Search This Blog

09/07/2017

ઍનકાઉન્ટર : 09-07-2017

* બાળકોને સારા નાગરિક બનાવવામાં શિક્ષકોને સફળતા ઓછી મળવાનુ કારણ શું હશે ?
-
તમારા શિક્ષકો માટે આવું ન બોલાય !
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

*
પુરુષ બીજા પુરુષનું કામ ન કરે, પણ બીજી સ્ત્રીઓના કામો કેમ જલ્દી કરે છે ?
-
કારણ કે, એ પુરૂષ છે.
(કેતન જે. સુથાર, માણસા)

*
શિક્ષણનું વેપારીકરણ થઇ રહ્યું છે, તો સારા શિક્ષક શોધવા જવું ક્યાં ?
- '
ગૂગલ'માં તપાસ કરો.
(મનિષ એન. વર્મા, ગોધરા)

*
તમારા જવાબો પરથી તો એમ લાગે છે કે, તમારી પત્ની તમને ઘરમાં બોલવા દેતી નથી !
- મને વચમાં બોલવાની આદત નથી.
(ધ્રૂવ જી. રામી, અમદાવાદ)

'રફીનો કંઠ એટલે શિવલિંગ ઉપર દૂધની ધારા', એ તમારો જવાબ ખૂબ ગમ્યો.
- હા, ક્યારેક તો હું સારૂં પણ લખતો હોઉં છું.
(પલ્લવી મિસ્ત્રી, અમદાવાદ)

* 'તારક મેહતા કા ઊલટા ચશ્મા'પછી 'અશોક દવેનું 'એનકાઉન્ટર' ક્યારે ?'
- શુભ શુભ બોલો, ભાઇ !
(સમર્થ શિહોરા, જામનગર)

* પ્રશાંતકિશોરનું ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શું થઇ ગયું ?
- હવે લાલુ યાદવ એને નીતિશકુમાર પાસે મોકલવા માંગે છે.
(સમીર શાહ, શીકા- ધનસુરા)

* કોંગ્રેસવાળાથી હાર કેમ સહન નથી થતી ?
- એ લોકો રાહુલજીને સહન કરી નાખ્યા... પછી બીજું નવું કાંઇ સહન થાય એવું નથી.
(વિજય એમ. પટેલ, કોળીયાદ)

* જન્મ- મૃત્યુ આગળ પાછળ આવતા જ હોય છે, તો કોઇના ગયા પછી દુ:ખ કે ખુશાલી શેના ?
- ઉધાર પાછા આપ્યા વગર એ ઊકલી ગયો, તો મર્યા પછીય ખુશી ભલે એ કરત... આપણને દુ:ખ તો થાય ને ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* અશોક દવે, આજ સુધી તમે પેટ પકડીને ક્યારે ય હસ્યા છો, રોકાય નહિ એવું ?
- 'હૉટ સ્ટાર' પર 'સારાભાઇ વિ. સારાભાઇ' જોઇને હું ધોધમાર હસતો હોઉ છું.
(સૃષ્ટિ બી. શાહ, નડિયાદ)

* થાકી બહુ જવાય છે, એનું કોઇ સોલ્યુશન ?
- વાળ વધારો, ચોટલી બાંધો, આજ કાલ બીજા થકવવા માટે આની ફેશન ચાલી છે.
(ભગીરથ સુતરીયા, સુરત)

* શું તમારા સગાસંબંધી ય તમને સવાલો પૂછે છે ?
- પૂછ્યા પછી સગા થઇ જાય છે.
(અ. રહેમાન આઇ. બોગલ, ગોધરા)

* જો તમને કલમને બદલે હાથમાં બંદૂક આપે તો ?
- બંદૂકના  નાળચામાં સ્યાહિ ભરીને અક્ષરો સારા ન આવે.
(માઇકલ ગોહિલ, સુરનગર, ભાવનગર)

* આપણા દેશમાં અલગ- અલગ જ્ઞાતિ- જાતિઓના અલગ અલગ 'નવા વર્ષો' ઉજવાય છે. બધા ભેગા થઇને ૧૫ ઓગસ્ટને નવું વર્ષ ન બનાવી દેવાય ?
- હું તો જ્ઞાતિ જ્ઞાતિ ઉપરાંત એમના ફાંટે ફાંટે નવા વર્ષો ઉજવવા માંગું છું, આજે ખડાયતા વાણિયાઓનું નવું વર્ષ, પછી લાડ, પછી વિશાનીમાવાળાઓનું અલગ નવું વર્ષ... એમ આખું વર્ષ બધી જ્ઞાતિઓના નવા વર્ષોથી ઝગમગતી હોય.. શું કિયો છો ?
(રોહિત યુ. બુચ, વડોદરા)

* અમારે ત્યાં કેરીનો રસ આવે છે, કેરી ક્યારે ?
- ઊફ્ફ... હવે તો મૅન્ગો ફ્લેવરની કેરીનો રસે ય મળે છે.
(મિલાપ ભટ્ટ, અમરેલી)

* સ્ત્રીઓ સાથે વાતચીતની શરૂઆત કેમ કરાય ?
- તમે બહેરા- બોબડા અને પ્રજ્ઞાચક્ષુ છો, એમ ત્યાં જઇને કહો.
(રહીમ મલકાણી, ભાવનગર)

* અરવિંદ કેજરીવાલ અને અન્ના હજારેને તમે સૌથી પહેલા ઓળખી ગયેલા, પણ દિલ્હીવાળા ક્યાં માર ખાઇ ગયા ?
- ૨૪ X ૭ની ટીવી- ન્યૂઝ ચેનલોમાં દેશ માટે જે કાંઇ આડુઅવળું ભઇડવું હોય એ ભડે, તો ચાર દિવસમાં એ ય કેજરીવાલ બની શકે. દેશ માટે અપમાનજનક કાંઇ બોલો તો ટીવીવાળા તમારા ઘેર આવીને ઇન્ટરવ્યૂ લઇ જાય. આ બધા દેશ માટે આડુંઅવળું બોલીને નેતાઓ થયા છે.
(ડૉ. હસમુખ ભટ્ટ, જામનગર)

* સન્યાસીઓ આશ્રમ કે મંદિરમાં આશીર્વાદ વેચે એ ખોટું નથી ?
- હા, પણ એ સસ્તા બહુ પડે છે.
(અશોક પંચાલ, વલભીપુર)

* તમારા સગાવહાલા માટે કેટલો સમય ફાળવો છો ?
- સગાં હજી ખરીદવાના બાકી છે.
(સંકેત કે. વ્યાસ, રાલીસણા- વિસનગર)

* એવું કયું ગીત છે, જે તમને નાચવા એક્સાઇટ કરી દે છે ?
- 'વંદે માતરમ.'
(મીરા ગોહેલ, ભાવનગર)

* દિલ અને મગજ સાફ કરવાની દવા ક્યાં મળે છે ?
- થોડી વધે તો મને આપજો, મારે તો થોડું જ બગડ્યું છે.
(મોહસિન રંગરેજ, વડોદરા)

* ઓછા પૈસે શાંતિ પામવા શું કરવું જોઇએ ?
- મારામારી !...  થઇ ગયા પછી શાંતિ જ શાંતિ છે જ...
(ધવલ જે. સોની, ગોધરા)

No comments: