Search This Blog

19/07/2017

જોરદાર તાળીઓ...

હૉલમાં દાખલ થતા પહેલા કાળજાંમાં ફફડાટ રહેતો હોય તો એ તાલીબાનોનો છે. આ આતંકવાદીઓ પાકિસ્તાની નથી, પૂરા ભારતીય છે.

પડદો ખૂલતા વ્હેંત
''આપ સબ કા સ્વાગત હૈ...એક બાર આપ કે અપને લિયે... જોરદાર તાલીયાં હો જાય...?'' ત્યાંથી શરૂ કરીને આ તાલીબાનો (શો ના કમ્પૅર-સંચાલક) શ્રોતાઓ પાસે એટલી બધી તાળીઓ પડાવે જાય છે કે શો પત્યા પછી, તાજી પડેલી આદતના જોર ગાડી ચલાવતા ચલાવતા ય તાળીઓ પાડી બેસે છે.

સાંભળ્યું છે કે
, કેટલીક વાર તો આ તાલીબાનોને ખબર પણ હોય છે કે, એમણે આ વખતે તાળીઓ શેના માટે પડાવી !

એ શક્ય છે કે
, તાલીબાન નવરો પડે કે પોતાની સ્પીચ ભૂલી જાય એટલે એનો ગૅપ પૂરવા આપણી પાસે તાળીઓ પડાવે ને આપણે ડાહ્યા ડમરાં થઇને એ કહે એમ તાળીઓ પાડે રાખીએ છીએ. આપણો તાળીઓ ઉપર એવો હાથ બેસી ગયો હોય છે કે, પછી તો એણે માંગણી ન પણ કરી હોય ત્યાં ય તાળીઓ પડાઈ જાય છે. એક રીતે આવા તાલીબાનો દયાળુ પણ હોય છે કે, આપણી તાળીઓ ફક્ત આપણને પાડવાનું કહે છે... બાજુમાં બેઠેલા શ્રોતાઓ સાથે સામસામી તાલીઓ પાડવાનું નથી કહેતો, એટલી એની કૃપા. એ વાત પણ સાચી હશે કે, એ લોકો શ્રોતાઓને હંમેશા 'જોરદાર' તાળીઓ પાડવાનું કહે છે, પણ એ પોતે એમાં જોડાતો નથી.

કેવી સાદગી
, કેવી નમ્રતા ને કેવો ત્યાગ ! યસ. ક્યારેક તો આપણે તાળીઓ કેવી રીતે પાડવાની છે, એનું નિદર્શન કરી બતાવી, પોતાની જાતે એકાદ-બે તાળીઓ પાડી બતાવે છે, પછી આપણે ઝીલી લેવાની ! પણ નવાઈ લાગે કે, તાળીઓ જોરદાર જ કેમ ? માંદગી કે અવાજ વગરની કેમ નહિ ? જોરદાર એટલે પૂરી તાકતથી પાડવામાં આવેલી પૂરજોશ તાળીઓ, 'જય આદ્યાશક્તિ'ની આરતી વખતે સ્લૉ-મૉશનમાં પડાય એવી નહિ. સતત અને બંને હાથો પછાડી પછાડીને વગાડવાની તાળીઓ.

અલબત્ત
, હૉલમાં સૌથી વધુ દયાજનક હાલત પહેલી લાઈનમાં બેઠેલાઓની હોય છે. પેલો દર ત્રીજી મિનીટે ઑડિયન્સ પાસે તાળીઓ પડાવે, એટલે કે એનું કે આગળના વક્તા/ગાયકનું પરફોર્મન્સ તમને ગમ્યું કે ના ગમ્યું, એનો સવાલ આવતો જ નથી. કોઈ નવો વક્તા કે ગાયક સ્ટેજ પર આવે, એટલે એના માનમાં તાળીઓ, એ ગાઈ રહે એટલે એને વધાવવાની તાળીઓ, મેહમાનો કે ઑર્ગેનાઇઝર્સની ઓળખની તાળીઓ, કે છેવટે કાંઇ ન હોય તો એ તો એમને એમે ય બોલી જાય કે, ''... તો ફિર એક બાર જોરદાર તાલીયાં હો જાય...!'' બોલી નાંખે... એના બાપનું શું જાય છે ? પાડવાની તો શ્રોતાઓને છે !... કેમ જાણે ઊભા થઇને આપણે કહેવાના હોઈએ. ''ના ના... આ વખતે જોરદાર-બોરદાર નહિ.. આ વખતે સાદી તાળીઓ જ પાડીશું. હાથ-બાથ દુ:ખે કે નહિ ? હમણાં રહેવા દો... બાકીની તાળીઓ ઘેર જઇને પાડીશું.''

પહેલી લાઈનમાં બેઠા એટલે મોંઢા હસતા રાખવા પડે અને પેલો માંગે એટલી વાર તાળીઓ પાડવા તૈયાર રહેવું પડે. ઑડિયન્સ કેવળ સારી સ્પીચ કે પર્ફોર્મન્સ ઉપર તાળીઓ નથી પાડતું... કોમ્પૅર નવરો પડે અને પોતાની સ્પીચ ભૂલી જાય
, ત્યાં જગ્યા પૂરવા તાળીઓ પડાવી શ્રોતાઓનો કચ્ચરઘાણ કાઢી નાંખે છે. લોકોના જડબાં સ્માઇલો આપી આપીને ખુલ્લા રહી જાય છે. મોઢું હસતું હોય કે ન હોય, તાળીઓ પાડે રાખવી પડે છે.

એક તબક્કો એવો આવી જાય છે કે
, આ વખતે આપણે કઇ વાત ઉપર તાળીઓ પાડી રહ્યા છીએ, એનો ચોક્કસ ખ્યાલ રહેતો નથી ને પાડી બેસીએ છીએ. વચમાં એ કાંઈ બોલ્યો ન હોય તો ફફડાટના માર્યા શ્રોતાઓ તાળી પાડી બેસે છે. ફોટોગ્રાફર સામે જ ઊભો હોય, એટલે પહેલી લાઈનમાં બેઠેલાઓને કારણ વિના મોંઢા હસતા રાખીને તાળીઓ પાડે રાખવાની હોય છે.

ઘોડાના તબેલામાં એકલો પૂરી દીધા પછી ઘોડાઓની લાતો ખાઈખાઈને માણસ અધમૂવો થઇ જાય
, એમ આમાં ચીફ ગૅસ્ટ મરવાનો થાય છે, કારણ કે એને તો પાછું સ્ટેજ પર બોલાવે ત્યારે પ્રોગ્રામના વખાણો કરવા પડે છે, એમાં એ લેવાઈ જાય છે. ગુજરાતીઓ મૂળભૂત પ્રકૃતિથી શાંત માણસો હોવાથી આવા વખાણ સાંભળ્યા પછી ય ચીફ-ગૅસ્ટને બધાની વચ્ચે ફટકારતા નથી. શ્રોતાઓ ય આખરે તો માણસો છે ને ? શરૂઆતની પાંચ-દસ મિનિટ કોમ્પૅરના કહ્યા મુજબ તાળીઓ પાડે રાખે. પછી એવા કંટાળે કે તાળીઓ પાડે છે કે રમીનાં પત્તા ચીપે છે, એ ખબર ન પડે !

કેટલાક તાલીબાનો માનવા જ તૈયાર નથી કે
, શ્રોતાઓમાં બુધ્ધિ અને કદરદાની છે. એમને સારૂં લાગે ત્યારે એમને રસ્તો બતાવવાની જરૂર નથી કે, 'ચલો હવે તાળીઓ પાડવા તૈયાર થઇ જાઓ... આ બહેને સુંદર ગાયું છે...!' એમને વક્તા કે ગાયકને બેસાડી દેવા માટે ય ક્યારે અને કેવી તાળીઓ પાડવી, એનું નૉલેજ હોય છે. એ વાતે ય સાચી કે, વર્ષો સુધી સ્ટેજ પર બોલવાના ધખારા લઇને આવેલો વક્તા 'હવે તો મરૂં કે મારૂં'ના ધોરણેઆવી તાળીઓ પડે, એને વધામણી માની લે છે અને વધુ જોશમાં આવે છે.

એ વધારે ને વધારે ખેંચતો જાય છે ને શ્રોતાઓને પોતાની ભૂલ સમજાય છે ને તાળીઓ પડતી મૂકીને કંટાળેલા ચેહરે એકબીજા સાથે ગપસપ કરવા માંડે
, સાથે પત્તાં-બત્તાં લાવ્યા હોય તો પાછળ ફરીને એકબીજા સાથે રમવા માંડે, પણ એક વાત ચોક્કસ કે, આટલો મૂઢમાર ખાવા છતાં શ્રોતાઓ સ્ટેજ પર જઇને કદી વક્તા કે ગાયકને ફટકારતા નથી.

... તાલીબાન આવો બૉરિંગ વક્તો વિફર્યો હોય ને બહુ લાંબુ ખેંચ્યું હોય, એને માટે ય 'જોરદાર' તાળીઓ પડાવે છે. કહે છે કે, 'છુટ્ટા હાથની તાળીઓ' પોતાનું શરીર સાથે રાખીને જ પાડવી પડે છે... સીટમાં બેઠા રહીને પોતાના મજબુત હાથોને સ્ટેજ પર પેલાને ઢીબી નાંખવા મોકલી શકાતા નથી.

આપણે મરવાના તો ત્યારે થઇએ છીએ
, જ્યારે સ્ટેજ-ફંકશનમાં પંદરેક વક્તાઓ હજી બોલવાના બાકી હોય ને પેલો મંડયો હોય, '... તો હવે હું નિમંત્રણ આપીશ, આપણા સહુના માનિતા એવા શ્રી રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલને... એક વાર એમને માટે જોરદાર તાળીઓ થઇ જાય...! ને એ પછીનો અડધો કલાક રણછોડીયો એવો વિફર્યો હોય કે, કોઈ મરી ગયું હોય એવો હૉલમાં સન્નાટો છવાઈ જાય. શ્રોતાઓને મરણતોલ માર પડતો જાય અને 'આ ક્યારે પૂરૂં કરશે ?' એના આઘાતમાંથી એટલે બહાર આવી શક્તા નથી કે, હજી બીજા આઠ વક્તાઓ બોલવાના બાકી છે...!'

બેભાન થઇ જાય કોઈ પણ માણસ કે હજી આઠ વખતે
'જોરદાર.....'

સિક્સર

પપ્પાએ ઘરના ડ્રોઇંગ-રૂમમાં બેઠેલી દીકરીને વોટ્સઍપ મોકલીને મૅસેજ આપવો પડે છે કે, 'બેટા...કૅન આઈ ટૉક વિથ યૂ ?'

No comments: