Search This Blog

17/03/2017

'મિર્ઝા સાહિબાન' ('૫૭)

ફિલ્મ: 'મિર્ઝા સાહિબાન' ('૫૭)
નિર્માતા    : સર્દુલ ક્વાત્રા
દિગ્દર્શક    : રવિ કપૂર
સંગીત    : સર્દુલ ક્વાત્રા
ગીતકારો    : પ્રેમ ધવન-વર્મા મલિક
રનિંગ ટાઇમ : ૧૨-રીલ્સ
કલાકારો: શમ્મી કપૂર, શ્યામા, રામસિંહ, મદન પુરી, ઇંદિરા બિલ્લી, શીલા વાઝ, શીલા કાશ્મિરી, નઝીર કાશ્મિરી, ટુનટુન, ઉમા દત્ત, ગુલાબ અને દલજીત

શમ્મી કપૂરના ડાય-હાર્ડ ફૅન તરીકે, 'ભલે કચરાછાપ' નીકળે, આ ફિલ્મ 'મિર્ઝા સાહિબાં' જોવાની તો હતી, પણ પુરાની દિલ્હી શોધવા નીકળ્યા હોઇએ ને સીધા ડિમ્પલ કાપડીયાના ડ્રૉઇંગ-રૂમમાં પહોંચી જઇએ, એવી સુખદ શોધ બસ, અચાનક જ થઇ ગઇ. લતા મંગેશકરનું 'તબિયત ઠીક થી ઔર દિલ ભી બેકરાર ન થા, યે તબ કી બાત હૈ, જબ કિસી સે પ્યાર ન થા....' જેવું ઍમરલ્ડ-સૉન્ગ મળી ગયું. એક તો લતા મંગેશકરથી સારી બીજી આખી દુનિયામાં કોઇ ગાયિકા નહિ, અને એમાં ય આપણા જેવા ચાહકો તો હવે જગતમાં ય બહુ ઓછા રહ્યા હોય, જેમને આવા-તબિયત ઠીક થી-વાળા ગીતો સાંભળ્યા ય હોય.... ગમવાની વાત તો દસ માઇલ પછી આવે ! હું વર્ષોથી આ ગીત શોધતો હતો, તે આમ અચાનક મળી જશે, એ ભાગ્ય, બીજું શું ? લતાના થોડા ઘણા ય ચાહક હો, તો છેવટે આ ગીત યૂ-ટ્યૂબ પરે ય સાંભળજો. શ્યામા ઉપર ફિલ્માયેલા આ ગીતમાં ઢોલક પણ સાંભળવા જેવું છે.

અને મુહમ્મદ રફીના ચાહકો માટે તો વિન્ટેજ ખજાનો આ ફિલ્મમાં ઠાંસીઠાંસીને ભર્યો છે. એક તો એ પોતે મૂળ પંજાબી ને એમાં ય પંજાબી લોકસંગીત ઉપર આધારિત ભાંગડા કે હીર જેવા કર્ણપ્રિય ગીતો રફીના કંઠે વધુ મીઠડાં લાગશે. અમદાવાદમાં તો મુહમ્મદ રફીના દીકરાઓ જેવા ચાહકોનું એક 'વૉટ્સઍપ' ગ્રૂપ મનિષ પંચાલ ચલાવે છે, જેમાં માની ન શકાય એવા રફીના રૅર ગીતો-મોટા ભાગે તો વિડીયોમાં-સાંભળવા/જોવા મળશે. 'રફી દીવાને' નામના આ ગ્રૂપે મુહમ્મદ રફીના પૂરા જીવનકવનને ચિરંજીવ રાખવા રોજેરોજ 'સાહેબ'ની કોઇને કોઈ સ્મૃતિ અને ખજાનામાંથી મળેલા મોતી જેવા ગીતો શોધી લાવે છે.

પંજાબમાં પુરાણી પ્રેમકથાઓને અન્ય ભાષી સંસ્કૃતિઓ કરતા વધારે માઇલેજ મળ્યું છે. અમર થઇ જાય એવી પ્રેમકથાઓ તો હરએક પ્રાંતમાં થઇ હોય, પણ દેશના ફિલ્મઉદ્યોગ ઉપર પંજાબનું વજન વધારે હોવાથી હીર-રાંઝા, સોહની-મહિવાલ કે મિર્ઝા-સાહિબાં જેવી કરૂણ પણ સુંદર કથાઓ આલેખાઇ અને ફિલ્મીસ્વરૂપો પણ પામી. ગુજરાતમાં શેણી-વિજાનંદની કદાચ કાલ્પનિક કથા એટલી પ્રસિદ્ધિ ન પામી, જેટલી રસમય કથા હતી. વિદેશમાં રોમિયો-જુલિયેટની પણ કહાણી થઇ ગઇ. પંજાબી લોકથાકારોને વાતનો ફખ્ર છે કે, ત્યાંની ત્રણે ય મશહૂર પ્રેમકથાઓમાંની એક આજ એવી છે જેમાં હીરોનું નામ પહેલા અને હીરોઇનનું પછી આવે છે. કરૂણ અંત ન હોય તો જાણે પ્રેમકહાની બને જ નહિ, એવી માન્યતા હશે, માટે જે કોઇ પ્રેમકથાઓ થઇ, એ બધાના અંત કરૂણ જ રાખવામાં આવ્યા, એમાંની એક આ, 'મિર્ઝા સાહિબાન.'

રૂણ એટલા માટે કે, સાહિબાં (શ્યામા) મિર્ઝા (શમ્મી કપૂર) માટે પોતાની શાદી છોડીને ભાગી આવી હતી, પણ એના બન્ને ક્રોધી અને ખૂની ભાઇઓ મિર્ઝાને મારી નાંખશે અને મિર્ઝા ય બહાદુર અને તાલીમ પામેલો યોદ્ધો હતો અને એ પણ સાહિબાંના ભાઈઓને મારી નાંખવા સમર્થ છે, આવા ભયથી કંપીને સાહિબાં જંગલમાં ઊંઘતા મિર્ઝાના શસ્ત્રો ઝાડ ઉપર સંતાડી દે છે અને નિહથ્થા મિર્ઝાને સાહિબાંના બે ભાઇઓ મિર અને સમિર (મદન પૂરી અને રામસિંઘ) મારી નાંખી કથાનો કરૂણાંત લાવે છે. એ પહેલાની વાર્તા રૅગ્યુલર આઇ મીન, ઇંગ્લિશમાં જેને 'રન ઓફ ધ મિલ' કહેવાય છે, તે પ્રકારની સામાન્ય છે. નાનપણમાં સાથે ઊછરેલા મિર્ઝા અને સાહિબાં પ્રેમમાં પડે છે, એ સાહિબાની માં (ગુલાબ) અને પિતા (ઉમા દત્ત) ઉપરાંત સાહિબાંના બન્ને ભાઈઓને પસંદ નથી. બાકીનું બધું ટિપિકલ લવસ્ટોરી જેવું... હટ કે કાંઇ નહિ !

પણ જરા નહિ.... ઘણું હટ કે હોય તો ઑલમોસ્ટ અનામી પંજાબી સંગીતકાર સર્દુલ ક્વાત્રાનું કર્ણપ્રિય સંગીત અને પંજાબી ઢબના એના ગીતો. ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સર્દુલના ભાઈ ભગવતે આપ્યું છે અને બન્ને ભાઈઓ ઉપર ધી ગ્રેટ ઓપી નૈયરની વિરાટ અસર હશે કે, ઇવન ગીત-સંગીતની ધૂનોના વાદ્યો પણ ઓપીની નકલસમા લાગે. એ જે હોય તે, ફિલ્મનું ટાઇટલ-મ્યુઝિક બેનમૂન બનાવાયું છે અને સ્વરે-સ્વરે તમને ઓપી જ સંભળાય. લતા મંગેશકરનું તો મેં કીધું તેમ, 'તબિયત ઠીક થી...' વાળું ગીત બનાવીને સર્દુલ ક્વાત્રાએ મને તો મોહી લીધો છે.

આની પહેલા ય ૧૯૪૭-માં નૂરજહાં અને ત્રિલોક કપૂર (પૃથ્વીરાજ કપૂરના ભાઇ)ની લીડમાં આ જ નામથી ફિલ્મ બની હતી, જેમાં આવું જ મધુરૂં સંગીત પંડિત અમરનાથ અને તેમના બે નાના ભાઇઓ હુસ્નલાલ-ભગતરામે આપ્યું હતું. એના તો લગભગ બધા ગીતો મશહૂર થયા હતા, ખાસ કરીને નૂરજહાં ગાયેલા, 'ક્યા યે હી તેરા પ્યાર થા, મુઝકો તો ઇન્તેઝાર થા,' 'આજા તુઝે અફસાના જુદાઇ કા સુનાયેં' જોહરાજાન અંબાલેવાલીનું મસ્તમધુરૂં અને તોફાની ગીત, 'સામને ગલી મેં મેરા ઘર હૈ,પતા મેરા ભૂલ ન જાના', ઉપરાંત 'હાથ સીને પે જો રખ દો તો કરાર આ જાયે,' જે નૂરજહાં સાથે ડયુઍટમાં જી.એમ. દુર્રાણીએ ગાયું હતું. આ કૉલમના નિયમિત વાચકોને તો કીધેલું છે કે, ગાયક દુર્રાણી નિમ્મીની માસી જ્યોતિનો ગોરધન થાય. નિમ્મીની મા વહિદન બાઇ તવાયફ હતી. (મેં એ પણ લખ્યું છે કે, બધી તવાયફો વેશ્યાવૃત્તિમાં પડેલી નહોતી. નવાબી શહેર લખનૌમાં શાહી મુજરાઓ થતા અને ફિલ્મ 'પાકીઝા'ની જેમ તવાયફોનો પણ નવાબી ઠસ્સો હતો. એ લોકો ગઝલ, કવ્વાલી અને પરંપરાગત શાસ્ત્રીય મુજરાઓ અને નૃત્યોની અભ્યાસીઓ હતી. '૪૦-ના દશકની ગાયિકા કાનનદેવી અને નરગીસની મા જદ્દન બાઈ તવાયફો હતી.) એ જ્યોતિ અને દુર્રાણીની દીકરી જામનગરમાં મને મળી ત્યારે મેં એના વાલીદ સાહેબ એટલે કે પપ્પાનું એને ગમતું મનપસંદ ગીત પૂછ્યું ત્યારે એણે નૂરજહાં સાથે 'મિર્ઝા સાહિબાં'માં ગાયેલું આ 'હાથ સીને પે જો રખ દો, તો કરાર આ જાયે....' બતાવ્યું હતું.

અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂર અને સંયમી ખેરવાળી હમણાં આવેલી ફિલ્મ 'મિઝર્યા'' અફ કૉર્સ, મિર્ઝા સાહિબાં'થી પ્રેરિત હતી, પણ એ મૉડર્ન ટ્વિસ્ટવાળી ફિલ્મ હતી. મૂળ વાર્તાના પાત્રો સાથે એને લેવા દેવા નહિ. આ સંયમી ખેર એટલે આપણા જમાનાની (ફિલ્મ 'પતિતા'વાળી હીરોઇન ઉષા કિરણની દોહિત્રી, મતલબ તન્વી આઝમીની ભત્રીજી. એની મમ્મી ઉત્તરા મ્હાત્રે ખેર એક જમાનાની 'મીસ ઇન્ડિયા' બની ચૂકી છે.)

નૂરજહાં-ત્રિલોક કપૂરવાળી ફિલ્મના દસ વર્ષ પછી બનેલી આ ફિલ્મનો હીરો શમ્મીકપૂર હતો. આજે નવાઇ લાગે પણ શ્યામા એની હીરોઇન હતી. ખેલદિલીપૂર્વક વાત કરીએ તો શ્યામા (જન્મ તા. ૭ જૂન, ૧૯૩૫... એટલે આજે ૭૧ વર્ષની થઇ) ધાંયધાંય સુંદરતાથી ભરચક અભિનેત્રી હતી. મોટી થઇ ગયા પછી ય સ્વભાવ તોફાની હોવાને કારણે બાળકબુદ્ધિ નડી ગઇ અને મોટા મોટા સ્ટાર્સ સાથે હીરોઇન બનવા છતાં જ્હૉની વૉકરો કે કરણ દીવાનો સાથે ય એ ફિલ્મો લેવા માંડી અને ધીમે ધીમે ઍકસ્ટ્રા જેવા ફાલતુ રોલમાં આવી ગઇ. શરીર ગૅરેજ જેવું મોટું થવા માંડયું, એમાં તો હતું એ ય બધું ગયું. દેવ આનંદની ફિલ્મોના કાયમી કૅમેરામૅન પારસી ફલી મિસ્ત્રી સાથે એ પરણી, પણ કોક વિષયમાં થોડી બદનામ થવાથી એના જ પુત્રોથી એ તરછોડાઇ ગઇ. ખુર્શિદ અખ્તરને નામે લાહૌર-પાકિસ્તાનના રૂઢીવાદી પરિવારમાં જન્મેલી શ્યામાને આ નવું નામ, બધી હીરોઇનોના મૂળ નામો બદલાવાના શોખિન ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક વિજય ભટ્ટે આપ્યું હતું.

ફિલ્મના હીરો શમ્મી કપૂરની શરૂઆતની જ ૧૯-પૈકીની આ એક ફિલ્મ હતી, જે તદ્દન પિટાઇ ગઇ. હજી એ વાળ જેવી પતલી મૂછી રાખતો અને એને કારણે જ એના ટીકાકારો કે નિર્માતાઓ આક્ષેપ લગાવતા કે, એ રાજ કપૂરનો ભાઇ અને એના જેવો દેખાતો હોવાનો ફાયદો ઉઠાવે છે, બાકી ઍક્ટિંગમાં ભલીવાર નથી. પણ ૧૯૫૭-માં નાસિર હુસેને ફિલ્મ 'તુમ સા નહિ દેખા'માં એને હીરો લેતા પહેલા એની મૂછો કઢાવીને, એ સમયના ખૂબ લોકપ્રિય હૉલીવૂડ ગાયક ઍલ્વિસ પ્રેસલીની ઇન્ડિયન ઇમેજ બનાવી, ત્યારથી શમ્મીનો સિતારો પૂરબહારમાં ચમક્યો. આજની ફિલ્મ પણ ૧૯૫૭-માં જ આવી હતી અને 'તુમ સા નહિ દેખા'નો હૅન્ડસમ શમ્મી અહીં પણ એવો જ ફલૅમબૉયન્ટ લાગે છે.

ફિલ્મ ૧૨-રિલ્સની જ છે અને દિગ્દર્શક રવિ કપૂરને વાર્તા કહેતા આવડી છે, એટલે ફિલ્મ જોતા બૉર નથી થવાતું. યસ. તમને જોવાની ભલામણ થાય, એવી પણ ફિલ્મ નથી...સિવાય કે, યુ-ટયૂબ પર મેં કીધું તેમ, 'તબિયત ઠીક થી...' જોઇ જ લો.

No comments: