસાનો વિચાર નહિ કરવાનો. પૈસા તો આજ નહિ ને કાલે કમાઇ લેવાશે.

આપણા ઈન્ડિયામાં તો આ હપ્તા-પધ્ધતિ છે. અહીં દસ હજાર પોસાતા ન હોય તો હપ્તે-હપ્તે સ્મશાનયાત્રા (ફ્યૂનરલો) કાઢી શકાતા નથી. આપણે તો સાલા મર્યા પછીય તૂટી જઇએ ને? એમાંય, ડોહો છેલ્લા ૧૦-૧૨ વર્ષથી ખાટલે પડયો પડયો દારૂની જેમ દવાઓ ઢીંચે રાખતો હોય ને આપણે પતી ગયા હોઇએ... માંદો પડે તો ડોહાને કાર્ગો કરીને ઈન્ડિયાય પાછો ન મોકલી દેવાય ને પૂછાય પણ નહિ કે, ''ઈન્ડિયામાં મરવાનું જોર આવતું'તું...? ત્યાં પતાઇને આવવું'તું ને?'' આ તો એક વાત થાય છે.

હવે તમને મારા ડીસિઝન ઉપર માન થશે કે, કેમ હું અમેરિકામાં ઉકલી જવા માંગતો નથી. આપણે બીજા કોઇ કામધંધા હોય કે નહિ? અરે ગુજરાતી છીએ... મરવા પાછળ પૈસાનો આટલો ધૂમાડો ના કરવાનો હોય... સુઉં કિયો છો?

પણ અહીં પટેલ બનીને મરવામાં બહુ વાંધો નથી આવતો. દુનિયાભરના પટેલો અને સમૃધ્ધ પટેલો અહીં ભેગા થયા છે. ૧૦ હજાર ડૉલર્સ એમને મોંઘા પડે એમ નથી. (આપણા કહો તો આપણાય ઍડવાન્સમાં આલી દે.... હઓ!) કહે છે કે, અમેરિકાનો નૅક્સ્ટ-પ્રેસિડૅન્ટ કોઇ રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ હશે, તો ચોંકવું નહિ. પાછળથી પીઠમાં ખંજર ન મારે ને સામી છાતીએ જે કાંઇ કહેવું હોય તે મોંઢે કહી દે, એ ગુણ ઉપર મારી આ ફૅવરિટ કૉમ છે. (મારા પુસ્તક 'ઓળખ પરેડ'માં પટેલો ઉપર પેટ ભરીને લખ્યું છે... કોઇ પટેલ મને કૉલ કરશે તો એને ઘેર જઇને લેખ વાંચી આપીશ.... 'હવડે એક મ્હેલે ને ભોડામોં...!) એ વાત જુદી છે કે, બોલવામાં પટેલો હજી એવા જ દેસી રહ્યા છે. ઈંગ્લિશ બોલે એમાં જગતભરના ઝભલાના ''ઓ જ વાપરવાના.... 'ઈટ ઇઝ વૅરી ઈઝી....'' તારી ભલી થાય ચમના... તારૂં જોઇને અહીંના ધોળીયાઓ એ ''ઈઝી ને બીઝી'' બોલતા થઇ ગયા છે.

યસ. અહીં જ ઉછરેલા યુવાન પટેલો સંસ્કારમાં ચોક્કસ ગુજરાતી છે. હજી આપણા સંસ્કાર અને તેહઝીબ ભૂલ્યા નથી. છોકરાઓ પરફૅક્ટ અમેરિકન ઍક્સૅન્ટમાં ઈંગ્લિશ બોલે છે, પણ વડીલોના ચરણસ્પર્શ કે પરમેશ્વરની સેવાપૂજા ચૂકતા નથી. ભારત માટેની દેશદાઝ અહીંના પટેલોમાં જ નહિ, અહીંના હરકોઇ ઈન્ડિયનમાં ધાંયધાંય ભરેલી છે.

અહીંના એવા જ એક ફ્યુનરલમાં જવાનું થયું. આપણા દેશને ગર્વ થાય એવી સિધ્ધિઓ બિનીતા પટેલ નામની આ છોકરીએ મેળવી હતી. એ પાયલટ હતી. વિમાન ઉડાડતી હતી. એમના વરજી સ્મિતેશ પટેલ (સીટુ) કનેક્ટિકટ સ્ટેટના બેથાની શહેરમાં રહે છે. બિનીતાને ફિલ્મ 'આનંદ'ના રાજેશ ખન્નાવાળું 'લિમ્ફો સર્કોમા ઑફ ધી ઈન્ટેસ્ટાઇન' નામનો જીવલેણ રોગ થયો ને મૃત્યુ પામી. પણ મરતા પહેલા બિનીતાએ ઘરવાળાઓને કહી રાખ્યું હતું કે, મારા મૃત્યુ પછી નામનોય શોક નહિ કરવાનો. બધાએ ફરજીયાત આનંદ કરવાનો અને સ્મિતેશે અક્ષરસઃ બધું પાળ્યું ફયૂનરલમાં અમેરિકાના ખમતીધર બધા પટેલો ઉપસ્થિત (માજી ટેસ્ટ ક્રિકેટર વિકેટકીપર કિરણ મોરે પણ મારી જેમ પટેલ ન હોવા છતાં આદરથી હાજર રહ્યો હતો.) રહ્યા. બિનીતાના સગા મામા આપણા અમદાવાદના હાસ્યલેખક-ડૉકટર અશ્વિન હી. પટેલે મને કહ્યું, ''બિનીતા આપણી હિંદી ફિલ્મોના ગીતોની શોખિન હોવાથી એના ફ્યૂનરલમાં હિંદી ફિલ્મોના કરૂણ નહિ, રૉમેન્ટિક ગીતો વગાડાયા છે.'' બિનીતાએ મૃત્યુને પણ ઉત્સવ બનાવી દીધો.

પણ અમેરિકન પ્રજાની ડીસન્સી જોવા જેવી છે. અહીં તો કોઇ પણ અંતર મિનિમમ ૨૦-૨૫ માઈલ્સ (૧ માઈલના ૧.૬૦ કી.મી. થાય.) પણ હાઇ-વે જેવા શહેરના રસ્તાઓ ઉપરથી ફ્યૂનરલની ગાડીઓ નીકળે, એટલે ચારે બાજુનો ટ્રાફિક થંભી જાય. ફ્યૂનરલવાળી દરેક ગાડી ઉપર ફ્લૅગ (ધ્વજા) ફરકતી હોય, જેથી જીવતાઓ કરતા પતી ગયેલાઓને છેલ્લું છેલ્લું માન મળી રહે.

પણ આની સામે મને આપણી સ્મશાનયાત્રાઓ યાદ આવે છે. (આપણી એટલે મારી-તમારી નહિ... આપણા ગુજરાતની! કહે છે કે, થોડા જ દિવસમાં દિલ્હીમાં બહુ મોટી સ્મશાનયાત્રા નીકળવાની છે અને એ નીકળી ન જાય ત્યાં સુધી દેશભરની ગાડીઓ થંભી જવાની છે.... ડરની મારી કે, સાલી ગયેલી ગાડીઓ પાછી ન આવે!)

હું ખાડીયાનો અને ખાડીયામાં તો મને યાદ છે, સ્મશાને જવાનું નામ સાંભળ્યું કે, અમે લોકો બહુ ઉત્સાહ, ખંત, ઉમળકો, સ્પીડ અને થન્ગનાટો સાથે જોડાઇએ. આજે તો કોઇ માને નહિ, પણ ઠેઠ ખાડીયાથી નનામી ઉંચકીને સપ્તર્ષિને આરે લઇ જવાના તો જલસા પડી જાય. એકાદવાર તો એવુંય બન્યું'તું કે, ખભે ભાર સાથે પંથ બહુ લાંબો કાપવાનો, એમાં ઘણા અકળાઇ જાય અને સાઇડમાં ફૂટપાથ પર નનામી મૂકીને બધા ચાની લારીએ ઊભા રહી જાય. મસાલા-સિગારેટ ને ચા-પાણીના જલસા પડી ગયા. એમાં ટાઇમ હોય તો જે મૅઇન ઉચકનારો હોય, એની મામી સામેની પોળમાં રહેતી હોય તો ચા-નાસ્તો ત્યાં કરી આવે, જેથી સૉલ્જરીના પૈસા બચે. આમાં હુવડાયેલો ફરીથી ઊભો થવાની કોઇ ચિંતા ન હોય, એટલે નિરાંતે સહુ, ''જઇએ છે, બે... ઉતાવળ શેનો કરે છે? હજી બે-ચાર દહાડામાં એની બાનેય લઇ આવવાની છે, એ વખતે નનામી શૉર્ટ-કટથી કાઢીશું.... અત્યારે હખણો બેસ ને આપણી ચાના પૈસા આલી દે...! યાદ છે? મનુ કાકો ગૂજરી ગયો ત્યારે પૈસા મેં આલેલા...!''

ઓકે, ધૅટ્સ ફાઇન, પણ અમેરિકામાં મરવાનું તો જાવા દિયો... માંદા પડવું એથી ય વધારે મોંઘું પડે એવું છે. અહીંની વાઇફો આપણા માથામાં તપેલી પછાડે, તો હૉસ્પિટલમાં જઇને ટાંકા લેવડાવવાનો ખર્ચો આપવા કરતા, પેલીને બીજી વાર તપેલી મારવાનું કહેવું સસ્તું અને કિફાયત ભાવે પડે. અહીં વાઇફ વગરનો અમેરિકન મળે, વીમા વગરનો નહિ. પૂરેપૂરી છોલાઇ જાય જો વગર વીમે બિમાર પડયા તો! બિમારીની દુનિયામાં હજી મેં કોઇ નામ નોંધાવ્યું નથી ને તો ય બધાએ બીવડાવી માર્યો હતો કે, અમેરિકામાં બધું કરજો... બિમાર ન પડશો. કેમ જાણે, એમાં આપણને ભૌગોલિક ચૉઇસ મળતી હોય કે, ''પેટનો દુઃખાવો હું તો આફ્રિકાના જંગલોમાં જઇને જ ઉપડાવીશ.. અમેરિકા તો નહિ જ.'' ને તોય, મોટા કહે એમ માનવું-ના ધોરણે હું ઈન્ડિયાથી જ મારો મેડિકલ ઈન્શ્યૉરન્સ ઉતારતો આવ્યો છું. આ સાલો એક એવો સબ્જૅક્ટ છે જેમાં, ખર્ચેલા નાણાંનું પૂરેપૂરૂં તો શું, જરીકે વળતર મેળવવાના ઈરાદા રખાય એવા નથી. વીમાના પૈસા વસૂલ કરવા બેસાય એવું નથી... ઈન્ડિયામાં બેઠા બેઠા બા ખીજાય!

સિક્સર
''મદિરા પીને સે દિલ કા દૌરા નહિ પડતા.... હાં, દિમાગ કી બાત ઓર હૈ!''
(ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસજનોને અર્પણ.)

No comments: