Search This Blog

05/07/2017

ઍવોર્ડ-બૅવૉર્ડ્સ...

હૉલીવૂડનું જોઈ જોઈને બૉલીવૂડ એટલે કે, હિંદી ફિલ્મોમાં કલાકારોને 'લાઈફ-ટાઇમ ઍચિવમેન્ટ ઍવોર્ડ્સ'' આપવાના શરૂ થયા. સદ્ગત આઇ મીન, સદરહૂ એવૉર્ડસ્ નોર્મલી, કલાકારના 'ડૅથ-ટાઈમ' વખતે અપાય છે. આ 'લા.ટા.' એટલે કે, 'લાઈફ-ટાઇમ' (લા.ટા.) એવૉર્ડ અપાઈ ગયા પછી એક્ટરને નવરો કરી દેવાય છે.

એણે હવે કાંઈ કરવાનું રહેતું નથી અથવા કોઇ એને હવે કામ આપવા તૈયાર નથી અને ખાસ તો હવે એ બીજાને નડતો બંધ થઈ જાય માટે એને ચૂપ રાખવા આ એવોર્ડ અપાય છે. એટલું સારું છે કે, લશ્કરની માફક ફિલ્મોમાં કે સાહિત્યમાં 'મરણોત્તર-ઍવૉર્ડસ' આપવાનું શરૂ થયું નથી, નહિં તો એવોર્ડ લેવા એકાદવાર તો મરવું પડે.

આમ તો, એના હાથમાં 'લાટા' પકડાવી દીધા પછી એ ય સમજી જાય છે કે, હવે હું પરવારી ગયો છું, કોઇ કામનો રહ્યો નથી અને 'મરણોત્તર ઍવૉર્ડસ' હજી શરૂ થયા નથી એટલે એની રાહો જોવાનો કોઈ અર્થ નથી. બિચારો જીવનભર તડપ્યો એવો હોય છે કે, એના જીવતેજીવત 'મરણોત્તર' આપો, તો ય ચેહરા પર સ્માઇલ સાથે સ્વીકારી લેશે. 'મરણોત્તરો'નો પ્રોબ્લેમ શું છે કે, એ મર્યા પછી અપાય છે, એટલે સોફામાં પડયો પડયો આ ય નક્કી કરી શકતો નથી કે, ઍવૉર્ડ લેવા માટે આગળ જીવવું કે મર્યા પછી રાહ જોવી?

'મરને કે બાદ ભી મેરી આંખે ખુલી રહી,
આદત પડી હુઇ થી ઈન્હેં ઈન્તેઝાર કી
'

આવા ઈન્તેજારો કરવામાં એની આંખો મીંચાઈ ગઈ તો
, એ માસુમને છેલ્લી ક્ષણે ચેહરા ઉપર સ્માઇલ સાથે નાકનો શૅપ બરોબર દેખાય, એવો 'સૅલ્ફી' લેવાનો ચાન્સ ન રહે... હાઉ સૅડ..!

જો કે
, શ્રધ્ધાંજલિ આપવાના કસબીઓ પાસે આંખમાંથી અશ્રુ લાવી દે એવા શબ્દો હોય છે, 'હવે આપણને આવો સાહિત્યકાર નહિં મળે. ગુજરાતી સાહિત્યને આપેલી સેવાઓ શું કદી ભૂલાશે? આજે સદ્ગતશ્રી આપણી વચ્ચે નથી, છતાં આપણી વચ્ચે હોય એવું લાગે છે.' ઘણી વખત, તો પેલો છેલ્લી લાઇનમાં જીવતો બેઠો આ બધું સાંભળતો હોય!

ફિલ્મસ્ટારોની જેમ કવિ-લેખકોનો પણ જમાનો ચાલતો હોય
, ત્યાં સુધી બધું ઠીકઠાક છે, પણ એ પૂરો થઈ ગયા પછી બાકી નીકળતો કોઈ પુરસ્કાર કે કામ પણ મળતું નથી, ત્યારે એના ચાહકનો એક 'ફૅન-લેટર' પણ આવી જાય ત્યારે મોટી ઉંમરે પિતા બનવાના છલોછલ આનંદ જેવો આનંદ થાય છે. સુઉં કિયો છો?

'અબ તો ઈતની ભી મયસ્સર નહિ મયખાને મેં,
જીતની હમ છોડ દિયા કરતે થે પયમાને મેં
'
(મયસ્સર એટલે પ્રાપ્ય)

ગૅરન્ટી સાથે ઍવૉર્ડ મેળવવાની સર્વોત્તમ પધ્ધતિ આપણા આદરણીય ફિલ્મકાર મનોજ કુમારે શોધી હતી. દા.ત. ફિલ્મફૅર ઍવૉર્ડ્સ હોય
, તો આગલા મહિને જે અંક બહાર પડે, એમાં કૂપન છપાઈ હોય. વાચક તરીકે તમારે મન બેસ્ટ ઍક્ટર, સંગીતકાર કે ફિલ્મનું નામ જે તે ખાનામાં ભરીને મોકલી આપવાની. ઍવૉર્ડસ જાહેર થાય એટલે લગભગ તમામ ઍવૉર્ડસ મનોજની ફિલ્મને જ મળે.

આવું પકડાયું એની ફિલ્મ
'બેઇમાન'માં, જેને મોટા ભાગના બધા ઍવૉર્ડસ તો મળ્યા જ, પણ વિલન પ્રાણ ખુશ નહોતો, પોતાને ઍવૉર્ડ મળવા છતાં, જે એણે સ્વીકારવાની એટલે ના પાડી દીધી કે, જે તે વર્ષમાં શ્રેષ્ઠ સંગીતનો ઍવૉર્ડ ફિલ્મ 'પાકીઝા'ને મળવો જોઈએ, એને બદલે આજે જેનું એક પણ ગીત સાંભળ્યું હોવાનું કોઈને યાદ નથી, એ શંકર-જયકિશનની ફિલ્મ 'બેઇમાન'ના ગીતો માટે મળે? 'જય બોલો બેઇમાન કી...'!

એ દિવસથી સામાન્ય પ્રેક્ષક કે વાચકને ખબર પડવા માંડી કે
, ઍવૉર્ડ લાયકાતથી નહિ, લાગવગથી મળે છે. મોટી મોટી કંપનીઓ, સ્પૉર્ટસ, સાહિત્ય કે કલાના ક્ષેત્રોમાં અપાતા 'પદ્મ' ઍવૉર્ડ પણ આમાંથી બાકાત નથી. 'પદ્મવિભૂષણ', 'પદ્મભૂષણ' કે 'પદ્મશ્રી' જેવા ઍવોર્ડસ તો કેવા સન્માન્નીય હોવા જોઈએ જે સરકાર નક્કી કરે, એ પહેલા પ્રજાએ આપી દીધા હોય. આપણે ત્યાં તો આવો ઍવૉર્ડ મેળવનારને કોઈ ભોજીયો ભાઈ ય ઓળખતું હોતું નથી... એના પ્રદાનની તો... 'હમણાં' કહું એ...'!

મને સહેજ પણ સમજાતી ન હોય
, તો એ છે ઍવૉર્ડની સાથે શૉલ ઓઢાડવાની પ્રથા. આ શૉલ ઓઢાડવાનું કારણ સમજાતું નથી! શું ઍવૉર્ડ સ્વીકારતી વખતે આવી ભરગરમી અને બફારામાં ડોહાને ટાઢ-બાઢ ચઢી ન જાય, એનું ધ્યાન રાખવા સરકારે આવી વ્યવસ્થા કરી હશે? 'શૉલ' ઓઢાડવાની શું કામ? ડોહો જાતે પહેરી ન લે? ઓઢાડવાનું તો માત્ર કફન હોય ને ડોહો હજી આવી બીજી ૩-૪ શૉલો સુધી ચાલે એવો છે. હમણાં જાય એવો નથી. વળી શૉલ ઓઢાડવાના અઠ્ઠાણું-ટકા કિસ્સાઓમાં  શૉલ ખુલતી નથી ને શૉલ ઓઢાડનારો ચીફ ગેસ્ટ મૂંઝાયે રાખે છે.

કઈ બાજુથી ગડી વાળી હશે ને ક્યાંથી શૉલના ખૂણીયા ખેંચવાના હશે
, તે બધા ચીફ ગેસ્ટોને આવડતું નથી. ડોહો વાંકો વળીને ઊભો ઊભો રાહ જોયે રાખે ને પેલાથી શૉલ ખુલતી ન હોય... એમાં પાછા સંસ્થાના હોદ્દેદારો મદદે આવે... શાળાના રમતોત્સવમાં દોરડાખેંચ રમાતું હોય એવું લાગે. માંડ ખુલે ત્યાં ચીફ ગેસ્ટ ફોટોગ્રાફરને સ્માઇલો આપવામાં બિઝી થઈ જાય, એમાં ઘણી વાર શૉલ ખભાને બદલે કમર સુધી નીચે આવી ગઈ હોય... ને તો ય, બન્નેના ચેહરા ઉપર સુંદર મઝાના સ્માઇલો હોય! બધા ચીફ ગીસ્ટોને કાગળીયા ફાડવાની આદત કે શોખ ન હોવાથી, પુસ્તક- વિમોચન વેળાએ વિમોચિત પુસ્તકનું રૅપર ફાડતા તેઓશ્રી મૂંઝાઇ જાય છે. રૅપર ફડાતું જ નથી. આ માટે, કેટલાક વિમોચનકારો બબ્બે મહિનાથી નખ વધારતા આવે છે ! કોઈ પંખો ચાલુ કરો.

પણ
, આવી ઓઢાડેલ શૉલ ખરેખર કેટલી કામમાં આવે છે, એ જાણવું સહેલું નથી. 'અમને પણ શૉલ ઓઢાડાઈ છે', એવી જાહેરાત કરવા સાહિત્યના કાર્યક્રમની દર વર્ષે રાહ જોવી પડે છે. કવિ-લેખકો ગભરાયા વિના શૉલ વાપરી શકે, એટલા માટે જ્ઞાાનસત્ર કે અધિવેશન કેવળ શિયાળામાં રાખવામાં આવે છે.

ઉનાળામાં ડોહો શૉલ ઓઢીને આવે તો કલાક પછી શૉલ નીચે જુઓ તો ખાલી જગ્યા મળે. કાકો ગાયબ્બ...!

વળી સાહિત્યના કાર્યક્રમમાં શૉલનું વૈશિષ્ટય એ રીતે પણ છે કે
, આ શૉલ લશ્કરી મેડલ જેવી છે. (જોયું ને? વાત સાહિત્યની નીકળતા જ, મારામાં ય અવળચંડાઈ આવી ગઈ? ...અશોક, અહીં તું ચાંપલાશપટ્ટી કરવાને બદલે 'વૈશિષ્ટય'ને બદલે 'વિશિષ્ટતા' ન વાપરી શક્યો હોય? (જવાબ : જરૂર વાપરી શક્યો હોત! જવાબ પૂરો) ફરક એટલો કે આર્મીમાં મેજર, કર્નલ કે લ્યૂટેનન્ટો જેટલા મૅડલ મળતા જાય, એમ છાતી ઉપર એક એક રંગીન પટ્ટી વધારતા જાય. જેટલી પટ્ટીઓ વધારે એટલી એની સિધ્ધિઓ વધારે! બદનસીબે કવિ-લેખકો સમગ્ર કારકિર્દીમાં મળી હોય એ બધી શૉલો ખભે નાંખીને સમારંભોમાં ઉપસ્થિત રહી શકતા નથી. એ સારું ય ન લાગે.

બીજો પ્રોબ્લેમ કદાચ હું પહેલા લખી ચૂક્યો છું કે
, કવિ-લેખકોના ખભે શૉલ ઓઢાડવાને બદલે શું સ્માર્ટ-ટીવી, ફ્રીજ, લૅપટૉપ કે વૉટર-કૂલરો ઓઢાડી ન શકાય? ઘરે ગયા પછી કાંઈ કામમાં તો આવે. શૉલ તો લાટા જેટલી ય કામમાં આવતી નથી. આને વાસ્તવિક સન્માન કર્યું કહેવાય. જ્યારે શૉલ ઓઢાડવામાં ચીફ ગેસ્ટ ડોહાના ખભેથી શૉલ ખેંચે છે કે પહેરાવે છે, એ એનું હસતું મોંઢું ફોટોગ્રાફર સામે હોવાથી ખબર પડતી નથી.

ડોહાનું ય ધ્યાન ફોટામાં હોય છે... સ્વાભાવિક છે
, ખભે ફ્રીજ કે વૉશિંગ-મશિન ઓઢાડવાનું ફાવે નહિ... ખાસ કરીને ફોટોગ્રાફરને ન ફાવે! જો કે, શૉલ સસ્તામાં પતતી હોવાથી આયોજકો શૉલને રવાડે ચઢ્યા હોય, એવું બને. આટલી બધી શૉલોના ઢગલા વચ્ચે ક્યાંય કદી ડોહાને ઝભ્ભા-લેંઘા અથવા એનું કાપડ ઓઢાડાતું જોયું? બધા કવિ-લેખકો બુઢ્ઢા જ ન હોય, એમને શૉલને બદલે શું જીન્સ કે બ્લેઝરો ન ઓઢાડી શકાય? આયોજકો ડોહાની ઉંમર અને તબિયતનો વિચાર કર્યા પછી સન્માનસ્વરૂપે... (હે અશોક...'સ્વરૂપે' નહિ... ખાલી 'રૂપે' લખીશ તો ય ચાલશે!) ભલે વર્લ્ડ-ટુરની ગિફ્ટ ન આપે, પણ ગામમાં ને ગામમાં ફરવાનું બારમાસનું રીક્ષાભાડું તો આપે. (આપણા લોકો રીક્ષાભાડું આપવાને બદલે, કવિ-લેખકને ભાડાની રીક્ષા અપાવી દે એવા છે... ને અમારા સાહિત્યકારો લે એવા ય હોય છે...!)

સિક્સર

દુબાઇ મૉલમાં ડાયનાસોરસના વિરાટ અશ્મિ (હાડપિંજર) સાથે મારો ફોટો પડાવતી વખતે કોક બોલ્યું, ''આમાંથી ડાયનાસોરસ કયું?''

1 comment:

દીપક said...

આપશ્રીના બ્લૉગ પર આવવાની બહુ બીક લાગે છે. સમય જોઈને આવવું પડે છે, નહિંતર બે-ચાર કલાક હું આપના લેખોમાં અટવાઈ જઉં છું અને કામકામ બાજુએ રહી જાય છે. મને ગુલઝાર, અમોલ પાલેકર, હ્રિષિકેશ મુખર્જી, બાસુ દા અને બીજી જુની ફિલ્મો વિશે ગુજરાતીમાં બીજે ક્યાં માણવા મળે? એ પણ વળી આટલી બધી ડિટેઈલ્સ અને હિસ્ટરી સાથે? અગર આપની પાસે જુના લેખો, પોસ્ટર્સ, એડવર્ટાઈઝમેન્ટ્સ વગેરે હોય તો એ પણ અમને જોવાનું અને માણવાનું મળશે! આભાર!