Search This Blog

07/05/2014

૮૮-મા માળેથી જગત કદમોમાં લાગે છે...

શ્રીકૃષ્ણ ગોકુલ છોડીને મથુરા આવ્યા, એમ હું ભારત છોડીને અમેરિકા આવ્યો હોઉં એવું મને એકલાને લાગતું હતું... અહીં કોઇને એવું લાગ્યું નહિ. એટલી ધર્મભાવના અહીં ઓછી. જ્યારે જ્યારે અમેરિકા ઉપર પાપનો ભાર વધી જાય છે, ત્યારે હું કાળીયો કે ધોળીયો નહિ, બ્રાઉન કૃષ્ણ સ્વરૂપે અવતાર લઉં છું (ત્યાં ઈન્ડિયાનું તો કાળીયો કૃષ્ણ સંભાળે છે, એટલે મને એટલી ચિંતા ઓછી છે.)

પણ અહીંનો અવતારેય ફૅઇલ ગયો. ભારત જેટલો પાપીઓનો સફાયો અહીં કરવો પડે એમ નથી... આપણે ત્યાં આ બધું પતાવવાનું કામ એક ભઇને સોંપીને આવ્યો છું. પણ અહીં આ દેશમાં આપણું કામ બીજાને સોંપાય એવું નથી. આપણા કામ આપણે જાતે કરવા પડે છે, એટલે સુધી કે બ્રૅકફાસ્ટ કે લંચ-બંચ પછી આપણી પ્લેટોને આપણે જ નવડાવી-ધોવડાવીને સાફ કરી દેવાની હોય. અહીંના ગોરધનો એમની વાઇફો કરતા આ કામમાં વધુ ઍક્સપર્ટ થઇ ગયા હોય છે. જેના જેમના ઘેર મારે ઉતરવાનું થયું છે, એ લોકો મને અહીંનું આ રાષ્ટ્રીય કામ કરવા દેતા તો નથી, છતાં હવે મને પ્લૅટો ધોવામાં ટેસડો પડી ગયો છે. આજે ૬૨ વર્ષનો થયો ત્યાં સુધી મારા ઘેર શર્ટ પર ઢોળાયેલી ચાનો ડાઘેય મેં સાફ કર્યો નથી.... અહીં તો એવો હાથ બેસી ગયો છે કે, ઈન્ડિયા આવીને વાસણ-પ્લૅટો ઉટકવા માટે હું બહારના ઑર્ડરો ઉપર પણ પૂરતું ધ્યાન આપી શકીશ.

એ વાત જુદી છે કે, મારા જેવો લાહળીયો ઈન્ડિયા-અમેરિકા તો જાવા દિયો... ઉત્તર ધ્રૂવના ટુન્ડ્ર-પ્રદેશમાંય ન ટકે. ત્યાં ઈન્ડિયામાં તમે બધા મે મહિનાની આ ગરમીમાં શેકાઇ રહ્યા છો, ને હું ગરમાગરમ જાહોજલાલી છોડીને કાતિલ ઠંડીમાં અહીં ઠૂંઠવાઇ રહ્યો છું. હજી ખૂબ ઠંડી અને વરસાદ પડે છે. સ્વેટરની ઉપરેય ઑવરકોટ જરૂરી..... હું એમાં લાગું છું તો સારો પણ.... ઓકે.... વો કિસ્સા ફિર કભી!

અહીં ઋતુ વસંત બેઠી છે. રામ જાણે કઇ ફૅકટરીમાં અહીંના ઝાડો બનાવડાવ્યા હશે કે, વસંત ઋતુમાં વૃક્ષો પર ફૂલ પહેલા આવે ને પાંદડા પછી! સ્કૂલેથી છોકરાઓ પહેલા આવે ને રીક્ષાવાળો પછી, એવો ઘાટ થયો! પણ ફૂલોના એ રંગો જોઇને લાઇફને ૪૦ વર્ષ પાછળ લઇ જઇ પાછું ભરચક યુવાનીમાં જતા રહીને ફરી એક વાર કોકના પ્રેમમાં પડી જવાનું મન થાય. (આ વખતે જરા સારૂં મળશે.... વચમાં ૪૦ વર્ષોનો અનુભવ તો ખરો કે નહિ? (જવાબ : ખરો, ખરો, ખરો... જવાબ પૂરો) પણ ધોયળીઓએ દુનિયાભરની સુંદરતા કૉર્નર કરી લીધી છે. આપણે અમદાવાદના પચ્ચી શૉપિંગ-મોલો ફરીએ ત્યારે માંડ એકાદી સુંદરી બહેન બનાવવા જેવી વહાલી લાગે, ત્યારે અહીંની સુંદરીઓ અમદાવાદની રીક્ષા જેવી હોય છે. એક જતી રહે તો પાછળ બીજી આવતી જ હોય, એટલે કશું ગુમાવવાનો અફસોસ નહિ કરવાનો.

...અને આ સુંદરતા કેવળ ચહેરાની નહિ, પૂરા બદનની ગણવાની! ખાવા (અને પીવામાં પણ) અહીંની સ્ત્રીઓ શરીરનો આકાર જાળવવા મોટી કિંમતો ચૂકવે છે. ડાયેટ-કન્ટ્રોલથી માંડીને કસરતો પૂરજોશમાં. ઓઇલી-સ્પાઇસી નામ નહિ. સ્કીન તો લૂચ્ચીઓએ ચીઝ-બટરની ફૅકટરીઓ બનાવડાવી હોય, એવી ફૂલગુલાબી રાખે. મારા જેવા કાળીદાસોનું આમાં કામ નહિ, ગુરૂ! (વાચકો મારી સ્વજાગૃતિથી આકર્ષાયા હશે... અમેરિકન ધોયળીઓને મેં પહેલેથી જ 'બહેનોનો' દરજ્જો આપી દીધો છે... ઠીક છે, કોક ડોસી આપણા માપની નીકળે તો એના માથામાં ગુલાબનું ફૂલ નાંખી પણ આલીએ. મને ખોટા અભિમાનો નહિ!)

અમેરિકા આવવાની મારી દાનત હવે ઉઘાડી પાડી દઉં. છેલ્લા ૪૩ વર્ષોથી લેખો ઘસ્યા પછી મેં જોઇ લીધું કે, એની આવકમાંથી ઈન્કમટૅક્સ ભરવા જેટલું ય કમાવાનો નથી. પૈસા કમાવા હોય તો 'ચલો અમેરિકા'. ભોળી વાઇફને મેં સમજાવી દીધી છે કે, અમેરિકા જઇને હું કોઇ ધોયળી સાથે બીજા લગ્ન કરવાનો છું. સદરહુ ધોયળી મિનિમમ ૮૫ વર્ષની અબજોપતિ (એટલે કે, અબજોપત્ની) હોવી જોઇએ. બિમાર એ લૅવલની કે, એકાદ વરસથી વધારે ખેંચે નહિ. (આપણી પાસે એટલો ટાઇમ હોવો જોઇએ ને?) હું એને હિંચકે બેસાડીને રોજ ઝૂલા ખવડાવીશ. એના ગાલ ઉપર બચ્ચીઓ ભરીશ. એના બ્લૉન્ડ વાળમાં રોજ ગુલાબની સુગંધવાળું ફૂલ ખોસીશ. એ મરે ભલે અમેરિકામાં, પણ બેસણું હું મારા નારણપુરા ચાર રસ્તા ઉપર રાખીશ. એના ફૂલ ચઢાવેલા ફોટા નીચે ૮ થી ૧૦ બેસીશ. શરત એટલી કે, આ ઉંમરે સાલીનું કોઇ લફરૂં હોવું ન જોઇએ. આપણે એના કાયદેસરના ગોરધન હોઇએ, એટલે એની અબજોની સંપત્તિ તો કમાઇ લઇએ. વાઇફને પણ આ સંબંધમાં ડખો હોવો ન જોઇએ કારણ કે, 'આખીર... યે સબ મુઝે કમાના કિસ કે લિયે હૈ?' બસ. પછી, એવા જ ગુલાબનું ફૂલ અને પેલી સોહામણી બચ્ચીઓ વાઇફને પણ રોજ ભરીશ. સુઉં કિયો છો? (એ હેઠા બેહો.... આમાં તમારે કાંય કે'વાનું નો હોય!)

૮૦ વાળી વાઇફની વાત તો દૂર રહી, અહીં હાળું કોઇ કોઇની સાથે બોલતું જ નથી. મારા જેવા બોલબોલ કરવાની આદતવાળા અહીં આવીને ભરાઇ જાય. બાજુમાં વર્ષોથી રહેતો પડોસી (ધોળીયો, કાળીયો કે ઇવન, આપણો 'દેસી'... પણ) ઘર જેવા તો ઠીક, ગૅરેજ જેવા સંબંધોય ન રાખે. 'જ્યોત તે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, હોઓઓઓ...' પધ્ધતિ અહીં ચાલતી નથી.

હજી તો મહિનો માંડ થયો છે ને હું લૉંગ આયલૅન્ડ, ક્લિફટન, કૅટ્સકિલ, બેનસલેમ, ચેરી હિલ, ન્યુ હાઇડ પાર્ક- ક્વિન્સ, જર્સી સિટી, ન્યુયૉર્ક સિટી-મૅનહટન, સમરસૅટ-ન્યુ જર્સી અને કનૅક્ટિકટ જઇ આવ્યો, ત્યારે ખબર પડી કે, અમેરિકનોએ દુનિયા ઉપર મફતમાં રાજ નથી કર્યું. ઈન્ડિયાથી નીકળ્યો, ત્યારે મનમાં ઠાની લીધી હતી કે, અમેરિકાના વૈભવ કે કુદરતી સૌંદર્યથી સહેજ પણ નહિ અંજાઉ અને ખાસ તો.... બેવકૂફીભરી સરખામણીઓ કરીને મારા ભારત જેવા દેશની નાનકડી ય ટીકા નહિ કરૂં. જેવો છે, મારો દેશ છે.

ઓકે. દેશની ટીકા તો આ જન્મમાં થઇ શકે એમ નથી, પણ અમેરિકાથી અંજાયા વિના ન રહેવાયું. અહીં ઍડમિનિસ્ટ્રેશન, સીસ્ટમ, ડિસીપ્લીન અને પ્રજાની ડીસન્સી સર આંખો પર ચઢાવવી પડે એમ છે. લાઇનો તો અહીં પણ લાગે છે. ટ્રાફિક-જામો અહીં પણ થાય છે... પણ લાઇનમાં વગર કહે આગળવાળાની પાછળવાળો ત્રણેક ફૂટનું અંતર રાખીને ઊભો રહેશે. ધક્કામુક્કી ભૂલી જવાની. આજે ૨૫ દિવસમાં ત્રણેક હજાર કી.મી. તો ગાડીઓમાં ફર્યો, પણ હજી સુધી હૉર્નનો અવાજ સાંભળ્યો નથી. પાછળવાળાને ખબર જ છે કે, આગળવાળો બુધ્ધિનો લઠ્ઠ નથી. કોઇ પ્રોબ્લેમ હોય તો જ ઊભો રહી ગયો હશે.

ઊભા રહી જવાનું તો, ૧૦૨ માળના 'ધી ગ્રેટ ઍમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ'ના ૮૮-મા માળની અગાસી ઉપર બન્યું. આખું મૅનહટન આટલી ઊંચાઇથી જોવા મળે, પછી બોલવાનું કાંઇ રહે જ નહિ... કેવળ ઊભા રહી જવાનું. વિમાનની વાત જુદી છે, પણ આટલી ઊંચાઇએથી જગતને નીચું પડતું જોવું, એમાંય આપણી ઊંચાઇ વધી જાય. આ ટેરેસ ઉપર પીળા રંગની સુપર્બ 'મસ્ટાંગ' કાર પાર્ક થયેલી જોઇને હબકી જવાય ને? ગ્રાઉન્ડ-ફ્લૉરથી ૮૮-મા માળ સુધી લિફટમાં આવતા ફક્ત એક મિનિટ લાગે છે, ત્યાં આટલી મોટી કાર...? એના સીક્યોરિટી-ગાર્ડે મને કહ્યું, 'ઍન્જીનીયરોએ બધો માલસામાન ઉપર લાવીને ગાડી અહીં નવેસરથી બનાવી દીધી.'

જતા પહેલા આ મકાન બિલ્ડિંગના સીક્યોરિટી-ઑફિસરને મેં પૂછ્યું, ''દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે છે. એ લોકો અચૂક એક સવાલ કયો પૂછે છે?'' મને કહે, '''ધી ઍમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ' છે ને?'' એ સવાલ લોકો પહેલા પૂછી લે છે.

મૅરેજની જેમ હું બીજી વાર થોડો વહેલો પડયો. ઓસામા બિન લાદેને નાઇન-ઈલેવન વખતે જે બે ટ્વિન-ટાવર્સ વિમાનો અથડાવીને ધરાશાયી કરી નાંખ્યા હતા, એની જગ્યા મૂળ બિલ્ડિંગો કરતાય ઊંચું 'ધ વર્લ્ડ ટ્રેડ સૅન્ટર' આટલા ટુંકા સમયમાં અમેરિકનોએ ઊભું કરી નાંખ્યું. ઉદઘાટન ૧૫ મે, ૨૦૧૪ના રોજ થવાનું છે (આ વખતે પણ મારા વરદ હસ્તે નહિ...!) એટલે મને અંદર જવા ન મળ્યું. હું તો 'ધી સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી'ની ઠેઠ ઉપર ક્રાઉન સુધીય ન જઇ શક્યો. કહે છે કે, ઑનલાઇન બૂકિંગ દ્વારા છ મહિના પહેલા બધું ફૂલ થઇ જાય છે.

બસ. અભિમાન તો હવે હુંય કરી શકીશ. મારા દેશમાં આ 'ધી સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી' કરતાય વધારે બુલંદ સ્ટેચ્યૂ આપણા સરદાર વલ્લભભાઇ પટેલનું બનવાનું છે...!

સિક્સર
'ચૂંટણીના પરિણામો શું આવશે?' એ સવાલ કોઇ પૂછતું નથી. પહેલી જ વાર દેશમાં એવું બન્યું છે કે, ચૂંટણી પહેલા જ પરિણામોની દેશની જનતાને ખબર છે.

No comments: