Search This Blog

05/03/2017

ઍનકાઉન્ટર : 05-03-12017

* સત્યના પ્રયોગો, મુગલ-એ-આઝમ અને દારૂ... આ બધું મિક્સ ક્યાંથી કરો છો? ('બુધવારની બપોરે'ના તમારા લેખના સંદર્ભમાં)
- ટીવી પર ન્યૂસ જોઈજોઈને કોઈની પણ બુધ્ધિ બહેર મારી જાય!
(ડૉ. પ્રકાશ મકવાણા, શંપારા-સિડસર)

* જો તમે બેરોજગાર એન્જિનિયર હો, તો શું કરો?
- મેં અમદાવાદના રેલ્વે-સ્ટેશન સામેની દુકાનો પર દોઢ-દોઢ રૂપિયામાં અગરબત્તીના પેકેટો વેચ્યા છે... હિમાભાઈ મિલમાં રોજના સાડા-ત્રણ રૂપિયાના પગારમાં કામદારની નોકરી કરી છે. એક સેક્સ-મેગેઝીનની ઑફિસમાં મહિને સો રૂપિયાના પગારમાં પટાવાળાની નોકરી કરી છે. સીધેસીધું 'એનકાઉન્ટર' લખવા નહોતું મળ્યું!
(સમર પરમાર, કલાણા-ધોરાજી)

* શું વેદને ભૂલ્યા એ 'દવે' કહેવાયા?
- 'દવે' એ મૂળ 'દ્વિવેદી'નું અપભ્રંશ છે. અંગ્રેજોને આટલો અઘરો ઉચ્ચાર નહોતો આવડતો, એટલે એમણે 'દવે' કે 'દૂબે' કરી નાંખ્યું.
(ઊર્મી હંસરાજ જોશી, વિથોન-નખત્રાણા)

* વિરોધ વ્યક્ત કરવા રસ્તા પર ઉપર દૂધ ઢોળી નાંખવું, એ સમાજદ્રોહ ન કહેવાય?
- દૂધની કિંમત ધાવણા બાળકની મા ન સમજે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* ખોટા માણસો જુઠ્ઠું જોરથી અને જાહેરમાં બોલતા હોય છે, એનું શું કારણ?
- ખાનગીમાં શું કામ બોલે?
(ધવલ જે. સોની, ગોધરા)

* ખાસ તમારી કૉલમ વાંચવા માટે 'ગુજરાત સમાચાર' બંધાવ્યું છે...
- તમારો ટેસ્ટ ઊંચો કહેવાય... સાબ મારા જેવો નહિ!
(સોનલ જોશી, ભાવનગર)

* તમે કોમર્સ કર્યું છે કે સાયન્સ?
- આ હિસાબે તમે ય માનો છો કે, હું કૉલેજ સુધી તો ભણ્યો હોઈશ!
(મોનિલ પટેલ, સુરત)

* શું  ૧૦૦૦/-ની નવી નૉટ ઉપર તમારો ફોટો આવી શકે?
- એ માટે આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સિવાય કોઈની લાયકાત નથી!
(રહીમ મલકાણી, ભાવનગર)

* અહીં અમેરિકામાં અમે ગુજરાતી દોસ્તો નોટબંધીથી ખુશ છીએ... શું કારણ હશે?
- ડૉલરબંધી થાય ત્યારે ખબર પડે!
(દુષ્યંત પટેલ, કોલમ્બિયા-અમેરિકા)

* એક પણ ગોળી છોડયા વિના સીધું એનકાઉન્ટર...?
- હું તો આડું એનકાઉન્ટરે ય કરું છું.
(ગૌતમ ડોબરીયા, અમદાવાદ)

* ગુજરાતી ફિલ્મોમાં આપના ફેવરીટ હીરો-હીરોઈન કયા?
- એકેય નહિ.
(આશિષ અજમેરા, મુંબઈ)

* ચારે બાજુ સ્ત્રીઓને જ કેમ વખોડવામાં આવે છે?
- કોઈ સામનો કરનાર હોતું નથી, માટે!
(જ્યોતિ રાજગોર, બદલાપુર-મહારાષ્ટ્ર)

* અક્ષયકુમાર રીયલ લાઈફમાં ય હીરો છે. સુઉં કિયો છો?
- આમાં મારો કોઈ વાંક હોય તો બતાવો.
(મનોજ ડબગર, ઘોઘંબા)

* મોદીજી વિશે એક જ શબ્દમાં અભિપ્રાય..?
- નરેન્દ્ર.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* માઉન્ટ એવરેસ્ટ તો ઘણાએ સર કર્યો... કૈલાસ પર્વત કોઈએ નહિ... આમ કેમ?
- તમે ખોટા માણસને ઝનૂન ચઢાવો છો.
(માધવ જે. ધ્રૂવ, જામનગર)

* અમુક વખતે તમારા જવાબો વાંચવાની મઝા નથી આવતી, તો શું કરવું?
- પ્રાર્થના.
(કોમલ ભટ્ટ, ધાણપ-ગાંધીનગર)

* લગ્ન વખતે લીધેલાં સાત વચનો કોઈ પાળે છે ખરું?
- મતલબ... તમારા ય પૈસા નથી આવ્યા, એમ ને?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી વિરાટ કોહલીના દાદા થાય?
- 'બલમા' તમારી બહેન થાય?
(રસિકભાઈ સ્વદાસ, સુરેન્દ્રનગર)

* ચલણનાબૂદી વિશે કાંઈ પ્રકાશ પાડશો?
- મારું કાંઈ ગયું નથી... હતું નહિ એટલે!
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* લોકોને શાંતિની જિંદગીમાં રસ રહ્યો નથી, એવું તમને લાગે છે?
- હા. મારેય ઘણાની પાસેથી લેવાના બાકી નીકળે છે.
(હિનલ કુવાડીયા, જંગવાડ-જસદણ)

* પાકિસ્તાનના એક આતંકવાદીને મારવાની ઈચ્છા છે...
- એમ કહોને, આખું પાકિસ્તાન સાફ કરવું છે!
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* સંસદમાં બુઢ્ઢાઓને ઝગડતા જોઈને બાળકો-યુવાનો શું ધડો લેશે?
- એ જ કે, ઝગડવા માટે બુઢ્ઢા થવાની રાહ જોવી.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* એક્સપ્રેસ-એર કન્ડિશન્ડ ટ્રેનને 'ગરીબ રથ' કેમ કહેવાય છે?
- કોઈ મજાકે ય ના કરે?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* ફિલ્મમાં રાષ્ટ્રગીત ગવાય તે સમાચાર ગૌરવભર્યા છે...
- બસ. સાધુ-મહાત્માઓની કથાઓમાં રામધૂનની સાથે સાથે રાષ્ટ્રગીત ફરજિયાત ગવાય, એ પણ સંતોએ જોવું જોઈએ.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જુનાગઢ)

No comments: