Search This Blog

07/07/2017

'માય લવ' ('૭૦)

ફિલ્મ : 'માય લવ' ('૭૦)
નિર્માતા
    : અતુલ આટર્સ (મુંબઈ)
દિગ્દર્શક    : એસ.સુખદેવ
સંગીત    : દાન સિંઘ
ગીતકાર    : આનંદ બક્ષી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ
થીયેટર    : રીલિફ (અમદાવાદ)
કલાકારો    : શશી કપૂર, શર્મિલા ટાગોર, અઝરા, રાજેન્દ્રનાથ, મદન પુરી, જયંત, રાજ મેહરા, લક્ષ્મી છાયા, નિરૂપા રોય, ઈફ્તેખાર, સુલોચના ચેટર્જી, મનોરમા, પિંચુ કપૂર, મિસ કેરોન લેસ્લી, પ્રયાગ રાજ.

ગીતો
૧.સુનાતે હૈં સિતારે રાતભર
, દિન કો યે અફસાના... આશા
૨.ઝીક્ર હોતા હૈ જબ ક્યામત કા
, તેરે જલવોં કી બાત ... મુકેશ
૩.યે તુમ્હારે રાસ્તે મેં ફૂલ ક્યું... માય લવ
, પેન્જી વાંગો...  રફી
૪.ભીગી ભીગી રાત મેં હો ગઈ ઉનસે મુલાકાત
, કહું... આશા
૫.ગૂઝર ગયે જો હંસિ જમાને
, ખયાલ મેં ફિર ઉભર રહે... આશા
૬.સુનાતે હૈં સિતારેં રાતભર
, દિન કો યે (કરૂણ)... આશા
૭.વો તેરે પ્યાર કા ગમ
, એક બહાના થા સનમ, અપની... મુકેશ

શશી કપૂર નાયરોબી-ઇસ્ટ આફ્રિકામાં શો-ઑર્ગેનાઇઝર છે. એનો સાથી રાજેન્દ્રનાથ. ભારતથી મદન પુરી કોઇ લતાદેવી નામની ગાયિકાને બદલે જુઠ્ઠું બોલીને શર્મીલાને લઇ આવે છે.

શશીની સાથે એનું ઑડિયન્સ પણ લાલપીળું થઇ જાય છે
, પણ સ્ટેજ પર આશા ભોંસલેના કંઠમાં શર્મીલા 'સુનાતે હૈં સિતારે રાતભર....' સંભળાવીને સહુને ખુશ કરી દે છે. શશી બાબા પહેલી જ નજરે એના પ્રેમમાં પડી જાય છે, પણ એના પિતા (જયંત) એના લગ્ન (રાજ મહેરાની પુત્રી) અઝરા સાથે કરાવવા માંગે છે, જે આ પ્રેમીઓની વચ્ચે મદન પુરીની મદદથી કાંટો બનીને રહે છે.

ફિલ્મ પૂરી કરવા અમીરી-ગરીબી અને ગળે ન ઉતરે એવા નાટકો તો લાવવા પડે
, એ લવાય છે. અમજદ ખાનના પિતા જયંતને મોડે મોડે જોવા મળ્યા એનો આનંદ થાય એમ છે. હૅન્ડસમ ચેહરા સાથે શેર જેવી પર્સનાલિટી હતી. '૪૦-ના દાયકામાં તો ઝકરીયા ખાનના નામથી એ ફિલ્મોમાં હીરો પણ હતો. મને એનો સર્વોત્તમ કિરદાર મેહબૂબ ખાનની ફિલ્મ 'સન ઑફ ઇન્ડિયા'માં લાગ્યો હતો. અઝરાનો પિતા બનતો રાજ મેહરા પૂરા માથે ટાલ હોવા છતાં જોવો ગમે એવા ચેહરા અને અવાજનો ધની હતો.

ફિલ્મ
'શારદા' (જેને માટે એને 'ફિલ્મફૅર'નો બેસ્ટ સપૉર્ટિંગ-ઍક્ટરનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.)માં એ રાજ કપૂરનો પિતા અને 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં પોલીસ-સુપ્રીન્ટૅન્ડૅન્ટ 'સા'બ બને છે. અઝરા ખૂબ સુંદર હતી (એ ગુજરાતી પણ હતી, એટલે સુંદર તો હોય જ ને !) 'ગંગા જમુના,' 'લવ ઈન સિમલા,' 'જંગલી' અને 'મધર ઇન્ડિયા'માં એની નોંધ લેવી પડે એવા રોલ કર્યા હતા.

'તુમ એક બાર મુહબ્બત કા ઇમ્તિહાન તો લો....' એ મુહમ્મદ રફીના ફિલ્મ 'બાબર'નું ગીત અઝરા માટે ગવાયું હતું. મુંબઇની પ્રખ્યાત લોખંડવાલા કન્સ્ટ્રકશન્સના માલિક સિરાજ લોખંડવાલાને એ પરણી હતી. એ દાઉદી વહોરા કૌમની છે અને હયાત છે. એક જમાનાના નિર્માતા-દિગ્દર્શક નાનુભાઇ વકીલે સરોજીની (રોશન) સાથે લગ્ન કર્યા હતા, એ બન્નેની આ દીકરી, એટલે ગુજરાતી.

એક બીજી ગુજરાતી અને નાગરની છોકરી લક્ષ્મી છાયા ૫૬-વર્ષની ઉંમરે જ કૅન્સરમાં ગૂજરી ગઇ.
'માર દિયા જાય, કે છોડ દિયા જાય' એ પ્રખ્યાત ગીત ફિલ્મ 'મેરા ગાંવ, મેરા દેશ'માં લક્ષ્મી ઉપર ફિલ્માયું હતું. તીસરી મંઝીલ, નૌનિહાલ, બહારોં કે સપનેં, મેરે હુઝુર અને દેવ આનંદની ફિલ્મ 'દુનિયા'માં એણે છોટામોટા રોલ કર્યા હતા.

પણ એ વિશ્વવિખ્યાત થઇ ગઇ નંદા-મનોજની ફિલ્મ
'ગુમનામ'ના રફીના પહેલા જ ડાન્સ સૉન્ગ 'જાન પેહચાન હો, જીના આસાન હો' ગીતને આખેઆખું હૉલીવૂડની ફિલ્મ 'ધી ઘોસ્ટ વર્લ્ડ'માં લેવાયું હતું, જેમાં એ હરનામ માસ્ટર સાથે ડાન્સ કરતી દેખાય છે. અન્ય ચરીત્ર અભિનેત્રી સુલોચના ચેટર્જીને તમે 'જાગતે રહો'માં જોઇ છે.

બંગાળી હોવા છતાં અસ્ખલિત કચ્છી અને ગુજરાતી બોલી શકતી સુલોચના ચૅટર્જી અને સુલોચના લાટકર (
'જ્હૉની મેરા નામ'માં દેવ આનંદ-પ્રાણની મા) અને સુલોચના (રૂબી મૅયર્સ) જુદા. તો ચરીત્ર અભિનેતા ઇફ્તેખારનું નામ યાદ રાખવામાં આઘરૂં પડે એવું છે. સૈયદના ઇફ્તેખાર એહમદ શરીફ માટે આજ સુધી જગત આખું એવું માનતું રહ્યું કે એક જમાનાની ફાયરબ્રાન્ડ હીરોઇન વીણાનો એ ભાઇ છે.

ચાર દિવારી
, ધર્મપુત્ર, મેંહદી લગી મેરે હાથ, પ્રેમપત્ર, યે દિલ કિસકો દૂં ? બેનઝીર અને મુહબ્બત ઈસ કો કહેતે હૈ... એમ સળંગ સાત ફિલ્મો તદ્દન ફ્લોપ ગઈ. શમ્મી કપૂર ફિલ્મોમાં આવ્યો એવી જ સળંગ ૧૯-ફિલ્મો પિટાઈ ગઈ. ગણો કેટલી થાય છે ? ઠોકર, રેલ કા ડીબ્બા, લયલા-મજનૂ, જીવન જ્યોતી, ગુલસનોબર, સાહિલ, શમા-પરવાના, મેહબૂબા, એહસાન, ચોર બાઝાર, ટાંગેવાલી, નકાબ, મીસ કોકા કોલા, મીર્ઝા સાહિબાન, મહારાની, કોફી હાઉસ, મુજરીમ, ચાર દિલ ચાર રાહેં, મોહર, રાત કે રાહી, બસંત, ડાકૂ, સિપહ સાલાર, રંગીન રાતે, મેમ સા', હમ સબ ચોર હૈ... (ફ્લોપ ફિલ્મો વધારે હોવા છતાં આંકડો ૧૯-નો એટલે લખ્યો છે કે, 'તુમ સા નહિ દેખા' અને 'દિલ દે કે દેખો' પછી ઠાકૂર દિલોજાનથી ઉપડયા હતા. બાકીની ફ્લોપ ફિલ્મો પણ આવી !)

અને રાજ કપૂર.... ઈન્કિલાબ
, હમારી બાત, વાલ્મિકી, નીલકમલ, જેલ યાત્રા, દિલ કી રાની, ચિત્તોડ વિજય, આગ, ગોપીનાથ, અમર પ્રેમ, સુનહરે દિન, પરિવર્તન, જાન પેહચાન, સરગમ, પ્યાર, દાસ્તાન, બાવરે નૈન, બાવરા, બેવફા, આશિયાના, અનહોની, અંબર, આહ, પાપી અને ધૂન... ગણો તો કેટલી થઈ... ? પૂરી પચ્ચીસ ! ત્રણે ભાઈઓની શરૂઆતની કરિયરની તમામ અને એ ય આટલી બધી ફિલ્મો ફલોપ ગઈ ને છતાં ય એક વાર સફળતાનું વાવાઝોડું આવ્યું ને ત્રણે ય આસમાની બુલંદીઓ ઉપર પહોંચી ગયા.

આસમાની બુલંદી તો જાવા દિયો
, આજની ફિલ્મ 'માય લવ' શશી બાબાએ પસંદ કેમ કરી કે બુલંદીને બદલે પણ બન્નેની બાયોગ્રાફીમાં એવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. 'આજ ભી મૈં ફૈંકે હુએ પૈસે નહિ ઉઠાતા...' એ અમિતાભ બચ્ચનનો ફિલ્મ 'દિવાર'નો સંવાદ આ ઇફ્તેખારને કહેવાયો છે. એની પર્સનાલિટી 'મૅચ્યોર' હોવાને કારણે વર્લ્ડ રૅકોર્ડ કરી શકે એટલી સંખ્યામાં એણે પોલીસ-ઈન્સ્પેકટરના રોલ કર્યા છે.

આ ફિલ્મના સંગીતકાર દાનસિંઘ થોડા નહિ
, પણ ઘણા નીગ્લૅક્ટ થયેલા સંગીતકાર હતા. ભાગ્યે જ કોઈ ૩-૪ ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું, પણ મૂકેશ પાસે ગવડાવેલા ત્રણેય ગીતો આજ પર્યંત અમર છે. 'ભૂલ ન જાના' (૧૯૬૦) ફિલ્મમાં ગુલઝારે લખેલું, 'પુકારો મુઝે નામ લેકર પુકારો' 'ગમ-એ-દિલ કિસ સે કહું, કોઈ ભી ગમખાર નહિ' અને 'ગોરા ગોરા મુખડા યે તૂને કહાં સે પાયા' અને આજની ફિલમ 'માય લવ'ના બન્ને ગીતોએ દાનસિંઘનું નામ ભૂંસાવા નથી દીધું.

ગીતકાર આનંદ બક્ષી આદત મુજબ એમના ગીતોમાં કોઇ નવા મોર ચીતરી શક્યા નથી. ફિલ્મ ઉદ્યોગમાં એવા સેંકડો અનામી ગીતકારો (અને સંગીતકારો પણ) મળી રહે
, જેઓ ખુમચો લઇને પોતાની તૈયાર ધૂનો જાણીતા સંગીતકારોને વેચતા હોય. ક્યાંય એમનું નામ ન આવે, પણ નામ પૂરતા પૈસા મળી રહે.

આવી આઘાપાછીમાં તમે ને હું જાણીએ છીએ એ બધા સંગીતકારો/ગીતકારો આવી ગયા. મૂળ સર્જકને જાણ થવા દીધા વગર એમનું સર્જન ચોરી લેવાય
, એ પાછી આખી વાત જુદી. અહીં તો ગીત કે ધૂનનો અસલ રચયીતા સામે ચાલીને પોતાના ગીતો કે ધૂનો મોટા સંગીતકારોને વેચી દે... તદ્દન ફાલતુ પૈસામાં ! આવા છેક ગરીબ છતાં પૂર્ણ પણે ટૅલેન્ટેડ સંગીતકાર કે. મહાવીરે પોતે બનાવેલી ફિલ્મી ધૂનો અનેક સંગીતકારોને વેચી છે, જેનો યશ આમને મળ્યો નથી. લતા મંગેશકરના ૩-૪ નોન-ફિલ્મી ગીતો, 'સાંઝ ભયી ઘર આજા રે... 'બરસે બુંદીયા સાવન કી, સાવન કી મનભાવન કી...' 'આંખ સે આંખ મિલાતા હૈ કોઈ...' એ બધી રચનાઓ ઓફિશિયલી કે. મહાવીરની ! પોસિબલ છે કોઈ સસ્તામાં ય ખરીદાર નહિ મળ્યો હોય !

ભારતની આ પહેલી હિંદી ફિલ્મ હતી
, જેનું શૂટિંગ નાયરોબીમાં કરવામાં આવ્યું હતું. નાયરોબી શહેરના બાહરી દ્રષ્યો સીનેમૅટોગ્રાફર કમલ બૉઝે મનોહર લીધા છે, પણ જેને માટે ઇસ્ટ આફ્રિકા વિશ્વમાં પ્રખ્યાત છે, એ વાઇલ્ડ-લાઇફ જંગલોના માંડ કોઈ ૫-૬ જનાવરો બતાવીને બાજી ફિટાઉન્સ કરી નાંખી છે. નાયરોબીમાં સ્વાહિલી ભાષા બોલાય છે. પોપટલાલ એક શબ્દ 'જામ્બો' (કેમ છો ?) શીખ્યો હોય છે, એ બોલે જાય છે. મારૂં તો સમજ્યા કે, બબ્બેવાર નાયરોબીની છોકરીઓ પરણવા માટે પસંદ કરી હોવા છતાં પરણાયું એકની સાથે જ... (એક બચી ગઈ !)

એમાં ય
, બધી ફિલ્મોમાં બારે માસ મોંઢા ચઢાવીને જ ફરતી શર્મીલા ટાગોર હીરોઇન અને આ બાજુ આપણો શશી બિલકુલ ફલૅમબૉયન્ટ ને છતાં ય આંખોને ગમે એવા મોહક રંગોના કપડાં પહેરતો ઍઝ યુઝવલ, ખૂબ સોહામણો અને સ્ટાયલિશ લાગે છે, એટલે એને કારણે ફિલ્મ પૂરી જોવાનો જોસ્સો ચઢે. કપડાં તો બધા હીરોલોગ સરસ જ પહેરતા હતા, પણ કલર-કૉમ્બિનેશનમાં શશી કપૂરનો કોઇ સાની નહિ. એમાં ય, ફિલ્મ કોઇ પણ હોય, શશી બાબાનો એક વાર તો પૂરો વ્હાઇટ-ડ્રેસ હોય જ. દાંત થોડા આડાઅવળા હોવા છતાં એ હસે ત્યારે મધૂરો લાગતો.

શર્મીલા ટાગોર ઍક્ટ્રેસ તરીકે
, એના વ્યક્તિત્વને લગતો રોલ મળ્યો હોય (જેમ કે, અનુપમા, સફર કે આરાધના) તો એ ખીલી ઉઠે. એક ચોક્કસ ગ્રૅસ હતી એ છોકરી પાસે. ઑરપૉર્ટ કે ફાઇવ-સ્ટાર હૉટેલના લાઉન્જમાં એ બેઠી હોય તો એની પાસે જતા વીસ-મિનિટ વિચાર કરવો પડે. ગરીબીના કિરદારમાં એ જવલ્લે જ જામી છે, એમાંની એક આજની ફિલ્મ 'માય લવ.' (બુધ્ધુઓએ ફિલ્મના ટાઇટલ્સમાં 'માય લવ'નું હિંદી કરીને 'મેરા પ્યાર' લખી માર્યું છે.

આજની ફિલ્મ
'માય લવ' પછી રીલિફમાં તરત જ આવેલું રાજકપૂરનું 'મેરા નામ જોકર', અશોક ટૉકીઝમાં શર્મીલા-જીતેન્દ્રનું 'મેરે હમસફર', લાઇટ હાઉસમાં વહિદા-ધર્મેન્દ્રનું 'મન કી આંખે', રૂપાલીમાં 'મુમતાઝ-સંજીવનું' 'ખીલૌના', અલંકારમાં રાજેશ ખન્ના - આશા પારેખનું 'કટિ પતંગ', નટરાજમાં બબિતા-ધર્મેન્દ્રનું 'કબ, ક્યું ઔર કહાં' અને એ પછી રાજેશ ખન્ના-અમિતાભનું 'આનંદ', નોવેલ્ટીમાં દેવ આનંદ-હેમા માલિનીનું 'જ્હોની મેરા નામ', સિનેમા-ડી-ફ્રાન્સમાંથી નામ અને ક્લેવર બદલીને બનેલી કલ્પના ટૉકીઝમાં સાધના-ધર્મેન્દ્ર-વિશ્વજીતનું 'ઈશ્ક પર જોર નહિ', એલ.એન.માં જીતુ-લીના ચંદાવરકરનું 'હમજોલી', કૃષ્ણમાં 'જાની' રાજકુમાર-પ્રિયા રાજવંશનું 'હીર-રાંઝા', મોડેલમાં દિલીપ-સાયરાનું 'ગોપી' અને એ પછી દેવ આનંદ-વહિદાનું 'પ્રેમપૂજારી', રીગલમાં 'ઘર ઘર કી કહાની', લક્ષ્મીમાં રેહાના સુલતાન-અનિલ ધવનનું 'ચેતના', પ્રકાશમાં જીતેન્દ્ર-અપર્ણા સેનનું 'વિશ્વાસ',  રૂપમમાં મનોજ-સાયરાનું 'પૂરબ ઔર પશ્ચિમ'.

No comments: