Search This Blog

10/05/2014

‘અસલી નકલી’ (’૬૨)

ફિલ્મ: ‘અસલી નકલી’ (’૬૨)
નિર્માતા : એલ. બી. લછમન
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
સંગીત : શંકર – જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર – હસરત
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, સાધના, સંધ્યા રૉય, નઝીર હુસેન, મુકરી, અનવર હુસેન, લીલા ચીટણીસ, હરિ શિવદાસાણી, મોતીલાલ, ઇંદિરા ‘બિલ્લી’ અને કેશ્ટો મુકર્જી


ગીતો:
૧. છેડા મેરે દિલને તરાના તેરે પ્યાર કા...................... મુહમ્મદ રફી
૨. લાખ છુપાઓ છુપ ના સકેગા રાઝ હૈ........................લતા મંગેશકર
૩. એક બુત બનાઉંગા, તેરા ઔર પૂજા કરૂંગા............... મુહમ્મદ રફી
૪. તુઝે જીવનકી ડોર સે બાંધ લિયા હૈ...........................લતા – રફી
૫. ગોરી જરા હંસ દે તુ, હંસ દે તુ, હંસ દે જરા................ મુહમ્મદ રફી 
૬. કલકી દૌલત આજકી ખુશિયા, અપની મહફિલ.........મુહમ્મદ રફી
૭. તેરા મેરા પ્યાર અમર, ફિર ક્યું મુઝકો લગતા હૈ...... લતા મંગેશકર

ફિલ્મ ‘અસલી નકલી’માં ૪૦ વર્ષની ઉંમરના દેવ આનંદને જોયો, તો હજી માનવામાં આવતું નથી કે, ખરેખર હું આ મહાન હસ્તિને બે કલાક મળ્યો છું?... અને એ ય એ બન્ને એકલા....! અરે પ્રભુ.... એના જમાનામાં એ કેવો હૅન્ડસમ લાગતો હતો ! આપણને તો એની પાછલી ઉંમરના ઘડપણના ફોટા કે ટીવી ઇન્ટર્વ્યૂઝ યાદ રહી ગયા છે અને એની પહેલાની ફિલ્મો જોવા માંડો તો લહેર આવી જાય આપણને પણ એના જેવા સુંદર દેખાવાની! કપડાં પહેરવાની ય એની એક અદાયગી હતી. ગુચ્છો પાડેલી એની હૅર–સ્ટાઇલની નકલ બધા નહોતા કરી શકતા, જે કરી શકતા, એ પોતાને દેવ આનંદથી કમ નહોતા સમજતા. એની કેવળ ચાલ જોવા છોકરીઓ કેવી કંટ્રોલ બહાર થઇ જતી ! સંવાદ બોલવાની એની સ્પીડ અને આરોહ – અવરોહ એને બોલતો જ રાખે, એવું મન થતું. ઍન્ડ યસ... એક્ટિંગમાં પણ દિગ્દર્શક સારો મળ્યો હોય તો છવાઇ જતો આપણો દેવ. વાંકા ચાલવાની, ડોકી હલાવવાની કે એક મિનિટે ય હખણા નહિ ઊભા રહેવાની એની મૅનરિઝમ્સ તો આજે અપ્રસ્તુત લાગે છે... એ જમાનામાં એ નખરા યુવાનો અપનાવતા હતા.

... ને સદનસીબ આપણું કે ઋષિકેશ મુકર્જી જેવા પ્રણામયોગ્ય દિગ્દર્શકના હાથમાં દેવ આવ્યો ને એકની સાથે એક ફ્રીમાં અત્યંત ખુબસુરત છતાં ઉત્તમ અભિનેત્રી સાધના પણ આવી. ને આજે ફરીથી ‘અસલી નકલી’ જોનારાઓ ફાવી એટલે જવાના કે, ભારતીય ફિલ્મોના આજ સુધીના સર્વોત્તમ સંગીતકારો શંકર – જયકિશનના લતા – રફીવાળા ગીતો સાંભળવા મળશે.

કહે છે કે, ઘટના કોઈ ઉત્તમ ઘટવાની હોય તો બધું સારૂં જ બનતું જાય છે. આ ફિલ્મની વાર્તામાં ય કોઇ દમ હતો. આજે ય આ વાર્તા પ્રસ્તુત લાગે છે : 

દેવ આનંદ કરોડપતિ દાદા (નઝીર હુસેન)નો પૌત્ર આડેધડ પૈસા ઉડાવે છે. ભણ્યો ગણ્યો કાંઇ નહિ, પણ શરાબ, સુંદરી અને રૅસકોર્સમાં પૈસા લૂંટાવતો જોઇને એના દાદા અપમાન કરે છે કે જાતે તો એક રૂપિયો કમાઈને બતાવ. દાદાએ દેવ આનંદનું એમનાથી ય વધુ પૈસા પાત્ર બાપની પુત્રી (ઇંદિરા બિલ્લી) સાથે લગ્ન નક્કી કરી રાખ્યું છે, જેમાં દેવ આનંદને કોઇ રસ નથી. અપમાન સહન કરવાને બદલે દેવ ઘર છોડીને ચાલ્યો જાય છે ને એક રાત શહેરના બગીચામાં વીતાવે છે. ‘ગાંવકી બસ્તીવાલા’ અનવર હુસેનના પરિચયમાં આવતા અનવર દેવને પરાણે એના ઝૂંપડામાં લઇ જાય છે, જ્યાં એની બહેન (સંધ્યા રૉય) દેવને પણ પોતાનો ભાઈ માનવા માંડે છે. બસ્તીના અભણ લોકોને ભણાવવા આવતી સાધના સાથે દેવને પરિય–પ્લસ–પ્રેમ થતા સાધના આવા અભણ દેવને પોતાની જ ઑફિસમાં નોકરી અપાવે છે. પણ બિલકુલ અણઆવડતને કારણે ડોબાભ’ઇને કાઢી મૂકવામાં આવે છે. પ્રેમ પાંગરતો જાય છે, પણ આ બાજુ ડોહા હખણા બેસતા નથી અને સાધનાને ધમકાવીને દેવને છોડી દેવાની ‘લુખ્ખી’ આલે છે. દેવ ગુસ્સે તો થાય છે, પણ સાધનાને બ્લેક–મેઇલ કરીને ડોહા દેવને ઈંદિરા બિલ્લી સાથે લગ્ન કરવા મજબુર કરે છે. પણ હુતો–હુતી બન્ને ઇરાદાઓમાં મક્કમ રહેવાને કારણે છેવટે સૌ સારાવાનાં થાય છે. 

દેવ આનંદ અને સાધના–બન્ને એ પછી તો નવકેતનની જ ફિલ્મ ‘હમ દોનો’માં આવ્યા. સાધના તો રાજ કપૂર સાથે પણ આવી. નવાઈ લાગે કે, એ સમયની ટોચની મોટા ભાગની હીરોઇનો દિલીપકુમાર સાથે આવી, પણ નાના ભાગની ધણી સાવ ન પણ આવી. ગીતા બાલી, નૂતન, માલા સિન્હા, નંદા, આશા પારેખ કે એવી અન્ય હોરોઈનો પ્રથમ હરોછની હોવા છતાં દિલીપ સાથે ન આવી. દિલીપ્ મોટા ભાગે વહિદા, મીના કુમારી, વૈજ્યંતિ કે સાયરા બાનુ સાથે જ કામ કર્યું, એનું એક કારાણ એ પણ હતું કે અપવાદોને બાદ કરતા દિલીપ એક વર્ષમાં એક જ ફિલ્મ હાથ પર લેતો. સાધના તો શક્ય છે કે, એની હીરોઇન તરીકે ઘણી નાની પણ પડે.

અલબત્ત, સાધના કોઈ પણ હીરો સાથે અભિનયમાં લગ્ગીરે નાની પડે એવી નહોતી. શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, દેવ આનંદ, રાજ કપૂર, મનોજ કુમાર, સુનિલ દત્ત, શશી કપૂર એના મનગમતા હીરો હતા, પણ ગેરકાયદેસર ઢબે એનું નામ ક્યારેય કોઇ હીરો સાથે જોડાયું નહોતું. રાજેન્દ્ર કુમાર અને સાધના છેવટ સુધી એકબીજાના પારિવારિક દોસ્તો રહ્યાં, પણ એના જ કાકાની છોકરી બબિતા સાથે જીવનભર બોલવાના ય સંબંધો કેમ ન રહ્યા, એ રહસ્ય આજ સુધી વણઉકલ્યું છે. એ તો આજે કુદરતે એની સુંદર આંખો સાથે ક્રૂર મશ્કરી કરી છે અને એને આંખોનું કેન્સર આપી દીધું છે, પણ વિધવા થયા પછી પણ મુંબઇમાં એ ખુમારીથી એકલી રહે છે. મોતીલાલ જેવા ગ્રેટ કલાકાર સાથે ઋષિ દા ને રામ જાણે કયો વાંધો પડ્યો હશે કે, આ ફિલ્મમાં શરૂઆત પૂરતો પાંચેક મિનિટનો રોલ આપીને ગૂમ કરી દેવાયો છે. નહિ તો રાજ કપૂર–નૂતનવાળી ફિલ્મ ‘અનાડી’માં ઋષિ દા એ અણમોલ કામ મોતીબાબુ પાસેથી લીધું હતું. અશોક કુમારના જમાનામાં હીરોઇન હોવા છતાં પૈદાયિશી બુઢ્ઢી જ લાગે, એ લીલાબાઈ ચીટણીસે જીવનના આખરી દસકાઓ અમેરિકામાં ગૂજાર્યા ને ત્યાં જ દેહ છોડ્યો હતો. એ ય નઝીર હુસેનની માફક બારમાસી રોતડી જ હતી... (ફિલ્મો પૂરતી) જ્યારે ફિલ્મના ટાઇટલ્સમાં ત્રીજા નંબરનું મહત્ત્વનું નામ મૂકાયું છે તે બંગાળી અભિનેત્રી સંધ્યા રૉય આ ફિલ્મ પહેલા કે પછી ક્યારેય દેખાણી જ નહિ. જો કે, દેખાવા જેવું બહેનમાં એવું કાંઇ હતું ય નહિ.

મારા માટે તો આજ સુધીના સર્વશ્રેષ્ઠ સંગીતકારો શંકર–જયકિશન જ... અને આ ફિલ્મમાં સંગીત એમનું છે. એક વાત સમજી લેવા જેવી છે. ગીત–સંગીતમાં ઝનૂન ન બતાવો. મને શંકર–જયકિશન ઓલ–ટાઇમ–બેસ્ટ લાગે છે, એનો અર્થ એવો નહિ કે, ઓપી, નૌશાદ, મદન મોહન, કે સી. રામચંદ્ર રૂપીયા ભારે ય ઓછા ગમે. બેવકૂફો જ એકલા મુહમ્મદ રફી કે એકલા કિશોર–મૂકેશના ચાહકો હોઇ શકે, જે બીજા સંગીતકાર ગાયકોને ઉતારી પાડતા હોય. આપણા માટે સંગીત પહેલું છે, માટે અઅ બધામાંથી કોક વધારે ગમી જાય, પણ એમની લાઈનના બીજા કલકારો દાળવડાં કે ભાજી–પાઉંના કારીગરો નથી... આપયા સમયના તમામ ગાયક–સંગીતકારોએ અઅપણને આ કે પેલી ફિલ્મમાં ઘણું આપ્યું છે. કદર સહુની થવી જોઇએ... કોઇ એક તમને વધારે ગમી જાય, એ તો બનવાનું પણ બીજો કોઈ ન ગમે, એવી બેવકૂફી ન નોંધાવો.

શંકર–જયકિશનને જ જુઓ. ગામ આખું જાણે છે કે, એ બન્ને રાજ કપૂરના ‘ખાસ’ હતા, પણ દિલીપકુમાર કે દેવ આનંદની કોઇ પણ ફિલ્મોમાં એ લોકોએ સંગીત તો રાજ કપૂરની ફિલ્મો જેવું જ આપ્યું છે. અહીં લતા કે રફી, બે જ ગાયકોને લીધા છે. બહુ ઓછાને ખબર છે કે, બન્ને વચ્ચે ઊભું ય બનતું નહોતું ને બે–ત્રણ વાર તો સાવ છુટા પણ પડી જવાની દહેશત ઊભી થઇ હતી. પણ સંગીતની વાત આવે ત્યારે બન્ને એકબીજાને દમદાર સપોર્ટ આપ્યો છે.

‘યે મેરા પ્રેમપત્ર પઢકર, કે તુમ નારાઝ ન હોના...’ એ ફિલ્મ ‘સંગમ’નું ગીત એણે બનાવ્યું હતું, એવું ભોળાભાવે કોક પત્રકારને કહેવાઈ જતાં ભગવાન શંકરની જેમ આપણા શંકર કોપાયમાન થઇ ગયા ને જયકિશન સાથેના સંબંધો કાપી નાંખ્યા. શંકરે ‘સૂરજ’ નામથી અલગ સંગીત ચંદ્રશેખરની ફિલ્મ ‘સ્ટ્રીટ સિંગર’માં આપ્યું તો જયકિશને શંકરનું નામ કાઢી નાંખવાની બદમાશી ના કરી અને રામાનંદ સાગરની ફિલ્મ ‘આરઝૂ’માં એકલું સંગીત બનાવ્યું, પણ નામ તો ‘શંકર–જયકિશન’ જ રાખ્યું. પણ કવ્વાલી બનાવતા ભાઈને આવડે નહિ, એમાં તો શંકર પણ ઢીલા પડે, છતાં બહારનું ખાઇ જાય, એના કરતાં પોળનું કૂતરૂં ઘીવાળી રોટલી ભલે ખાઇ જાય, એ ધોરણે જયકિશને ફિલ્મ ‘આરઝૂ’ની કવ્વાલી ‘જબ ઇશ્ક કહીં હો જાતા હૈ, તબ ઐસી હાલત હોતી હૈ...’ શંકરને બનાવવા આપ્યું. શંકરે પણ લાગ જોઇને સોગઠી મારી દીધી. એક બાજુ જયકિશનને આખી ફિલ્મનું સંગીત આપવા માટે જેટલા પૈસા મળ્યા હતા, એટલા શંકરે જયકિશન પાસેથી માંગી લીધા અને જયને આપવા પણ પડ્યા, બહુ મોડે મોડે બન્ને વચ્ચે નામનું સમાધાન થયું હતું.

ગીતકારો શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે આમ ઘર્ષણો નહિ. હરિફાઈ તો બન્ને વચ્ચે અફકોર્સ હતી, પણ એકબીજાને પાડી દેવાના કે જાહેરમાં પોતે પેલા કરતાં ચઢીયાતો છે, એવું બતાવવાનો કોઇ પ્રયાસ નહિ. આ ફિલ્મમાં તો શૈલેન્દ્રના ફક્ત બે જ ગીતો છે.... અર્થાત્, શંકરે ફિલ્મ ‘અસલી નકલી’ના બે જ ગીતો બનાવ્યા હતા. એક વણલખ્યો છતાં અપવાદ સાથેનો નિયમ હતો કે, શૈલેન્દ્રએ લખેલા ગીતોની ધૂન શંકર બનાવે ને હસરત જયપૂરીના ગીતો જયકિશન બનાવે.

લતા મંગેશકર કે મુહમ્મદ રફીના તો બધા ગીતો આપણને ગમે જ, પણ જરા જો જો.... આ ફિલ્મના તમામ ગીતો તમને ગમે જ છે...

No comments: