Search This Blog

02/05/2014

'અધિકાર' ('૫૪)

ફિલ્મ : 'અધિકાર' ('૫૪)
નિર્માતા : મહિપતરાય શાહ
દિગ્દર્શક : મોહન સેહગલ
સંગીત : અવિનાશ વ્યાસ
ગીતકારો : પ્રેમ ધવન નીલકંઠ તિવારી, દીપક, રાજા મેંહદી અલીખાન
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
થીયેટર : ખબર નથી. (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, ઉષા કિરણ, રાધાકિશન, નીરૂ, બાલમ, રેણુબાલા, રૂપમતિ, નર્મદા શંકર, યશોધરા કાત્જુ, દયા દેવી, કમલ, નૂરજહાં, બેબી શશી.



ગીતો
૧. એક ધરતી હૈ, એક હૈ ગગન, એક મનમોરા...... મીના કપૂર
૨. તિકડમબાઝી, મીંયા રાજી, બીવી રાજી....... કિશોર કુમાર
૩. બી.એ., એમ.એ., પી.એચ.ડી. ડીગ્રી લેકર બૈઠે હૈ...... આશા ભોંસલે
૪. દિલ મેં હમારે કૌન સમાયા...... કિશોર કુમાર - આશા ભોંસલે
૫. એક ધરતી હૈ, એક હૈ ગગન, એક મનમોરા (૨)...... મીના કપૂર
૬. કમાતા હૂં બહોત કુછ, પર કમાઈ ડૂબ જાતી હૈ....... કિશોર - ગીતા રૉય
૭. માટી કહે કુંભાર સે... માટી મેં મિલ જાના....... શંકર દાસગુપ્તા-કોરસ
૮. ઝીંદગી હસિન હૈ યે ઝીંદગી....... આશા ભોંસલે

કિશોર કુમારની કોઈ પણ ફિલ્મ જોવાનો તગડો ફાયદો એ કે, ફિલ્મ ગમે તેવી ફાલતુ હોય, કિશોર ફાલતુ ન હોય. 'બફૂનરી' એટલે કે બેવકૂફીભરી વાર્તાવાળી ફિલ્મોનો એ બેતાજ બાદશાહ હતો. પેલું કહે છે ને કે, કિશોરની ફિલ્મ જોવા જાઓ એટલે મગજ કોંગ્રેસને સોંપી દેવાનું.

બીજો ફાયદો એ થતો કે, એની ફિલ્મ તમને ગમી, ન ગમી, કોમેડી હોય કે કરૂણ, ફાલતુ હોય કે કલાસિક... (સૉરી, કિશોરની ફિલ્મ ક્લાસિક તો ક્યાંથી હોય?) પણ રોકડા રૂપિયા જેવો ફાયદો એ મળે કે, ફિલ્મ કિશોરની હોય ને સંગીત ભલેને રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલનું હોય, ગીતો તમારે તોફાની છતાં સુરિલા હોય! ગીતના શબ્દો ઉપર આપણે સાહિત્યકાર નહિ બની જવાનું, પણ ગીતોમાં તરખાટ મચાવતી એની હરકતો સાંભળીને બાળક બની જવાય... 'સાલો ગજબનું ગાય છે.' એવા કોમ્પ્લિમેન્ટ્સ અમારા ખાડીયાની લિંગોમાં અપાઈ જાય. મને યાદ છે, ખાડીયાના બે આજીવન કિશોર-ચાહકો હરિકેશ શુકલ (હરિકાકા) અને પ્રભાકર શુકલ (આજનો સુવિખ્યાત સ્ટેજ અને ટીવી આર્ટિસ્ટ)ને તો એ જમાનાથી કિશોરના આવા (તિકડમબાઝી...) જેવા ય તમામ ગીતો કંઠસ્થ. દરજીના ખાચાવાળો 'બાબલી' મૂળ તો તલત મેહમુદનો ચાહક, પણ કિશોરના આવા ભેજાંગેપ ગીતોનો તો એ ય ચાહક. બાય ધ વે, આ એ જમાનાની વાત ચાલે છે, જ્યાં ખાડીયામાં મુહમ્મદ રફી કે મુકેશ સિવાય કોઈ ગાયકને ચાહવો પાપ ગણાતું. ખાડીયાને હિંદુ-મુસલમાનના વિષયમાં ભરચક બદનામ કરવામાં આવતું રહ્યું છે, પણ રફી કે દિલીપ કુમારના 'સખ્ત મરો'... એટલે કે, 'ડાય-હાર્ડ' ચાહકો ખાડીયા સિવાય બીજે નહિ મળે...!

એમ પાછું જોવા જઈએ તો, કિશોરના પેલા તોફાની ચાહકો ગેલમાં આવી જાય, એવી આ ફિલ્મ 'અધિકાર' કોઈ કૉમેડી ફિલ્મ સહેજ પણ નથી...ને તો ય, ગુજરાતના મહર્ષિસમા સંગીતકાર અવિનાશ વ્યાસના સંગીતમાં કિશોરના બધા ગીતો તિકડમબાઝીછાપ છે. 'તિકડમબાઝી' બ્રાન્ડનું બીજું ગીત 'કમાતા હૂં બહોત કુછ, કમાઈ ડૂબ જાતી હૈ' (ગીતા દત્ત સાથે)માં અવિનાશભાઈએ મનમૂકીને કિશોર પાસે હરકતો કરાવી છે. 'દિલ મેં હમારે કૌન સમાયા...' ગીત તો પેલા 'આરાધના'ને 'અમરપ્રેમ' બ્રાન્ડના રોમેન્ટિક ગીતો સાથે લાઈનમાં ઊભું રહે એવું મેલડીભર્યું છે... રામ જાણે, એક એક ગીત મધુરું હોવા છતાં આજ સુધી મારા-તમારા સુધી આ ફિલ્મના ગીતો કેમ ન પહોંચ્યો! મને સૌથી વધુ ગમેલું 'એક ધરતી હૈ એક હૈ ગગન...' મીના કપૂરે પૂર્ણ મધુરતાથી ગાયું છે.

જુઓ. આ ફિલ્મ માટે ૫૦-૬૦ના દાયકાની લગભગ કોઈ ભી ફિલ્મ માટે... ફિલ્મ સારી હશે, એ અપેક્ષા જ નહિ રાખવાની! ૨૦-૨૫ ફિલ્મો જુઓ, એમાંથી એકાદી સારી નીકળે, તો ભોગ તમારા. વાર્તા, પ્રોડક્શન, અભિનય કે દિગ્દર્શન કે ઈવન, ફાઈટિંગ... ઢંગધડા એકે ય માં ન મળે, સિવાય કે સંગીત. આપણને આજ સુધી યાદ રહી ગયેલી ફિલ્મો એના સંગીતને આભારી હતી. ઘણી વાર ફિલ્મનું નામે ય યાદ ન હોય, પણ ગીત આખું આવડતું હોય!

પણ આઈ ટેલ યૂ... આ ફિલ્મ બધી જ રીતે સારી હતી. આઈ મીન, એટ લીસ્ટ તમે ભરાઈ પડો એવી તો નહિ જ, પણ જોઈ લીધા પછી ચર્ચા કરી શકો, એ લેવલની. કમ-સે-કમ, આજે પણ પ્રસ્તુત લાગે, એવો મુદ્દો આ ફિલ્મ 'અધિકાર'માં ઉઠાવવામાં આવ્યો છે. કિશોર છે, એટલે ગમે ત્યાંથી મારીમચડીને દર્શકોને હસાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો નથી. યસ, કિશોરની કૉમેડીના ચાહકોએ સમય બગાડવા જેવો નહિ... સારી ફિલ્મ જોવા માટે સોદો ખોટો નથી.

ફિલ્મની વાર્તા કંઈક આવી હતી :

શેખર (કિશોર કુમાર) તેની પત્ની લતા (નીરૂ) અને નાનકડી દીકરી શશી (બેબી શશી) સાથે નાનકડા ગામમાં રહે છે. નોકરીને કારણે મુંબઈ સ્થાયી થવાનું આવતા દોસ્તો એમને પાર્ટી આપે છે, પણ એમની ગેરહાજરીમાં આયાના ભરોસે મૂકેલી નાની શશી, ઘરમાં લાગેલી વિકરાળ આગમાં ફસાઈ જાય છે. સદનસીબે, કિશોર-નીરૂ સમયસર આવી પહોંચે છે, પણ બેબેેીને બચાવવા જતા નીરૂ જીવ ગુમાવે છે. કિશોર દીકરીને એના નાના-નાની (નર્મદા શંકર-દયા દેવી)ને ઘેર ઉછરવા મૂકૂૂીને મુંબઈ જાય છે. અહીં તે દોસ્ત ભૂષણ (બાલમ) અને તેની પત્ની માયા (રેણૂબાલા)ના ઘેર ચાર વર્ષ રહીને કંજૂસ રાધાકિશન (રાધાકિશન)ના મકાનમાં ભાડે રહે છે, એ શરતે કે પોતે કૂંવારો છે. અલબત્ત, રાધાકિશન પોતાની અર્ધ પાગલ બહેન યશોધરા (યશોધરા કાત્જુ)ને કોઈ પણ ભોગે કિશોર સાથે પરણાવી દેવા માંગે છે, પણ કિશોર અત્યંત ધનિક ઉષા કિરણના પ્રેમમાં પડી લગ્ન કરી લે છે. પોતે પરિણિત અને એક દીકરીનો બાપ છે, એ કહી શકતો નથી. ઉષા કિરણને ખબર પડતા એ કિશોરને છોડી દે છે...

બસ... જોવાનું એ રહે છે કે, આ સ્થિતિમાંથી કિશોર બહાર કેવી રીતે નીકળે છે!

ફિલ્મના દિગ્દર્શક મોહન સેહગલ હતા, એટલે થોડી ગેરન્ટી તો મળે કે, ફિલ્મ જોવી તો ગમશે. રેખા-નવિન નિશ્ચલવાળી 'સાવન ભાદોં' અને 'વો મૈં નહિ' એમણે બનાવી હતી. ફિલ્મનો સેન્ટ્રલ આઈડિયા ગમે એવો છે કે, તમે અગાઉથી બાલબચ્ચાવાળા બીજવર હો, એટલે કે બીજી વાર પરણો, એનો વાંધો નહિ, પણ તમારી પત્ની તૈયાર ગોડાઉન સાથે (એટલે કે, બાલબચ્ચાવાળી) આવે, તો તમે કેમ સ્વીકાર કરી ન શકો? (આમાં બહુ ઉત્સાહમાં આવી જઈને કોઈ જવાબ આપવાની જરૂર નથી. સવાલ તમને નહિ, કિશોર કુમારને... અને તે પણ ફિલ્મના હીરોને પૂછાયો છે. તમારા કેસમાં તો કોઈ એવી તૈયાર બાલબચ્ચાવાળી આવીને ઘેર ઊભી રહી જશે, તો માળીયે ચઢતા ય નહિ ફાવે!) ટુંકમાં, લેખકો આવા જનરલ સવાલો પૂછતા હોય ત્યારે ઓપ્શનમાં કાઢી નાંખવા સારા... સુઉં કિયો છો?

એ વાત જુદી છે કે, આ ફિલ્મની વાર્તાને તો સમજોને... સાઈઠેક વર્ષ થવા આવ્યા, છતાં મૅન્ટલિટી આપણા બધામાં બરકરાર છે. પુરુષ હાલમાં કે ભૂતકાળમાં કોકના પ્રેમમાં હોય, એ પોતે એને ગૂન્હો ન ગણે, પણ વાઈફનો કોઈ ભૂતકાળ બહાર આવે, તો એ માફ કરતો નથી. આ લેખ તો અત્યારે, હું અમેરિકામાં બેઠો બેઠો લખી રહ્યો છું, પણ યારદોસ્તોને પૂછ્યા પછી ખબર પડી કે, અહીં અમેરિકામાં ધોળીયા પુરુષોની મૅન્ટલિટી પણ એ જ છે. (પેલી કહેવત, આ જ અંદાજ પર પડી હશે કે, કાગડા બધે કાળા...!)

હીરોઈન ઉષા કિરણની સામે કિશોર આ ફિલ્મનો હીરો છે. કિશોરના નામની ચર્ચા કરવા માંડીએ, તો સવાર સુધી ચર્ચા ચાલે રાખે. પહેલો ઝગડો એ વાતનો થાય કે, કિશોર બેશક ઉત્તમ 'ઍક્ટરો'ની પંગતમાં બેસી શકે, એવો સ્વાભાવિક અભિનેતા હતો, પણ એ કાંઈ સર્વોત્તમ કૉમેડિયન નહતો. પણ એ તો, એનો વાંકે ય કાઢી શકાય એમ નથી, કારણ કૉમેડિયનની સફળતા સૌથી પહેલા સંવાદ લેખક અને બીજા દિગ્દર્શક ઉપર અવલંબિત છે. એ વખતમાં તો જાવા દિયો... કોઈ માનશે, ઈવન, આજની તારીખમાં ય આખા દેશમાં માંડ કોઈ ૪-૫ જૅન્યુઈન હાસ્યલેખકો બચ્યા છે. કટાક્ષ-લેખકો તો ભરપૂર છે, હાસ્યલેખકો ક્યાં?

જવાબ ખાલીખમ હોવાને કારણે, કિશોર પાસે કૉમેડીને બદલે વાંદરાવેડાં વધુ કરાવવામાં આવતા.

જોકે, અંગત જીવનમાં એના વાંદરાવેડા બેનમૂન હતા. જુવાનીમાં એ ઈન્દોરની કોલેજમાં દાખલ થયો, ત્યારે બીજા સ્ટુડેન્ટ્સ જે કાંઈ કપડાં પહેરે... ધેટ્સ ફાઈન, પણ કિશોરના મનમાં નાનપણથી કુંદનલાલ સાયગલ ફિટ થઈ ગયેલા, તે એમની કોઈ એક ફિલ્મમાં સાયગલ પહેરે છે, એવો ઢીંચણથી લાંબો કાળા રંગનો કોટ અને નીચે અસલ લખનવી ઘણી પહોળી પહોળી બાંયનો લેંઘો પહેરીને કોલેજ આવે. ઝૂલ્ફા ય વધારે પડતા લાંબા. છોકરાઓ મશ્કરી કરે... નો ફિકર, પણ ફૂટબોલનો શોખિન ને એમાં ય, કોલેજની મેચમાં સીલેક્ટ થઈ ગયો. કૉચે પહેલી શરત મૂકી, 'મેચમાં યુનિફોર્મ પહેરવો પડશે, આવા ગાભા નહિ ચોેલે...!'

હૂ કેર્સ...! પ્રિન્સિપાલ પાસેથી ગમે તેમ કરીને મંજૂરી લઈ આવ્યો ને ફૂટબોલની મેચ એ રમ્યો તો સાયગલ છાપ કપડાંથી જ! કૉમેડી એ વાતની છે કે, આવા કપડે એણે એક ગોલ પણ ફટકાર્યો.

એમ તો, આ આભાસકુમાર ગાંગુલીએ લગ્નજીવનમાં ય ચાર ગોલ ફટકાર્યા હતા, પણ ભા'ય ભા'ય... આપણા બધાના નસીબ એવા ઉજળા થોડા હોય છે... પડયું પાનું મધુબાલા સમજીને નિભાવી લેવાનું... ઈશ્વર આપણી રક્ષા કરે!

ઉષા કિરણ માટે તો અગાઉ ઘણી વાર લખી ચૂક્યો છું. થોડા વર્ષો પહેલા જ એ ગૂજરી ગઈ. એ કોઈ ગ્રેટ ઍક્ટ્રેસ નહિ હોવાને કારણે બહુ મોટા સ્ટાર્શ સાથે ભાગ્યે જ આવી. બી ગ્રેડના હીરો સાથે ય ઓકે...! એ જ રીતે, રાધાકિશન ૫૦ના દાયકાની ફિલ્મોનો બેતાજ બાદશાહ એની વિલનછાપ કૉમેડી માટે જાણીતો હતો. ગળામા રામ જાણે કઈ ગોળીઓ ખાઈને અવાજ કાઢતો કે, અવાજ જરા ઈરિટેટિંગ હોવા છતાં લોકોને એ યાદ બહુ રહી ગયો. રાધાકિશન ઉપરથી યાદ આવ્યું કે, અગાઉના કોઈ લેખમાં મેં લખ્યું હતું કે, રાધાકિશને પોતાના બિલ્ડિંગના આઠમાં માળેથી ભૂસકો મારીને આપઘાત કર્યો હતો. કાયમ ગમે ત્યાંથી ભૂલ કાઢીને ફોન કરનારા વાચકોનો તોટો નથી. એક વડિલે આદત મુજબ ફોન કરીને કીધું, 'આપની ભૂલ છે... રાધાકિશને આઠમા માળેથી નહિ, નવમા માળેથી ભૂસકો માર્યો હતો.'

આપણા જમાનાની આવી કાળી-ધોળી (બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ) ફિલ્મો જોવાની બીજી રીતે ય આવે મઝા! આ ફિલ્મ ૫૪ની સાલમાં બનેલી. હું તો બે વર્ષનો. દેખિતી રીતે ઇચ્છા થાય કે, હું જન્મ્યો ત્યારનું ભારત કેવું હશે, રીતરિવાજ કેવા હશે, ફેશનો કેવી હશે, વગેરે વગેરે... ઉત્કંઠાઓ ઘણી જાગે. ફિલ્મો આંખો-દેખી સાબિતી આપે. ગમ્મત પડે કે, હીરોલોગ-ભાઈલોગ ઘરમાં ય શૂટ પહેરીને ફરતા. હજી ગુલામી કોઈ ૮-૧૦ વર્ષ પહેલા જ ગઈ હતી, એટલે બધી અસર અંગ્રેજોની તેહઝીબ ચોરવાની ચાલુ હતી. સજ્જન દેખાવા માટે શૂટ પહેરેલો 'મસ્ટ' ગણાતો... ભલેને સુતરાઉ લૂગડાનો હોય! સ્ત્રીઓ બે ચોટલા વાળે, એટલે બહુ 'ફેસન મારે છે...' એવું કહેવાતું. ઘરમાં ટેલીફોન હોવો, એ તો બહુ મોટી વાત કહેવાય. લગભગ બધા પુરુષો વાંકડીયા વાળમાં વચ્ચે પાંથી પાડીને બોચી ઉપર લાંબા ઝફરીયા રાખતા. હીરોઈનો દુઃખ પડે ત્યારે ગમે તે ભોગે, કપાળ ઉપર આડો હાથ રાખીને આકાશમાં જોતી ગીત ગાય જ. ખુશ હોય ત્યારે ઘરના ફર્નિચરને આમથી તેમ ઊડાડયા વગર, રૂમઝુમ કરતી સાડા ત્રણ મિનિટમાં એક ગીત તો પૂરું કરે જ. રાત્રે મોડા ઘેર આવતા હીરો માટે ભારે કરૂણામય બનીને ઠેઠ અગાસીએ જઈને ચંદ્ર અને તારાઓ એના પૂજ્ય અને સ્વર્ગસ્થ પિતાશ્રીના નોકર હોય એમ એના ગોરધનને શોધી લાવવા માટે ઘરકામ સોંપે, 'ઓ ચાંદ જહાં વો જાયે, તુ ભી સાથ ચલે જાના. કૈસે હૈ કહાં હૈ વો, હર રાત ખબર લાના...હોઓઓ!' સાલું, અડધી રાત્રે આપણે ચંદ્ર-ફંદ્રનું કોઈ કામ પડયું તો, એ તો આ હીરોઈનના ગોરધને શોધવા ઉપડયો હોય, હવાર-હવાર સુધી ના આવે, તો આપણા કામો સૂરજને થોડા સોંપાય છે? કરેલું ય બધું બાળી નાંખે. આ તો એક વાત થાય છે!

એની વે... આ ફિલ્મ જોવાથી બળી જાય કે સુધરી જાય, એવું કાંઈ નથી. ગીતો માટે ય જોવાય (અને સંભળાય) એવી સુંદર ફિલ્મ છે.

(સીડી સૌજન્ય : હરેશ જોશી, વડોદરા)

No comments: