Search This Blog

12/07/2017

સાવ ખાખરા જેવો છે... !

લતા મંગેશકર છીંક ખાય તો ય એ પ્રાર્થના સમાન છે. ઈશ્વર કરે, એને કદી ઊધરસે ય ન આવે. અમથી મુઠ્ઠી વાળીને લતા જ્યારે ઉધરસ પણ ખાતી હશે, એ કેવી સૂરીલી લાગતી હશે ? ગીત કોઈ પણ ભાષાનું હો, લતાનો ''નો ઉચ્ચાર આટલો મીઠડો તો કોઈ ગાયક પાસે સાંભળ્યો નથી.

એમાં ય,લતા (કોલકતાના ઉચ્ચાર મુજબ, 'લોતા મોંગેશકોર')એ સંગીતકાર સલિલ ચૌધરી (શોલિલ દા)ના સંગીતમાં ઠેઠ ૧૯૫૮-માં ગાયેલા બાંગ્લા ગીત, 'ઓ પોલાશ, ઓ શીમુલ, કેનો ય મોન મોરે રાંગાલે, જાની ના જાની ના, આમાર એ ઘૂમ કનો ભાંગાલે...!' જગતભરમાં બંગાળીથી વધુ મીઠી ભાષા બીજી કોઈ છે ? અમારી કાઠીયાવાડી ય બીજા નંબરે આવે ! સુઉં કિયો છો ?

બસ. અમારે તો દીવાબત્તી થઇ ગયા. લતાના કંઠે એક મુખડામાં બબ્બે વખત મીઠડો '' ગવાય, એ ધોરણે 'પોલાશ' એટલે 'પલાશ' શબ્દ ઑલટાઈમ લાડકો થઇ ગયો. કન્યા રાશિ ઉપર કોકનું નામ પાડવાનું આવતું તો અમારૂં પહેલું સૂચન 'પલાશ' રહેતું ને કુંભ રાશિ ઉપર 'શીમુલ' નામ રખાવવાનો અમારો આગ્રહ રહેતો.

એ તો થોડું ભણ્યા પછી ખબર પડી કે, 'પલાશ'એટલે તો ખાખરો. કેસૂડાંના ફૂલ ખાખરાના વૃક્ષ પર થાય. લાલઘુમ્મ કેસૂડો હોળી વખતે પાણીમાં નાંખીને એકબીજાને છાંટવાના કામમાં આવતો. ગુલમોહોરના ફૂલ જેવા કેસૂડાના ફૂલો લાગે. રામાયણમાં પણ પલાશવનનો ઉલ્લેખ છે. ખાખરાના વૃક્ષોનું વન એટલે પલાશવન. આવો મીઠડો શબ્દ અભડાય નહિ, એને માટે અમે કાળજી બહુ રાખતા. જેની ને તેની પાસે તો આવો મૂલ્યવાન શબ્દ બોલીએ પણ નહિ... બોલીએ તો એના છોકરાનું નામ 'પ્રવીણ' બદલીને 'પલાશ' કરી નાંખે ને ! મૂલ્યવાન ચીજો ઓછી વપરાય ત્યાં સુધી મૂલ્યવાન વધુ રહે છે.

...
અને આ બાજુ જુઓ અમારી ગુજ્જુ ભાભીઓને... ! કોઈ નહિ નેરાત્રે જમવાની બાકી રહી ગયેલી રોટલીઓ ફેંકી દેવી ન પડે, એટલે સવારે એને દબાવી-દબાવીને શેકી નાંખતા એનું 'ખાખરા' નામ પાડી દીધું. કોઈ પંખો ચાલુ કરો હવે ! આ 'પલાશ' એટલે જ 'ખાખરા.' ધી હાઈટ ઑફ ઍબ્સર્ડિટી તો જુઓ... એક બાજુ, ભંગારમાં નાંખવા જેવો વિચિત્ર શબ્દ 'ખાખરો' અને બીજી બાજુ જીભમાંથી મધ ટપકે એવો શબ્દ 'પલાશ'.

કઇ કમાણી ઉપર ગુજરાતી ભાભીઓએ આવા મનોહર શબ્દને 'ખાખરો' નામ આપીને એની બહેનના શુભલગ્ન કરાવી નાંખ્યા હશે !... તારી ભલી થાય ચમના...હવે તને 'શીમુલ' જેવા સુંદર ફૂલનો ગુજરાતી ઉચ્ચાર કરવાનું ના કહેવાય ! ૮૦-ટકા ગુજરાતી ભાભીઓ બહુ બહુ તો 'સીમૂલ' બોલશે !

ખાખરાના સૂકાઈ ગયેલા પાન હોય, એ હિસાબે કદાચ આવી સૂકાઈ ગયેલી રોટલીઓને 'ખાખરા' કહેવાતા હશે. ગુજરાતમાં સૂકાઈ ગયેલા પાન હોય, એ હિસાબે કદાચ આવી સૂકાઈ ગયેલી રોટલીઓને 'ખાખરા' કહેવાતા હશે.

ગુજરાતમાં સૌથી વધુ ચવાતો શબ્દ છે, 'ખાખરા'. પાન કે મસાલા ચાવનારા લગભગ બંધ થઇ ગયા, એને બદલે સંસ્કારી લોકો ખાખરા ખાવા માંડયા છે. અર્થ એવો નથી કે, પાન-મસાલાની ટેવવાળાઓ હવે ખાખરા ઉપર કિમામ-લવલી ને ૧૨૦ ભભરાવીને ખાય છે. ખાખરા પાન-મસાલાની જેમ ખિસ્સામાં ભરીને ફરવાની ચીજ નથી, પણ બ્રૅકફાસ્ટ ટૅબલના તો ખાખરાઓ રાજા-મહારાજા બની ગયા છે.

બ્રૅકફાસ્ટ શબ્દના શોખિનો સવારના ને નાસ્તામાં સેલેડ, બોઇલ્ડ ઍગ્સ, બ્રૅડ-બટર, કૉર્ન-ફ્લેક્સ ('મકાઈના દાણા' વળી... પણ એવા શબ્દ બોલીએ તો 'દેસી' કહેવાઇએ... 'કૉર્ન-ફ્લૅક્સ' બોલવાથી કેવા ઇંગ્લિશ લાગી શકાય, યૂ નો ! એ બ્રેકફાસ્ટમાં ખાખરા ઉપર પાછી મેથીયાનો લાલ ભૂકો ભભરાવવાનો. જીરાળુ ભભરાવ્યા સિવાય ખાખરો પૂરો થતો નથી. ખાખરા ઉપર ઘી ચોપડાય ને ખાતી વખતે કચડકચડ અવાજ બોલાવાથી ખાવાનો ટેસ્ટ નોખો જ આવે છે... 'ઓ મ્મી ગૉ..ડ !'

ખાખરાએ ગુજરાતીઓમાં જબરદસ્ત લોકપ્રિયતા હાંસિલ કરી છે. અફ કૉર્સ, હજી એ મૅરેજ-રીસેપ્શનોની ડિશોમાં શામેલ થયા નથી કે કોઇને ઘેર ખાલી હાથ ન જવાય, એ ગુજરાતીઓ નવું શીખ્યા છે ને કોઇના ઘેર જઇએ ત્યારે મોંઘી ચોકલેટ્સ કે આઈસક્રીમોની જેમ હજી સરસ મજાના પેકિંગમાં ખાખરા લઇ જવાતા નથી. જેને ઘેર જઇએ, એ બીજી બધી પચાસ ડિશો પિરસશે, પણ રામ જાણે... સૉરી, આમાં રામ નહિ, ભગવાન મહાવીર જાણે કે કયા કારણથી ખાખરાઓએ ડિનર-ટૅબલ પર સ્થાન લીધું નથી. ડિનર માટે ખાખરાઓને ભારે નીગ્લૅક્ટ કરવામાં આવ્યા છે.

એવું નથી કે, આજકાલ જેની ફૅશન વધી પડી છે, એ પંજાબી-સબ્જી કે પરાઠાને બદલે ડિનરમાં ખાખરા અપાય. પણ ભાઈ રે... સ્વતંત્ર સ્વરૂપ હજી મેળવી શક્યા નથી. 'અપની કહાની છોડ જા, કુછ તો નિશાની  છોડ જા... મૌસમ બીતા જાય, હોઓઓઓ !'

મૌસમના બદલાવથી ખાખરા પર નથી.હવે તો કોઈ ઘેર ખાખરા બનાવતું નથી ને તૈયાર પેકિંગ લઇ આવે છે. પણ હવાઈ જાય એ પહેલા ખાઈ લેવા પડે... અને હજી સુધી કોઈ ઘરની બહાર ગાય માટે રોટલી-ભાખરી હોય, ખાખરા જોવા મળ્યા નથી. ખાખરા ખાતી ગાય કરતા રોટલી ખાતી ગાયો વધારે દૂધ આપે !


હજી સુધી તે તય થયું નથી. ખાખરા ગરીબોનું અન્ન છે, મિડલ-ક્લાસ ગુજરાતીઓનું કે અબજોપતિનું ! ત્રણે ક્લાસ પાસે ખાખરા જોવા મળે. અર્થાત્ ખાખરા ગરીબ-તવંગરનો ભેદ રાખતા નથી. ગ્રાહક આઘોપાછો થાય નહિ, માટે હવે તો ખાખરા-ઉત્પાદકોએ હજારો ટૅસ્ટ ઉમેર્યા છે. મેથીના, જીરાના, બાજરાના, ફૂદીનાના કે અજમાના જ નહિ, હવે તો મસાલા ખાખરા, ઢોસાના, ટોમેટો, પનિર, ચીઝ, મરચા, ભાજી-પાઉં કે સૅન્ડવિચ ખાખરાની ફ્લેવર્સ મળે, એ જોયા પછી વાત આગળ વધી તો માય ગોડ... એગ્સ-ખાખરા કે નોન-વૅજ ખાખરા ય વેચાતા થઇ જશે. (પોસિબલ છે કે, રોટલી-ભાખરીની ફ્લેવરના ખાખરા ય એક દિવસ મળશે ! જેમ 'મૅન્ગો'ની ફ્લેવરમાં કૅરીનો રસ મળે છે !)

કહેવાય છે કે
, જૈનોને કારણે દુનિયાભરમાં લસણ-ડુંગળીની માફક ખાખરા ય મશહૂર થયા, પણ હજી સુધી 'જૈન-ખાખરા' નામ સાંભળ્યું નથી. મતલબ, ખાખરાએ કદી ધર્મ, જ્ઞાાતિ કે જાતિભેદ થવા દીધો નથી. ખાખરા વિનાનું જૈન ઘર જોવા મળે, પણ જૈનો જીંદગીભર લસણ-ડુંગળી ન ખાય, એ બનવા જોગ છે પણ કોઈ જૈન કેવળ ખાખરા ઉપર જીવન પૂરૂં કરે, એ પૉસિબલ નથી. ઉપર ખાખરાઓની વિવિધ જાતો બતાવી, એમાં એકે ય જગ્યાએ તમે 'લસણ-ખાખરા' કે 'ડુંગળી-ખાખરા' વાંચ્યું/સાંભળ્યું ? એટલું જ નહિ, દેરાસર/મંદિરોના પ્રસાદમાં સુખડી/મીઠાઈ હોઈ શકે, ખાખરા નહિ.

એ હિસાબે
, ખાખરાને ધર્મસ્થાનોથી દૂર રાખવામાં આવ્યા છે. કોઈ ધરાવતું નથી, એ જોતા જ લિન્ક બેસે છે કે, ભગવાનોને ખાખરા ભાવતા નહિ હોય ! ભગવાનો સુધી તો બરોબર છે, દાતા ગૃહિણીઓ ભલે ભિક્ષુકને બેસાડીને પેટ ભરીને જમાડશે, પણ 'ભાઈ, થોડા ખાખરા લેશો ?' એવું માયાળુ સ્વભાવ હોવા છતાં પૂછતી નથી. અર્થાત્ ખાખરાઓનો કદી બગાડ થતો નથી. એવા ખાખરા ફેંકી દેવા કરતા ઘરમાં કોકને ખવડાવી દેવા સારા... બગાડ તો ન થાય !

કોઈ ધોળીયા પાસે
'ખાખરા'નો ઉચ્ચાર કરાવવા જેવો છે. મોટા ભાગે તો પહેલો ઉચ્ચાર 'ખેખરાઆ' આવશે, પણ એ એનો અર્થ પૂછશે તો મૂંઝાઈ જવાશે.

સિક્સર
એ એટલા માટે ન પરણ્યો કે
, એનાથી વિધવાઓ જોઈ શકાતી નથી !

No comments: