Search This Blog

11/03/2017

‘અલીબાબા ઔર ૪૦–ચોર’ (’૬૬)

ફિલ્મ: ‘અલીબાબા ઔર ૪૦–ચોર’ (’૬૬)
નિર્માતા : જે.બી.એચ. વાડીયા
દિગ્દર્શક : હોમી વાડીયા – જોન કાવસ
સંગીત : ઉષા ખન્ના
ગીતકાર : લિસ્ટ મુજબ
થીયેટર : લ. એન.
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ
કલાકારો : સંજીવ કુમાર, ઍલ. વિજયલક્ષ્મી, ઇંદિરા બિલ્લી, કમલ મેહરા, વીણા, તબસ્સુમ, અમરનાથ, ડૅવિડ, એસ. એન. ત્રિપાઠી, બી. એમ. વ્યાસ, ભગવાન સિંહા, રાજરાની, યુનુસ પરવેઝ, રામલાલ, પ્રિન્સ અર્જુન, મધુમતિ, લક્ષ્મી છાયા, અરૂણા ઇરાની.


ગીતો
૧. મૈં માસુમ, દિલ માસુમ ક્યા હો જાય... આશા ભોંસલે
૨. અલીબાબા અલીબાબા, ખ્વાબોં મેં તુ હોતા હૈ... આશા ભોંસલે
૩. જબ આપ સલામત હૈ, ફિર હમકો કમી ક્યા હૈ... આશા–ઉષા
૪. બનાએ જા બિગાડે જા, કે હમ તેરે ચરાગ હૈ.... મુહમ્મદ રફી
૫. સાદગી મેં શોખી, અદાયેં બેમિસાલ.... કૃષ્ણા કલ્લે
૬. આજા બાહોં મેં, દિલ કી રાહોં મેં.... સુમન કલ્યાણપુર – મૂકેશ
૭. દેખીયે જરા પ્યાર સે, ક્યું ખફા હો દિલદાર સે.... લતા મંગેશકર
ગીત નં. ૧–૪ જાવેદ અનવર, નં ૨–૭ પ્રેમ ધવન, ૩–૪, અસદ ભોપાલી, ગીત નં ૬ જાવેદ અને ધવને સાથે લખ્યું હતું.

આ એક સમજ ન પડે, એવી ગડમથલ છે. એ તો વળી આપણે બધા જાણીએ છીએ કે, અલીબાબા અને ૪૦–ચોરની દંતકથા ઉપરથી સમજોને દરેક દેશે ફિલ્મો બનાવી હતી, એમાં ઇન્ડિયાવાળા દર પાંચ વર્ષે એક એક અલીબાબો છૂટો મૂકી દેતા હતા. પારસી નિર્માતા ભાઇઓ જે.બી.વાડીયા અને હોમી વાડીયા તો અમથી ય આવી સ્ટન્ટ ફિલ્મો બનાવવાના રવાડે ચઢી ગયા હતા, એટલે આ નામની એક બ્લૅક–ઍન્ડ–વ્હાઇટ ફિલ્મ એમણે શકીલા અને મહિપાલને લઇને ૧૯૫૪–માં બનાવી ને કાંઇ બાકી રહી જતું હોય એમ એ જ ફિલ્મ ફરી ૧૯૬૬–માં સંજીવ કુમાર અને ઍલ. વિજયાલક્ષ્મીને લઇને બનાવી. એ પછી તો આપણા ફકીરચંદ (એફ.સી.) મેહરા ય શું કામ બાકી રહી જાય ! એમણે ધર્મેન્દ્ર, હેમા માલિની અને ઝીનત અમનને લઇને ફરી એક અલીબાબા બનાવી. (‘જાદુગર જાદુ કર જાયેગા’ અને ‘ખતૂબા... ખતૂબા’ જેવા ફાલતુ ગીતો એમાં હતા.) રશિયા સાથે સહકારથી મેહરાએ આ ફિલ્મ બનાવી હતી.

જ્યારે હોમી વાડીયાએ ’૫૪માં આ ફિલ્મ બનાવી, એમાં એક કામ મુહમ્મદ રફીના ચાહકો માટે બેનમૂન કરતા ગયા. ફિલ્મના બન્ને સંગીતકારો શ્રીનાથ ત્રિપાઠી અને તેમના આસિસ્ટન્ટ ચિત્રગુપ્તે ફિલ્મના ઘણા ગીતો મધુર બનાવ્યા, પણ ચાહકોને યાદ રહી ગયું, આશા–રફીનું ‘અય સબા, ઉનસે કહે જરા, ક્યું હમેં બેકરાર કર દિયા....’ એ પહેલા ચિત્રગુપ્તે પણ ’૫૨–માં બનેલી ફિલ્મ ‘સિંદબાદ ધ સેલર’માં મનભાવન કામ કરી લીધું હતું, આ વખતે શમશાદબાઇને રફીમીયાં સાથે ગવડાવીને. હમિંગ–બર્ડના પીંછાના ટોચકાને હળવેકથી અડતા હોઇએ એવું એ મધુરીયું ગીત ‘અદા સે ઝૂમતે હુએ, દિલોં કો ચૂમતે હુએ, યે કૌન મુસ્કુરા દિયા...’ ફિલ્મમાં એ જમાનામાં પટ્ટાબાજ એટલે કે, તલવારબાજીનો માસ્ટર.... અફ કોર્સ, ફિલ્મો પૂરતો !) તલવારબાજ તરીકે નામ કમાયેલો સાઉથનો રંજન અને સાયરાબાનુની મધર નસીમબાનુએ આ ગીત ગાયું હતું. (જો કે, આ નસિમ સાયરાની મમ્મી નસિમ બાનુ નથી લાગતી.) આ રંજનનું મૃત્યુ બહુ કરૂણ હાલતમાં થયું હતું. દારૂના નશાને કારણે દેવું ભરપાઈ કરી ન શકનાર રંજને મુંબઇમાં તેના ફ્લૅટની બાલ્કનીમાંથી નીચે રોડ પર સીધી છલાંગ મારી દીધી હતી.

શકીલા–મહિપાલવાળી ‘અલીબાબા’માં જમાનાની ફૅશન પ્રમાણે ફિલ્મનું એક ગીત ગૅવા કલરમાં ઉતારાયું હતું. અરેબીયન નાઇટ્સની દંતકથાઓ ઉપર આધારિત આ ફિલ્મના બાકીના રીલ્સ બ્લૅક–ઍન્ડ–વ્હાઈટમાં હતાં. ગેવા કલરની શોધ ૧૯૪૮–માં બૅલ્જિયમમાં થઇ, જે આગ્ફાકલરની હિસ્સેદાર હતી. ’૬૪–માં બન્ને કંપનીઓ ઑફિશિયલી એક થઇ અને ‘આગ્ફા–ગૅવર્ટ’ નામ સાથે ૧૯૮૦–સુધી ફિલ્મો બનાવતી રહી. પહેલી હિંદી ફિલ્મ રફીના ‘પરવરદિગારે આલમ, તેરા હી હૈ સહારા’ એ ફિલ્મમાં જયરાજે ગાયેલી ફિલ્મ ‘હાતિમતાઇ’ અને બીજી ચિત્રા–આઝાદની કાયમી જોડીવાળો ‘ઝીમ્બો’ આ વાડીયાએ જ ઉતારી હતી. કાળક્રમે ઇસ્ટમૅન કલર વધુ ચોખ્ખી, આકર્ષક રંગોવાળી અને ટેકનિકલર કરતાં ઘણી સસ્તી મળવા લાગી, તે આજ સુધી ઇસ્ટમૅન કલરની બોલબાલા છે.

ભારતમાં પહેલી ગેવા કલરની ફિલ્મ સાઉથમાં તમિલમાં બનેલી ફિલ્મમાં ‘અલીબાબાવૂમ ૪૦ તિરૂદર્ગાલૂમ’ હતી. એમ તો વચમાં થોડો સમય ફ્યુજી કલરમાં પણ કેટલીક ફિલ્મો બની હતી.

સંજીવકુમાર એ રીતનો નસીબદાર ખરો કે, ભલે બગલમાં પોલીસની લાકડી ખોસીને આરોપીના પિંજરા નીચે પોલીસ બનીને દોઢ–બે સેકન્ડ માટે જૉય મુકર્જી–આશા પારેખ–સુનિલ દત્તની ફિલ્મ ‘હમ હિંદુસ્તાની’માં ઊભા રહેવા મળે છે, પણ એ એનો ઑફિશિયલ ફિલ્મ પ્રવેશ કહેવાય અને તે પણ રંગીન ફિલ્મમાં. નસીબનો બળીયો કેવો કે એ જ જૉય મુકર્જીની ફિલ્મ ‘આઓ પ્યાર કરેં’ ભલે ફિલ્મ બ્લૅક–ઍન્ડ–વ્હાઈટ હતી, પણ વચ્ચે બે રીલ્સ કલરમાં આવી જાય છે અને દેવ આનંદ કે રાજ કપૂર હજી પોતાની પહેલી કલર ફિલ્મની રાહ જોતા હતા, ત્યારે સંજીવે હીરો તરીકે આ રંગીન ફિલ્મ ‘અલીબાબા ઔર ૪૦–ચોર’ કરી લીધી હતી. આ ફિલ્મ ૧૯૬૬–માં રજુ થઇ ત્યારે પણ થીયેટરો કાંઇ રંગીન ફિલ્મોથી ધમધમતા નહોતા. હોમી વાડીયાનું એ પ્રદાન મોટું કહેવાય કે ’૬૦–ના દશકમાં પણ એ કેવળ મારધાડની સ્ટન્ટ ફિલ્મો જ બનાવતા, એમાં લગભગ બધી ફિલ્મોમાં એ બે રીલ્સ રંગીન બનાવતા. ભારતની પહેલી કલર ફિલ્મ ૧૯૩૭–માં બની હતી, ‘કિસાન કન્યા’, જે સિનેકલરમાં બનાવવામાં આવી હતી. વ્હી. શાંતારામે ‘સૈરન્ધ્રી’ (ઇ.સ. ૧૯૩૩ : પ્રભાત સ્ટુડિયો, પૂણે) નામની રંગીન ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, પણ પ્રોસેસિંગ દરમ્યાન જર્મનીના સ્ટુડિયોમાં જ એ ફિલ્મ બળી ગઇ.

ઇસ્ટમૅન કલર એ ‘ઇસ્ટમૅન–કોડાક’ કંપનીનું સંયુક્ત નામ હતું, જેનું કામ ફિલ્મોને પ્રોસેસ કરવાનું હતું. અલબત્ત, ટૅકનિકલર વધુ ઍડવાન્સ્ડ અને મોંઘી છતાં સર્વોત્તમ હતી. ભારતમાં બનેલી સર્વપ્રથમ ટૅકનિકલર ફિલ્મ દિલીપ કુમારની ‘ગંગા જમુના’ હતી, નહિ કે મેહબૂબ ખાનની ‘આન.’ ‘આન.’ તો ૧૬ એમ.એમ.ના કૅમેરાથી ઉતારીને લંડન લઇ જઇને ૩૫ એમ.એમ.માં પ્રોસેસ કરવામાં આવી હતી.

આજની ફિલ્મ ‘અલીબાબા ઔર ૪૦–ચોર’ બેશક ઇસ્ટમૅન કલર ફિલ્મ હતી. તો ય ખભા થાબડવા પડે વાડીયા–બ્રધર્સના કે, હજી એ જમાનામાં રંગીન ફિલ્મો જવલ્લે આવવા માંડી હતી. પણ આ લેખના ટાઇટલમાં લખ્યું છે તેમ, ‘જોવાથી ટાઇમ ન બગડે એવી’ આ ફિલ્મ છે કારણ કે, આપણા જેવા એ જમાનાની ફિલ્મો રૅગ્યુલર જોનારાઓ એકની એક પ્રેમલા–પ્રેમલીની અને રોના–ધોનાવાળી સામાજીક ફિલ્મો જોઇ જોઇને કંટાળ્યા હોઇએ, ત્યાં આ ફૅન્ટસી પોષાક ફિલ્મમાં કમસે કમ કંઇક નવું તો જોવા મળે છે. પાછું વાડીયાની એ જમાનાની રેગ્યૂલર ફિલ્મોની માફક આમાં શૈતાન જાદુગર કે રાક્ષસની વાર્તાવાળી આ ફિલ્મ નથી. ૧૭–મી સદીમાં ભારતમાં લખાયેલી અરેબીયન નાઇટ્સની વાર્તાઓ ઉપરથી ફિલ્મ બની છે. સંજીવ કુમાર અલીબાબા અને સાઉથની એલ. વિજયાલક્ષ્મી મરજીના, અલીનો મોટો ભાઇ બાદશાહ મીર કાસિમ એટલે સંગીતકાર શ્રીનાથ ત્રિપાઠી પોતે, ઇફ્તેખારની બહેન વીણા, તબસ્સુમ, લક્ષ્મી છાયા, અરૂણા ઇરાની, મધુમતિ, ઇંદિરા બિલ્લી અને રાજરાની જેવું હુસ્નો યૌવન ઠાંસીઠાંસીને ભર્યું છે. અત્યંત ફાલતુ સંગીત તો ઉષા ખન્નાએ આપ્યું છે, છતાં ફિલ્મની કવ્વાલી ‘જબ આપ સલામત હૈ...’ મધુરી બની છે અને ફિલ્મના પરદા ઉપર ભગવાન સિન્હા નામના ઍકસ્ટ્રા કલાકારનું નસીબ ચમક્યું કે મુહમ્મદ રફીનું જાણીતું ગીત  ‘બનાયે જા બિગાડે જા...’ એને ગાવા મળ્યું છે. અત્યંત પાતળો અને થોડો કદરૂપો ય ખરો ઐવો આ ભગવાન સિન્હા દેવ આનંદનો ખાસ માનિતો હતો અને દેવની શરૂઆતની લગભગ બધી ફિલ્મોમાં એ ચોથા–પાંચમાં નંબરના વિલન તરીકે હોય !

‘લખનૌ મેં એસી કૌન ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે...’ એ સંવાદ ‘જાની’ રાજકુમાર ફિલ્મ ‘મેરે હુઝુર’માં જેને માટે બોલે છે, એ ફિરદૌસ એટલે ઇંદિરા બિલ્લી, એની માંજરી આંખોને કારણે આવું ઉપનામ પામી હતી. નો ડાઉટ, એ ઘણી સૅક્સી દેખાતી અને શરીર ચારેબાજુથી હર્યુંભર્યું હતું. મનભરીને જોવી ગમે એવું મારકણું રૂપ પણ હતું, પણ એ રૂપનો ઉપયોગ ફિલ્મના પરદા સિવાય પણ એ કરવા ગઇ, એમાં ફેંકાઇ ગઇ અને ’૬૦–ના દશકની આવી સ્ટન્ટ અને જાદુનગરીવાળી ફિલ્મો પૂરતી ચાલી. ફિલ્મ ‘મહુવા’માં જે હીરો હતો, તે શિવકુમાર સાથે એ પરણી હતી.

આશ્ચર્ય ખલનાયક બી.એમ.વ્યાસનું થાય કે હાઇટ–બૉડી, દેખાવ, અવાજ અને અભિનયમાં એ કોઇ પ્રાણ કે કે.કે.સિંઘોથી ઉતરતો ન હતો, છતાં રહી ગયો આવી સ્ટન્ટ ફિલ્મો પૂરતો. એમાં એ રાક્ષસ બને કે માયાવી જાદુગર, પણ એની પર્સનાલિટી એથી ય વિશેષ હતી. રાજ કપૂરની ફિલ્મ ‘આગ’માં એ ચમક્યો અને વ્હી. શાંતારામની ‘દો આંખે બારહ હાથ’માં એ ખૂંખાર વાળંદ બન્યો, જેને જૅલર સાહેબ (શાંતારામનું ગળું કાપી નાંખવાની તક મળી હતી). અફસોસ એ વાતનો થાય કે, આટલી જાયગૅન્ટિક પર્સનાલિટી અને અભિનય હોવા છતાં આ માણસ પ્રાણ, મદન પુરી કે ઇવન પ્રેમ ચોપરા જેટલો ય આગળ કેમ નહિ આવ્યો ? એનો સગો ભાઇ ભરત વ્યાસ ગીતકાર તરીકે ગંજાવર નામ કાઢી ચૂક્યો હતો, પણ રાજસ્થાનના ચુરૂમાં જન્મેલા આ વ્યાસભાઇઓમાંથી આ નાનો નિષ્ફળ કેમ ગયો, એની કદાચ કોઇને ખબર નથી. ફિલ્મનો કહેવાતો કૉમેડિયન કમલ મેહરા ગરીબ નિર્માતાઓનો રાજીન્દરનાથ કહેવાતો. અર્થાત્, જે લોકોને રાજીન્દરનાથ ના પોસાય, એ નિર્માતાઓ કમલ મેહરાને લેતા. કમલ અત્યંત ફાલતુ કૉમેડિયન હતો. પોતાનું કાંઇ પણ નવું આપવાને બદલે એ રાજીન્દરનાથ, સુંદર, મારૂતિ, ધુમલ કે મોહન ચોટી જેવા નિષ્ફળ કૉમેડિયનોનું મિશ્રણ કરીને પ્રેક્ષકોને હસાવવાનો બેવકૂફ પ્રયત્ન કરતો.

ફિલ્મની સંગીતકાર ઉષા ખન્ના ઉપર નવાઇ લાગે કે, એક તો માંડ એને ફિલ્મો મળે, એમાં ટાઈમ કેટલો બધો મળી રહે ? એનો ઉપયોગ અચ્છી ધૂનો બનાવવાને બદલે રામ જાણે શું કરતી હશે કે, આવી સ્ટન્ટ–ફિલ્મોમાં પણ કોઇ શહૂર બતાવી શકી નહિ. મૂકેશ એનો માનિતો ગાયક એટલે એની લગભગ દરેક ફિલ્મમાં એકાદું ગીત મૂકેશને આપે. આમાં તો એ પણ સફળ થયું નથી. પ્રસ્તુત ફિલ્મમાં ગીતકારોમાં એકનું નામ જાવેદ અનવરનું છે, એ ઉષા ખન્નાના પિતા ‘મનોહર ખન્ના’નું ફિલ્મી નામ છે. આ મુસ્લિમ નામ નરગીસની માતા જદ્દનબાઈએ મનોહર ખન્નાને ત્રણ ગઝલો લખવા માટે આપ્યું હતું. વર્ષો પહેલાં અમદાવાદમાં મારે ઉષા ખન્નાને રૂબરૂ મળવાનું થયું, ત્યારે અન્ય પ્રશ્નોની સાથે મેં, એમની પસંદગીનું શ્રેષ્ઠ ગીત પૂછ્યું હતું, તો એમણે સામો મને એ જ સવાલ પૂછ્યો. મેં કહ્યું, ‘‘તમે કમ્પૉઝ કરેલું મારી પસંદગીનું સર્વોત્તમ ગીત તો મુહમ્મદ રફીનું ફિલ્મ ‘દિલ દે કે દેખો’નું ‘હમ ઔર તુમ ઔર યે સમા, ક્યા નશા, સા હૈ’ છે, ત્યારે ખૂબ હસી પડીને એમણે કીધું હતું, ‘‘વાહ... મારી પસંદગીનું પણ એ જ છે.’’

No comments: