Search This Blog

18/05/2014

ઍનકાઉન્ટર : 18-05-2014

* ટીવી સીરિયલો જોઇને પત્નીઓ લગ્નજીવનનો દાટ વાળી રહી છે, તો શું કરવું જોઈએ ?
- ટીવી બદલી નાંખવું જોઈએ.
(રાજેન્દ્ર અરોરા, અમદાવાદ)

* ભારત દેશની મોટી સમસ્યા કઇ છે ? રાજકારણ કે ભ્રષ્ટાચાર ?
- મને એનાથી મોટી સમસ્યા, પોતાના જ ધર્મ અને પોતાની જ જ્ઞાતિને સર્વોત્તમ ગણવાની લાગે છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આ વખતે મોદી વડાપ્રધાન બનશે કે શું ?
- હા.. મારી તો તબિયત વળી ક્યાં સારી રહે છે, ભ'ઇ ?
(આશિષ કોશીયા, સુરત)

* ફિલ્મ 'પથ્થર કે સનમ'માં પથ્થર જેવી સનમ વહિદા હતી કે મુમતાઝ ?
- થોડા માટે બંને બચી ગઇ... ! મને એ જાણવાનો બંનેમાંથી કોઇએ ચાન્સ જ ન આપ્યો !
(મધુકર માંકડ, જામનગર)

* લોકો વાહનની પાછળ તલવાર કે ઢાલના ફોટા મૂકાવે છે... અસલ શસ્ત્રો કેમ ગોઠવતા નથી ?
- તમે બહુ આગળ વધી રહ્યા છો.. મેં મારી ગાડી ઉપર ડિમ્પલ કાપડીયાનો ફોટો લટકાવ્યો છે...
(પ્રહલાદ રાવલ, રાજપિપળા)

* ઇલેકશન પછી કૉંગ્રેસનું શું થશે ?
- કોણ કૉંગ્રેસ...? એ કોઇ બંધ પડેલી મિલના કામદારનું નામ છે ?
(મનિષ કાછીયા, હાલોલ)

* નમો કૉંગ્રેસનું ઍન્કાઉન્ટર કરશે ?
- મરેલા માટે બે શબ્દ સારા બોલો. ઍન્કાઉન્ટર તો જીવિતનું થાય !
(આશિષ ચૌબીસા, ડૂંગરપુર-રાજસ્થાન)

* પોસ્ટકાર્ડ બંધ કરાવ્યા.. શું આપ પર્યાવરણ માટે ચિંતિત હતા ?
- મારી નોકરી માટે હતો...
(જયમિન ઠક્કર, અમદાવાદ)

* આસામના ચૂંટણી ઉમેદવારો દસમું ધોરણ પણ પાસ નથી... તો શું સંસદમાં આવા લોકો જશે ?
- થૅન્ક ગૉડ.. તમે સોનિયાજીનું ધોરણ પૂછ્યું નથી.
(અંકિત પ્રજાપતિ, કલોલ)

* તમને શું લાગે છે ? મતદાન કરવા જવું જોઈએ ?
- હવે જઈ આવો...
(વિજય લહેરૂ, રાજકોટ)

* ચૂંટણીમાં અશોક દવે ઊભા હોત તો ?
- .... તો પરિણામો પછી એ પ્રજાજોગ સંદેશો આપત, 'પ્રજાનો ચૂકાદો મને મંજૂર છે.'
(મયૂર સુરાણી, ભાવનગર)

* આટલા બધા પોસ્ટકાર્ડો લેવડાવ્યા, એ પડયા રહ્યા ! હવે શું, એ બધા પાછળ 'અશુભ' લખીને મૌનસિંહને જાવા દઉં ? (પંખો ચાલુ જ છે...!)
- હવે તેઓશ્રી નાહી નાંખવાને કાબિલ પણ રહ્યા નથી.
(રાજેશ કક્કડ, રાજકોટ)

* 'અબ કી બાર મોદી સરકાર...' તો ભાજપનું ભાવિ શું ?
- ભાજપને નામે કોઇએ ક્યાં વૉટ આપ્યો છે !
(મુર્તુઝા ત્રિવેદી, લીંબડી)

* મોદી દેશને તારશે કે ડુબાડશે ?
- નિવડે વખાણ છે, ભ'ઇ !
(કરીમ ધોળકીયા, દેવળીયા-અમરેલી)

* હવે તો મૂંગા ય મોબાઇલ રાખવા માંડયા છે... સુઁ કિયો છો ?
- કેમ ... પ્રજ્ઞાચક્ષુઓ ગૉગલ્સ નથી પહેરતા ?
(અજય વ્યાસ, બિલખા)

* કરમના સિધ્ધાંત વિશે આપ શું માનો છો ?
- એ જ કે, એ મને પૂછીને લખાયો ન હતો.
(રાજેશ દરજી, અમદાવાદ)

* સૂરજ હંમેશા પૂર્વ દિશામાં જ કેમ ઊગે છે ?
- કોઇનો એવો સ્વભાવ.. બેન !
(જાગૃતિ ડી. અમદાવાદ)

* તમારા જેન્તી જોખમ, પરવિણ ચડ્ડી, ધાંધલ-ધમાલ, દીકરી મસ્તાની... બધા કયાં ગયા ?
- જેન્તી તો અહીં અમેરિકામાં આટલા વર્ષે મળ્યો. પરવિણભ' ઇને હજી રૂપાળી સ્ત્રીઓ ગમે છે, છોકરાઓ મોટા થઇ ગયા.. જય અંબે.
(કંદર્પ દેવાશ્રયી, દુબાઇ-યુએઇ)

* ટીવી-સીરિયલોમાં આવતા ગોર મહારાજો પ્રસંગને અનુરૂપ શ્લોકો બોલતા નથી. શું તેમને એટલું પણ શીખવાડાતું નહિ હોય ?
- ઓહ ન્નો.... તમે હિંદી સીરિયલો જુઓ છો...? બા ખીજાતા નથી !
(જગદીશ ભટ્ટ, ભાવનગર)

* હવે ગમતીલાં ઈ-મેઇલને પોસ્ટકાર્ડની જેમ વહાલથી છાતીએ કેમ લગાવશો ?
- છાતીએ પોસ્ટકાર્ડ કે ઈ-મૅઇલને લગાડવાના ન હોય. એના લખનારને લગાડવાનો હોય !
(ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)

* જ્ઞાનને આદર છે કે વિજ્ઞાનને ?
- મને બેમાંથી એકેયની સમજ નથી. એક કામ કરો... તમને સમજ પડે નહિ, ત્યાં સુધી મારો આદર કરતા રહો.
(ભરતવન ગોસાંઇ, મુંબઇ)

* મેં યૂ-ટયુબમાં તમારો ઇન્ટરવ્યૂ જોયો.. તમે સમજવામાં અઘરા છો...!
- હા. એમ પાછો હું જુઠ્ઠો ખરો !
(મિલન સોનાગ્રા, ઉપલેટા)

* તાર તો બંધ થઇ ગયા.. હવે પોસ્ટકાર્ડ પણ બંધ કરાવશો ?
- હવે મારા ઘેર આવીને સવાલ પૂછવાની પ્રથા શરૂ કરવાનો છું.
(હેમીન એમ. શાહ, અમદાવાદ)

* તમારી પત્ની તમને પ્રેમથી શું કહીને બોલાવે છે ?
- એમાં વચ્ચે 'પ્રેમથી' શબ્દ ઉમેરવાની ક્યાં જરૂર હતી ?
(મનિષ દુધાત, રાજકોટ)

* તમને અમારા અમેરિકામાં શું ગમી ગયું ?
- ઓહ .. હજી તમને જોયા નથી.. કેવી રીતે કહું ?
(અર્ચના શિ. પટેલ, ફલોરિડા-અમેરિકા)

* સાંભળ્યું છે કે, તમે હમણાં તમારી કાર વેચવા કાઢી છે. આપણે લેવી છે...
- હા, પણ ફૅમિલી સાથે વેચવાની છે.
(ઉમેશ નાવડીયા, જલીલા-રાણપુર)

No comments: