Search This Blog

14/07/2017

'હોલી ડે ઈન બોમ્બે'('૭૦)

ફિલ્મ : 'હોલી ડે ઈન બોમ્બે'('૭૦)
નિર્માતા : યુગછાયા (મુંબઇ)
દિગ્દર્શક : પી.ઍલ.સંતોષી
સંગીત : ઍન.દત્તા
ગીતકારો : લિસ્ટ મુજબ
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
કલાકારો : શશી કપૂર, વિજયા ચૌધરી, રાજેન્દ્રનાથ, નસીમ બાનુ, ધૂમલ, પી.કૈલાશ, ઉલ્હાસ, રણધીર, સુલોચના ચૅટર્જી, રાજન હકસર, જીવનકલા લક્ષ્મી છાયા, રામકુમાર, રેણુ માંકડ, હીરા સાવંત, બી.બી.ભલ્લા, કુંદન, ડી. દિલીપ, નઝીર કશ્મિરી અને હુબલીકર.

ગીતો
૧.    યે હસિન બમ્બઈ
અપને કો તો જમ ગઇ... મૂકેશ-મહેન્દ્ર કપૂર
૨.    લાનત હૈ ઐસી મુહબ્બત પે પ્યારે
દિખાયે જો મજનૂ કો... મુહમ્મદ રફી
૩.    રસવારે
મતવારેકજરારે નયનવા તિહારેજાદુ... મુહમ્મદ રફી
૪.    આજ યે આંચલ મુંહ ક્યું છુપાયે
,  ...મુકેશ
૫.    પ્યાર કી ચાંદની દિલ કી દુશ્મન બની
ચાંદ તારે હૈં...    આશા ભોંસલે
૬.    છલીયા છૈલા પકડ કે હાથ
મોહે લે ચલા રે અપને...    આશા-ઉષા
૭.    પિહૂ પિહૂ પપીહે ન બોલ
પાંવ પડું મૈં પાપી તેરે...    લતા મંગેશકર
૮.    અય ચંદા તૂ દેના ગવાહી...    આશા-રફી
*ગીત નં. ૧૪ અને ૫ અંજાન : ૬ -૭ આનંદ બખ્શી ૮-ફરૂખાબાદી અને ગીત નં. ૨ અને ૩ની માહિતી મળેલ નથી.

શશી બાબાના હૂલામણા નામે ઓળખાતા શશી કપૂરે હીરો તરીકે ફિલ્મ 'ચાર દિવારી'થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો, તેની આજુબાજુ એની બે-ત્રણ ઇંગ્લિશ ફિલ્મો. ઉપરાંત આવી 'હોલી ડે ઈન બોમ્બે' જેવી તૂટલી-ફૂટલી એવી ફિલ્મો આવતી, જેમાં હીરો શશી કપૂર છે, એ જાણીને એ જમાનાની (નંદા સિવાયની) બધી હીરોઇનો ના પાડી દેતી.

કારણ ચોખ્ખું હતું કે, શશીકપૂરની ફિલ્મ એટલે ટિકીટબારી ઉપર સિનેમાનો સ્ટાફે ય ન આવ્યો હોય, એવા કાગડા ઊડતા હોય. આજની ફિલ્મની હીરોઇન વિજયા ચૌધરી મૂળ તો શશીથી ય નવાસવા મનોજ કુમારની ફિલ્મ 'બનારસી ઠગ'ની હીરોઇન હતી. બીજી કોઈ તૈયાર ન થઇ એટલે એણે વળી ઉપકાર કરતી હોય એમ હા પાડી... પણ ફિલ્મનું નસીબ તો એનું એ જ... કાગડા !

બહુ ઓછાને ખબર હશે કે, ફિલ્મ 'આનંદ'નો રોલ મૂળ તો શશી કપૂરને એના નિર્માતા એન.સી.સિપ્પીએ આપ્યો હતો, પણ શશી બાબા પહેલે જ દિવસે શૂટિંગમાં ગયા, ત્યાં એમને ના પાડવામાં આવી કે, 'તમને આ ફિલ્મમાં લેવાયા નથી.' શશીએ 'ધી સન્ડે ઑબ્ઝર્વર'ને ચોખ્ખું કીધું હતું કે, ઋષિકેષ મુકર્જી એમના ગુરૂ બિમલ રૉય જેવા ભલા માણસ નહોતા.

હવે લગભગ બધા ધોળા વાળ રાખવા માંડેલી શર્મીલા ટાગોર ફિલ્મનગરીમાં શશી કપૂરની સૌથી જૂની અને નજીકની દોસ્ત-અફ કોર્સ
, નંદા પછી બધીઓ આવે. શર્મીલાના કહેવા મુજબ, શશી તોફાની મજાકો ય કરી શક્તો. હું ટાયગર પટૌડીને પહેલીવાર મળી, ત્યારે શશીએ મને કીધું, 'તું અડધી એની અને અડધી મારી છે...!'

તા. ૧૮ માર્ચ, ૧૯૩૮ના રોજ કોલકાતામાં જન્મેલા શશીનું સાચું નામ 'બલબીર રાજકપૂર' છે. પણ શશીની મમ્મી રામસરનીદેવીને આવું નામ નહોતું ગમતું, એટલે શશી (ચંદ્ર) જેવું દેખાતું એનું મોઢું જોઇને નામ પાડયું, 'શશીરાજ'. શબાના આઝમી પોતે જ કેટલું મોટું નામ છે, છતાં એની ઑફબીટ ફિલ્મ 'અંકૂર' સફળ થઇ, તે પછી એને પહેલી કમર્શિયલ ફિલ્મ 'ફકીરા' મળી.

શબાના માની જ નહોતી શક્તી કે
, જેની એ બચપણથી 'ફૅન' છે, એ મોહક હીરો શશી કપૂર સાથે એને હીરોઇનનો રોલ મળ્યો છે. ''મેં તો એમને એક ફૅન તરીકે જ જોયા હતા.'' શબ્બો કહે છે.(એ વાત જુદી છે કે, આ જ ફિલ્મ 'ફકીરા' દરમ્યાન શશી-શબાના પ્રેમમાં પડી ગયા હતા અને ઘણી હદ તક... શશીનું જૅનિફર સાથેનું લગ્નજીવન ડામાડોળ થઇ ગયું હતું.)

ફિલ્મોમાં આવ્યો ત્યારે કંગાલિયત જોઈ ચૂકેલા શશીની લાઈફ
'ચોર મચાયે શોર' અને 'આ ગલે લગ જા'ની દોમદોમ સફળતા પછી એવા ઊંચા આસમાને ચઢી ગઇ કે, એ દિવસોમાં રિલીઝ થતી દર ત્રીજી ફિલ્મમાં શશી હીરો હોય. 'જેનો કંઠ આટલો મધૂરો હોય, એ પોતે કેવી ખૂબસુરત હશે !' એવી આત્મકથાત્મક વાતને ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'માં વણી લેનાર રાજ કપૂરે શશીના આવા ભરચક દિવસોમાં બીજા કોઇને નહિ, શશીને જ બૂક કર્યો, એના શૂટિંગની તમામ તારીખો જોઇને પોતાના શૂટિંગ માટે ટાઈમ માંગ્યો, બશર્તે, એ દિવસે અન્ય કોઇ ફિલ્મનું શૂટિંગ નહિ કરવાનું. યોગાનુયોગ, આ ફિલ્મની હીરોઇન ઝીનત અમન પણ એટલી જ બિઝી હતી, તેથી ખીજાયેલા રાજે ખુલ્લામાં કહ્યું, 'આ તમે બધા ફિલ્મસ્ટારો ટૅક્સી જેવા છો... જે ગ્રાહક તમારૂં મીટર ડાઉન કરે, એની સાથે તમે જાઓ.' ભારે સૅન્સિટીવ શશી બાબાને આથી ઘણું ખોટું લાગી ગયું, જ્યારે પોતાનો સગો ભાઈ આવું કહે. શશીનું ખોટું લાગેલું ઘણા વર્ષો ચાલ્યું.

પી.ઍલ.સંતોષી (
'તુમ ક્યા જાનો, તુમ્હારી યાદ મેં, હમ કિતના રોયેં...' ગીતનો લખનાર) આ ફિલ્મનો દિગ્દર્શક છે. સ્ટુપિડ ફિલ્મોનું અતિ સ્ટુપિડ દિગ્દર્શન કરવામાં સંતોષીનું એક નામ હતું.

મૂળ તો એ ગીતકાર પણ ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કરીને એ પાવડે-પાવડે ઉલેચાય એટલી નોટો કમાયો અને રેહાના નામની બદચરીત્રની હીરોઇનબાઈના લફરામાં ફસાયા પછી સંતોષી હતું એ બધું લૂટાવી બેઠો. જો કે
, એના સમયના અન્ય નિર્દેષકો કરતા એનામાં કોમેડીની સૂઝ સારી હતી, એટલે આજની ફિલ્મમાં રાજેન્દ્રનાથ અને ધૂમલની કોમેડી ક્યારેક ખડખડાટ ચોક્કસ હસાવે છે.

રાજેન્દ્રનાથે હિંદી ફિલ્મોની શરૂઆત તો પ્રેમનાથ કે રાજકપૂર કરતા ય ઘણી વહેલી કરી હતી. બૉમ્બે ટોકીઝની જર્મન દિગ્દર્શક ફ્રાન્ઝ ઓસ્ટીને દિગ્દર્શિત કરેલી અશોકકુમાર-દેવિકા રાણીની ૧૯૩૮માં બનેલી ફિલ્મ
'વચન'થી. પંજાબીઓની અટકોની થોડી નવાઈ લાગે કે, રાજેન્દ્રનાથની જેમ પ્રેમનાથ હોય કે નરેન્દ્રનાથ, એ લોકોની અટક તો 'મલ્હોત્રા' હતી (રાજકપૂરના એ ત્રણે ય સાળાઓ થાય) છતાં દરેકના નામની પાછળ 'નાથ' તો ખરૂં જ !

અંગત જીવનમાં માની ન શકાય એટલી હદે ગંભીર આ માણસે અથાગ મહેનત કર્યા પછી ઠેઠ ૧૯૫૯માં શમ્મી કપૂરની ફિલ્મ
'દિલ દે કે દેખો' પછી પ્રેક્ષકોનું ધ્યાન એના તરફ ખેંચાયું અને દેવ આનંદની 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'માં 'પોપટલાલ'નો એનો કિરદાર બેશક એટલે સુધી અમર થઇ ગયો કે એ એના અસલી નામ કરતા ય વધુ લોકપ્રિય બન્યું. કપૂર-ખાનદાનનો તો એ નજીકનો ગયો હતો, પણ રાજ કપૂરની ફિલ્મોમાં એને કદી ચાન્સ મળ્યો નહિ. પણ બાકીના બન્ને ભાઈઓ શમ્મી અને શશી પોતાની લગભગ દરેક ફિલ્મોમાં પોપટલાલને લેવડાવતા. શમ્મી કપૂરે તો એની 'શમ્મી કપૂર:અનપ્લગ્ડ' સીરિઝમાં કીધું પણ છે કે, પોતાના ખ્યાતનામ ભાઈઓ (રાજકપૂર અને પ્રેમનાથ)ની લોકપ્રિયતાનો લાભ એટલે કે ગૈરલાભ લઇ, બન્ને એમની યુવાનીમાં મુંબઇની ઇરાની હોટલમાં મફતમાં મસ્કા-બન અને ચા પી આવતા. કયા કારણે રાજેન્દ્રનાથ જીવનભર દુ:ખી રહ્યો, એ તો કોઇને ખબર પડવા ન દીધી, પણ ફિલ્મોમાં એને જોવો લ્હાવો હતો. 'બફૂનરી' કહી શકાય (જેનો આસાન અર્થ 'ગાંડાવેડાં' કાઢી શકાય !) એવી કૉમેડીને ભલે વર્લ્ડ-ક્લાસ કે કન્ટ્રી-ક્લાસ ન કહેવાતી હોય, છતાં હું પોપટલાલનો પાગલ ચાહક.

એને જોતા જ મને હસવું આવવા માંડે. એ કદી સખણો ઊભો ન રહે. હલહલ કરતો હોય અને બેવકૂફીથી હીરોઇનોનો લાફો ય ખાતો હોય. પાર્ટીમાં ચટણી ભરેલા તાવડા ઉપર બેસી જાય કે બન્ને ઢીંચણ કૂદાવીને એ લેવા-દેવા-વિનાનું દોડે
, એમાં અર્થપૂર્ણ કશું ન લાગે, છતાં મને તોતિંગ હસવું આવે જ !

આજની ફિલ્મ
'હૉલી ડે ઈન બોમ્બે'નો પ્રામાણિકતાથી કહું તો ખરો હીરો શશી કપૂર નહિ, રાજેન્દ્રનાથ છે. એને મળેલા રોલથી માંડીને સ્ક્રીન પર એની હાજરીથી કમસે કમ બેસી રહેવા જેવી તો બની છે. અહીં એની પ્રેમિકા બનતી કલાકારને 'નસીમ બાનુ' તરીકે ઓળખાવાઈ છે, જે જલ્દી ગળે ઉતરતું નથી. બ્યુટી-ક્વીન સાયરા બાનુની મમ્મી નસીબ બાનુ અને આ કોઈ બીજી નસીમ બાનુઓ હશે.

એવી બીજી ગરબડ તદ્દન સાઇડ-એક્ટ્રેસ
'રેણુ માંકડ'ના નામની છે. એ સમયની ફિલ્મે ફિલ્મે એની અટકનો ઉચ્ચાર ફિલ્મના ટાઈટલ્સમાં જુદો જુદો લખાતો. 'મંકડ' સુધી તો બરોબર છે, પણ અન્ય ફિલ્મોમાં એને 'રેણુ મૅકર' કે 'રેનુ મકડ'ના નામે ઓળખાવાઈ છે. ગુજરાતી નાગરની આ છોકરીનું ફિલ્મોમાં એ સ્થાન નહોતું કે, નિર્માતાને જઇને કહી શકે કે 'ફિલ્મના ટાઈટલ્સમાં કમસ-એ-કમ મારી અટક તો સાચી લખો.'

એવી જ બીજી, ગુજરાતી નાગરની છોકરી લક્ષ્મી છાયાને કદાચ એનો બિનધાસ્ત સ્વભાવ નડયો હશે, એટલે ફિલ્મોમાં કોઇએ એને ગંભીરતાથી લીધી નહિ અને કૅન્સરમાં ઘણી નાની ઉંમરે ગૂજરી ગઈ.

'૫૦ કે '૬૦ના દશકની ફિલ્મોના નામને ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવા દેવા નહિ મળે. એટલું કે, નામ પૂરતા શશી કપૂર અને રાજેન્દ્રનાથ વેકેશનનીરજાઓ માણવા મુંબઇ આવે છે અને એક ગીત પૂરતા મુંબઇના દ્રષ્યો ફિલ્મમાં દર્શાવાય છે. બન્ને પોતપોતાને ભાગે આવેલી હીરોઇનો (વિજયા ચૌધરી અને નસીમબાનુ)ના પ્રેમોમાં પડે છે.

ફિલ્મના વિલનને ય પગાર આપવો પડે
, એટલે થોડું ઘણું ઢીશૂમ-ઢીશૂમ કરવા રાજન હકસરને બોલાવાયો છે. એ જમાનાની ફિલ્મોના વિલનોને એક જ ઇન્દ્રીયનું જ્ઞાાન. 'હીરોઇન કે હીરોની જાયદાદ પડાવી લેવી.' પણ એમ કાંઈ પડાવી લે તો હીરોને તો નોકરી છોડવાનો વારો આવે. ફિલ્મના દિગ્દર્શનની જેમ વાર્તામાં ય કોઈ દમ નહિ, ગીતોમાં તો પહેલેથી નહતો... એક માત્ર મનોરંજન પોપટલાલ અને ધૂમલ આપે છે.

દુ:ખ અને આશ્ચર્ય સંગીતકાર એન.દત્તા માટે થાય. એન.દત્તા એટલે દત્તા નાઇક. એક તો કેટલી ઓછી ફિલ્મોમાં સંગીત આપવા મળ્યું ને એમાં ય
, કેટલાક પ્રોડયુસરો એમના પૈસા ખાઈ પણ ગયા. પૂરી ફિલ્મનું સંગીત આપવા છતાં નિર્માતા ધક્કા ખવડાવીને અધમૂવા કરી નાંખે અથવા રીતસરની નાગાઈ કે, 'પૈસા નથી... પિકચર ફ્લોપ છે... તમારૂં સંગીતે ય ક્યાં સોલ્લિડ હતું ?' ઓછી ફિલ્મો અને પૈસે ટકે કશું નહિ, પરિણામે આવા અસરદાર સંગીતકાર અત્યંત ગરીબીમાં ગુજરી ગયા.

રાજ ખોસલાએ દેવ આનંદની ફિલ્મ
'મિલાપ'માં પહેલો ચાન્સ આપ્યો ('યે બહારોં કા સમા, ચાંદ તારોં કા સમા, ખો ન જાયે...) એ પછી બી.આર.ચોપરાએ 'ધર્મપુત્ર' અને 'સાધના'માં ચાન્સ આપ્યો... 'ચાન્સ' માત્ર સંગીત આપવાનો જ નહિ... વહેલી તકે મામૂલી પૈસા લઇને ફૂટવાનો !

ચોપરાએ તો જીવનભર સંગીતકાર રવિને નવડાવ્યા જ છે (આ મારા સગા મોંઢે રવિ સાથે થયેલી વાતચીતને આધારે કહું છું.) એમની મોટા ભાગની ફિલ્મોમાં ગીતકાર સાહિર લુધિયાનવી જ હોય... આમાં બે-ત્રણ ગીતકારો છે
, જેમાં એક તો હજી હમણાં ભૂલાયેલા ગીતકાર 'સમીર'ના ફાધર 'અંજાન' અને બીજા આનંદ બક્ષી... જે પણ એક વાર નામ થયા પછી સાહિરની માફક ફિલ્મના ગીતો અન્ય ગીતકારો સાથે શૅર નહોતા કરતા.

ઉપરના ફકરાની શરૂઆતમાં જે દુ:ખ થવાની વાત લખી
, એ એટલા માટે કે, આખા વર્ષમાં ભાગ્યે જ એકાદી ફિલ્મ મળતી હોવાને કારણે અવનવી ધૂનો બનાવવાનો કેટલો ટાઈમ અને તક એન.દત્તાને મળ્યા હશે ? અને છતાં આજની ફિલ્મમાં કેવા કચરાછાપ ગીતો બનાવ્યા છે ? આ જ માણસે મુહમ્મદ રફી પાસે ફિલ્મ 'નાચ ઘર'માં 'ઇસ દિલ સે તેરી યાદ ભૂલાઈ નહિ જાતી' ગવડાવ્યું હતું.

એ જ મહાન ગાયકનું
'દિલ કી તમન્ના થી મસ્તી મેં, મંઝિલ સે ભી દૂ નીકલતે...' (ફિલ્મ 'ગ્યારહ હજાર લડકીયાં'નું... જીવ નહિ બાળવાનો ! આ અને આવા તો રફીના અનેક ગીતો આ તમારો ભા.ભૂ.લઇ ગયો છે... આઈ મીન, 'ભારત ભૂષણ'.) તલત મેહમુદનું 'અશ્કોં મેં જો પાયા હૈ, વો ગીતોં મેં દિયા હૈ...' પણ દત્તાનું જ સ્વરાંકન. લતાનું 'મૈં તુમ્હી સે પૂછતી હૂં મુઝે તુમસે પ્યાર ક્યું હૈ...' ફિલ્મ 'બ્લૅક કૅટ'માં મેહમુદની હીરોઇન બહેન મીનુ મુમતાજે હીરો બલરાજ સાહની માટે પરદા ઉપર ગાયું હતું.

કમાલ એ વાતે થઇ ગઇ કે
, '૫૭-માં આવેલી દત્તાની ફિલ્મ 'મોહિની'માં રફી પાસે 'ક્યા ક્યા ન સહે તુમને સિતમ, મહેલોં કી રાની...'ની સીધી ઉઠાંતરી દત્તાએ પોતાની જ ફિલ્મ 'ધૂલ કા ફૂલ'માં 'તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા'માં કરી નાંખી. આ તો એક વળી મૂકેશના અડીને ચાહક હોવાને નાતે મારા જેવા ચાહકોએ આ ફિલ્મનું 'આજ યે આંચલ મુંહ ક્યું છુપાયે...' સાંભળ્યું હોય, પણ બીજા ગીતો તો અમે ય ન સાંભળ્યા હોય ! આઈ મીન, યાદ રાખવા જેવા ન રહ્યા હોય !

એમ તો સંખ્યામાં ફિલ્મો ઓછી નહોતી આવી. ઓછી તો એમના જેવા જ ઓલીયા સંગીતકાર-સાડા છ ફૂટ લાંબા ઇકબાલ કુરેશીને મળી હતી
, પણ જેટલી ફિલ્મો કરી, દિલ દઇને કરી અને 'એક ચમેલી કે મંડવે તલે'નો આ સંગીતકાર થોડામાં અમર થઇ ગયો.

આજ નામથી બીજી એક ફિલ્મ
'હૉલી ડે ઇન બૉમ્બે' ૧૯૪૧માં પણ આવી હતી, જેમાં હીરો ઇ.બિલિમોરીયાની સાથે સવિતાદેવી, નૂતન-તનૂજાની મા શોભના સમર્થ અને વત્સલા કૂમઠેકર હતા.

No comments: