Search This Blog

24/03/2017

'કાલા પાની' ('૫૮)

ફિલ્મ    :    'કાલા પાની' ('૫૮)
નિર્માતા    :    દેવ આનંદ (નવકેતન)
દિગ્દર્શક    :    રાજ ખૌસલા
સંગીતકાર    :સચિનદેવ બર્મન
ગીતકાર    :    મજરૂહ સુલતાનપુરી
રનિગ ટાઇમ    :૧૪ રીલ્સ : ૧૯૪ મિનિટ
કલાકારો    :દેવ આનંદ, મધુબાલા, નલિની જયવંત, કિશોર સાહૂ, નઝીર હુસૈન, સપ્રૂ, આગા, મુકરી, જાનકીદાસ, એમ.એ. લતીફ, કૃષ્ણધવન, વીર સખૂજા, પરવિન પૉલ, હીરા સાવંત, રવિકાંત, મુમતાઝ બેગમ, પ્રેમકુમાર અને સેમસન
ગીતો
૧.નજર લાગી રાજા તોરે બંગલે પર....આશા ભોંસલે
૨.જબ નામે મુહબ્બત લેકે કિસી નાદાન ને.... આશા ભોંસલે
૩.દિલ લગા કે, કદર ગઈ પ્યારે.....આશા ભોંસલે- બર્મન દાદા
૪.હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગય.......મુહમ્મદ રફી
૫.અચ્છાજી મૈં હારી ચાલો માન જાઓ ના.......આશા-  રફી
૬.દિલવાલે અબ તેરી ગલી તક આ પહૂંચે.......આશા-  રફી

વિખ્યાત લેખક એ. જે. ક્રોનિનની મશહૂર નવલકથા 'બીયૉન્ડ ધીસ પ્લેસ' વાચનના ભારે શોખિન દેવ આનંદના હાથમાં આવી ગઈ અને તાત્કાલિક એના ઉપરથી હિંદી ફિલ્મ બનાવવાનો નિર્ણય લઈ લીધો.

ફિલ્મની વાર્તાનો પ્લોટ એક થ્રિલર પ્રકારનો છે અને બેશક શરૂથી અંત સુધી આપણને સીટમાં રાખે છે. કરણ મેહરા (દેવઆનંદ)ને ઍક્સિડૅન્ટલી જાણ થાય છે કે, એના પિતા મૃત નહિ, જીવિત છે અને વિધવા મા (મુમતાઝ બેગમ)એ કદી કીધું નહિ કે, એના પિતા (એમ. એ. લતિફ) એક વેશ્યાના ખૂનના આરોપસર ૧૫- વર્ષથી કાલા પાનીની સજા હેઠળ જેલમાં છે. અંગ્રેજોના વખતમાં ખાસ કરીને રાજકીય નેતાઓને કાલાપાનીની સજા થતી, એ મુજબ આંદામાન- નિકોબારના ટાપુઓ ઉપર બાંધેલી અદ્યતન જેલમાં એમને ધકેલી દેવામાં આવતા અને પાછા આવવાની ગૂંજાઈશ કમ રહેતી. આપણા નેતા વીર સાવરકર આ જેલમાં હતા. ફિલ્મમાં તો દેવના પિતાના હૈદ્રાબાદની જેલમાં મોકલવામાં આવે છે. કરણને ખબર પડતા જ એ એક મિનિટ માટે ય ઘેર રોકાતો નથી અને વગર પૈસે સીધો હૈદ્રાબાદ પહોંચે છે, જ્યાં આશા (મધુબાલા)ની નાનકડી વિશીમાં બીજા બે કડકાઓ (જાનકી દાસ અને મુકરી) સાથે રૂમ શેર કરીને રહે છે. અહીંનો પટાવાળો આગા રંગીન મિજાજ માણસ છે અને કડકાઓની સતત મદદમાં રહે છે.

કરણને એટલી ખબર પડે છે કે, જે કોઠામાં વેશ્યાનું ખૂન થયું, એ કોઠાની નીચેની દુકાનમાં રાશિદ ખાન આઇ-વિટનેસ હતો, એવું એ વખતના પોલીસ ઇન્સ્પેક્ટર (નઝીરહુસેન) નિવૃત્ત અને બીકણ સ્વભાવને કારણે ચૂપ રહ્યા હતા. દેવ એ બધાનો સંપર્ક કરે છે, જે દરમ્યાન પ્રેસ- રીપોર્ટર આશા (મધુબાલા) સાથે ઓળખાણ અને પ્રેમ થાય છે, પણ એ પત્રો હસ્તગત કરવા માંગતો હતો, જે ખૂન થયેલી વેશ્યાના પ્રેમી દીવાન સરદારીલાલે (સપ્રૂ) પ્રેમના પાગલપનમાં વેશ્યાને લખ્યા હતા. આ પત્રો જ દેવના પિતાની નિર્દોષતા સાબિત કરી શકે તેમ છે. દેવ કોઠાની તવાયફ કિશોરી (નલિની જયવંત)ને પોતાના સુંદર દેખાવમાં મોહાંધ બનાવી કિશોરી પાસે સંતાડી રાખેલા એ પત્રો મેળવે તો છે, પણ પબ્લિક પ્રોસિક્યુટર જસવંતરાય (કિશોર સાહુ)એ પત્રો દેવના દેખતા બાળી મૂકી એને માર ખવડાવે છે. એનો ગુંડો કૃષ્ણ ધવન એની સાથે શામેલ છે. પછી દેવ પિતાને નિર્દોષ છોડાવી શકે છે કે નહિ, એ સ્પોઇલર થઈ જવાથી આગળની વાત જરૂરી નથી.

ફિલ્મ વારંવાર જોવાના મનો થાય એના મુખ્ય તો બે કારણ. દેવ આનંદ- મધુબાલા જેવી સુંદર જોડી ફિલ્મ ઉદ્યોગમાં હજી સુધી તો નથી આવી. બીજું દાદા બર્મનનું 'ક્યા બ્બાત હૈ !' સંગીત મુહમદરફી સિવાય રાગ છાયાનટ પર આધારિત 'હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયે...' આટલી અધિકૃતતાથી બીજું કોઈ ગાઈ શક્યું હોત, એ વાક્ય પૂરું કરીને મેં પ્રશ્નાર્થ કે આશ્ચર્ય ચિહન મૂક્યા જ નથી. જવાબ સીધો જ છે. કોઈ ગાઈ ન શકે. એ જ રફીએ આ જ રાગ છાયાનટ પરનું ફિલ્મ 'એક મુસાફર એક હસીના'નું 'હમકો તુમ્હારે ઇશ્કને ક્યા બના દિયા' એ મદન મોહનની તર્જ પર ફિલ્મ 'જહાનઆરા'નું સુમન કલ્યાણપુર સાથેનું, 'બાદ મુદ્દત કે યે ઘડી આઇ આપ આયે તો તો જિંદગી આઇ.' બસ એક મન્ના દાએ આ રાગને પૂરો ન્યાય આપીને રાલ્હનની ફિલ્મ 'તલાશ'માં 'તેરે નૈના તલાશ કર જીસે વો હૈ...' ગાયું હતું.

આ ફિલ્મ દ્વારા દેવ આનંદે એક છૂપો રેકોર્ડ પણ કર્યો હતો, જે આજ સુધી કોઈએ તોડયો નથી કે, મોટા ભાગના તમામ પ્લેબેક સિંગરોએ દેવ આનંદ માટે ગાયું છે. રફી- કિશોર તો હોય જ, પણ તલત મેહમુદ, હેમંત કુમાર, મુકેશ, મન્ના ડે, દ્વિજેન મુકર્જી, મહેન્દ્ર કપૂર (ફિલ્મ 'રૂપ કી રાની, ચોરો કા રાજા', અને ભૂપિન્દર. દાદા બર્મને કદી કોઈને પ્લેબેક આપ્યું નથી, એ અહીં ઍક્સિડેન્ટલ દેવ આનંદને આપી ગયા છે. આશા ભૌંસલેના 'દિલ લગા કે, કદર ગઈ પ્યારે' ગીતના અંતરામાં બર્મન દાદા તરાના પોતે ગાય છે, 'દિમ તાના, તા તા તાના...') જે દેવ ઉપર ફિલ્માયો છે.

અલબત્ત, આ ફિલ્મ ૧૯૫૮-ની છે, એનો મતલબ એ થયો કે, '૫૮થી '૬૨ સુધીની બધી ફિલ્મોમાં લતા મંગેશકર અને સચિનદેવ બર્મન વચ્ચે અબોલા હતા. કોણે કોને તરછોડયા, એ આપણો વિષય નથી. આમ કહેવાય છે કે, મનોજકુમારવાળી ફિલ્મ 'ડૉ. વિદ્યા'માં બંને વચ્ચે સમાધાન થયું અને લતાએ 'પવન દીવાની, ન માને ઉડાયે મોરા ઘૂંઘટા...' ગાયુ હતું, તો બીજી માન્યતા એવી છે કે, ફિલ્મ 'બંદિની'માં દાદાએ લતા પાસે ગુલઝારનું લખેલું પ્રથમ ગીત 'મોરા ગોરા અંગ લઈ લે...' ગાયું હતું.

એક તો મધુબાલા ધાંય ધાંય સુંદર અને એમાં ય સાડી સફેદ પહેરે, પછી તો ખુશ થઈને આખું નારણપુરા વેચવા જ કાઢવું પડે ને ? પણ જોવાની 'હોય નહિ ' એ છે કે, '૫૨-'૫૩ની સાલમાં ફિલ્મેફેરે દેશભરના વાચકો પાસે સર્વે કરાવ્યો હતો કે, પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સુંદર હીરોઇન કોણ ? તો સર્વાનુમતે નલિની જયવંતનું નામ આવ્યું હતું કે આમાં તારી કે મારી ભલી ચમના કરવાની હોય નહિ... જેવા જેના નસીબ !

ફિલ્મ દેવઆનંદના પોતાના સ્ટુડિયો 'નવકેતન'ની હતી અને રાજ- દિલીપની જેમ દેવ આનંદની તમામ ફિલ્મોમાં એના મોટા ભાગના સાઇડ એક્ટરો એના એ જ હોય. આમાં જગદીશ રાજ નથી, પણ રાશિદખાન (ફિલ્મ : 'ગાઇડ'નો ઉંદરમાર), રવિકાંત (ખૂબ કાળો અને ટકલુ), સેમસન (શીળીના ચાઠાવાળો, તપખીરી આંખો, રંગે ઘણો શ્યામ 'જ્હોની મેરા નામ'માં છે.) કૃષ્ણ ધવન (જેના ઉપર 'તીસરી કસમ'માં ચલત મુસાફિર મોહો લિયા રે..' ફિલ્માયું છે.)

એક વાત દેવ આનંદ- પ્લસ કિશોરકુમારના ચાહકોને ખબર પડે એમ નથી. સહુ જાણે છે કે, અપવાદોને બાદ કરતા એ જમાનામાં કિશોર દેવ સિવાય કોઈને પ્લે-બેક નહોતો આપતો અને તે પણ દાદા બર્મનનું સંગીત હોય તો જ ! અને છતાં બર્મન-દેવની ઘણી ફિલ્મો ગઈ, જેમાં કિશોરને દાદાએ બોલાવ્યો જ નહતો. દાદા પાસે તો દેવઆનંદનું ય કાંઈ ન ચાલે. 'નવકેતન'ની બધી ફિલ્મોમાં કિશોરનો કંઠ અપેક્ષિત હતો, પણ દાદા મુહમ્મદ રફીને વધુ પસંદ કરતા. 'આરાધના' વખતે બર્મન દાદા બિમાર પડયા ન હોત અને ફિલ્મનો બધો કારોબાર એમના પુત્ર રાહુલદેવે ન સંભાળ્યો હોત તો કિશોરનું આગમન આટલું વહેલું ન થયું હોત ! દાદા પોતાના આસિસ્ટન્ટ તરીકે પણ બધી ફિલ્મોમાં પંચમ (આર.ડી.)ને નહોતા લેતા. આ ફિલ્મમાં સંગીતકાર જયદેવ છે.

યસ. દિગ્દર્શક રાજ ખોસલા જીવ્યા ત્યાં સુધી મોટો આભાર દેવ આનંદનો માન્યો હશે. પોતાની આ ડ્રીમ ફિલ્મમાં એણે રાજને દિગ્દર્શનનો ચાન્સ આપ્યો, એ પહેલાં દેવની જ ફિલ્મ 'મિલાપ' ('યે બહારો કા સમા, ચાંદ તારો કા સમા..'માં રાજ ખોસલાનું ડાયરેક્શન હતું. ફિલ્મ ફ્લોપ હતી, છતાં દેવે વિશ્વાસ રાખ્યો અને આ ફિલ્મને અને આ ફિલ્મને રાજ ખોસલાએ સજડબંબ થ્રિલર બનાવ્યું ને બૉક્સ-ઑફિસ પરે ય ટંકશાળ પડી. માત્ર ગીતનું જ નહિ, કોઈ પણ દ્રશ્યના 'ટેકિંગ' માટે રાજ કપૂર સર્વોત્તમ મનાય, પણ ટેકિંગની એ સ્કૂલમાં વ્હી શાંતારામ, ગુરૂદત્ત, વિજય આનંદ અને રાજ ખોસલાના નામો પહેલી હરોળમાં છે. મનોજકુમારનું નામ આવી શકત, પણ ફિલ્મના દરેક પાસાની જેમ એના મનમાં કન્ફર્મ થઈ જ ગયું હતું કે, હું હવે સર્વોત્તમ છું એટલે ફિલ્મ 'શોર'માં બહુ લાઉડ લાગે એવા કેમેરાના શોટ્સ લીધા પછી ભાઈને સંતાઈ જવું પડયું. નહિ તો, ગીતના ચિત્રીકરણમાં મનોજનું નામ આજે પણ આદરથી લેવું પડે એવું છે.

આદરથી દેવ આનંદનું નામ જીવનભર લેવાત.. જો કોઈ શુભ ઘડીએ એને એવી ખબર પડી ગઈ હોત કે તું એક્ટર તરીકે ઓ.કે. છે, પણ દિગ્દર્શન તારું કામ નથી. તારો ભાઈ વિજય આનંદ ઇવન આજે પણ હિંદી ફિલ્મોના પહેલા પાંચ દિગ્દર્શકોમાં સ્થાન પામે છે. એક્ટર તરીકે એ ય નબળો અને દિગ્દર્શક તરીકે તારું નામે ય રીવરફ્રન્ટ ઉપર માઇક હાથમાં લઈને જોશભેર બોલાય એવું નથી....

પણ આ ફિલ્મ 'કાલા પાની' જોયા પછી એના દુશ્મનોને ય કબૂલ કરવું પડે કે, દિગ્દર્શક સારો મળ્યો હોય તો દેવ આનંદ એક અદ્ભુત એક્ટર હતો !

No comments: