Search This Blog

08/03/2017

તમે (તમારા) પગના નખ કાપો છો ?

આ વાંચતા પહેલા તમને ખુશ કરી દઉં.

તમે હૅન્ડસમ છો. હાઈટ-બૉડી કોઇને પણ કોમ્પ્લેક્સ આપે એવા પરફેક્ટ છે. તમારે ત્યાંથી કાળા પૈસા પકડાય તો એ કોઈ દસ-વીસ હજાર કરોડથી ઓછા નથી હોતા. ક્લબમાં બધા જૅલસ છે તમારાથી, ક્લબની પહેલી ફેરારી તમે લઇ આવ્યા છો અને તમારી ચાર્મિંગ વાઇફ ઉપર તમારા સિવાય બધાની નજર નિયમિત પડતી રહે છે..

અર્થાત્... આમ ઈશ્વરે તમને કેટલું બધું સુખ આપ્યું છે ?

બસ, એક વાતનો પ્રોબ્લેમ છે. (હવે તમને નર્વસ કરી દઉં.)

તમારા પગના નખ જોયા ખરા ? સ્વભાવે તમે ગંદા નથી, પણ ભારે આળસુ છો. હાથમાં આવે, એ બધું કાપી નાંખો એવા છો, સિવાય પગના નખ. કબુલ તો નહિ કરો. પણ તમારા જેવા ગંદા નખ બબૂન બંદરોના ય નથી હોતા. યાદ નથી, છેલ્લે ક્યારે આવા ગંધાતા નખ કાપ્યા હતા. આમ તો નહાતી વખતે અને પગમાં શૂઝ પહેલા મોજાં પહેરતી વખતે- એમ દિવસમાં બે વખત તો પગના નખ ઉપર નજર જાય, પણ વાત આળસની હોત તો વાંક આપણા આળસુ સ્વભાવનો કાઢત... અહીં તો તમારા મનમાં ય કદી આવ્યું નથી કે, પગના નખ પણ આઠ-દસ વર્ષે કપાવા જોઇએ !

છી...! કેવા ગંદા છો તમે ! જો તમારી પર્સનાલિટી તમારા પગના નખ જોઇને માપવાની હોત તો માઇસ મીંડા ય તમને ન મળે ! હવે અત્યારે આ વાંચતી વખતે પસ્તાવો કરીને નખ સામે જુઓ છો, એમાં જીવ બળી જાય છે કે, સુકાઈ -સુકાઈને બન્ને પગના નખ કેવા સજ્જડબંબ થઇ ગયા છે કે, માળીની પતરૂં કાપી નાંખે એવી કાતરથી કાપો તો કાતરની ધાર વળી જાય પણ નખ ન કપાય ! આજે પસ્તાવો થાય છે કે, દસેક વર્ષ પહેલા કાપ્યા હોત તો આજે માણસના નખ જેવા તો લાગત ! આ તો બહુ સારૂં છે કે, ઓફિસમાં તો તમે શૂઝ-મોજાં પહેરીને જાઓ છો, એટલે આજ સુધી સ્ટાફમાં તમારી ગંદકીની કોઇને ખબર પડી નથી, પણ મેહમાનો આવે ત્યારે ડ્રોઇંગ-રૂમમાં સ્લીપર પહેરીને બેઠા હો, ત્યારે તમારા નખ એ બધાને જોવા પડતા હશે ને ? આ સ્થિતિ બેહૂદી છે... આવા પગ જોઇને તમને શરમ ન આવે, પણ મેહમાનો કેવા લાજી મરતા હશે ?

થૅન્ક ગૉડ... હાથના નખ તો બધા કાપે છે. પણ આપણા નૅઇલ-કટરો તો 'મૅઇડ-ઇન-ચાઈના' હોવા છતાં પગના નથી કપાતા. નખની જાડાઈ જેટલું મોઢું નૅઇલ-કટરની ધારનું નથી ખૂલતું. નાની કાતરથી ફાવે નહિ અને નખ કપાયે ય નહિ. આમ તો વાળ કપાવવા જઇએ ત્યારે સલૂનવાળો દસ-બાર રૂપિયા લઇને પગના નખ કાપી આપે, પણ એ ય જુએ કે, નખ આપણે દસ-પંદર વર્ષ પછી કપાવવા આવ્યા છો, તો રૂપિયા બસ્સો-બસ્સો એકએક નખના માંગી લે છે. એ ય જાણતો હોય કે, હવે પછી તો સ્મશાનમાં નખ કાપવાની જરૂર નહિ પડે... જેટલા બટોરાય, એટલા અત્યારે બટોરી લો !

આરોગ્ય-ફારોગ્યની વાત છોડો. એ તમારા કામનો વિષય નથી, પણ ઘાત એ વાતની લાગે છે કે, રાક્ષસ જેવા વધેલા તમારા નખ તમારે તો જોવા પડતા નથી, બીજાએ જોવા પડે છે, એમાં એ લોકોનું સાંજનું જમવાનું તો ઢુસ્સ્સ...? એને તમારા વગર કપાયેલા નખ જમતી વખતે યાદ આવે તો બિચારા કેવો નર્વસ થઇ જતા હશે ? અને હવે આરોગ્યની વાત કરીએ તો, એક વાત મારી માની લેજો... તમારા જે કોઈ ડોક્ટર ઓળખીતા હોય એમને પૂછી જોજો કે, પૂરા શરીરમાં સૌથી દુ:ખદાયક અને છત ફાડી નાંખે એવી ગંજાવર બૂમો પડાવતું ઓપરેશન શરીરના કયા અંગનું ?

પગના નખનું.

વર્ષોથી કાપ્યા વગરનો નખ અંગૂઠા તરફ વાંકો વળીને અંદર ઘુસતો જાય છે અને એવો ઘુસે છે કે, એને નૅઇલ-કટરથી કાપવો વિચારી પણ ન શકાય ! સલૂનવાળા ય કાપી ન આપે, ત્યારે ડૉક્ટર પાસે સર્જરી કરાવવા જવું પડે અને સર્જરી... હાય રામ, જેણે કરાવી હોય એને પૂછી જોજો... તમારી બૂમોથી છત ફાટી જાય, એટલી વેદના બીજી કોઈ સર્જરીમાં પાડવી પડતી નથી. એક વાર કોઇના નખની સર્જરી થતી જોઇ લેશો તો જીવનભર નખ કાપ્યા વિના નહિ રહો ! ગંદા મોજાં, લાંબા અંતરનું રનિંગ, એકદમ ટાઇટ બૂટ (શૂઝ) અને ગંદી જમીન પર ચાલવાથી પગના નખ 'પાકી' શકે છે. પગનો નખ થોડો ય અંદરની તરફ વળવા માંડે કે, તાબડતોબ કાપી લેવો જોઇએ. તમારા બદલે ડોક્ટરને કાપવો પડશે, તો જીંદગીભર તમારૂં એ નાનકડું છતાં અત્યંત દુ:ખદાયક ઓપરેશન સહન કરી નહિ શકો.

પુરૂષોની સુંદરતા પગના નખને સહેજ પણ આભારી નથી હોતી, એટલે ચગ્યા છે બરોબરનાઓ કે કોણ જોવાનું છે ? બહુ બહુ તો ક્લબના સ્વિમિંગ-પૂલમાં અડસટ્ટે એની ઉપર જોનારીઓ મળે. એક જમાનો હતો કે દિલીપકુમાર, રાજકુમાર કે દેવ આનંદના જમાનામાં ઘેટાંના ઊનનું ગાદલું બનાવને છાતી ઉપર ચોંટાડયું હોય, એટલા ભારેખમ જથ્થામાં એમની છાતીઓ ઉપર રૂંવાટી હતી અને સંતાડવા માટે ઠેઠ ઉપલા ગળા અને હાથના કાંડા સુધી શર્ટના બટનો બં રાખતા. પણ સલમાન ખાનોએ આવીને છાતીની તાસીર બદલી નાંખી. હોય તો ય છાતીના વાળ ઉતરાવી નાંખીને મામલો રિવરફ્રન્ટ જેવો કોરો ધાકોડ બનાવી દેવાયો ને કોરી છાતી મર્દાનગીનું પ્રતિક ગણાવા લાગી. એ વાતે ય સાચી કે, છાતી ઉપર ભૂસું ઊગ્યું હોય તો જ મર્દ હોય, એવું કાંઈ નથી. નાનપણમાં મમ્મીએ તમારૂં શરીર ચોળી ચોળીને નવડાવ્યો ન હોય તો આખા શરીરે આટલા જથ્થામાં રૂંવાટી ઊગે. પણ નવા જમાનાના ઍક્ટરો છાતીના મસલ્સ કેળવીને તૈયાર કરતા અને એમાં રાજ કપૂરો કે દિલીપકુમારો કરતા વધારે મેહનતો પડતી.

એક જમાનો હતો કે ભૂલેચૂકે ય છાતીનો એક વાળ દેખાઈ ન જાય, એની હીરોલોગ તકેદારી રાખતા અને વિનોદ મહેરાથી જુદો ટ્રેન્ડ આવ્યો, જે નાભી સુધીના બટનો ખુલ્લા રાખી નદી કિનારે નારીયેળી-નારીયેળી જેવી કાળી પણ ફળદ્રુપ છાતી ચાઈ જોઇને બચાવે રાખતો (અને એ ઘણી અસરકારક એક્ટિંગ કહેવાતી... કોઈ પંખો ચાલુ કરો !) પણ સલમાન, ઋત્વિકે આવીને મર્દાનગી વ્યાખ્યા બદલી નાંખી. પેટ સુધી જ જઇ શકાય એમ હતું એટલે ત્યાં સુધી દરવાજા ખુલ્લા રાખીને સંતોષ માન્યો. પણ જમાનો રાજ કપૂર, વિનોદ મેહરા કે સલમાન ખાનોનો હોય, પગના નખ સ્વચ્છ રાખવા માટે તો એમાંના એકે ય ને કાંઈ કહેવાય એવું નથી. થૅન્ક ગૉડ... પગના નખને સૅક્સના સિમ્બોલ બનાવી શકાયા નથી. હું સાચો એટલા માટે છું કે, હિંદી ફિલ્મોના એક પણ ગીતકારે ઇવન આજ સુધી પુરૂષ તો ભાડમાં ગયો, કોઈ હીરોઇનનાપગના નખમાંથી નિતરતી સુંદરતા કે સૅક્સ વિષે આંકડો ય નથી પડયો. પુરૂષોમાં પગના નખ રંગીન ચીતરવાની ફૅશન હજી તો શરૂ થઇ નથી. 'ઉનકે પૈરોં કે નાખૂન, જો મેરે દિલ કો ચીર જાતે હૈ, વલ્લાહ ઠેસ વહાં લગતી હૈ તો કલેજે ગીર જાતે હૈ...' હકીકત છે કે, જેટલા ફિલ્મી ગીતો દિલ, આંખો, હોંઠ કે ઝૂલ્ફોં પર લખાયા છે એમાંનું અડધું ય પગના નખ ઉપર લખાયું નથી. 'યે આંસુ મેરે દિલ કી ઝુબાન હૈ...' લખાયું, પણ 'યે નાખૂન મેરે દિલ કા બયાન હૈ...'

હજી સુધી નથી લખાયું.

આટલું વાંચીને ઢીલા થઇ ગયેલા કેટલાક વાચકો પૂછાવશે કે, મોડી તો મોડી અમને અક્કલ આવી છે, પણ હવે કહો, પગના નખો કાપવા કઇ રીતે ? અત્યારે તો જોતા જ હોશ ઊડી જાય છે કે, આટલા ગઠ્ઠા થઇ ગયા પછી કપાશે કેવી રીતે ? અને તમે કહો છો તેમ ડોક્ટર પાસે સર્જરી કરાવવી પડશે તો હું તો અત્યારથી જ છત ફાટી જાય એવી ચીસો પાડવા માંડયો છું. કૃપા કરી અમોને નખ કાપવાની આદર્શ પધ્ધતિ બતાવો.

યસ. આસાનીથી પગના નખ કાપવા માટે પગને ગરમ પાણીના નાનકડા બાઉલ કે તગારામાં બોળી રાખો. નખ થોડા કૂણા થઇ જશે તો કાપવામાં દુ:ખદાયક નહિ રહે. પૂરા ન કપાય તો અંગૂઠામાં ઘુસવા માંગતા નખને કાપવામાં ભલે કલાક ખેંચી નાંખો. જરૂર પડે, નૅઇલ-કટર સાથે જોડેલું કાનસ પણ નખ ઉપર ઘસો.

હાસ્યલેખને બદલે આવો ગંભીર લેખ લખવાનું એક માત્ર કારણ એ જ કે, મેં પગના વધી ગયેલા નખની સર્જરી નજરે જોઈ છે. એવા દર્દીની બૂમો અત્યારે યાદ આવે છે તો ય બોલી ઉઠું છું, પરમેશ્વર મારા દુશ્મનને ય આવું દુ:ખ ન આપે.

No comments: