Search This Blog

22/03/2017

સંતો.... દેશ માટે આટલું તો કરો

હું અમેરિકાના ન્યૂયોર્કના જેએફકે (જ્હૉન એફ. કૅનેડી) ઍરપોર્ટના લાઉન્જમાં બેઠો હતો, ત્યાં એક ચમત્કાર જોયો. અમેરિકન આર્મીના કોઇ ૩ કે ૪ સોલ્જરો એમના ફૂલ યુનિફૉર્મમાં દાખલ થયા.

બસ. એક સેકન્ડ પણ બગાડયા વિના ત્યાં ઉપસ્થિત સેંકડો મુસાફરો અદબપૂર્વક ઊભા થઈ ગયા અને સલામ કરી. મારી જેમ અનેક નોન-અમેરિકન પૅસેન્જરોએ પણ એવી જ આમન્યા રાખીને સોલ્જરોને સલામ કરી. સોલ્જરો કોઇ યુદ્ધ જીતીને નહોતા આવ્યા. એ લોકો ય રૅગ્યૂલર પૅસેન્જરો જ હતા, પણ 'સૉલ્જર' હતા ને ? દેશના રક્ષકો હતા. અમેરિકાનું ગૌરવ હતા. આજે પણ પૂરા અમેરિકામાં સૉલ્જરોની આવી જ અદબ જળવાય છે.

''...
ને આપણે ત્યાં તો'' આવી સરખામણી કરીને હું ભારતના દેશવાસીઓની મશ્કરી કરવા નથી માંગતો. આપણે ત્યાં એવું કલ્ચર ડૅવલપ થયું નથી કે દેશના જવાનોનું મૂલ્ય સમજી શકે. ટીવી, ફિલ્મ કે હુલ્લડો સિવાય આપણે સૈનિકને જોયો પણ નથી. ટીવી-ન્યૂસમાં જેટલું ફૂટેજ રક્ષા મંત્રીઓ ઠોકી જાય છે, એટલું જવાનોને નથી મળતું. આપણી દેશભક્તિ એક ઇંચ પણ ઓછી નથી, પણ માર ખાઇ જઇએ છીએ ઇશ્વરભક્તિમાં. ઈશ્વરને પૂર્ણ સમર્પણ કરવાની કોણ ના પાડે છે પણ આપણો દેશ તમારા ઈશ્વરથી સહેજ પણ નીચો નથી, એ ૯૦-ટકા ભક્તજનોના દિમાગમાં ઉતારવાનું કામ કોઇએ હાથમાં લીધું નથી. ઇશ્વર તમને શું આપે છે, એ કેવળ શ્રદ્ધાનો વિષય છે, સાબિતીનો નહિ. પણ દેશ તમને જે કાંઇ આપે છે, એ નજરે દેખાય છે, મોંઢે ખવાય છે, મહીં રહેવાય છે અને આજે તમે જે કાંઇ છો, તે ફક્ત તમારા દેશને કારણે છો.

પ્રભુ ભક્તિનો ય એક સમય હોય. ૨૪-કલાક કોઇ 'હરે રામ હરે રામ, રામરામ હરે હરે' કરી શકતું નથી અને કરતું હોય તો એની બેવકૂફી પર ભગવાનો ય હસતા હોય. આ પ્રભુ ભક્તોને એટલું જ પૂછવું કે, આટલી બધી ઈશ્વરભક્તિ કરો છો, એ તો પૂજનીય વાત છે, પણ સાથે સાથે ''જીવનમાં એક વારે'' 'ભારત માતા કી જય' બોલ્યા છો ખરા ? 'હરે રામ, હરે કૃષ્ણ' દિવસમાં કેટલી વાર બોલો છો ?

કમનસીબે, મોટા ભાગની અભણ પ્રજાને ધર્મને નામે જ એકઠી કરી શકાય છે ત્યારે હું, તમે, અમિતાભ બચ્ચન કે લતા મંગેશકર કાંઇ કરી ન શકીએ. માત્ર અને માત્ર આપણા પૂજનીય સંતો-મહાત્માઓ આ કામ ચપટીમાં કરી શકે. એમને વધારાનું કાંઇ જ કરવાનું નથી. રામધૂનો ચાલુ રાખો, પણ ઉપસ્થિત ભક્ત-સમુદાય (જે પરમેશ્વર કરતા ય તમને વધુ માને છે !)માં દેશભક્તિનું બીજ ઊગે, એવું કાંઇક તો બોલો. અરે, દેશની પ્રજા ખાતર નહિ તો છેવટે રોજ સરેરાશ પાંચની સંખ્યામાં (આપણા માટે) પોતાનો જાન ગૂમાવતા દેશના બહાદુર સૈનિકો માટે તો કાંઇક બોલો.... ક્યાં સુધી ભગવાન મહાવીર, કૃષ્ણ, રામ અને સ્વામીનારાયણના જાપ જપાવે રાખશો. દેશની રક્ષા માટે ફક્ત જવાનો જ નહિ, સંતો, મારી અને તમારી ય એટલી જ ફરજ છે.

પોતાની દરેક કથામાં ૫૦૦-થી માંડીને ૧૦,૦૦૦ સુધીનો ભક્ત સમુદાય ભેગા કરી શકતા ભારતના સંતશ્રીઓ ૨૦-૨૦ મિનિટ કે તેથી વધુ ચાલે એવી રામધૂન, કૃષ્ણધૂન, સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી કે નવકાર મંત્રોના ૯-પદોની ધૂન પૂરા ભક્તિમય બનીને રમઝટ સાથે બોલાવતા હોય છે. કેવી પૂજનીય વાત છે કે દેશમાં શ્રદ્ધા અને ધર્મ ટકાવી રાખવા માટે કથાને અંતે તો આવી ધૂનો જ ભક્તોને ઘર પહોંચતા સુધી ભક્તિમય રાખે છે.

દેખિતું છે, આવી રામ, કૃષ્ણધૂનો કે નવકાર મંત્રોના જાપ ઉપર જ સંતોનો કારોબાર ચાલે રાખે છે. એ લોકો આવી કથાઓ દ્વારા પૈસા કેટલા કમાય છે, એ આજના લેખનો વિષય નથી. ભલે કથાઓ કરી કરીને કરોડપતિઓ થયા (સરકાર કદી સંતોની આવક ઉપર નજરે ય કરી શકતી નથી... વૉટ બૅન્ક !) અને નાનકડા ય કટાક્ષ વિના કહું તો કોઇ સંત અબજો રૂપિયા કમાય તો એમાં ખોટું શું ? પોતાની કથાઓ દ્વારા હિંદુ સમાજને સામે એટલું આપે પણ છે ને ? ધર્મ અને પ્રભુભક્તિનો ફેલાવો સંતો સિવાય બીજું કોણ કરે છે ? મને ગર્વ થાય છે,

અમદાવાદના એક જૈન સમુદાય ઉપર કે, દર વર્ષે મેંહદી નવાઝ જંગ હૉલમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભૂલ્યા વગર દરેક વ્યાખ્યાન પહેલા ફરજીયાત ઊભા થઇને સહુ પાસે રાષ્ટ્રગીત ગવડાવવામાં આવે છે. જૈન કે અન્ય ધર્મોના સમારંભોમાં રાષ્ટ્રગીત ફરજીયાત કેમ કરવામાં આવતું નથી? શરમ આવે છે ? લાજ લૂંટાય છે? તમારો ભગવાન ગુસ્સે થાય છે? રાષ્ટ્રગીત ફરજીયાત ગવડાવવાનું કામ પર્યુષણ-વ્યાખ્યાન માળામાં કરવામાં આવે છે, એ ધન્યતા છે. નહિ તો જૈન સમુદાય કેવળ  ભક્તિના રંગે રંગાયેલો મનાયો છે.

પણ આઘાત ત્યાં લાગે છે કે, આ ઉપર જણાવ્યા સિવાયના જૈન ધાર્મિક સમારંભોમાં કે હિંદુ સમાજના કોઇ ભક્તિપ્રસંગે ''એકે ય'' સંતશ્રીની કથામાં આજ સુધી જે દેશનું ખાઇએ છીએ એ ભારત દેશનું રાષ્ટ્રગીત ગવાતું નથી. જો રામધૂન ૧૫-૨૦ મિનિટની ચલાવે રાખતા હો તો રાષ્ટ્રગીત તો માત્ર ૫૨-સેકન્ડનું જ છે ! રામધૂનની કોઇ ના નથી પાડતું... એ ૧૫-૨૦ મિનિટને બદલે ૨૪-કલાકની રખાવો.... આપણા ભક્તો ખડતલ છે... પ્રભુ શ્રીરામ કંટાળી જશે, ભક્તો નહિ કંટાળે ! પણ કથાને અંતે માત્ર ૫૨-સેકન્ડનું રાષ્ટ્રગીત ગવડાવવામાં આબરૂના ક્યા ધજાગરા ઊડી જાય છે ? આજે નહિ તો કાલે, સુપ્રીમ કોર્ટ એનો ફરજીયાત અમલ કરાવવાની જ છે કે, જ્યાં ૫૦-થી વધુ માણસોની સભા થાય, ત્યાં રાષ્ટ્રગીત ફરજીયાત ગવાવું જોઇએ.

તો હે સંતો, આવો યશ સુપ્રીમ કોર્ટને શું કામ આપવા માંગો છો ? ''અમે તો કાંઇ નવરા નહોતા, પણ આ તો વળી સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો એટલે ફરજીયાત ગવડાવવું પડે છે !'' આપણી દેશભક્તિ આટલે તળીયે બેસી ગઇ છે કે, કોઇ હૂકમ કરે, એના ખૌફથી જ 'જયહિંદ' કે 'ભારત માતા કી જય' બોલીએ ?

એકલા અમદાવાદમાં જ જૂનાં ફિલ્મી સંગીતની ૧૦-૧૨ કલબો ચાલે છે. માંડ એકાદ-બે કલબોમાં રાષ્ટ્રગીત ગવડાવવાની પ્રથા શરૂ થઇ છે. બાકીની ક્લબો કેમ નહિ ? લાયન્સ કે રોટરી ક્લબોમાં મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષોથી રાષ્ટ્રગીત ગાવાની પ્રથા અકબંધ છે. એ બેશક પ્રણામયોગ્ય ખુમારી છે, પણ એકલા અમદાવાદમાં રોજ આવા સેંકડો પ્રસંગો ઉજવાય છે, જ્યાં મોટા ભાગના આયોજકોને ખબરમાત્ર નથી કે રાષ્ટ્રગીત એ વળી કઇ ચીજનું નામ છે !

ઈસ્લામિક આતંકવાદીઓને ધિક્કારવાનું તો આપણને લોહીમાં ભળી ગયું છે, પણ એ આતંકવાદીઓની ઈસ્લામપરસ્તી પણ દાદને કાબિલ છે. પહેલા ઇસ્લામ, પછી જીંદગી ! એમનામાંથી વફાદારી શીખવાને બદલે આપણે એટલું જ શીખ્યા કે, પહેલા હોય કે છેલ્લા.... પહેલા આપણો ધર્મ...! દેશ-ફેશ... હૂ કૅર્સ...? આતંકવાદીઓમાં અનામત નથી હોતી. એને માટે એ લોકોએ ઝગડવું ય પડતું નથી. એક મસ્જીદ બનાવવા માટે એ લોકો કરોડો રૂપિયા વેડફી નથી નાંખતા.... એટલા પૈસાના એ લોકો શસ્ત્રો ખરીદે છે અને આપણી સામે વાપરે છે. આપણા મંદિર-દેરાસરોની એક દિવસની દાનપૂણ્યની ટોટલ આવકમાંથી આખા દેશની એક પંચવર્ષીય યોજના તૈયાર થઇ જાય, એટલા પૈસા મળે છે, પણ એ અબજો-ખર્વો રૂપિયા દુશ્મનને મારવા એક નાનકડી બંદૂક પણ ખરીદવાના કામમાં નથી આવતા. બસ, એમાંથી દેરાસરો અને મંદિરો બને એટલે ભગવાનો નહિ..દુશ્મનો ખુશ ! સાલું, દેશના કરોડો લોકો ભૂખે મરે છે, ત્યાં કરોડો રૂપિયાના અન્નકૂટો અમીરોના પેટમાં સડી જાય ત્યાં સુધી ખવાતા રહે, પણ એ અન્નકૂટોને બદલે એક રૂપિયો તો દેશ માટે આપો !

હમણાં એક ખુમારીભર્યો વિડીયો ફરી રહ્યો છે. પાકિસ્તાનમાં જ નવાઝ શરીફ અને તેના આકાઓના ખીજાયેલા મોંઢાઓ છતાં કોઇ ૧૩-૧૪ વર્ષની હિંદુ છોકરી શ્રીગાયત્રી પાઠ કરાવે છે. એક નાની છોકરી દુશ્મન દેશમાં સર્વસત્તાધીશોની હાજરીમાં ખુમારીભેર આ કરી શકે અને આપણાં સંતોને રાષ્ટ્રગીતે ય પેટમાં વાગે છે.

...
અને ફરી પાછું ગતાંકથી ચાલુ ! આ બધું પવિત્ર કામ કેવળ આપણા સંતો કરાવી શકે. ભક્તોમાં ભગવાનની સાથે સાથે દેશભક્તિનો છેવટે 'નામનો ય' સંચાર કરાવો તો આવનારી પેઢી (જો જીવતી રહેશે તો) ઈશ્વરને બદલે તમારી પૂજા કરશે. તમારા મંદિરો બનશે અને આપણી પવિત્ર માતૃભૂમિ ઉપર દુશ્મન એની મેલી નજર પણ નહિ મૂકી શકે.

ભારત માતા કી જય.

સિક્સર
-
અને ફરી એક વાર કોંગ્રેસે જ મોદીને જીતાડયા...અગાઉ આટલી બધી વાર થપ્પડો ખાવા છતાં, દેશ માટે બે શબ્દો બોલવાને બદલે માત્ર મોદીને જ ગાળો !

No comments: