Search This Blog

26/03/2017

ઍનકાઉન્ટર : 26-03-2017

* ઈન્કમટેક્સની રેડ નેતાઓને ત્યાં કેમ નથી પડતી?
-
ખુદ ઈન્કમટેક્સવાળાઓને ત્યાં પડે છે?
 (
હિતેશ ગામીત, ઝાંખરી-વ્યારા)

* નેતાઓ પણ લાઈનોમાં ઊભા રહે, એનો કોઈ ઉપાય?
-
વિધાનસભા કે લોકસભામાં લંચની મોટી લાઈનો લાગે છે.
 (
કોમલ ના. બલીયા, રાજકોટ)

* 'એન્કાઉન્ટર'માં તમારો ફોટો કેમ છાપતા નથી?
-
લોકોને એમ ને એમ જ હસવું આવે છે.
 (
દીપક ચોણકર, નાની દમણ)

 
* ગાજરને શાક કહેવાય કે ફ્રૂટ?
-
ગાજરને ગાજર જ કહેવાય.
 (
વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)

 
* સલમાન ખાને મોબાઈલ ટૉયલેટ 'મનપા'ને અર્પણ કર્યું. શું માનો છો?
-
હા, પણ ટૉયલેટ મોબઈલ છે, એમાં એવું ન થવું જોઈએ, કે બેઠો હોય બોરીવલીમાં ને બહાર નીકળે ચર્ની રોડ!
 (
રશ્મિન એન. ભટ્ટ, જૂનાગઢ)

* યુવાનો વિદેશોની ફેશન અપનાવે છે... ત્યાં જેવી ચોખ્ખાઈ કે સમયપાલન કેમ નહિ?
-
ચોખ્ખાઈને ફેશન બનાવો.
 (
જયેશ અંતાણી, ભાવનગર)

* તમને કેવા સવાલો વધુ ગમે?
-
જવાબોનું સ્તર ઊંચુ લાવી શકે એવા.
 (
જગજીવન મેતલીયા, ભાવનગર)

* મારી વાઈફને હું સમજી શકતો નથી... શું કરવું?
-
જે અમે બધા કરીએ છીએ તે...! 'રાધે રાધે રાધે...'
 (
સિધ્ધાર્થ સોરઠીયા, અંજાર-કચ્છ)

* ઋષિમુનિઓએ લખ્યા મુજબ, પૃથ્વી શેષ નાગના મસ્તક પર ઊભી છે. સાચું?
-
નાગને ડોલાવવાનું બિનઆતંકવાદીઓ લઈને બેઠા છે... ક્યાં સફળ થાય છે?
 (
કનુપ્રસાદ મિસ્ત્રી, અમદાવાદ)

* તમારી વાત સાચી છે. હજારોની ભીડ ભેગી કરી શકતા સંતો એમની કથાઓમાં રાષ્ટ્રગીત કેમ ગવડાવતા નથી?
-
એમના મનમાં ભગવાનની સાથે ભારત માતા ય પ્રગટ થશે ત્યારે.
 (
રૂપાલી જે. વૈદ્ય, અમદાવાદ)

* તમે જ્યોતિષમાં માનો છો? અને માનતા હો તો કોઈ પ્રસિધ્ધ જ્યોતિષી તમને ચોક્કસ ઉપાયો સૂચવે, તો કરો ખરા?
-
મારાથી જ્યોતિષમાં પડાય એવું નથી. મારી પત્ની જ્યોતિષી છે.
 (
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* પ્રશ્ન પૂછવા માટે તમે નામ, સરનામા અને મોબાઈલ નંબર મંગાવો છો. કોઈ ચોક્કસ હેતુ?
-
ને તો ય, દર સપ્તાહે સરેરાશ ૨૦-૨૫ વાચકોને ફક્ત નામ છપાવવામાં રસ હોય છે. બાજુના બૉક્સની વિગતો વાંચતા નથી ને વિગતો ભરતા નથી. એમનો પ્રશ્ન ન લેવાય.
 (
હર્ષિલ ઠક્કર, અમદાવાદ)

* શું કરન્સી-નૉટ પણ એક્સપાયરી-ડેટ સાથે છપાવવી જોઈએ?
-
વટાવનારની એક્સપાયરી ડેટ તો ક્યાંથી મળે?
 (
રહિમ મલકાણી, ભાવનગર)

* જો તમે વડાપ્રધાન હો, તો દેશ માટે પહેલાં શું કરો? નોટબંધી કે સર્જિકલ સ્ટ્રાઈક?
-
અફ કૉર્સ, સર્જિકલ સ્ટ્રાઈક.
 (
ધ્રૂવી અગ્રાવત, રાજકોટ)

* અશોકજી, સિધ્ધપુરની મુલાકાત લેવા ક્યારે પધારો છો?
-
બસ. પેરિસના આર્કિટેક્ચરથી બનેલા તમારા અદ્ભુત શહેરના વ્હૉરવાડની કોઈ પણ હવેલી કે વર્લ્ડ-રેકોર્ડ સ્થાપિત થયેલા ૩૬૪-બારીઓવાળા મકાનમાં એક વખત ચા-પાણી પીવા, કોઈ બોલાવે, તો કાલે સવારે આવી જઉં...!
 (
ફાતેમા ખુઝેમા મીયાજીવાલા, સિધ્ધપુર)

* ઘરમાં સહેજ પણ બળેલી રોટલી ન ખાનાર હોટેલમાં 'બર્નિંગ ફ્લેવર'ને નામે ધાબડી દેવાતી વાનગીઓ માટે કેમ કશું બોલી શકતી નથી?
-
આ જ કારણે, એકે ય હોટલમાં, 'આપના ઘર જેવી રસોઈ'નું બોર્ડ કદી હોય છે?
 (
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* સ્વ. મુહમ્મદ રફી માટે શું કહેશો?
-
વર્ષો પહેલા હું લખી ગયો છું. 'રફીનો કંઠ એટલે શિવલિંગ ઉપર દૂધની ધારા.'
 (
રોહિત યુ. બુચ, વડોદરા)

* ૨૫ ડિસેમ્બરે તમારું 'એનકાઉન્ટર' ન આવ્યું. ક્રિસમસ પાર્ટી વહેલી કરી નાંખી હતી?
-
ગુજરાતમાં એનકાઉન્ટર ચાલે... 'એવી' ક્રિસમસ-પાર્ટીઓ ન ચાલે.
 (
કેતન શિવપ્રસાદ રેખ, સુરત)

* આપ હંમેશા ફ્રેશ અને 'ચાર્જ્ડ' જ દેખાઓ છો. 'યે રાઝ હમકો ભી બતાઓ, ઠાકૂર!'
-
ચાલવા જવાની એવી ટેવ પડી ગઈ છે કે, હું તો ઊંઘમાં ય જતો હોઉં છું.
 (
દીપક આશરા, ગાંધીનગર)

* એવું નથી લાગતું કે, આજકાલના નેતાઓ સુધરી ગયા છે?
-
તમારું વાંચન વધારો.
 (
મયૂરી પંચાલ, અમદાવાદ)

* 'કેશલેસ'ની વાતો... ચાલતાં ન આવડે ને ઊડવાની વાતો જેવી લાગે છે. સુઉં કિયો છો?
-
હું કાંઈ બોલ્યો?
 (
અફરોઝબેન મીરાણી, મહુવા)

* રોજ બદામ ખાવાથી શું થાય?
-
મેં તો બદામને ફોટામાં જ જોઈ છે.
 (
ધવલ રૂપાપરાનાના વડાળા-કાલાવડ)

* તમારા એક પુસ્તકનું નામ છે, 'સવા ફૂટની સ્ટોરી'. સાવ આવા નામ રાખો છો તો બા ના ખિજાય?
-
એમણે તો 'દોઢ ફૂટ'ની કીધું'તું... હું માંડ દરજી પાસે જઈને 'સવા'ની કરાવી આવ્યો!
 (
નાઝનીન કૌકાવાલા અઝીઝાબેન, સુરત)

* હું ૨૨-વર્ષનો છું ને મેં તમારી 'જેન્તી જોખમ' બુક વાંચી છે...
 -
એ ૨૨-વર્ષ પહેલાં લખાઈ હતી... તમે તો 'મેચ્યોર' થઈ ગયા...!
(
દક્ષ મણિયાર, માંડવી-કચ્છ)

No comments: