Search This Blog

29/03/2017

રીંછ સાથે રાત

ઘનઘોર અંધારી રાતનું જંગલ. ચંદ્ર-તારા ગાયબ હતા. તમરા બોલતા નહોતા. પવનથી સૂકું પાંદડું ઘસડાય તો એનો અવાજ સંભળાય, એવી નિરવ શાંતિ. આખી રાત ઠંડા પવનની મસ્તી માણવા પત્ની સાથે દોસ્તના ફાર્મ-હાઉસમાં ખાટલો પાથરીને હું સૂતો છું. વાઇફ પણ દેખાય નહિ, એવું અંધારૂં. (જો કે, એ તો જેને જોવી હોય, એને પ્રોબ્લેમ!) મને બહુ ડોડળીયો હતો કે, એકાદ રાત આવા ભીષણ જંગલમાં સૂવા માટે કાઢવી જોઈએ. પાલનપુર પાસેના જેસોરનું એ કાળમીંઢ જંગલ હતું ને જંગલી રીંછોનું અભયારણ્ય પણ ખરું. (એક કરેક્શનઃ રીંછની આગળ 'જંગલી' વિશેષણ લગાવવું એ મારી ભૂલ હતી. રીંછો જંગલી જ હોય, કોઈ 'પેજ-થ્રી' કલ્ચરના લોકો ના હોય! આ તો એક વાત થાય છે.) અભયારણ્યનો સરકારે કાઢેલો અર્થ એ કે, આપણાથી રીંછોને મારી ન શકાય, પણ આ વાત રીંછોને લાગુ ન પડે. એ લોકો આપણને મારી શકે. દેશમાં ન્યાય જેવું કાંઇ રહ્યું જ નથી.

અફ કૉર્સ, આપણે સામો હૂમલો કરી શકીએ, એવો ન્યાય પૉસિબલ પણ હોત તો પણ, હું રીંછને મારી શકું એટલો તાકાતવાળો નથી. હું તો મારા પડોસીને ય મારી શકતો નથી. એક વાર મારી તો દઈએ, પણ માર્યા પછી એ સામો વાર કરે, તો દેવાઈ જઈએ. આપણને કોઈને મારવા કરતા માર ખાવાની બીકો બહુ લાગે. થોડા વખત પહેલા અમદાવાદના ઝૂની મારી મુલાકાત વેળાએ મેં નોંધ્યું હતું કે, પિંજરે પૂરાયેલા રીંછે મારા આવવાની કોઇ નોંધ પણ લીધી નહોતી. એ તો આડું મોઢું કરીને પડયું હતું. 'સંબંધ તો બાંધો તો બંધાય', એ સમજ એ લોકોમાં ન હોય. અંદર જઇએ તો રીંછના આધાર-કાર્ડમાં આપણું નામ કુટુંબના 'સ્વર્ગસ્થો'ની યાદીમાં આવે.

રીંછ મારી પાછળ હોય, એવો મારે 'સેલ્ફી' લેવો હતો, પણ પિંજરાના સળીયા દેખાય તો, હું અને રીંછ બાજુબાજુમાં ઊભા છીએ, એવો ફોટો ન આવે. એમ તો, ટ્રાયલ પૂરતો એક સેલ્ફી લઈ પણ જોયો, પણ એમાં તો પૂર્વ જન્મના બે ભાઈઓ છુટા પડયા હોય, એવું લાગતું હતું. ઘરમાં મારી કૉલમ કોઈ વાંચતું નથી, એટલે નિખાલસતાથી લખી શકું છું કે, ફોટામાં રીંછ મારા કરતા વધુ રૂપાળું લાગતું હતું. જો કે, આટલી નિખાલસતા બતાવી છે તો એ પણ માની લેજો કે, રંગે હું રીંછ જેવો કાળો નથી. દસ-બાર ટકા માટે હું મેદાન મારી જઉં. હવે કોઇ પંખો ચાલુ કરો...

રીંછ લોકો આ બાજુ ફરકે જ નહિ, એની સાવચેતીના પગલાં સ્વરૂપે, રાત્રે ફાર્મ પર અમે મુશાયરો અને લોકસંગીતના કાર્યક્રમો ય રાખ્યા હતા કે એ ડરીને જતું રહે. એક પછી એક ખૌફનાક શે'રો અમે લોકો ય એકબીજાને ગાળોની જેમ સંભળાવતા હતા. અફ કૉર્સ, એક કવિએ ધ્યાન દોર્યું કે, આનાથી તો રીંછ ઉપરે ય ખરાબ સંસ્કાર પડે... ભગાડવું જ હોય તો, રાહુલ ગાંધીના ભાષણોની ટેપ સંભળાવો.

ગોદડું સજડબંબ ખેંચીને ઓઢ્યું હોવા છતાં ઠંડો પવન ટાયઢું ચઢાવતો હતો. હું અળસીયા જેવું ટુંટીયું વાળીને સુઈ શકું છું. એમાં આપણી માસ્ટરી. ડ્રોન-કેમેરાને આકાશમાં ઉપર લઈ જઈને ખાટલા સાથે મારો સૂતેલો ફોટો પાડો, તો સીતાફળ ઉપર જીવડું ચોંટયું હોય, એવો ખેતરની વચ્ચે પડેલા ખાટલા સાથે મારો ફોટો આવે. એમાં જો કે, પડખું ફરીને સુતેલો મારો સાઈડ-ફેસ સુંદર આવે.

સંજુ અને તેના પત્ની બાજુમાં બીજા બે ખાટલા પાથરીને સૂતા હતા. એમને ઊંઘો બહુ આવતી હતી પણ મન ફાવે એવી શે'ર-ઓ-શાયરીઓ કહીને હું એમને પરાણે જગાડતો હતો કારણ, મને બીક લાગતી હતી. બાહરી આક્રમણ સામે એક કરતાં બે ભલા, એ ધોરણે સંજુ જાગતો રહે, એમ હું ઈચ્છતો હતો. એ જો કે, એવું માનતો હતો કે, આ બન્નેને જાગતી જોઈને કોઈ રીંછ આપણી પાસે ફરકે નહિ. એ લોકોને ય જીવો વહાલા હોય. સંજુને શી રીતે સમજાવી શકું કે, એ તો આવનારું રીંછ પરણેલું હોય તો આ લોકોથી ફફડીને પાછું જતું રહે... વાંઢું નીકળ્યું ને દાનત બગાડી બેઠું તો...? આજકાલ તો રીંછો ઉપરે ય ભરોસો મૂકાય એવો નથી. બે અબળાઓ પહોંચી કેવી રીતે શકે?

એ લોકો તો કાળક્રમે સૂઈ ગયા. હું સુઈ ન શક્યો. રાત જેમ જેમ વધતી જતી હતી, એમ અંધારું ભયાનક બનતું હતું. મને નીંદરું નો આવે. બીક એ જ લાગ કે, જાગતો હોઉં ને ભાગવું પડે તો ય રીંછથી વધારે સ્પીડમાં ભાગી ન શકું અને ઘસઘસાટ કાર્યક્રમ ચાલતો હોય ને એ આવી જાય તો હજી વસીયતનામું કરવાનું ય બાકી છે. સુઈ નહોતો શકતો એટલે જમીન પર પગ મૂકીને થોડી વાર બેઠો તો બીક એ લાગી કે ક્યાંક એનાકૉન્ડા કે કિંગ કોબ્રા આવી જાય તો મારું લોહી તો બહુ મીઠું છે. મને તો કીડીઓ ચટકે, એ ય ન ગમે. પછી તો ક્યારે હું સુઈ ગયો, એની ખબર જ ન પડી. ઉઠતી વખતે વહેલી સવારે બન્ને હાથના આઠ આંગળા ભેગા કરીને હાથ આગળ ખેંચીને મીઠડું મજાનું બગાસું ખાઈ લઉં, એટલે હું ઉઠયો કહેવાઉં. આ લોકો મારાથી વહેલા ઊઠીને ફાર્મ-હાઉસમાં ચા-નાસ્તો કરતા હતા. મેં પહોંચીને પહેલો જ સવાલ પૂછ્યો, ''રાત્રે મારું ગોદડું કોણ ખેંચતું હતું...? માંડ ઊંઘ આવી ત્યાં તમે લોકો આમ ગોદડાં ખેંચો છો?''
અચાનક સોપો પડી ગયો. સહુ એકબીજાની સામે જોવા માંડયા. ''અમે તો... અમે તો ઊઠયા જ નથી... કોણે તમારું ગોદડું ખેંચ્યું?''

બધો જ જવાબ મને સતત ઉપડેલી હેડકીઓમાં હતો...!

''કટ્ટપ્પાને બાહુબલી કો કયૂં ''નહિ'' મારા ?''

સિક્સર
એક હતા કેજરીવાલ.
વાર્તા પૂરી.

No comments: