Search This Blog

26/07/2017

મોહમદ રફી નહિ... મુહમ્મદ રફી !

મુહમ્મદ રફીનું આ જગતમાં હોવું... અને હવે ન હોવું, બન્ને પરિસ્થિતિમાં એ આપણી પાસે રહ્યા, એમાં એમણે આપણને ક્યાંય છોડયા નથી. દરેક ઘરમાં રફી વસે છે, એક-બે નહિ... હજારો રફી. સંગીતનું જ્ઞાાન હોય કે ન હોય, જન્મ તમારો એમના ગૂજરી ગયાની તા. ૩૧ જુલાઈ, ૧૯૮૦ પછી થયો હોય કે એમનું આગમન ફિલ્મી દુનિયામાં થયું એ પંજાબી ફિલ્મ 'ગુલ બલોચ'વાળી ઈ.સ. ૧૯૪૪-ની આસપાસ થયો હોય, આપણામાંથી કોઈ એવો નથી (વત્તા... કોઈ એવી નથી) જેના ઘરમાં અને હૃદયમાં રફીના મિનિમમ સો-બસ્સો લાડકાં ગીતો પડયા ન હોય ! આ જગતમાં હજી સુધી મુહમ્મદ રફી અને લતા મંગેશકર જેવી આસમાની કક્ષાના પ્લે-બેક ગાયકો થયા નથી... હવે થવાના તો કોઈ ચાન્સ જ નથી... અને ચાન્સ હોય તો આપણને જોઈતો નથી.

પુરૂષ થઈને આંખમાં આંસુ આવવા એ લકઝરી છે. એમાં ય, 'જીએસટી' આવ્યા પછી ઘણીવાર આંસુ લેવા-દેવા વિનાના નીકળી પડે છે. વાઇફ સિવાય હવે તો કોઈ રડાવનારૂં રહ્યું નહિ... એક માત્ર રફી હતા અને એમના આવા મીઠડાં ગીતો આંખોમાંથી દુ:ખના નહિ, હર્ષના આંસુ લાવી મૂકે, એમાં ય તમે ઘણું સંગીત જાણો છો, એ સાબિત થઈ જાય... કારણ કે ગીતના શબ્દ, સંગીતકારની ધૂન અને આવી અમર ગાયકી- એ ત્રણેમાં ભીંજાયા હો ત્યારે આંખમાંથી માંડ એક હસતું-ગાતું ટીપું નીકળે.

બાળકને સ્કૂલના ગેટ સુધી મૂકી દીધા પછી એને જતું જોઈ શકાતું નથી, એમ રફીના આવા ભજન કે ગીત સાંભળ્યા પછી એને પૂરૂં થતું સહેવાતું નથી. આંખો હર્ષથી છલકાઈ જાય છે.
વાઈફવાળા આંસુ અને રફીવાળા આંસુમાં આટલો ફરક ! અમારે લાગણીભીનાં થઈને ક્યારેક રડવું હોય ત્યારે રફી સાહેબના નોન-ફિલ્મી ગીતો સાંભળીએ. 'શ્યામ સે નેહા લગાયે, રાધે નીર બહાયે' અને છલક છલક આંસુઓથી નહાવું હોય તો 'પાર નદી કે દીપ જલાયે, બૈઠી કોઈ બાંવરીયા... '! જરા રોમેન્ટિક થવું હોય તો 'મેરે ગીતોં કા સિંગાર હો તુમ, જીવન કા પહેલા પ્યાર હો તુમ...' સાંભળી લેવાનું... (અલબત્ત, આવું ગીત ઘરમાં વેડફી ન નંખાય... આપણને જૂઠ્ઠું બોલવાની ટેવો નહિ ને !)

જેમાં અવાજ રફીનો હોય, એવું તો એકે ય ગીત બન્યું નથી, જે ન ગમતું હોય પણ કંઠ શું કમાલ કરી શકે છે, એનો કાનનો નજારો જોવો નહિ, સાંભળવો હોય તો મુહમ્મદ રફીના નોન-ફિલ્મી ગીતો સાંભળો. કાનમાંથી તો આંસુ ન નીકળે ને ? રફી એ ય કઢાવી શકે.

અને આવા નોન-ફિલ્મી ગીતો સાંભળવાની તમને ફર્માઇશ કરવાનું કારણ એક જ કે, એ પોતે ય પોતાના બધા ફિલ્મી ગીતોથી પ્રફૂલ્લિત નહોતા. એક તબક્કો તો એવો આવી ગયો હતો કે, રફી ઉદાસ રહેવા માંડયા હતા. સદા ય હસતો ચેહરો રાખનાર રફી અને ઉદાસ... ? યસ. એ પોતે ઉબાઈ ગયા હતા કે, '૭૦-ની આસપાસના ગીતોમાં સંગીતકારો એમની પાસે કૂકડાં-કૂતરાના અવાજો કઢાવવા માંડયા હતા ('સમયની માંગ છે', એ બહાને !) 'મસ્ત બહારોં કા મૈં આશિક, મૈં જો ચાહે યાર કરૂં. એ જીતુ-બ્રાન્ડના ગીતમાં તો એમણે 'કુઉંઉં... કુ' નામનું કૂરકૂરીયું બોલાવવું પડયું છે.')

કંટાળીને સંગીતકાર ખય્યામ પાસે ગયા. ''ખય્યામ સા', કુછ મઝા નહિ આતા... ઐસેવેસે ગાનેં ગાકર જહેન કાટને લગતા હૈ...'' ત્યારે ખય્યામે ખાસ તો બહુ ભૂલાયેલા ગીતકાર મધુકર રાજસ્થાની સાથે મળીને જે ગીતો-ભજનો રફી પાસે ગવડાવ્યા, એ રફીના સાડા પાંચ હજાર ગીતોમાંના સર્વોત્તમ સ્વરાંકનો છે.

પોતે ગાયેલા ગીતોથી રફીને પહેલીવાર શાતા મળી હતી. બીજા સંગીતકારો ય આ નદીમાં તણાયા હતા, એમાં વધારે કમાલ કરી બંગાલી સંગીતકાર વિનોદ ચેટર્જીએ, ખાસ તો એક ગીત 'શામ કે દીપક જલે, મન કા દિયા બુઝને લગા'માં સાબિત કરી આપ્યું કે, આવા ગીતો સાંભળવામાં આપણે સહુ ય રફી સાહેબથી કમ નથી... એ ગાવામાં, તો આપણે સાંભળવામાં !

એમના કંઠની શાસ્ત્રોક્તતા ભલે હરકોઈ ઓળખી ન શકે. એ જરૂરી ય નથી, પણ જે કામ અન્ય ગાયકો માટે શક્ય નહોતું, એ રફીએ કેવી સાહજીકતાથી ગાઈ બતાવ્યા છે ! શાસ્ત્રીય ગાયકીમાં ક્યાંક તમે 'મૂર્કી' શબ્દ સાંભળ્યો હશે. આ 'મૂર્કી' એટલે ગીતના કોઈ એક અક્ષરને કંઠની આવડત જ નહિ, તાકાત પ્રમાણે ઘુમાવવા-ફેરવવાનો.

દાખલો આપીએ તો, 'મૈં નિગાહેં તેરે ચેહરે સે હટાઉં કૈસે'માં આમ તો નાનીમોટી અનેક મૂર્કીઓ આવે છે, પણ હવે ધ્યાન દઈને એનો છેલ્લો અંતરો સાંભળો એમાં 'કભી રૂઠેગી...'માં એમણે 'ઠે' કેવો મચડયો છે, એ મૂર્કી કહેવાય ! સાહેબનું સલિલ ચૌધરીના કમ્પોઝિશનમાં ફિલ્મ 'પૂનમ કી રાત'ના 'દિલ તડપે તડપાયે...'ના ત્રીજા અંતરા ('રસ્તા ન સૂઝે કોઈ...')માં 'કિસ કો સદા દૂં...'માં આ 'દૂં' શબ્દને કેવો ઘુમાવ્યો-ફેરવ્યો છે, એ મૂર્કી ! સલિલ ચૌધરીની આ 'weird' વિયર્ડ' લાગે એવી ધૂનના ઈન્ટરલ્યૂડ મ્યુઝિકમાં ઓરકેસ્ટ્રા પૂરજોશ ભાગી છે. એમાં 'ક્વૉયર' (Choir) નો ઉપયોગ જલસા કરાવી દે એવો છે.

'ક્વૉયર' એટલે કોરસ જેવું લાગે, પણ કોરસ નહિ. કોરસમાં મુખ્ય ગાયકની પાછળ ૭-૮ સાથી ગાયકો ચાલે, ક્વોયરમાં લગભગ ૨૦-૨૦ની ત્રણ ટીમો રાખવાની હોય ને ત્રણે ખરજ, મધ્યમ અને તીવ્રનો કોઈ પણ 'સા, રે, ગ કે મ...' પકડીને શબ્દ વિના ગાય, એને ક્વૉયર કહેવાય. (આને સાચી પણ કાચી સમજણ સમજવી)

પણ હટ્ટ તેરે કી... ! આવા મધુરા ગીતને ફિલ્મમાં મનોજ કુમાર એવું મોઢું ખોલી ખોલીને ગાય છે, જાણે ડેન્ટિસ્ટને જડબું બતાવવા આવ્યો હોય ! મનોજ અફ કોર્સ હેન્ડસમ હતો, પણ રફીના ગીતમાં કોઈ હીરો અલ્ટિમેટ ચાર્મિંગ લાગતો હોય તો ખાસ 'તેરે ઘર કે સામને'માં દેવ આનંદ 'તૂ કહાં, યે બતા ઈસ નશીલી રાત મેં' અને વહાલી નંદા સાથે શશી કપૂર, ફિલ્મ 'મુહબ્બત ઈસકો કહેતે હૈં'ના ખય્યામવાળા સુમન કલ્યાણપુર સાથેના ગીતમાં રફીએ ગાયેલા 'ઠહેરીયે હોશ મેં આ લૂં, તો ચલે જાઇયેગા...'માં ! રફીએ તો અદ્ભુત પ્લેબેક આપ્યું, પણ પરદા ઉપર હોઠ ફફડાવીને ગાવામાં ય કમાલ જોઈએ... સુઉં કિયો છો?

આ ૩૧મી જુલાઈએ મુહમ્મદ રફીના મૃત્યુને કોઈ ૩૭-વર્ષ થશે. એમના ચાહકો પાગલપનની કક્ષાએ પહોંચેલા હોય છે, પણ સાહેબના નામના ઉચ્ચારમાં જ્ઞાનને અભાવે 'મોહમદ', 'મહંમદ' કે કાઠીયાવાડમાં તો 'મામદ'નો ઉચ્ચાર કરે છે. રફીને સાચી શ્રધ્ધાંજલી આપવા એમના નામનો ઉચ્ચાર પણ સાચો કરવો જોઈએ, જે 'મુહમ્મદ' છે, 'મોહમદ' કે એવો કોઈ બીજો નહિ ! 'મોહમદ' નામનો કોઇ શબ્દ ઉર્દૂ ડિકશનેરીમાં નથી. આ ઉચ્ચારશુદ્ધિ સ્વયં એમના કંઠમાં કેવી પરફેક્ટ હતી ! પછી એ ગાલિબની ઉર્દુ-ફારસી ગઝલ હોય, સાહિર લુધિયાનવીની નઝમ હોય કે મધુકર રાજસ્થાનીનું શુદ્ધ હિંદીવાળું ગીત-ભજન હોય. એમના ઉચ્ચારો શુદ્ધ જ નહિ, કાનમાં મીઠાશ ભરી દે એવા હતા.

આ માણસે જીવનભર શરાબને હાથ નહોતો અડાડયો, (કાંદા-લસણ વગરનો ય નહિ) ને છતાં શરાબીને લગતા ગીતો (ખાસ કરીને દેવ આનંદ ઉપર ફિલ્માયેલા શરાબી ગીતો! એ પણ નહોતો પીતો !... સાલું, જગતમાં ક્યાંય ગુજરાત જેવી પીવાની મજા જ નહિ ! આ તો એક વાત થાય છે.) ને છતાં ય, 'કભી ન કભી, કહીં ન કહીં, કોઈ ન કોઈ તો આયેગા' કે પછી 'સાવન કે મહિને મેં, એક આગ સી સીને મેં... (ફિલ્મ 'શરાબી') કે સાહિરના 'કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા...'માં રફીએ 'પી ને' ગાયું હોય એવો નશો કરાવે છે... વાહ મદન મોહન, વાહ રાજીન્દર કિશન.

રાજ કપૂરની ફિલ્મ 'બોબી'ના 'મૈંશાયર તો નહિ'ના ગાયક શૈલેન્દ્રસિંઘે એક ટીવી ઈન્ટરવ્યૂમાં એક જબરદસ્ત દાવો કર્યો કે, પૂરા જગતમાં મારાથી વધારે મુહમ્મદ રફીનો કોઈ ચાહક હોઈ જ ન શકે, એની હું ગેરન્ટી આપું છું. એ કહે છે, આપણને વધુ ગમે એવી વાત એ હતી કે, રફીસાહેબનું તદ્દન સરળ લાગતું હોય એ ગીત ગાવાનું ય મુશ્કેલ નહિ, અશક્ય છે. સારો ગાયક રફીના ગીતને સૂર, તાલ અને લયમાં તો પરફેક્ટ ગાઈ શકે... પણ 'સાહેબ' ગીતમાં જેવો 'ભાવ' લાવી શકતા હતા, એ કોણ લાવી શકવાનું હતું ?

રફીના ગળામાંથી નીતરતો આ ભાવ કેમ જાણે સાહેબે ગળું છોલી છોલીને એની ધાર કાઢીને પ્રગટયો ન હોય ! સ્કૂલમાં હતા, ત્યારે પેન્સિલ છોલવાનો નાનકડો સંચો આવતો. એના ગોળ કાણામાં પેન્સિલનું મોઢું નાંખીને ગોળ ગોળ ફેરવવાની... અને એમાંથી ધીમે ધીમે પેન્સિલની સુંદર મઝાની છાલ ઉતરતી જાય, એ છાલ તો પેન્સિલ કરતા ય વધુ સુંદર લાગે. મુહમ્મદ રફીનું ગીત આવી સોહામણી છાલ જેવું લાગે. આખી ધાર ઉતરી હોય એ કેવી મુસ્તમધુરી લાગતી ને ?

આવી સાડા પાંચ હજારો પેન્સિલો આપણી પાસે પડી છે... !

રફી સાહેબની આ પૂણ્યતિથિએ એમના સૂરિલા આત્માને પ્રણામ. બસ. એમના ચાહકો માટે એક વાત... 'જે 'વિશ્વરત્ન' હોય, એમને 'ભારત-રત્ન'ની જરૂર નથી... !'

સિક્સર
-
માણસ અને ભૂંડ વચ્ચે તફાવત શું ?
- ભૂંડો પીધા પછી માણસ બની જતા નથી... !
(
ચોરેલી સિક્સર)

1 comment:

Anonymous said...

Pranaam, Love you.