Search This Blog

03/03/2017

'સૌતેલા ભાઈ' ('૬૨)

ફિલ્મ  :  'સૌતેલા ભાઈ' ('૬૨)
નિર્માતા     :     આલોક ભારતી
દિગ્દર્શક     :     મહેશ કૌલ
સંગીત     :     અનિલ બિશ્વાસ
ગીતકાર     :     શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ     :     ૧૬-રીલ્સ
કલાકારો  :  ગુરૂદત્ત, પ્રણોતિ ભટ્ટાચાર્ય, રાજકુમાર, બિપીન ગુપ્તા, કન્હૈયાલાલ, બેલા બૉઝ, અસિત સેન, એસ.એન. બેનર્જી, રાધેશ્યામ, દુલારી, રત્ના ભૂષણ, હની ઈરાની, સરોશ ઈરાની, રાની, જીવનકલા, પૉલસન, દેવકિશન અનવરી, બેબી ફરિદા.

ગીતો
૧.મૈયા મૈયા બોલે બાલ કન્હૈયાચલત ચલત... મીના કપૂરપંકજ મિત્રાસાથી
૨.દેખો દેખો દેખો રે લોગોભાઈ કા નાતા...  અનિલ બિશ્વાસમન્ના ડેપંકજ મિત્રા
૩.પૈસા નહિ હોતા જો યે પૈસા નહિ હોતા...  અનિલ બિશ્વાસમન્ના ડેસાથી
૪.જા મૈં તોસે નાંહી બોલુંતોસે નાંહી બોલું... લતા મંગેશકર
૫.હો મન રે મૈં જગ મેં આજ પરાયામોહે અપના ઘર પરદેસ...  મહેન્દ્ર કપૂર
૬.ફૂલે બન બગીયાખીલી કલી-કલીઆઈ દેખો ઋતુ...  મીના કપૂર-મન્ના ડે
૭.માધવ બિન માધવસારા જગ સૂના... માહિતી મળી શકેલ નથી.
૮.પ્રીત ગઈધન-ધર્મ ગયા,...  અબ લાગી નાંહી છુટે રામ...    લતા મંગેશકર-મીના કપૂર

બંગાળી સાહિત્યકાર હોવા છતાં પૂરા દેશના સાહિત્યરસિકો માટે જે પૂજનીય હતા, તે શરદ બાબુ (શરતચંદ્ર ચેટર્જી)ની બધી જ વાર્તાઓ ક્લાસિક હશે, એવું માનવાની જરૂર ન પડે, એવી એમની નવલકથા 'વૈકુંઠેર વિલ' એવું આ ફિલ્મ એ વાર્તા પરથી બન્યા પછી લાગ્યું. ફિલ્મ બનાવનારાનો તો કાઢી કાઢીને કેટલો વાંક કાઢો, પણ અહીં દિગ્દર્શક મહેશ કૌલ હતા, જેમને નામે 'ક્લાસિક' કહી શકાય એવું તો કશું ય નહોતું. પણ શરદબાબુની આ વાર્તા એમની અન્ય નૉવેલો કરતા ઘણી નબળી પડે છે, કારણ કે, ફિલ્મ જોતા જોતા વાસ્તવિકતાઓ અને લૉજીક શોધવા જવું પડે!

બાકીનો બંગાળી મસાલો આપણને ખૂબ ગમે. અમે સ્કૂલમાં હતા... (હા જી... એટલું તો ભણેલો છું, ભલે મારી કૉલમો વાંચીને ન લાગે!) ત્યારે ગુજરાતી ઘરઘરમાં શરદબાબુની નવલકથાઓ વાંચવાનો શોખ હતો, ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓને!

ફિલ્મનું નામ 'સૌતેલા ભાઈ' (એટલે કે, ઓરમાન ભાઈ)ને બદલે 'સૂતેલા ભાઈ' રાખ્યું હોત તો ય વાર્તામાં કે ફિલ્મની ક્વૉલિટીમાં કોઈ ફર્ક પડયો ન હોત! હીરો ગુરૂદત્તનો સૌતેલો ભાઈ આખી ફિલ્મમાં પી-પીને સૂતેલો જ રહે છે અને જાગતો હોય ત્યારે ઊંઘતો હોય, એમ એક અક્ષરેય બોલતો નથી.. એ તો પુરી ફિલ્મ જોઈ લીધા પછી આપણને યાદ આવે કે અઢી કલાકની ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી આપણે ય જોતા જોતા ઊંઘતા જ હતા...!

જાગવા જેવું તો બસ, મહાન લતા મંગેશકરનું-શંકર-જયકિશનની ફિલ્મ 'સીમા'ના ક્લાસિકલ 'મનમોહના, બડે જૂઠે...'ને અડી આવે એવી દરિયાની લહેરો જેવી અકલ્પનીય તાનો મારેલું લતાનું 'જા મૈં તોસે નાંહી બોલું...'એ એક ગીત હતું. આપણને તૌ શાસ્ત્રીય સંગીત પર આધારિત આવા અઘરા ગીતોની સમજે પડે નહિ, છતાં જાણકારોએ કહી રાખ્યું છે કે, હિંદી ફિલ્મોના ૮૮-વર્ષના ઈતિહાસમાં 'મનમોહના બડે જૂઠે, હાર કે હાર નહિ માને' ગીત આજ સુધીનું સર્વોત્તમ શાસ્ત્રીય રાગ ઉપર આધારિત ગીત છે. પણ બીજો નંબર-લતાજીની બેનમૂન તાનોને કારણે - આ 'જા મૈં તોસે નાંહી બોલૂં...' જ આવે... એમાં ય, આવું કર્ણપ્રિય ગીત આવ્યું છે અનિલ બિશ્વાસની સંગીતશાળામાંથી, પછી પૂછવાનું હોય...?

જો કે, આ ગીતને બાદ કરતા અનિલ દા ને ઘણું બધું પૂછવાનું છે. એકલી લતા મંગેશકરના કેટલાક જૂનાં સોલોને બાદ કરતા, અનિલ દા... તમારી ટેલેન્ટ ક્યાં જતી રહે છે? મીઠાઈની ઉપર થોડી ચારોળી ભભરાવવા ચલો... તલત મેહમૂદના એક-બે કે મૂકેશના બીજા એક-બે ગીતો ઉપર સારો જમાનો કુરબાન તમારા ઉપર, પણ આ ફિલ્મની જેમ એવી તો તમે કેટલી બધી ફિલ્મો કાઢી જેમાં બાકીના ગીતોમાં કોઈ ભલીવાર જ નહિં? તમે બનાવેલું તલતનું એક ગીત યાદ આવે છે, 'જીવન હૈ મધુબન...' જેમાં અમે વારી ગયા હતા, તમારી સર્જનાત્મકતા ઉપર... એ તો પછી ખબર પડી કે, આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ The Man Who Knew Too Much નું હૉલીવૂડની ગ્રેટ ગાયિકા ડોરિસ ડે પાસે ૧૯૫૬-માં જય લિવિન્ગસ્ટન અને રે ઈવાન્સે ગવડાવ્યું હતું. ગીતના શબ્દો હતા,, Que Sera Sera...!જે ઈટાલિયન ગીતના શબ્દોનો અર્થ થાય છે, 'જે થવાનું છે, તે થાય છે જ!'

નહિ તો અનિલ દા એ લતા પાસે ગવડાવેલા અમર ગીતો, 'સીને મેં સુલગતે હૈં અરમાન...' (લતા-તલત, ફિલ્મ 'તરાના'), 'દિલ જલતા હૈ તો જલને દે' (મૂકેશ-ફિલ્મ 'પહેલી નજર'), 'અય દિલ મેરી વફા મેં કોઇ અસર નહિ... મીના કપૂર-મૂકેશ), 'અય જાને જીગર, દિલ મેં સમાને આજા...' (મૂકેશ-ફિલ્મ આરામ') 'શુક્રિયા અય પ્યાર તેરા શુક્રિયા' (લતા-ફિલ્મ આરઝૂ'), 'કુછ શરમાતે હુએ, 'બદલી તેરી નઝર તો નઝારે બદલ ગયે...' 'તુમ્હીં કહો મેરા મન ક્યું રહે ઉદાસ નહિ..' 'મસ્ત પવન હૈ ચંચલધારા મન કી નૈયા ડોલ ન જાય', 'હસ લે ગા લે, ઓ ચાંદ મેરે, ઓ મેરે ચાંદ, તારોં કે સંગ રાત ચલા લે', 'તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ...' 'કહાં તક હમ ઉઠાયે ગમ, જીયે અબ યા કી મર જાયે...' 'ઉન્હેં હમ જો દિલ સે ભૂલાને લગે, વો કુછ ઓર ભી યાદ આને લગે...' 'મેરા નરમ કરેજવા ડોલ ગયા...' 'જાના ન દિલ સે દૂર,

આંખોં સે દૂર જા કે...' 'આયે થે ધડકન લેકર દિલ મેં, ચલે તો લેકર જાન ચલે, નૈયા પાર લગાનેવાલે, ખુદ બનકર તુફાન ચલે', 'બુઝતી હુઈ ઈસ જ્યોત કો તુ ફિર સે જગા દે, મિટતી હુઈ આસ કો તુ ફિર સે બંધા દે'... 'એક મેરા દિલ, એક ઉનકા દિલ, દો પ્રિત ગગન કે તારે હૈ...' 'ઈસ હંસતી ગાતી દુનિયા મેં, હૈ મેરા કૌન સહારા, મૈં આંખ સે ટપકા આંસુ હૂં, આકાશ સે તૂટા તારા...' 'બાલમવા નાદાન, સમજાયે ન સમઝે દિલ કી બતીયાં...' 'મન મેં કિસી કી પ્રિત બસા લે, ઓ મતવાલે...' 'રૂઠા હુઆ ચંદા હૈ, રૂઠી હુઈ ચાંદની...' 'મિલ મિલ કે બિછડ ગયે નૈન, ગયા સુખ ચૈન, જુદાઈ આ ગઈ...' 'ઊજડી રે મેરે પ્યાર કી દુનિયા ઊજડી રે...' 'બદલી તેરી નજર તો નઝારે બદલ ગયે, વો ચાંદની વો ચાંદસિતારે બદલ ગયે...' 'અરી બદલી છુપા લે તુ ઘડી ચંદા કો સાવન મેં...'

અનિલ દા નો તગડો ચાહક હોવાને કારણે મોંઢે યાદ આવ્યા એ ગીતોની અહીં યાદી લખી છે... સ્વાભાવિક છે, બધી ફિલ્મોના યાદ ન હોય! દુ : ખ એક જ વાતનું થાય કે ધી ગ્રેટ સી.રામચંદ્ર પણ સદીના પ્રથમ પાંચ સંગીતકારોમાં હોવા છતાં માત્ર લતા મંગેશકર ઉપર આધારિત રહેવાને કારણે એક વાર લતાબાઇનો ખૌફ ઉતર્યો, પછી અનિલ બિશ્વાસ કે સી.રામચંદ્ર ક્યાંયના ન રહ્યા! શંકરને જેમ શારદા નડી ગઇ, એમ અનિલ દા ને એમની બીજી વારની પત્ની મીના કપૂર નડી ગઇ... જ્યારે અન્નાને તો ખુદ લતા જ નડી ગઈ... પત્નીની હાજરીમાં લતાનો બચાવ ન કરી શકવા બદલ લતાએ બહુ મોટી સજા આપી દીધી હતી.

રાજ કપૂર, વિજય આનંદ અને વ્હી.શાંતારામની જેમ ગુરૂદત્ત ધી ગ્રેટ સર્જક ચોક્કસ હતો, પણ એ સારો એક્ટર તો ક્યારે ય નહતો. નિષ્ફળ મોંઢાવાળા ૫૦૦-રોલ એને આપો, તો એ બખૂબી નિભાવી શકે, પણ 'બૉબી'ના રિશી કપૂર કે 'શોલે'ના ધર્મેન્દ્રનો કિરદાર ભજવવાનું એનું ગજું નહિ. ભા.ભૂ. અને ગુરૂ વચ્ચે કાઢવો હોય તો એટલો ફરક કાઢી શકાય કે, ગુરૂદત્તને છેવટે એકના એક રોતલ હાવભાવો તો આવતા હતા! સ્વભાવ કે પ્રકૃતિથી જોવા જઈએ તો એ ફિલ્મોનો માણસ જ નહતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ય આ વાતની જાણ થઇ ગઈ હશે, એટલે એણે પોતે નિર્માણ કરેલી ફિલ્મોને બાદ કરતા બહારના નિર્માતાઓ એને ન છૂટકે જ લેતા હતા. અલબત્ત, એમાં એની એક્ટિંગની ખૂબીઓ કે નબળાઈઓ કરતા એના અણધાર્યા સ્વભાવનો વાંક વધારે હતો. 'ભરોસા', 'સુહાગન', 'બહુરાની' કે આ ફિલ્મ 'સૌતેલા ભાઈ' જેવી બીજી તો માંડ ૭-૮ ફિલ્મો હશે. આપણા મુંબઇના ગુજરાતી જૈન શ્રેષ્ઠી સેવંતીલાલ શાહે ઉતારેલી ફિલ્મો 'સાંઝ ઔર સવેરા' એક્ટર તરીકે ગુરૂની છેલ્લી ફિલ્મ હતી.

બેંગલોરનો આ કોંકણી ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણનું નામ વસંતકુમાર શિવશંકર પદુકોણ હતું. દત્ત એની અટક ન હતી, નામનો એક ભાગ હતો, છતાં એની પત્ની ગીતા રૉયે કયા કારણથી અટક પદુકોણને બદલે 'દત્ત' અપનાવી લીધી, એ તો દઇ જાણે! 'ગુરૂ' અને 'દત્ત' ભેગું લખવાનું કારણ... સુનિલ દત્તની માફક ગુરૂની અટક 'દત્ત' નહોતી... દીપિકાની જેમ 'પદુકોણ' હતી.

નવાઇ તો લાગવાની જ હતી, પણ આ ફિલ્મ હીરોઇન વગરની હતી. ફિલ્મના પોસ્ટર્સ કે ટાઈટલ્સમાં ગુરૂદત્તની સાથે જ પ્રણોતિનું નામ મૂકાયું છે, પણ એ હીરોઇન નથી. રાજ કપૂરની 'જાગતે રહો' અને દેવ આનંદની 'લવ મેરેજ'માં પ્રણોતિ ઘોષ છે, જ્યારે અહીં પ્રણોતિ ભટ્ટાચાર્ય છે. અટકો ભલે જુદી રહી, પણ બન્નેના ચહેરા સરખા આવે છે, એટલે બન્ને એક જ હોઈ શકે.

મોટો ગોટાળો સૌતેલા ભાઈનો થાય છે, એટલે કે ગુરૂદત્તના ભાઈ તરીકે 'રાજકુમાર'નું નામ છે. આપણે તો 'જાની' જ સમજીએ? પણ આ તો સાઉથવાળો રાજકુમારે ય નથી. કોઈ બહુ બોદો બંગાળી એક્ટર ઉપાડી લાવ્યા છે. ફિલ્મના નામ ઉપરથી સમજમાં આવે કે, અસલી સામાજીક વાર્તાઓ મુજબ, અહીં એક ભાઈ અસલી ને બીજો ઓરમાન હશે અને બન્ને વચ્ચે ધૂમધામ તોફાનોવાળી વાર્તા હશે. સાવ એવું નથી. મોટોભાઈ ગુરૂદત્ત જમીનદાર બિપીન ગુપ્તાનો પુત્ર છે અને બીજી પત્નીથી એને આ વિનોદ (રાજકુમાર) નામનો પુત્ર પેદા થાય છે. મોટા થયા પછી ટીપિકલ બંગાળી સામાજીક વાર્તાઓની જેમ પ્રોપર્ટીના ઝગડા, મોટા ભાઇનું બલિદાન, નાનીનાની જુગાર અને તવાયફખોરી વગેરે વગેરે અને અંતે બધું શાંતિપૂર્ણ મિલન.

એ જમાનામા ફિલ્મોના શોખિનોને ડેઝી ઈરાની અને હની ઈરાની-બહેનો યાદ હશે. અહીં નાની હની છે. મોટી થઈને હની ગીતકાર જાવેદ અખ્તરને પરણી અને ફિલ્મ એક્ટર ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરની એ મા બની. જાવેદે શબાના આઝમી સાથે લગ્ન કરી હનીને છૂટાછેડા આપી દીધા અને હની ફિલ્મોમાં લેખિકા બની ગઈ. યશ ચોપરાની ફિલ્મ 'લમ્હેં' હનીએ લખેલી ફિલ્મ હતી. એની બે મોટી બહેનો ડેઝી ઈરાની કે.કે. શુક્લા નામના બ્રાહ્મણને પરણી છે અને ત્રીજી બહેન મેનકા ઈરાની દારાસિંઘને લઇને ફિલ્મો બનાવનાર એક્ટર-દિગ્દર્શક કામરાનને પરણીને પસ્તાઈ. એમના બન્ને સંતાનો કૉમેડિયન સાજીદખાન અને ડાન્સ-ડાયરેક્ટર ફરહાખાન ફિલ્મોમાં સક્રીય છે. કામરાન જીવે છે કે નહિ, તેની માહિતી નથી, પણ એના બન્ને સંતાનો એની સાથે સંબંધ રાખતા નહોતા.

કામરાન ખાન તરીકે ઓળખાતો આ એક્ટર ફિલ્મ એક્ટ્રેસ અમિતાને પણ પરણ્યો હતો. અમિતા ૧૧ એપ્રિલ, ૧૯૪૦-ના રોજ કોલકાતાના એક વેપારીના ઘેર જન્મી, ત્યારે તેનું નામ 'કમર સુલતાના' રાખવામાં આવ્યું હતું. લેખરાજ ભાખરી નામના નિર્માતા-દિગ્દર્શકે તેને જોતા જ ફિલ્મ 'ઠોકર'ની શમ્મી કપૂર સામે હીરોઇન બનાવી દીધી અને નામ રાખ્યું,  'જયજયવંતી' એ પછી ગુજરાતી નિર્માતા વિજય ભટ્ટે એને સાઈન કરીને નવું નામ આપ્યું, 'અમિતા'. ફિલ્મનગરીની વાતો મુજબ, એ ફિલ્મિસ્તાન સ્ટુડિયોના મારવાડી માલિક તોલારામ જાલનની રખાત તરીકે રહેતી હતી. મેહમુદે પોતાની ફિલ્મ 'સબ સે બડા રૂપૈયા'માં કાળી ગોળ ટોપી, મોટી ફાંદ, ડામર જેવો ચામડીના રંગ અને આ મોટી ફાંદ સાથે આ તોલારામ જાલનનો રોલ કરી-કોક જૂનો બદલો લીધો હતો.

'
સૌતેલા ભાઈ' બસ, લતાના 'જા મૈં તોસે નાંહી બોલું...' ગીત માટે આખી ન જોવાય... ક્યાંકથી મળતું હોય તો એ ગીત સંભળાય!

No comments: