Search This Blog

14/05/2014

ચલો ભ'ઈ... હસાવવા માંડો

ઇંગ્લિશ આપણા માટે કાયમનો પ્રોબ્લેમ રહ્યો છે... (ઈંગ્લિશ એટલે ઈંગ્લિશ દારૂ નહિ !) આપણે ત્યાં અમેરિકાથી આવતા સગા કે યારદોસ્તોને એટલું જ બતાવવું હોય છે કે, આપણને બી ઈંગ્લિશ આવડે છે, એટલે ''યા... યા'' કરતા ઈંગ્લિશમાં મંડી પડીએ છીએ. એમાંનું પેલા કેટલું સમજ્યા ને મનમાં કેટલું હસ્યા, એ આપણે જોવાનું નથી. આ તો અહીં આવ્યા પછી ખબર પડી કે, મોટા ભાગના ગુજ્જુઓને અહીં પણ ઈંગ્લિશ બોલતા આવડતું નથી. 'આઈ ડઝ નોટ નો'વાળા તો બહુ મળ્યા. ૨૫-૩૦ વર્ષોથી અમેરિકામાં રહેવા છતાં ઈંગ્લિશને નામે ભોપાળું છે. યસ. અહીં જન્મેલા કે ભણેલાઓ ઈંગ્લિશ બોલે છે અને તે પણ અમેરિકન-ઈંગ્લિશ, પણ એમનું પાછું ગુજરાતી સાંભળવા જેવું... ''હેઈ સિડ... તારે વોક કરવા આવવું છે ?'' (સિડ એટલે કોબીજનું કે ચણાનું બીજ નહિ, 'સિડ' એટલે અહીંના દેસી 'સિધ્ધાર્થ'નું 'સિડ'.) આપણા દેસીઓએ અહીંના પોતાના નામો ય ઈંગ્લિશ અને ટુંકા કરી નાંખ્યા છે. મહેશ 'મેક્સ' થઈ ગયો છે. ચિન્મયનો 'ચેક્સ', 'હરિશનો પહેલા 'હેરી' થયેલો, પણ હવે નવી જનરેશન પ્રમાણે 'હેરી' 'હેક્સ' થઈ ગયો.'

થેન્ક ગોડ... ફાલ્ગુનનો 'ફેક્સ' કે સમિરનો 'સેક્સ' નથી થયો... કોઈ પંખો ચાલુ કરો... એક કામ પતે !

પણ ઈંગ્લિશ મૂકો તડકે, તો બીજી હરકોઈ દિશાથી આપણા ગુજરાતીઓ એઝ યુઝવલ... બેસ્ટ છે. પૈસા તો મન મૂકીને કમાયા છે. ઈન્ડિયાથી મેહમાન આવે ત્યારે મરી પડે છે. અહીં પૂરા અમેરિકામાં ગાડી લઈને ક્યાંય પણ જવાનું ૫૦-૬૦ માઇલથી કમ નથી, પણ આ લોકોને અમદાવાદમાં ગાડી ચલાવવાની ન હોવાથી માઇલોના માઇલો એક જ સ્પીડે વગર તકલીફે ગાડી ચાલે જાય છે. શર્ટ ઉપર એક ડાઘ પડતો નથી, કારણ કે ધૂળનું નામોનિશાન ન મળે. સફેદ સાડી પહેરીને રોડ ઉપર બેસી જાઓ તો પોસિબલ છે, રોડ મેલો થાય... સાડી નહિ ! મકાનો લાકડાના. ફલોર સીખ્ખે. દરેક મકાનમાં સેન્ટ્રલી હિટીંગ અને એર-કન્ડિશન્ડ સીસ્ટમ એટલે અમથું ય મકાન ચારેકોરથી મુશ્કેટાટ બંધ. ઘરમાં તો વાસણ માંજવાની ધૂળો ય ન મળે. અહીંના સ્ટોર્સમાં બધું મળે. વાસણ માંજવાની ધૂળ પાઉચ પેકિંગમાં મળતી હોય તો મેં 'કૂ... ૪-૫ પેકેટ ઈન્ડિયા લેતો જઉં. આપણે ત્યાં તો વાસણ માંજવાની ધૂળે ય ઈમ્પોર્ટેડ મળતી હોય તો ગુજરાતણો અભિમાન લઈ લઈને વાપરે એવી છે.

અહીં મારા એક પ્રવચન વખતે એક વૃદ્ધાએ આશીર્વાદ આપતા કહ્યું, ''તમારા જેવા બીજાને હસાવનારાઓની આ દેશમાં ખાસ જરૂરત છે. ૯૮-ટકા લોકો ડીપ્રેશનમાં જીવે છે. દેશમાંથી ઉપાડી લાવેલા ડોહા-ડોહી જ નહિ, નોકરી-ધંધો કરતા લોકો ય ખુશ નથી. હસવાનું ભૂલાઈ ગયું છે... અમને અમારો દેશ બહુ યાદ આવે છે.''

યસ. પ્રામાણિકતાપૂર્વક કબુલ કરવાનું હોય તો કહેવું પડે કે, અહીંના ગુજરાતીઓ આપણા કરતા વધુ દેશભક્ત કે ગુજરાતભક્ત છે. ગઈ મે મહિનાની પહેલી તારીખે ગુજરાત રાજ્યનો સ્થાપના-દિન હતો... ઓકે, ચલો બધા પ્રામાણિક બની જાઓ ને કબુલ કરી લો કે, આ વળી ક્યો દિવસ અમદાવાદ શહેર એહમદશા બાદશાહે બનાવ્યું હતું, પણ ગુજરાત કોણે બનાવ્યું, એની... સોરી, ખબર નથી, બોસ.

ત્યારે અમેરિકાના ગુજરાતીઓ શહેરે-શહેરે આ દિવસ રંગબિરંગી ઉજવે છે. મહાશિવરાત્રી, સંવત્સરી, જન્માષ્ટમી કે રામનવમી કરતા ૧૫મી ઓગસ્ટનું મહત્વ અમેરિકાના ગુજરાતીઓમાં વધારે છે. (બાય ધ વે... આ ૧૫મી ઑગસ્ટ... યૂ મીન, કેટરીના કૈફનો હેપી બર્થ-ડે તો નહિ ? ઓકે... એટલે પબ્લિક હોલી-ડે હોય... ! તારી ભલી થાય ચમના... ૧૫મી ઑગસ્ટ કેટરીનાના નહિ, તારી બા ના જન્મદિવસને કારણે ઉજવાય છે... એ દિવસે તને આઝાદ કર્યો, એ એમની ને તારા બાપાની મોટી ભૂલ હતી... !)

અલબત્ત, આ એક ઓવર-સ્ટેટમેન્ટ છે. માજી કહેતા હતા, એમાં સત્ય હોય તો ૫૦-ટકાથી વધુ નથી. બાકીના ૫૦-ટકાઓને માફક આવી ગયું છે ને મૌજથી જીવે છે. પૈસો હરકોઈને ભરચક મળ્યો છે... એ વાત જુદી છે કે, વાપરવાનો ટાઈમ નથી. ઉપર બેસીને ચલાવવાને બદલે એક માણસ સાયકલ પકડીને દોડતો જતો હતો. કોઈકે પૂછ્યું, 'સાયકલ છે તો બેસીને જતા કેમ નથી ?' પેલાએ અકળાઈને જવાબ આપ્યો, ''અરે બાપા, અહીં બેસવાનો ટાઇમ કોની પાસે છે ?''

જે ટ્વિન-ટાવર્સને ઓસામા બિન લાદેનના વિમાનોએ ધરાશાયી કરી નાંખ્યા હતા, ત્યાં એક રૂપકડું નવું વર્લ્ડ ટ્રેડ સેન્ટર બન્યું છે, એની વાત ગયા હપ્તે કરી હતી, પણ એ વખતે હું જરા શરમાયો હતો. પણ હવે કહી દેવું પડશે કે, આવું એક ટાવર મારે પોતાના ખર્ચે અમદાવાદમાં બનાવીને મારા સસુરજીને ગિફટમાં આપવું છે... એ ફેમિલી સાથે રહેવા જાય, પછી પેલા બે વિમાનોની રાહ જોતો બેસી રહીશ.

મંદિરોની અહીં બોલબાલા છે. અમેરિકા આવીને ખાસ કરીને યુવાન-યુવતીઓ ગજબના શ્રધ્ધાળુઓ થઈ ગયા છે. બધા તો ના હોય પણ જેટલા છે, એ રોજ પૂરી નિષ્ઠાપૂર્વક ઈશ્વરના ચરણોમાં સર ઝુકાવીને નોકરી-ધંધો માંગે છે કારણ કે, અહીં અમેરિકાના પ્રેસિડેન્ટની પણ નોકરી સલામત નથી. રોજ સાંજે ઘેર આવે, ત્યાં સુધી જ નોકરી પાકી ગણવાની... બીજા દિવસથી નોકરીને બદલે મંદિરે જવાના દહાડા ય આવે.

ઓહ યસ. અહીં ભારત-પાકિસ્તાન જેવા વાડાં કે દુશ્મનાવટ થોડી બી નહિ. હું જે કોઈ પાકિસ્તાનીઓને મળ્યો, તે બધા પાકિસ્તાનની જેમ ભારતના ય ભરપુર વખાણ કરતા હતા. લતા મંગેશકર અને અમિતાભ બચ્ચન એમને પાગલપનની હદ તક વહાલાં છે. જગતના કોઈ પણ ક્રિકેટર કરતા સચિન તેન્ડુલકર વધારે મહાન છે, એવું મેં પાકિસ્તાનીઓ પાસેથી સાંભળ્યું. ધોળીયાઓ તો ધોળીયાઓના ઘરે ય જતા હોતા નથી (આપણી જેમ ચા-પાણી માટે બેસવા), ત્યાં પાકિસ્તાનીઓના ઘરે ઈન્ડિયનો વધારે હોય. મારી સંગીતની એક બેઠક એક પાકિસ્તાનીના ઘેર ગોઠવાઈ હતી અને આગ્રહ તોતિંગ કે, આજની બેઠકમાં મુહમ્મદ રફી અને મુકેશના જ ગીતો વગાડજો. હું નોન-વેજ ખાતો નથી (સાંભળું છું જરૂર... !) એ ધ્યાનમાં રાખીને મારી અલગ રસોઈ ગરમ પાણીમાં ઉકાળેલા વાસણમાં બનાવાઈ હતી. મેં અખ્તર હુસેનને પૂછ્યું, ''તમને નૂરજહાં અને લતા મંગેશકરમાંથી કોણ વધુ ગમે ?''

''ઈસમેં પૂછને કિ ક્યા બાત હૈ, જનાબ... ? લતા જૈસી તો પુરે જહાન મેં નહિ...''

અહીં રસ્તે ચાલતા માણસને પહેલું માન મળે. એ જતો હોય તો ભલભલી ગાડી રોકાઈ જાય. એનું જવાનું પૂરૂં થઈ જાય પછી જ ગાડી આગળ વધે. હું જરસી સિટીના એક રસ્તાના કોર્નર પર ઊભો હતો. મને ખબર નહિ, પણ હું રસ્તો ક્રોસ કરવાનો હોઈશ, એમ માનીને એક ગાડી ઊભી રહી ગઈ. મારૂં ધ્યાન નહિ. એમને એમ મિનિમમ ૪૦-૫૦ સેકન્ડ નીકળી ગઈ હશે, પણ હું ક્રોસ કરૂં નહિ, ત્યાં સુધી ગાડી એક ફૂટે ય આગળ વધે નહિ. બાઘાભ'ઈનું ધ્યાન ખેંચવા પેલીએ એક પણ વખત હોર્ન નથી માર્યું, એ ય માની લઈએ કે બહુ મોટી વાત નથી, પણ અચાનક ઊંઘમાંથી જાગીને ગલુડીયું ડોકી ઊંચી કરે, એમ મે સહેજ શરમથી ગાડીવાળીને જોઈને સ્માઇલ આપી એક કાન પકડીને 'સૉરી'નો ઈશારો કર્યો, છતાં એ ધોયળીએ હાથના ઇશારા વડે, ''ઈટ્સ ઓલરાઇટ'' કહીને સામું સ્માઇલ આપ્યું ને પછી ગઈ.

અહીં કલ્પના કરવા ખાતર મને અમદાવાદની કોઈ ગલીમાંથી ગાડી લઈને નીકળતી કોઈ બેન ચંપા યાદ આવે છે કે, આ સીન અમદાવાદમાં ભજવાયો હોત તો દ્રષ્ય કેવું હોત... ? કોઈ પંખો ચાલુ કરો...

આપણે લોચા પડે, ધોળીયાઓ સાથે વાત કરવામાં. આપણે બધા બ્રિટિશ ઈંગ્લિશ શીખ્યા છીએ, ત્યારે અમેરિકાનું ઈંગ્લિશ કઈ પોળ કે મોહલ્લાની ગાળો ભેગી કરીને બનાવ્યું છે, તે સમજાય નહિ. મોંઢામાં રબ્બર-બેન્ડ ચાવતા ચાવતા આપણે ઈંગ્લિશ બોલીએ, તો કદાચ એ લોકોને સમજાય, એમ માનીને મેં ય, એમના જેવા ઉચ્ચારો કાઢવાનો ટ્રાય માર્યો... ધોળીયો મારી સામે કોઈ પણ પ્રતિભાવ આપ્યા વિના સીધો રવાના થઈ ગયો.

સિક્સર
''સજ્જનો અને સન્નારીઓ, આજે આપણે ત્યાં અમદાવાદના મશહૂર કામેડિયન આવ્યા છે...'' ચલો ભ', હસાવવા માંડો. ન્યુયોર્કમાં એક સંચાલકે મારી આમ ઓળખાણ આપી.

No comments: