Search This Blog

19/03/2017

ઍનકાઉન્ટર : 19-03-2017

* 'ઍનકાઉન્ટર'માં આજ સુધીનો સૌથી ફાલતુ સવાલ કયો ?
– 
રાહુલ ગાંધી/સલમાન ખાનના લગ્ન ક્યારે થશે !
(
હેમંત એલ. મેહતા, ભાખરવડ–જૂનાગઢ)

*
મારે પણ તમારા જેવા થવું છે. શું કરૂં ?
–  
રૉંગ નંબર...
(
માનવ પટેલ, અમદાવાદ)

*
પહેલી ઘડિયાળ બનાવનારે સમય શેમાં જોઇને નક્કી કર્યો હશે ?
– 
મોબાઈલમાં.
(
યશ અગ્રાવત, રાજકોટ)

*
મારે તમને વૉટ્સઍપ મૅસેજ કરવા છે. નંબર મળે ?
–  
હું ફૅસબૂક કે બ્લૉગ કે ટ્વિટરમાં છું જ નહિ... અને માત્ર પર્સનલ 'વૉટ્સઍપ' ક્યારેક જોઉં છું.
(
પાર્થ લંગાલીયા, ભાવનગર)

*
રાહુલ ગાંધી કહે છે, 'હું સંસદમાં બોલીશ તો ભૂકંપ આવશે'...
–  
યુ.પી.ની ચૂંટણીઓના પરિણામો પછી એમના વગર બોલે પૂરી કૉંગ્રેસમાં ભૂકંપ આવી જ ગયો છે.
(
ડૉ. ચિરાગ ઠક્કર, મેહસાણા)

* '
ભાગુ તો મારી ભોમકા લાજે'... ઊભું તો ?
–  
બેસી જાઓ.
(
યામા ભટ્ટ, જૂનાગઢ)

*
ઈન્ટરકાસ્ટ મૅરેજ વિશે આપનું શું માનવું છે ?
–  
હું શું માનું છું, એ મારા ઘરમાં ય કોઇ માનતું નથી... બોલો, હવે ?
(
દેવર્ષિ પટેલ, વડોદરા)

*
તમને કર્મકાંડ કેવું આવડે છે ?
– ના. મારા લગ્ન મેં જાતે નહોતા કરાવ્યા... શુક્લજીને બોલાવ્યા હતા.
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

*
તમારી ફાસ્ટ ગર્લફ્રેન્ડ અને લાસ્ટ ગર્લફ્રેન્ડના નામ જણાવશો ?
–  
બેમાંથી એકે યના નામો મારા આધાર–કાર્ડમાં ય નથી મૂક્યા.
(
અલ્પેશ રામાણી, ફાચરીયા–સાવરકુંડલા)

*
આપના કોઇ લૅક્ચરમાં શ્રોતાઓ તાળીઓ જ ન પાડે તો શું સમજવું ?
–  ...
પછી તો એ લોકો સમજી ગયા હોય ને !
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

*
ધીરજ અને શાંતિ વચ્ચે શું ફરક છે ?
–  
બન્ને સ્ત્રીલિંગ શબ્દો છે... અર્થ સાથે એમને કોઇ લેવાદેવા નહિ.
(
ધવલ જે. સોની, ગોધરા)

* '
બુધવારની બપોરે' અને 'ઍનકાઉન્ટર' બેમાંથી કઇ કૉલમ પહેલા વાંચવી ?
–  
પહેલામાં મારે એકલાએ મગજ ચલાવવાનું છે. બીજીમાં તમારે પણ ! બીજીવાળી અડધી વાંચો તો ચાલે.
(
કૌશલ ડી. ઠાકોર, અમદાવાદ)

*
સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાના શિક્ષકો માટે સરકાર ક્યારે વિચારશે ?
–  
સરકાર વિચારે પણ છે, એ જાણીને આનંદ થયો.
(
નિરાલી ચૌહાણ,ચોટીલા)

*
આપણા ભારત દેશ માટે મોદી સાહેબ જેવા બીજા ૨૫ નેતાઓ મળી જાય તો દેશ જરૂર લાઇન પર આવે... તમારૂં  શું માનવું છે ?
–  
પછી મોદી ક્યાં જશે ?

*
મારે દેશના પ્રધાનમંત્રી બનવું છે. શું કરૂં ?
–  
આંબરડીમાં પહેલા શૌચાલયો બનાવડાવો.
(
ઈમરાન શેખ, આંબરડી–સાવરકુંડલા)

*
વિધાનસભામાં અશોક ભટ્ટની ખોટ પૂરવા અશોક દવેને મોકલ્યા હોય તો ?
–  
એ પૂજનીય 'સ્વર્ગસ્થ' છે... પછી  ઉપરની ખોટ પૂરવા મને મોકલશો ?
(
નલિની શુક્લ, ભાવનગર)

*
ભૂલ થયા પછી કાન પકડવાનો રિવાજ છે... નાક કેમ નહિ ?
–  
અમારામાં તો નાક–કાન અમારા નહિ.... સામેવાળાના પકડીએ.
(
મનિષ એન. વર્મા, ગોધરા)

*
ભગવાન શિવ હવે જન્મ લે તો ગળામાં સર્પની માળા કે વ્યાઘચર્મ રાખે ખરા ? બન્ને લુપ્ત થતા પ્રાણીઓ છે.
–  
એ પણ એ બન્ને પ્રાણીઓની આજીવન રક્ષા કરવાનો ખ્યાલ હતો, જેથી ઈશ્વરનું નામ હોવાથી કોઇ એમને મારી ન નાંખે.
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)


*
પતિને પરમેશ્વર કહેવાય છે, તો પત્નીને દેવી સમજીને એનું સન્માન કરવું જોઇએ. સુઉં કિયો છો ?
–  
એ બધું એ પતિ–પત્ની અંદરોઅંદર સમજી લે... આપણાથી વચ્ચે પડાય નહિ !
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

*
શું તમે કવિ પણ છો ?
–  
ના. ગુજરાતને કોઇ નુકસાન થાય, એવું હું ઈચ્છતો નથી.
(
ઋષિ વૈષ્ણવ, જામનગર)

*
તમારા મતે પાકિસ્તાન સામે યુધ્ધ છેડવાનો આ રાઇટ ટાઇમ છે ?
– 
હાલમાં રોજના ૪–૫ ભારતીય જવાનો મરે છે... બસ, કોઇ હજાર–બે હજાર મરવા માંડે, પછી કદાચ સરકાર નિર્ણય લે !
(
પરેશ દવે, સુરત)

*
નવી નોટબંધીની નીતિ વિશે તમારો અભિપ્રાય જણાવશો ?
–  
એમાં સ્વીકારવામાં કાંઇ ખોટું નથી. હજી સુધી તો પ્રજાને તો કોઇ ફાયદો દેખાયો નથી.
(
ડૉ. શ્રેણિક દલાલ, અમદાવાદ)

*
નરેન્દ્ર મોદી જેવા સાહસિક નિર્ણયો બીજું કોઇ લઇ શક્યું નથી, છતાં એમને બિરદાવવાને બદલે કેટલાક એમની ટીકાઓ કરે છે. તમે શું માનો છો ?
–  
એમના નિર્ણયો  સાચા પડયા છે, તેમ ખોટા ય પડયા છે.
(
વિનય ભરાડવા, રાજકોટ)

*
અત્યાર સુધીમાં જેટલા કૌભાંડો થયા, એમાં કેટલાને સજા મળી ?
–  
કેમ ? માયાવતી, રાહુલ, કેજરીવાલ અને અખિલેશને સજા નથી મળી ? સરકારે  નહિ તો પ્રજાએ આપી.
(
રાજુ દેસાઇ, ખસલીયા–ભાવનગર)

*
હાર માની લેવાને બદલે  આજના યુવાનોએ વધુ મેહનત કરવી ન જોઇએ ?
–  
અખિલેશ અને રાહુલ માટે તમારી વાત સ્વીકારૂં છું... પણ માયાવતીને તો યુવાન ક્યાંથી કહેવાય ?
(
દ્રષ્ટિ એ. પારેખ, સુરત)

No comments: