Search This Blog

11/05/2014

ઍનકાઉન્ટર : 11-05-2014

* આ ઈ-મૅઇલમાં શરૂ કર્યું... હવે અમારે ઈંગ્લિશમાં લખીને ગુજરાતીમાં સવાલો પૂછવાના?
- તમે બ્રૅઇલમાં ય પૂછી શકો.
(સોનિયા પટેલ, મુંબઇ)

* કન્યાવિદાય વખતે વરપક્ષવાળા કેમ રડતા નથી?
- એમને એમની બોન પૈણાવવાની હોતી નથી, માટે!
(રાકેશ રાઠોડ, કૂકરવાડા-જૂનાગઢ)

* લો, તમે પોસ્ટકાર્ડનો થતો એક માત્ર ઉપયોગે ય બંધ કરાવ્યો... તમારા બા ખીજાશે નહિ?
- ખીજાયા'તા...! કહે કે, આટલા બધા પોસ્ટકાર્ડ આવતા, તો શિયાળામાં તાપણું કરવાના ય કામમાં આવતા.... આ તારા લૅપટૉપના તાપણાં ક્યાંથી કરવા?
(પ્રવીણ દાણી, સુરત)

* શું નરેન્દ્ર મોદી પાસે કોઇ જાદુઇ છડી છે કે, સત્તા પર આવતાં બધું સારૂં થઇ જશે?
- નિવડે વખાણ છે, ભ'ઇ!
(પ્રેમ ઠક્કર, દુબાઇ-મિડલ ઈસ્ટ)

* આ વખતે મોદી વડાપ્રધાન બનશે ખરા?
- હવે બધું પતી ગયું.... હવે મારા તમારા હાથમાં કાંઇ નથી.
(આશિષ કોશીયા, સુરત)

* પરેશ રાવલ જેવા અભિનેતા હવે નેતા બનવા નીકળ્યા છે... સુઉં કિયો છો?
- પરેશ તીખો પણ સીધો માણસ છે. કમ-સે-કમ... સંસદમાં શોભાના ગાંઠીયા જેવો બેસી નહિ રહે... ગુજરાતના પ્રશ્નોની રજુઆત તો કરશે.
(અજય વ્યાસ, બિલખા)

* એ ખબર પડતી નથી, કે માણસ પહેલેથી આડો ચાલે છે કે હમણાં હમણાંથી થયો?
- તમારો સવાલ વંચાતો નથી... ઊંધો છપાયો છે.
(આકાશ મોદી, ડીસા)

* તમને રફી સાહેબનું, 'દોનોં ને કિયા થા પ્યાર મગર, મુઝે યાદ રહા, તુ ભૂલ ગઇ...' એ 'મહુવા'નું ગીત તમને કેમ નથી ગમતું?
- શેનું ગમે? મારા વાળીઓ તો એકે ય ભૂલી નથી!.... જય અંબે.
(કંદર્પ જાની, કૅન્સસ-યુએસએ)

* આજનો જમાનો સ્પીડવાળો કેમ થઇ ગયો છે?
- આ સવાલ કોઇ સાયકલ-રીપૅર કરનારાને પૂછો.
(ઉસ્માન વ્હોરા, વિરમગામ)

* અમારી પાસે પોસ્ટકાર્ડ્સ પડયા રહ્યા છે, એનું હવે શું કરવું?
- લાંબી ભૂંગળી બનાવીને કાન ખંજવાળવાના અદ્ભુત કામમાં આવશે.
(દ્રષ્ટિ રોહિત દવે, હાલોલ)

* કેમ અચાનક ઈ-મૅઇલની મંજૂરી? પોસ્ટકાર્ડ્સથી ઘર ભરાઇ ગયું, એટલે ઉપડયા અમેરિકા?
- પોસ્ટકાર્ડને જીભ ઉપર અંગૂઠો અડાડીને કાઢવું પડતું... લૅપટોપમાં એવી જીભાજોડી થતી નથી.
(નિધિ શાહ, જૅકા-ઑસ્ટ્રેલિયા)

* બાનો પ્રેમ, માતાનું વાત્સલ્ય, પત્નીનો સહકાર અને વાચકોનો આવકાર... કયું કારણ જવાબ દેવામાં આપને પ્રોત્સાહિત કરે છે?
- એક કારણ લખવાનું ભૂલી ગયા... મારો પગાર.
(અજીત દેસાઇ, જામનગર)

* ચૂંટણી પ્રચારની જેમ અમારા સવાલોને કોઇ આચાર સંહિતા લાગુ પડે ખરી?
- સહેજ પણ નહિ. મને તો બુધ્ધિ વગરના જવાબો આપવાની ય છુટ છે... હઓ!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* માણસો આજકાલ સૅલ્ફિશ કેમ થવા લાગ્યા છે?
- એમના બાપાનું રાજ ચાલે છે, એટલે.
(સંજય ચાવડા, રાજકોટ)

* લાખો ઍનકાઉન્ટરો કર્યા, છતાં લોહી કેમ ન નીકળ્યું?
- જેને નીકળ્યું છે, એને હજી ચચરે છે.
(પરેશ હડીયા, પાલનપુર)

* ભગવાનને સ્ત્રી બનાવ્યા પછી પશ્ચાત્તાપ થતો હશે?
- ના થાય.... એમની બા ખીજાય!
(રોહન શાહ, અમદાવાદ)

* ઈ.સ. ૨૦૧૪ની ચૂંટણી વિશે બે શબ્દો કહેશો?
- જય હિંદ.
(પિયુષ પટેલ, માંગરોળ)

* મારે કોઇ સવાલ પૂછવાનો નથી. બસ, અભિનંદન... પોસ્ટથી ઈ-મૅઇલ બદલ!
- મારે ય કોઇ જવાબ આપવાનો નથી. બસ, આભાર... સવાલ નહિ પૂછવા બદલ!
(અમિત જે. રાઠોડ, ભાવનગર)

* લગ્ન નહિ કરવાની સારી સલાહ કોઇ માનતું નથી ને પછી દુઃખી થાય છે. સુઉં કિયો છો?
- બીજા લગ્ન કરી લો.
(રવિ અડવાણી, ભાવનગર)

* વર્તમાનમાં બ્રાહ્મણો સાથે અન્યાય થાય છે, એવું તમે સ્વીકારો છો?
- સહેજે પણ નહિ.... આખા ઇન્ડિયાના સૌથી સુંદર ચેહરા અને તીક્ષ્ણ બુધ્ધિવાળી આ જાતિ અન્યાય કરનારાને થપ્પડ મારી લે છે.... હા, ખિસ્સે જરા ખાલી ખરી!
(ડૉ. વૈભવ વી. રાવલ, થરાદ)

* હું ય તમારી જેમ ખાડીયાની સાધના હાઇસ્કૂલનો વિદ્યાર્થી છું.... અમેરિકા આવ્યા છો, તો મારા ઘરે પધારશો?
- 'સાધના'માં હું ચોરીઓ કરી કરીને પાસ થતો'તો... આજે ય કોઇ યાદ કરાવે છે તો ફફડી જવાય છે કે, જૂનું કાંઇ પાછું ખુલ્યું તો નહિ હોય ને?
(નિરવ શાહ, ન્યુજર્સી - અમેરિકા)

* (૧) છપ્પનની છાતીવાળો (૨) કાયમી ઉધરસવાળો અને (૩) ફક્ત કૌટુંબિક લાયકાતવાળો.... કોને વધુ લાયક ગણવો?
- ફટાફટ જવાબો આલનારને.
(મીનેષ દેડકીયા, રાજકોટ)

* વેદ મોટા કે વિજ્ઞાન?
- 'વિજ્ઞાન'ને ઊંધું કરવાથી વાવટો ય નહિ ફરકે.... 'વેદ'ને કરી જુઓ.
(અનંત વ્યાસ, ગાંધીધામ-કચ્છ)

* 'ઍનકાઉન્ટર'.... ૧૯મી સદીથી સીધું ૨૧મી સદીમાં...! અભિનંદન, અમને યુ.કે.માં પણ આનંદ આપવા બદલ.
- હજી એકાદ સદી જવા દો... સવાલ પૂછવો ય નહિ પડે ને જવાબ મળી જશે!
(અખ્તર વહોરા, સરે-યુ.કે.)

* આપણે ત્યાં હાઉસ-વાઇફને કેમ ઓછું સન્માન મળે છે?
- સાઇઝ-બાઇઝ જોવી પડે, ભ'ઇ!
(જયેશ અંતાણી, ભાવનગર)

No comments: