Search This Blog

21/05/2014

અમેરિકાના થીયેટરમાં

અમેરિકામાં પગ મૂકતા પહેલા બે વાતો નિર્ણયના તબક્કે લઇને આવ્યો હતો. એક કે, અમેરિકાના વૈભવ કે જાહોજલાલીથી શક્ય છે, હું પ્રભાવિત થઇશ, પણ અંજાઇ નહિ જઉં ને બીજું, અમેરિકાથી અંજાઇને મારા દેશને મારા ગુજરાતીઓને ઉતારી નહિ પાડું. ''જોયું... લાઇનો તો અહીં પણ હોય છે ને કેવા બધા-એકબીજાથી મિનિમમ ત્રણ-ત્રણ ફૂટનું અંતર રાખીને ઊભા રહે છે...! કોઇ બૂમાબૂમ નહિ... કોઇ ધક્કામુક્કી નહિ... ને આપણે ત્યાં...? એ ટોપા... તારો બાપો અહીં કલાકથી લાઇનમાં મર્યો છે... ઘુસે છે શેનો?''

ઘુસ મારવાની વાત તો બહુ દૂરની છે. અહીં તમારી આગળ ઊભેલાને રીક્વૅસ્ટ કરો કે, 'મારે જરી ઉતાવળ છે... તમારી આગળ જઉં...?' તો ચેહરા પર અમેરિકન સ્માઇલ સાથે ''ઓહ શ્યૉર...' કહીને મારગડો કરી આપે... અને, આપણા દવે સાહેબ મૂળ તો ખાડીયાના ને? બસ, જ્યાં ને ત્યાં એમ જ ઘુસે રાખ્યા... હઓ!

યસ. અહીં આવે આજે સવા મહિનો થયો પણ મારી બીજી પ્રતિજ્ઞા યથાવત છે કે જેવો છે, એવો ભારત દેશ મારો છે. થોડું ઘણું અહીંનું સારૂં છે, તો ઇન્ડિયામાં ય ઘણું ઘણું સારૂં છે. કોઇનો મહેલ જોઇને પોતાનું ઝૂંપડું ફાલતુ ગણે, એવી પ્રજા ગુજરાતની નથી.

મારા ગુજરાતીઓ ગુજરાતમાં જ નહિ, અહીંયા ય હખણા રહે એવા નથી, પણ ભારત માટેનો દેશપ્રેમ બેશક ભારત કરતા અમેરિકાના ગુજરાતીઓમાં વધારે છે, એ વાત ડંકાની ચોટ પર કબુલવી પડે.

પણ પહેલી પ્રતિજ્ઞા ન પળાઇ... પેલી, અમેરિકાથી અંજાઇ નહિ જવાની પ્રતિજ્ઞા. મારા જીગરી દોસ્ત કૌશિક ગજ્જર સાથે ૧૦૨ માળના ''ઍમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ''ના ધાબે ચઢ્યા પછી (૮૮-મા માળથી ઉપર નથી જવાતું... નીચે ય લિફ્ટમાં જ પાછું અવાય...) એ અગાશીયેથી ઠેકડો મારવો કે મરાવવો હોય તો ય બંદોબસ્ત સખ્ત છે. બહુ તમન્નાઓથી વાઇફ અને એની માં ને ઉપર સુધી લઇ આવ્યા હો, તો ય બાકીના સપના નીચે ઉતર્યા પછી જ પૂરા થાય... ઉપર એવી કોઇ ફૅસિલીટી નથી.) વિમાનોની વાત જુદી છે, બાકી કોઇ માણસ આટલી ૮૮ માળની ઊંચાઇથી ધરતી પરનું જીવન જોઇ શકતો નથી.... ત્યાંથી પોતે કેટલો ઊંચે છે, એ નહિ, બીજા કેટલા નીચે છે, એ જોવાનો અહમ સંતોષાય છે.

અભિમાન તો ત્યારે ઉપડે કે, અહીંના આપણા ગુજરાતીઓ ખૂબ જામ્યા છે. હજી મુંબઇમાં ઘરનું મકાન (''ઘરનું ઘર'' ના કહેવાય, 'ઈ... જરા સુધરો. મકાન ખરીદો એની સાથે એ લોકો તૈયાર ફૅમિલી આલતા હોય, તો ''ઘરનું ઘર'' બોલાય.) લેવાના ફાંફા પડે છે, ત્યાં અમેરિકાના મોટા ભાગના ગુજ્જુઓ પૅલેસ જેવા મકાનમાં રહે છે... પોતાના પૅલેસમાં. જે ભોજન અમેરિકાનો પ્રેસિડૅન્ટ બરાક ઓબામા લે છે, એ જ આપણા ગુજરાતીઓ લે છે.... જો કે, અહીં પ્રથા એવી છે કે, અહીં ''પેટ ભરવાનો'' સવાલ છે, ત્યાં સુધી જે અનાજ-પાણી ઓબામા વાપરે છે, એ જ અહીંનો દરેક નાગરિક ખાય છે. જમવા માટે અમેરિકા માત્ર સસ્તું જ નહિ, શ્રેષ્ઠ પણ છે. કોઇ ચીજમાં સૅકન્ડ-ક્વૉલિટી ન હોય.

યસ. બ્લૅક લોકો અહીં ચારે તરફ દેખાય છે. ઉંચ-નીચ હશે, તો ય નરી આંખે જોવા ન મળે. બ્લૅક ઓબામા રહે છે વ્હાઇટ હાઉસમાં... બ્લૅક-હાઉસમાં નહિ!

હા, પણ અમેરિકનોનું ઈંગ્લિશ સૅકન્ડ તો જાવા દિયો, થર્ડ કે ફૉર્થ નહિ, અઢારમી ક્વૉલિટીનું હોય છે. ગ્રામર તો એમની મધરોના લગ્નો કરાવવા ગયું, પણ સાલાઓ જીભમાં રબ્બર ભરાઇ ગયું હોય, એવા શબ્દોને મચડી-ફચડીને બોલે. હું મરવાનો થાઉં છું, જો એમાંના કોકની સાથે થોડી ઘણી ય વાત કરવાનો પ્રસંગ ઊભો થાય. પણ એમ કાંઇ આપણા ગુજ્જુઓ કોઇનાથી પાછા પડે...? (જવાબ : જરા ય ના પડે... જરા ય ના પડે... હોઓઓઓ' : જવાબ પૂરો)

મારે કોઇ ધોળીયા સાથે વાત કરવાની આવે ત્યારે હું, બહેરો-મૂંગો થઇ જઉં છું..... પછી એ લોકો મરે...! મને બધું સંજ્ઞાઓથી સમજાવવું ના પડે? મારો જીવનમંત્ર છે. મરવાનું હોય તો સામેવાળાને પહેલો ચાન્સ આપવો. એમાં ય, કોઇ બ્લૅકની સામે આવો તબક્કો આવે ત્યારે જલસા ય પડી જાય છે. એ લોકોની તો ડાન્સિંગ-લૅગ્ગવૅજ છે. બોલતી વખતે જ નહિ, ચાલતા ય એ લોકો ડાન્સ કરતા હોય, એવા ઝૂમે છે. એક નાનકડું વાક્ય બોલવા માટે આખા બૉડીના ૭૦ હજાર વળાંકો આપશે. અડધી વાત ખભાથી હાથના પંજા હલાવી હલાવીને કહેશે. દરેક વાતની શરૂઆત ''એય ડૂડ...વ્હોટ બ્રિન્ગ્સ યૂ હીયર, માન...?'' (પુરૂષ એટલે 'મૅન'નો ઉચ્ચાર એ લોકો, 'માન' કરે છે... ને 'ડૂડ' એટલે કે, 'આપણું, ''કેમ છો, ગુરૂ?'') પછી તો હવે હું કંટાળું એટલે કોઇને કોઇ બ્લૅકને ઊભો રાખીને, આવો અજાણ્યો બનીને વાતો કરવા માંડુ, જાણે મને સમજ પડતી નથી. (એ વાત જુદી છે કે, બે વખત, ''હેં-હેં?'' પૂછો એટલે અહીંની ફૅવરિટ 'માં' ઉપરની સૌથી ગંદી ગાળ સાંભળવા મળે.... કોઇ પંખો ચાલુ કરો!)

આપણે ત્યાં હું ઈંગ્લિશ લૅક્ચરો આપી શકું છું, પણ અહીં બધી ચાકીઓ બંધ થઇ જાય છે, જ્યારે આ લોકોની સાથે વાત કરવાની આવે છે. એ લોકોનો એક શબ્દ ય હું સમજી શકતો નથી. લેવા-દેવા વગરનું, ''ઓહ, યા યા...'' કરવામાં ભરાઇ પડાય, એના બદલે મારે આપણા ઈન્ડિયન ઈંગ્લિશમાં કહેવું પડે, ''હું તમારા ઈંગ્લિશ ઉચ્ચારો (સ્લૅન્ગ) સમજી શકતો નથી... પ્લીઝ, ઓછી સ્પીડમાં વાત કરશો?'' જવાબમાં મારી મજાક ઉડાડવાને બદલે અમેરિકનો મને ઍડજસ્ટ થઇને એવું સરસ બોલશે કે, એમના ઈંગ્લિશ કરતા એમની ડીસન્સી ઉપર અહોભાવ થઇ જાય.

અહીંના મલ્ટિપ્લૅક્સમાં મારા જુના દોસ્તો રાજકમલ પટેલ (સલાટપુર-સાબરકાંઠા) અને શિરીષ ભટ્ટ (મારા ખાડીયાના નાના સુથારવાડાનો 'માસ્તર') સાથે હું 'કૅપ્ટન અમેરિકા' જોવા ગયો. ફખ્ર થાય કે, આપણા ગુજરાત-મુંબઇના થીયેટરો એક દોરો ય ઉતરતા નથી. હા, ઑનેસ્ટીની વાત કરવી હોય તો, અહીંના થીયેટર માલિકો 'ચીટર્સ' નથી. ઠંડી ફેફસાં ફુલાવી દે એવી અને એમાંય વરસાદ.... માનવામાં નહિ આવે, પણ આખા થીયેટરમાં અમે ત્રણ જ ને છતાં, 'ધ શો મસ્ટ ગો ઑન...'ના ધોરણે શો પૂરો થયો. સવાલ એ છે કે, અમે ત્રણ ન હોત તો? તો ય તદ્દન ખાલી થીયેટરમાં ફિલ્મ ચાલી હોત? અફ કૉર્સ ચાલી હોત! અને ચાલે પણ છે. સિનેમા-માલિકો ફિલ્મ બનાવનાર સ્ટુડિયો સાથે કૉન્ટ્રાક્ટથી બંધાયેલા હોય છે. હજી આજે પણ અમદાવાદમાં મલ્ટીપ્લૅક્સ થીયેટરોમાં છેલ્લી ઘડીએ શૉ કૅન્સલ થવાની કે આખેઆખી ફિલ્મ બદલી નાંખવાની પરંપરા ચાલુ છે. અહીં પણ પૉપ કૉર્નના કૉમ્બો મળે તે અડધી ડોલ ભરીને મળે. ચાલુ ફિલ્મે તમે બધું ઝાપટી જાઓ તો ફ્રી-રીફિલ મળે, મતલબ કે, એક વાર પૈસા આપી દીધા પછી કૉકા કોલા કે પોપ કૉર્ન જોઇએ એટલી ફ્રીમાં મળે... તારી ભલી થાય ચમના... સાલું પોતાનું અને એક જ આપ્યું છે, નહિ તો આપણો ઇરાદો તો ડિનર લઇને જ આવવાનો હતો, 'ઇ! એક ટિકીટના દસ ડૉલર વસૂલાતો કરવાના કે નહિ?

ટીવી પર મને જોયા પછી અનેક ગુજરાતીઓએ કહ્યું, ''...ટીવી પર તો તમે સાવ ઉલ્લુ જેવા લાગતા'તા...!''

રૂબરૂમાં ઉલ્લુમાં ફેરફાર કરીને હું બીજા કોઇ જાનવર જેવો લાગતો હોઇશ, એ ઘટસ્ફોટ નથી થયો. (જો કે, સાઇડ-ફૅસથી હું સાલો ઉલ્લુ જેવો લાગું છું પણ ખરો....!)

સિક્સર

કૅટ્સકિલ-ન્યુયૉર્કના ડૉ. અશ્વિન હી. પટેલની મજાક... ''ભાજપ 'રામ'માં માને છે ને કોંગ્રેસ 'રોમ'માં...''

No comments: